હમ ભી હૈં જોશ મેં: હવે યુદ્ધ વિના પણ ૧૫ દિવસની આગોતરી તૈયારીની પરમિશન મ

15 December, 2020 10:24 AM IST  |  Mumbai | Manoj Joshi

હમ ભી હૈં જોશ મેં: હવે યુદ્ધ વિના પણ ૧૫ દિવસની આગોતરી તૈયારીની પરમિશન મ

પ્રતીકાત્મક તસવીર

હવે સેના એક પખવાડિયાની આગોતરી તૈયારી કરી શકશે. દુશ્મનો વચ્ચે ઘેરાયેલી ભારતીય સેના માટે આ સુખદ સમાચાર છે અને આ સમાચારને લીધે ભારતવાસીઓએ પણ રાજી થવાનો સમય આવી ગયો છે. જો અગાઉની વાતની તમને ખબર ન હોય તો કહેવાનું કે પહેલાં માત્ર ૨૪ કલાકની જ આગોતરી તૈયારીની પરમિશન હતી અને આવી પરમિશનને લીધે ૧૯૭૧ના ભારત-પાકિસ્તાનના યુદ્ધમાં ભારત ઑલમોસ્ટ ત્રણ દિવસ સુધી બૅકફુટ પર આવી ગયું હતું. કારગિલ સમયે પણ એવું જ બન્યું હતું. પૂર્ણ માહિતી મળી ગયા પછી પણ એવી પરિસ્થિતિ હતી કે કારગિલમાં રાહ જોઈને બેઠેલી સેનાએ શસ્ત્રસરંજામની રાહ જોવાની હતી અને એ રાહ જોવામાં પરિસ્થિતિ વણસી ગઈ, પણ હવે એવું નહીં બને.

હવે સંસદે નક્કી કર્યું છે કે ભારતીય સેના પોતાની પાસે ૧૫ દિવસનો શસ્ત્રસરંજામ સ્થળ પર કે પછી નજીકના હૉટસ્પૉટ પર રાખી શકશે. અનિવાર્ય નિર્ણય લેવાયો છે આ. બહુ જરૂરી હતું, ખાસ કરીને એવા સમયે જે સમયે તમારા આડોશી-પાડોશી બન્ને દુશ્મન હોય અને બન્નેની ક્ષમતા તમારા કરતાં અનેકગણી વધારે હોય. ચાઇના અને પાકિસ્તાનને આ વાત લાગુ પડે છે. ચાઇના તમામ સ્તરે ભારત કરતાં આગળ છે એ સૌકોઈ જાણે છે તો પાકિસ્તાન નૈતિકતાની બાબતમાં ભારતીય ઉકરડા કરતાં પણ બદતર છે એની પણ બધાને ખબર છે. નૈતિકતા વિનાના બે દેશ વચ્ચે આપણે સત્ય અને નૈતિકતાને લઈને બેઠા છીએ. એવા સમયે જો તમે તમારી સેનાને મજબૂત કરવાનું કામ ન કરી શકો તો નૅચરલી ‌‌સેનાનું મૉરલ તૂટવાનું અને એક લોકશાહી દેશે જો સૌથી પહેલું ધ્યાન રાખવાનું હોય તો એ જ કે કોઈ કાળે સેનાનું મૉરલ ન તૂટે.

સેના હવે પોતાની પાસે જે શસ્ત્રો રાખી શકવાની છે એનો ઉપયોગ સ્વબચાવમાં થશે અને સ્વબચાવ અનિવાર્ય છે. વાત યુદ્ધની નથી, પણ યુદ્ધ માટે તૈયારી તો પૂર્ણપણે હોવી જોઈએ અને એની માનસિકતા પણ હોવી જોઈએ.

૧૯૭૧ની વાત કરું તો એ સમયે ભારતીય સેના શ્રેષ્ઠતમ પરિણામ દેખાડવા માટે થનગનતી હતી અને ભારતીય સેનાએ એ કામ કર્યું હતું પણ ખરું. પાકિસ્તાનના બે ટુકડા જ દેખાડે છે કે ભારતીય સેના પૂર્ણપણે સક્ષમ હતી. ભારતીય યુદ્ધના ઇતિહાસને તમે જુઓ તો તમને દેખાશે કે સેનાએ શ્રેષ્ઠ કામ જે વર્ષમાં દેખાડ્યું એમાં આ ૧૯૭૧ પ્રથમ ક્રમાંકે મુકાય છે. પાકિસ્તાન પહેલી વખત ઊંધા માથે પટકાયું અને એવી પરિસ્થિતિ નિર્માણ થઈ કે એણે સરેન્ડર થવાનો વારો આવ્યો. સરેન્ડર થયેલા પાકિસ્તાનને દબાવવાની તમામ તક હતી, પણ રાજકીય પ્રેશર અને સાથોસાથ આંતરરાષ્ટ્રીય સમજૂતીએ એવું થવા ન દીધું એ જુદી વાત છે, પણ કહેવાનું એટલું જ કે ભારતીય સેનાને એ સમયે પણ સમયસર શસ્ત્રસરંજામ નહોતો મળ્યો અને એમાં જે થોડોઘણો સમય પસાર થયો એણે જીત મોડી કરી. બાકી, આ સેના એવી છે કે ૨૪ કલાક પણ પાકિસ્તાન એની સામે ટકી શકે નહીં અને ચાઇનાએ પણ રાતા પાણીએ રોવું પડે અને હવે એવું બનશે, ૧૫ દિવસની શસ્ત્રીય ખાધાખોરાકીની પરમિશન જો મળી ગઈ છે આપણને.

columnists manoj joshi