ગ્રામીણ ઉદ્યોગસાહિસકો દ્વારા નિર્મિત સ્વદેશી ખજાનો

26 January, 2020 05:01 PM IST  |  Mumbai Desk | dalrin ramos

ગ્રામીણ ઉદ્યોગસાહિસકો દ્વારા નિર્મિત સ્વદેશી ખજાનો

૩૦૦ રૂપિયાના ટિંગાડી શકાય એવા લૅમ્પ અને ૧૦૦ રૂપિયાના બાસ્કેટ પણ અહીં વેચાય છે. આ લૅમ્પમાં બલ્બ લગાડી શકાય એ માટે વાયર લગાડાયેલો હોય છે.

ફાસ્ટ ફૂડ અને ફૅશન એ બન્ને વસ્તુઓ સરળતાથી ઉપલબ્ધ થતી હોવાને લીધે લોકપ્રિય હોય છે. એમાં પરંપરાગત કળાનો વિચાર કરવામાં આવતો નથી, પરંતુ મહાલક્ષ્મી સારસ એક્ઝિબિશન જેવી મહારાષ્ટ્ર સરકારની પહેલ હેઠળ નાબાર્ડના સ્ટૉલ્સ રખાય છે. શહેરમાં ઉપલબ્ધ કરાવાતી આ સુવિધામાં ગ્રામીણ વસ્તુઓને બજાર પૂરું પાડવામાં આવે છે.

આવતા સપ્તાહ સુધી લંબાવાયેલા આ એક્ઝિબિશન વિશે મહારાષ્ટ્ર સ્ટેટ રૂરલ લાઇવલીહૂડ મિશન (એમએસઆરએલએમ)ના સીઈઓ આર. વિમલા જણાવે છે, ‘અખબારોમાં અને ડિજિટલ માધ્યમોમાં થતા પ્રચાર કરતાં વધારે પબ્લિસિટી તો લોકો દ્વારા મોઢામોઢ થતા પ્રચારને કારણે થાય છે, કારણ કે આખા પરિવારને ઉપયોગી થાય એવો આ અવસર હોય છે.’

મજબૂતીનું પ્રતીક
સિકદર નુરુલ ઇસ્લામનો ફર્નિચર સ્ટૉલ જાણે લોકોનો વિસામો લેવા માટેનું સ્થળ બની ગયો છે. ખરી રીતે લોકો અહીં વિસામો લેવા માટે નથી આવતા, પણ આસામના બરેટા જિલ્લાથી આવતી ખુરસીઓની મજબૂતી તપાસતા હોય છે. ઇસ્લામ આ ખુરસીઓની બનાવટ વિશે જણાવે છે કે વાંસની દરેક ખુરસી હાથથી બનાવાય છે અને એમાં ઓછામાં ઓછા ત્રણ દિવસ જેટલો સમય લાગે છે. ખુરશીની કિંમત ૩૦૦૦ રૂપિયા છે. ૩૦૦ રૂપિયાના ટિંગાડી શકાય એવા લૅમ્પ અને ૧૦૦ રૂપિયાના બાસ્કેટ પણ અહીં વેચાય છે. આ લૅમ્પમાં બલ્બ લગાડી શકાય એ માટે વાયર લગાડાયેલો હોય છે.

લાકડાની કારીગરી
ઘરની સજાવટ માટેના વિકલ્પમાં તમને લાકડાનાં શિલ્પ ગમી જાય એવાં છે. કનકદુર્ગા સેલ્ફ હેલ્પ ગ્રુપના રાજેશ વેલ્લોજીએ જણાવ્યા મુજબ તેઓ આંધ્ર પ્રદેશના માધવમાલાથી આવ્યા છે. તેમના એ ગામમાં લગભગ દરેક પરિવાર આ કળા-કારીગરી પર નભે છે. શિલ્પનો ભાવ ૧૦૦૦ રૂપિયાથી શરૂ થાય છે.

સાડીઓની સોગાત
મધુબની કળાકારી હંમેશાં મોહક હોય છે. આથી જ પટનાના કલાકૃતિ જીવિકા મહિલા પ્રોડ્યુસર ગ્રુપના સ્ટૉલ પર આવો ત્યારે તમારા પગ આપોઆપ અટકી જાય. અહીં મધુબની કળાકાર સુધાદેવી સાડીઓ પર પેન્ટિંગ કરતાં જોવા મળે છે. આ સાડીઓનો ભાવ આશરે ૧૫૦૦ રૂપિયા હોય છે. એક સમયે કોઈ પણ કામધંધો નહીં કરનાર મહિલાઓ હવે આ કળાના માધ્યમથી આજીવિકા રળી રહી છે. સુધાદેવી જણાવે છે, ‘આ સાડીઓની માગણી આંતરરાષ્ટ્રીય સ્તરે પણ છે.’

જાતે શીખો
તમને જો ઑર્ગેનિક પ્રક્રિયાઓની જાણ ન હોય તો જણાવી દઈએ કે અહીં એક સ્ટૉલ છે, જેમાં વર્મીકમ્પોસ્ટ અને જીવ અમૃતનું ડેમોન્સ્ટ્રેશન મળી રહે છે. ૪૦ રૂપિયામાં એની ખરીદી પણ કરી શકાય છે. યવતમાળના ઇન્સ્ટ્રક્ટર રવિ ભાંગે વર્મીપોસ્ટની આખી પ્રક્રિયા સમજાવે છે. ગાયના છાણ, ગૌમૂત્ર, માટી અને પાણીને ભેળવીને લિક્વિડ ઑર્ગેનિક ખાતર બનાવવાથી માંડીને ફર્મેન્ટેશન સુધીની સમગ્ર પ્રક્રિયાનો તેઓ ખ્યાલ આપે છે. પાણી પર તરતા એક પ્રકારના હંસરાજ - અઝોલા કેવી રીતે ઉગાડાય છે એ પણ તમે જોઈ શકો છો.

અચૂક નિશાન
તમને જૂના જમાનાનાં તીર-કામઠાંમાં રસ પડતો હોય તો રામલાલ તીરગરના સ્ટૉલ પર પહોંચી જવું. ત્યાં રાજસ્થાની તીર-કમાન ઉપલબ્ધ છે. તેઓ જણાવે છે કે છેલ્લાં ત્રીસ વર્ષોથી તેઓ તીર-કામઠાં બનાવે છે. તેનાં કામઠાં ઘણા લવચીક હોવાથી એને વાળીને સાથે લઈ જઈ શકાય છે. તમારે જાતે નિશાન સાધવાં હોય તો ૬ શૉટ્સના ૫૦ રૂપિયા જેટલો જ ખર્ચ થશે.

columnists weekend guide