ભારતીય ફિલ્મ-ઇન્ડસ્ટ્રી : જે છે એ સ્વીકાર નથી,જે નથી એનો અભાવ છે

24 June, 2020 04:59 PM IST  |  Mumbai | Manoj Joshi

ભારતીય ફિલ્મ-ઇન્ડસ્ટ્રી : જે છે એ સ્વીકાર નથી,જે નથી એનો અભાવ છે

સુશાંત સિંહ રાજપૂત

હિન્દી ફિલ્મ-ઇન્ડસ્ટ્રીનો આ જ સ્વભાવ છે. જે છે એનો ખુશી સાથે સ્વીકાર નથી થઈ રહ્યો અને જે નથી, જે મેળવવાની ઇચ્છા છે એનો અભાવ સતત આસપાસ ફર્યા કરે છે. સુશાંત સિંહ રાજપૂતના કેસમાં પણ આ જ વાત લાગુ પડે અને એ પ્રકારના જેકોઈ બીજા કિસ્સા બન્યા છે એમાં પણ આ જ વાત લાગુ પડે છે. તમે જુઓ તો ખરા, મુંબઈમાં પગ મૂકવાની જગ્યા નથી અને એ પછી પણ સુશાંતને સતત તક મળતી રહી, આગળ વધતો રહ્યો અને તેણે પોતાનું એક સ્થાન બનાવી લીધું. સ્થાન બનાવી લીધા પછી પણ ક્યાંક ને ક્યાંક તેની મહત્ત્વાકાંક્ષાઓ તેને દોડાવતી રહી અને એ દોટ વચ્ચે જ તેના જીવનનો અંત આવ્યો. અંત આવ્યો એ જ વાત પર આપણે અટકવું છે, કારણ કે અંત આવવાનાં કારણો શોધવાનું કામ મારું કે તમારું નથી જ નથી. એ કામ જેકોઈએ કરવાનું હશે તે કરશે અને તેણે જ એ કામ કરવાનું હોય.
સુશાંત સિંહ રાજપૂતના જીવન પરથી કેટલીક વાતો સૌકોઈએ શીખવાની છે અને એ જ વાત આપણે હવે કરવાના છીએ. એક, જો તમારામાં ક્ષમતા હશે, તમારામાં કૌવત હશે તો તમને કોઈ નડી નથી શકતું. ક્યારેય નડી નથી શકતું અને ક્યારેય તમને કોઈ રોકી નથી શકતું. જો તમારામાં કૌવત હશે તો. આ કૌવત પોતાનો રસ્તો બનાવી લેશે અને એ બનાવશે પણ ખરો. ભાગો નહીં સફળતા માટે, દોટ નહીં મૂકો પ્રસિદ્ધિ માટે. સફળતા અને પ્રસિદ્ધિને માઇલસ્ટોન ગણીને ચાલશો તો જીવનમાં તકલીફો ઘટશે. આ જ ફિલ્મ-ઇન્ડસ્ટ્રી છે જે તમારી એક સફળ ફિલ્મ સાથે તમારા ઘરની બહાર લાંબી લાઇન લગાવી દેશે અને આ જ ફિલ્મ-ઇન્ડસ્ટ્રી છે જે તમારી નિષ્ફળ ફિલ્મ સાથે તમારી સામે સ્માઇલ કરવાનું પણ વીસરી જશે, એમાં કશું ખોટું પણ નથી. દુનિયાનો પણ આ જ દસ્તૂર છે, આ જ નિયમ છે. અંગત જીવન સામે એક નજર કરો. નિષ્ફળ હોય એવી કેટલી વ્યક્તિ પાસે તમે નિરાંતે બેસવા ગયા? કહો જોઈએ, જેને સફળતા મળતી નથી એવા કેટલા સ્નેહીજનો સાથે તમે વીક-એન્ડ પસાર કરવા ગયા? જો આ નિયમ અંગત જીવનમાં હોય તો આ નિયમનો વિરોધ પ્રોફેશનલ જીવનમાં શું કામ કરવાનો? શું કામ એની અવગણના કરવાની?
સાચું, એવું ન થવું જોઈએ, પણ એવું ન થવું જોઈએ એવું દૃઢપણે માનીને તમે પોતે એ રસ્તા પર ચાલવાનું શું કામ શરૂ ન કરી શકો. શું કામ તમે પોતે તમારા જીવનના દૃષ્ટિકોણને બદલવાનું કામ ન કરી શકો? ઇચ્છીએ છીએ કે બધું બદલાય, પણ એ ઇચ્છાની શરૂઆત આપણાથી શું કામ ન થઈ શકે, શું કામ એ ચેન્જ સૌથી પહેલાં આપણે ન લાવીએ? શરૂઆત તમારે કરવી પડશે અને જો તમે એની શરૂઆત કરો તો જ તમે એવી અપેક્ષા રાખી શકો કે જગત બદલાય. તમે જુઓ, ગણતરી કરવાની આવે છે ત્યારે ગણતરીમાં સૌથી પહેલી ગણના આપણે આપણી કરતા હોઈએ છીએ. એ ગણનામાં જો તમે પહેલા રહી શકતા હો તો પછી આજની, સુધરવાની કે પછી નવી શરૂઆતની દિશામાં આગળ વધવાની દિશામાં પણ આપણી ગણના પહેલી થવી જોઈએ. સુધરો, સુધરવું પડશે અને સુધરવું જોઈશે. નબળા સમયમાં વ્યક્તિની સાથે ઊભા રહેવાની માનસિકતા કેળવવી પડશે. એ ચાહે પાડોશી હોય તો પણ અને તે ચાહે તમારો સ્વજન હોય તો પણ. નબળો સમય જ એવો સમય છે જ્યારે એમાં બાહ્ય હૂંફની આવશ્યકતા રહેતી હોય છે.

manoj joshi columnists sushant singh rajput