વિશ્વનું સૌથી મોટું નેટવર્ક ધરાવતી ભારતની પોસ્ટ સર્વિસને મળશે નવું જીવન અને નવું રૂપ

16 February, 2025 04:22 PM IST  |  Mumbai | Aashutosh Desai

ઇન્ટરનેટને કારણે ઘડીના છઠ્ઠા ભાગમાં કમ્યુનિકેશનની સગવડ થઈ ગઈ છે ત્યારે ‘ડાકિયા ડાક લાયા’ એ ગીત જૂની નૉસ્ટેલ્જિક યાદથી વિશેષ કશું નથી રહ્યું.

કાશ્મીરમાં દલ લેકની વચ્ચે આવેલી પોસ્ટ ઑફિસ.

ઇન્ટરનેટને કારણે ઘડીના છઠ્ઠા ભાગમાં કમ્યુનિકેશનની સગવડ થઈ ગઈ છે ત્યારે ‘ડાકિયા ડાક લાયા’ એ ગીત જૂની નૉસ્ટેલ્જિક યાદથી વિશેષ કશું નથી રહ્યું. વિશ્વના સૌથી વિશાળ પોસ્ટલ નેટવર્કનો ખિતાબ ધરાવતી હોવા છતાં વર્ષોથી ઇન્ડિયન પોસ્ટ કરોડોની ખાધ સાથે ચાલી રહી છે. આ વર્ષે રજૂ થયેલા બજેટમાં ફાઇનૅન્સ મિનિસ્ટર નિર્મલા સીતારમણે ઇન્ડિયન પોસ્ટને લૉજિસ્ટિક કંપનીમાં તબદીલ કરવાની ફરી ઘોષણા કરી છે. આ પહેલાં પણ આવી જાહેરાતો થઈ ચૂકી છે એટલે ક્યારે ઇન્ડિયન પોસ્ટ ખાતું નફો કરતું થશે એ કોઈ કહી શકે એમ નથી. ચાલો, આજે જાણીએ અનેક પ્રયોગો કરી ચૂકેલા ભારતીય ડાક સર્વિસના ગૌરવવંતા ઇતિહાસ વિશે 

ભારતીય પોસ્ટ વિભાગ’ નામ આવે એટલે અનેક જૂની યાદો નજર સામે તરવરવા માંડે. સ્કૂલમાં ભણતા ત્યારે પરીક્ષાનાં પરિણામ પરબીડિયામાં આવતાં ત્યાંથી શરૂ કરી પેલાં પોસ્ટકાર્ડ, ઇનલૅન્ડ લેટર, મનીઑર્ડર, તાર અને એવી તો કંઈકેટલીય આપણી યાદો પોસ્ટ-ઑફિસ સાથે જોડાયેલી છે. એમ કહો તો ખોટું નથી કે આપણા બાળપણનો એક માતબર હિસ્સો ભારતીય પોસ્ટ-ઑફિસ પાસે પણ છે.

એક સમય હતો જ્યારે યુવાનોના વિવાહ નક્કી થાય ત્યારથી લગ્ન થાય ત્યાં સુધી કુંવારા માંડવાના સંદેશ-વ્યવહાર સૉરી, વહાલ સંવાદની ડોર પોસ્ટ-ઑફિસ પાસે હતી. પરીક્ષામાં આપણે શું ઉકાળ્યું છે, પાસ થયા છીએ કે નાપાસ એ અવઢવનો જવાબ પણ બંધ પરબીડિયામાં પોસ્ટ-ઑફિસ જ આપણા સુધી પહોંચાડતી હતી. સરહદ પર એક પળ પણ થાક્યા વિના દેશની સુરક્ષામાં ૨૪ કલાક પહેરો ભરતા એ સૈનિકો માટે તો પોસ્ટ, પોસ્ટ-ઑફિસ અને ટપાલી જીવંત અને ખુશહાલ રહેવા માટે અત્યંત જરૂરી એવા ઑક્સિજન-સિલિન્ડર જેવા હતા. અરે પોસ્ટ-ઑફિસ અને પોસ્ટમૅન બન્ને એક સમયે આપણા જીવન સાથે એવા વણાઈ ગયેલા કે ફિલ્મમાં એના પરથી તો આખેઆખાં ગીતો બનતાં હતાં. ‘ડાકિયા ડાક લાયા...’ હોય કે ‘સંદેશે આતે હૈં...’ જેવાં ગીતો યાદ છેને? ત્યાર બાદ ઇન્ટરનેટ અને મોબાઇલ ફોન્સ દ્વારા આ આખું વિશ્વ એવું હડપી લેવામાં આવ્યું કે આપણને લાગવા માંડ્યું હતું જાણે પોસ્ટ-ઑફિસનું હવે કોઈ ભવિષ્ય નથી. અચાનક પોસ્ટ-ઑફિસનો સ્ટાફ અને પોસ્ટમૅન જાણે નવરા પડી ગયા એવું લાગી રહ્યું હતું.

ઇન્ડિયન પોસ્ટ હવે લૉજિસ્ટિક્સનું કામ કરશે.

પરંતુ આ મૃતઃપ‍્રાય થઈ રહેલી જણાતી આખી એક વ્યવસ્થાને ભારતની સરકાર ગયા બજેટથી લઈને આ વખતના બજેટમાં પણ ફરી એક નવા સ્વરૂપ સાથે ધમધમતી કરવા તરફ પગલાં ભરી રહી છે. કૅપિટલ અલોકેશનથી લઈને ઇન્ફ્રાસ્ટ્રક્ચર, મૉડર્નાઇઝેશન, ટેક્નૉલૉજિકલ જેવા અનેક ધરખમ ફેરફારો સાથે ભારતીય પોસ્ટ વિભાગ હવે ફરી એક વાર એનાં નવાં કલેવર ધારણ કરી રહ્યું છે. આજે વાત માંડીએ ભારત સરકારનો નવો પોસ્ટ વિભાગ કેવો હશે? એમાં શું-શું ફેરફાર થઈ રહ્યા છે અને તેઓ હવે શું નવું કરશે?

જૂની પોસ્ટલ સિસ્ટમ

રેલવેની ગુડ્સ કે પૅસેન્જર ટ્રેનમાં એક ભારતીય ડાકનો અલાયદો ડબ્બો જોડાયો હોય, જેમાં દેશ-વિદેશનાં પત્રો, પાર્સલ્સ વગેરે ખડકાયાં હોય. સ્ટેશને-સ્ટેશને જે-તે પોસ્ટ-ઑફિસનો એ ખજાનો ખાલી થાય અને ત્યાર બાદ એની એરિયા પ્રમાણે છટણી કરવામાં આવતી અને જે-તે વિસ્તારના પોસ્ટમૅનને એક બંચ પકડાવી દેવામાં આવતો જે પત્રો અને પાર્સલ્સ સહિત મનીઑર્ડર્સ અને ટેલિગ્રામ પણ આપણા ઘર સુધી પહોંચાડાતાં.

એ સિવાય પોસ્ટમાં બીજી પણ કેટલીક નાણાકીય વ્યવહારની કાર્યવાહી મોટા પાયે થતી અને એ હતું KVP અને IVP, કેમ ભૂલી ગયા? કિસાન વિકાસ પત્ર અને ઇન્દિરા વિકાસ પત્ર. તો વળી મન્થ્લી ઇન્કમ સ્કીમ્સ અને પેલું પાંચ-સાત-નવ વર્ષે પૈસા બે ગણા થનારી પોસ્ટલ ફિક્સ્ડ ડિપોઝિટ. એક લાંબા સમયગાળા સુધી પોસ્ટ-ઑફિસની ઓળખ આપણા માટે આટલાથી જ સીમિત હતી, પરંતુ ત્યાર બાદ બદલાતા સમય અને બદલાતી ટેક્નૉલૉજીને કારણે પોસ્ટ વિભાગનું મરણ નહીં થાય એવા આશયથી કેન્દ્ર સરકારે ફરી એક વાર એને નવું જીવન આપવાના પ્રયત્ન કર્યા છે. એમાંય ૨૦૨૩ના બજેટથી તો સરકારે (૨૦૨૪નું બજેટ નહીં ગણાય, કારણ કે ચૂંટણીને કારણે વચગાળાનું બજેટ આવ્યું હતું) પોસ્ટ વિભાગને કૅપિટલ અલોકેશન પણ મોટા પાયે શરૂ કર્યું જે આ વર્ષે ન માત્ર વધાર્યું છે બલકે આ વર્ષે તો પોસ્ટલ વિભાગનું ભવિષ્ય શું હશે એ માટેની બ્લુપ્રિન્ટ પણ ફાઇનૅન્સ મિનિસ્ટ્રીએ રજૂ કરી.

આજેય મનીઑર્ડર સર્વિસ ગ્રામીણ વિસ્તારોમાં મહત્ત્વનો ભાગ ભજવે છે.

ભારતીય પોસ્ટ વિભાગ શું છે?

ભારતીય પોસ્ટ વિભાગ ભારતની સૌથી મોટી ડિસ્ટ્રિબ્યુશન ચૅનલ્સમાંની એક છે. પોસ્ટ વિભાગ દેશના દરેક શહેરથી લઈને ખૂણા-ખૂણાનાં ગામડાંઓમાં જે રીતે ફેલાયેલું છે એટલું કદાચ આજ સુધી કોઈ નેટવર્ક ફેલાયું નથી. ભારતીય પોસ્ટલ વિભાગની અંદાજે ૧,૬૫,૦૦૦ કરતાં વધુ પોસ્ટ-ઑફિસ આખા ભારતમાં છે. અચ્છા, આ આંકડામાં મેઇન પોસ્ટ-ઑફિસ અને રીજનલ હેડ પોસ્ટ-ઑફિસ તો હજી ગણતરીમાં લીધી જ નથી અને આ બધી પોસ્ટ-ઑફિસ મળીને અંદાજે ૩ લાખ કરતાં વધુ ગ્રામીણ ડાક સેવક આ ઑફિસમાં સેવા આપે છે. અર્થાત્, તમે મુંબઈમાં બેઠાં-બેઠાં ગુજરાતના કોઈક ગામડે પત્ર લખો અને એ એના સાચા સરનામે પહોંચી જાય એ તો ખરું જ, પરંતુ ઉત્તર ભારતના કોઈ સીમાંત ગામડે પણ તમારે પત્ર કે પાર્સલ પહોંચાડવું હોય તો ભારતની પોસ્ટલ સર્વિસ એ કોઈ પણ ચૂક વિના પહોંચાડી આપે છે.

એ સિવાય છેલ્લાં થોડાં વર્ષોથી પોસ્ટ-ઑફિસ બૅન્ક જેવું કાર્ય પણ કરવા માંડી છે. અર્થાત્, પોસ્ટલ સેવિંગ્સ સ્કીમ્સ અને પેમેન્ટ બૅન્ક્સ સહિત. ખેડૂતોને, મહિલાઓને કે બાળકોને પહોંચતી સરકારી સહાયનું ભુગતાન કરવાથી લઈને ખાતાં ખોલવા સુધીનાં કાર્યો પોસ્ટલ ડિપાર્ટમેન્ટ કરે છે.

યુરોપમાં પ્રસિદ્ધ થયેલા એક સર્વે રિપોર્ટમાં તો ત્યાં સુધી કહેવાયું છે કે ભારતીય પોસ્ટલ નેટવર્ક એ એક સૌથી જટિલ છતાં સૌથી સુદૃઢ રીતે કામ કરતું વિશ્વનું એકમાત્ર નેટવર્ક છે. એની પાછળનાં કારણો તરીકે એ રિપોર્ટ કહે છે કે વિશ્વના બીજા દેશોની સરખામણીએ ભારત વસ્તીમાં સૌથી ગીચ દેશ છે અને ભારતની ભૌગોલિક પરિસ્થિતિ એવી છે કે લોકો પર્વતોની તળેટીમાં પણ રહે છે અને દરિયાકિનારે પણ રહે છે. આટલી ગીચ વસ્તીમાં આટલા મોટા વિસ્તારો જ્યાં છૂટીછવાઈ વસ્તી, ગામ, તાલુકો, શહેર અને મેટ્રોપૉલિટન સિટીઝ જેવા અનેક જુદા-જુદા સ્તર હોય ત્યાં સંદેશ-વ્યવહારની કોઈ સિસ્ટમ આટલી સુદૃઢતાથી કામ કરતી હોય એ દૃષ્ટાંતરૂપ છે. વિશ્વના બીજા દેશોમાં પણ પોસ્ટલ ડિપાર્ટમેન્ટ છે, પરંતુ એ દેશોમાં વસ્તી અને વિસ્તારો એટલા ગીચ નથી જેટલા ભારતમાં છે.

સિક્કીમમાં આવેલી વિશ્વની સૌથી ઊંચી પોસ્ટ ઑફિસ.

કૅપિટલ અલોકેશન અને મૉડર્નાઇઝેશન

સરકાર હવે એ સમજે છે અને સ્વીકારે પણ છે કે વિશ્વઆખામાં જે રીતે ધરખમ ટેક્નૉલૉજિકલ ફેરફારો થઈ રહ્યા છે અને એ પણ આટલા ઝડપે થઈ રહ્યા છે ત્યારે ભારતીય પોસ્ટલ વિભાગમાં પણ મૂળભૂત ફેરફારથી લઈને બીજાં નવાં કલેવર ધારણ કરવાની જરૂર છે.

આથી જ સરકાર હવે ભારતીય પોસ્ટ વિભાગને ‘ડોમેસ્ટિક લૉજિસ્ટિક ઑર્ગેનાઇઝેશન’ બનાવવા તરફ આગળ વધી રહી છે. એ માટે સરકારે ‘રી-એન્જિનિયરિંગ એક્સરસાઇઝ’ તરીકે મહેનત શરૂ કરી છે જે અનુસાર ભારતીય પોસ્ટ વિભાગને કુલ ૬ વર્ટિકલમાં વહેંચવામાં આવશે. એ અનુસાર પોસ્ટ વિભાગનું અનેક અલગ-અલગ પ્રોડક્ટ્સ અનુસાર વર્ગીકરણ કરવામાં આવશે; જેમાં હશે પત્રો, પાર્સલ્સ, આંતરરાષ્ટ્રીય પત્રો, પોસ્ટલ લાઇફ ઇન્શ્યૉરન્સ (PLI), પોસ્ટ-ઑફિસ સેવિંગ્સ બૅન્ક્સ, સરકારી સિટિઝન સર્વિસિસ.

સરકારે નોંધ્યું છે કે વિશ્વના બીજા દેશોમાં પોસ્ટલ વિભાગ હવે માત્ર પોસ્ટ ખાતું ન રહી જતાં એ લૉજિસ્ટિક ઑર્ગેનાઇઝેશન બની રહ્યું છે. હવે જ્યારે મોબાઇલ ફોન્સ અને ઇન્ટરનેટને કારણે વિશ્વ આપણી આંગળીના ટેરવે આવી ગયું છે ત્યારે એક સામાન્ય ચાપત્તીથી લઈને મોટરકાર સુધીની વસ્તુઓ આપણે ઑનલાઇન ખરીદી શકતા થયા છે. સરકાર આ દૃષ્ટિએ અને આ માર્ગે પોસ્ટ વિભાગનું ભવિષ્ય જોઈ રહી છે. ઈ-કૉમર્સનું માર્કેટ જબરદસ્ત મોટું છે એ સરકાર જાણે છે અને એમાં પણ ભારતમાં તો હજી ઈ-કૉર્મસ માર્કેટ ખાસ વિકસ્યું જ નથી એમ કહીએ તો ચાલે. ભારતનું ઈ-કૉમર્સ માર્કેટ હજી આજેય મેટ્રોપૉલિટન શહેરો કે વધુમાં વધુ ટિયર-વન શહેરો સુધી ફેલાયેલું છે અથવા ફેલાઈ રહ્યું છે. તો વિચાર કરો કે હજી ટિયર-ટૂ, ટિયર-થ્રી, ટિયર-ફોર શહેરો, ગામડાંઓ અને વસ્તીઓ સુધી આવનારા ભવિષ્યમાં જ્યારે ઈ-કૉમર્સ ફેલાશે ત્યારે આ નેટવર્ક ક્યાં સુધી અને કયા લેવલ સુધી કામ કરી શકે એમ છે. એક ઇન્ટરનૅશનલ ઈ-કૉમર્સ માર્કેટ સર્વેના રિપોર્ટ અનુસાર ભારતમાં ઈ-કૉમર્સ માર્કેટ હજી માત્ર ૩ ટકા જેટલું જ વિસ્તર્યું છે, પણ આ ત્રણ ટકા જેટલા વિસ્તારનો આંકડો પણ આંખો પહોળી કરી મૂકે એટલો છે. ૨૦૨૩ના આંકડા અનુસાર ભારતનું હાલનું ઈ-કૉમર્સ માર્કેટ ૧૧૬ બિલ્યન અમેરિકન ડૉલર જેટલું છે, અર્થાત્ અંદાજે ૧૦.૫૦ લાખ કરોડ કરતાં વધુ. જે ૨૦૩૦ના વર્ષ સુધીમાં વિસ્તરીને અંદાજે ૩૦૦ બિલ્યન ડૉલર જેટલું થઈ જશે એમ કહેવાય છે, અર્થાત્ અંદાજે ૨૬ લાખ કરોડ કરતાં વધુ. તો હવે આવા સંજોગોમાં સ્વાભાવિક છે ઈ-કૉમર્સને વિસ્તરવા માટે એક મોટા નેટવર્કની જરૂર પડે અને એ નેટવર્ક પોસ્ટલ વિભાગ પાસે પહેલેથી મોજૂદ છે.

૪૪ હેરિટેજ બિલ્ડિંગ ભારતમાં પોસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા બ્રિટિશકાળ દરમ્યાન જ્યાં-જ્યાં જનરલ પોસ્ટ-ઑફિસો બની છે ત્યાંનાં બિલ્ડિંગો હેરિટેજ કક્ષાનાં છે. 

ટેક્નૉલૉજિકલી ઍડ્વાન્સ પોસ્ટલ ડિપાર્ટમેન્ટ

આ સાથે જ સૌથી પહેલી જરૂરિયાત પડશે ડિજિટાઇઝેશનની. આથી સરકાર હવે સૌપ્રથમ વાર ભારતીય પોસ્ટ વિભાગ માટે એક ટેક્નૉલૉજી ગ્રુપની રચના કરી રહી છે. પોસ્ટ વિભાગ માટે એક નવું સૉફ્ટવેર લગભગ તૈયાર થઈ ચૂક્યું છે, જેને સંદેશ-વ્યવહાર પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયા ‘સૉફ્ટવેર ૨.૦’ તરીકે ઓળખાવી રહ્યા છે એટલું જ નહીં, આવતા આઠ-નવ મહિનામાં પોસ્ટલ બીટા પ્રોડક્ટ્સ પણ લઈને આવવાનું સિંધિયા કહી રહ્યા છે. ભારતીય સંદેશ-વ્યવહારના ઇતિહાસમાં પહેલી વાર એવું બન્યું છે કે પોસ્ટલ વિભાગમાં પણ એક અલાયદી પોસ્ટ અને એક અલાયદો વિભાગ ઊભો કરવામાં આવ્યો છે અને એ પોસ્ટ એટલે ‘ચીફ ટેક્નૉલૉજી ઑફિસર’ જેમની સાથે વાઇસ ટેક્નૉલૉજી ઑફિસર્સ હશે જે દરેક વર્ટિકલ સાથે અનુસંધાન સાધીને કામ કરશે.

ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને કૅપિટલ અલોકેશન

આ બધા જ મૉડર્નાઇઝેશન માટે સૌથી પહેલી જરૂરિયાત ઊભી થશે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની આથી જ સરકાર હાલ પહેલા ચરણમાં અંદાજે ૨૬,૦૦૦ પોસ્ટ-ઑફિસને બહેતર ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોવાઇડ કરવા પર કામ કરી રહી છે. બીજા ચરણમાં આ યાદીમાં બીજી પોસ્ટ-ઑફિસ પણ આવશે. મોટી અને મૉડર્ન જગ્યા સહિત ટેક્નૉલૉજિકલ ઍડ્વાન્સ સિસ્ટમ આ બધું જ ભારતીય પોસ્ટ વિભાગ માટે તૈયાર થઈ રહ્યું છે.

આ બધું સરકાર જાતે કરશે કે પ્રાઇવેટ કંપનીઓનું પણ ઇન્ટરવેન્શન હશે એવો પ્રશ્ન જો કોઈને થતો હોય તો જણાવીએ કે હાલમાં પ્રાઇવેટ ઇન્ટરવેન્શન માત્ર બે આયામો દ્વારા સરકાર લેવા જઈ રહી છે અને એ બે આયામો એટલે ઍડ્વાઇઝરી અને સૉફ્ટવેર ઇન્ટિગ્રેશન.   

આથી જ કેન્દ્ર સરકારના નાણાવિભાગે ગયા બજેટમાં લગભગ ૫૦૦૦ કરોડ જેવું કૅપિટલ અલોકેશન કર્યું હતું અને આ વખતના બજેટમાં પણ કૅપિટલ અલોકેશન સાથે જ અંદાજે ૧.૫ લાખ પોસ્ટ-ઑફિસિસને ‘ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ બૅન્ક’ તરીકે વિકસાવવાનો નિર્ધાર કર્યો છે. સમજોને આપણી પોસ્ટ હવે માત્ર પેલી ‘ડાકિયા ડાક લાયા’વાળી નહીં રહે. હવે સરકારનાં પ્રો-ઍક્ટિવ સ્ટેપ્સ અને વિઝન જોતાં લાગી રહ્યું છે કે ભવિષ્યમાં કદાચ આપણા મોબાઇલમાં ઇન્ડિયન પોસ્ટની પણ એક ઍડ્વાન્સ ઍપ્લિકેશન હશે અને ભવિષ્યમાં કદાચ પત્રોની સાથે બીજી અનેક વસ્તુઓ પણ ડિલિવર કરતી પોસ્ટ-ઑફિસને આપણે નવાં કલેવર સાથે ઓળખતા થઈ જઈશું.

પોસ્ટ વિશેનું જાણવા જેવું

૨૦૨૪ના આંકડા અનુસાર ભારતમાં કુલ ૧,૬૪,૯૭૨ પોસ્ટ-ઑફિસ છે જેમાંની ૮૯ ટકા પોસ્ટ-ઑફિસ ભારતના રૂલર વિસ્તારોમાં છે.

ભારતની આખી પોસ્ટલ સર્વિસ કુલ ૨૩ પોસ્ટલ સર્કલમાં વહેંચવામાં આવી છે.

જાન્યુઆરી ૨૦૨૫ના આંકડા અનુસાર ભારતમાં કુલ ૧૯,૧૦૧ પિનકોડ નંબર્સ છે જેમાં આર્મી, નેવી અને ઍરફોર્સની પોસ્ટલ સર્વિસ અને તેમના કોડ સામેલ નથી.

છેલ્લા પ્રસિદ્ધ આંકડા અનુસાર ભારતીય પોસ્ટલ વિભાગ હાલમાં ૨૩,૧૦૩ કરોડના વાર્ષિક લૉસ સાથે કાર્ય કરી રહી છે.

ભારતમાં સૌથી પહેલી પોસ્ટ-ઑફિસ ૧૭૬૬માં ઈસ્ટ ઇન્ડિયા કંપની દ્વારા કલકત્તામાં સ્થાપવામાં આવી હતી. એ વખતે પોસ્ટ-ઑફિસ દર ૧૦૦ માઇલ પર બે આના લેતી હતી.

કલકત્તામાં લૅન્ડમાર્ક જનરલ પોસ્ટ-ઑફિસ ૧૭૭૪માં બનાવવામાં આવી હતી.

ભારતમાં પોસ્ટ થકી પૈસા મોકલવાની એટલે કે મનીઑર્ડરની સુવિધા ૧૮૮૦માં શરૂ થઈ હતી.

ભારતમાં સ્પીડ-પોસ્ટની સુવિધા ૧૯૮૬માં શરૂ થઈ હતી.

વિશ્વમાં સૌપ્રથમ સત્તાવાર ઍર-મેલ ભારતમાંથી ૧૯૧૧ની ૧૮ ફેબ્રુઆરીએ મોકલાયો હતો.

ભારતમાં બહાર પડેલી સૌથી પહેલી પોસ્ટલ સ્ટૅમ્પ ૧૮૫૪માં બહાર પડી હતી અને એના પર રાણી વિક્ટોરિયાની તસવીર છાપી હતી. ભારત સ્વતંત્ર થયું ત્યારે એ પછી પહેલી પોસ્ટલ સ્ટૅમ્પ ૧૯૪૭ની ૨૧મી નવેમ્બરે બહાર પાડવામાં આવી હતી. એ ટિકિટમાં ‘જયહિન્દ’ લખવામાં આવ્યું હતું.

ભારત સ્વતંત્ર થયું ત્યારે ભારતમાં ૨૩,૩૪૪ પોસ્ટ-ઑફિસ હતી.

ભારતની સૌથી મોટી જનરલ પોસ્ટ-ઑફિસ મુંબઈની છે જે ગોળ ગુંબજ જેવા આકારની છે.

પોસ્ટલ ઇન્ડેક્સ નંબર એટલે કે PIN જેને આપણે પિનકોડ કહીએ છીએ એ કોડની સિસ્ટમની શરૂઆત ૧૯૭૨ની ૧૫ ઑગસ્ટે શ્રી રામ ભીકાજી વેલણકર દ્વારા તૈયાર કરવામાં આવી હતી.

દુનિયાની સૌથી ઊંચી પોસ્ટ-ઑફિસ હિમાચલ પ્રદેશના સિક્કિમમાં છે અને એ ૧૪,૪૩૬ ફુટ ઊંચે છે.

india sikkim technology news indian government columnists gujarati mid-day mumbai