તહેવારોની બાબતમાં આપણે દુનિયાભરમાં સૌથી વધારે ધનિક છીએ

08 August, 2020 06:39 PM IST  |  Mumbai | Manoj Joshi

તહેવારોની બાબતમાં આપણે દુનિયાભરમાં સૌથી વધારે ધનિક છીએ

પ્રતીકાત્મક તસવીર

એ વાત જુદી છે કે અત્યારે આપણે તહેવારો ઊજવી નથી શકવાના, કબૂલ કે કોરોનાના કારણે આપણે એ ઊજવવા પણ ન જોઈએ, પણ એમ છતાં આપણે ત્યાં જાતજાતના તહેવારો ઉજવાતાં રહ્યા છે એ હકીકત પણ આપણે વિસરી ન શકીએ. જીતનો તહેવાર, ઈશ્વરના જન્મનો તહેવાર, આનંદનો તહેવાર, ઋતુના આગમનને વધાવવા માટેનો તહેવાર અને પાક લેવાનો હોય એ સમયે પણ તહેવાર. ખેતરમાં પાકની વાવણી થાય એ સમયનો પણ તહેવાર અને ખેતરમાં આવેલા પાકને બજારમાં વેચવાનો હોય એ સમયનો પણ તહેવાર. તહેવારોની બાબતમાં આપણે બીજા બધા દેશો અને સંસ્કૃતિ કરતાં અનેકગણા નસીબદાર અને ચડિયાતા છીએ. જ્યાં ઉત્સવ ઊજવવા માટે પણ દિવસ શોધવા જવું પડતું હોય ત્યાં આપણી પાસે ઉત્સવ માટે પણ પૂરતી તક અને મોકળાશ શાસ્ત્રો દ્વારા આપવામાં આવી છે. સૌથી સારી અને ઉમદા વાત જો કોઈ હોય તો એ કે ઉત્સવની બાબતમાં આપણે ક્યારેય કોઈ ધર્મ કે સંપ્રદાય સાથે બંધાઈ નથી જતા, ઊલટું આપણે પૂર્ણપણે તહેવારો સાથે તાદાત્મ્ય કેળવવામાં વ્યસ્ત થઈ જઈએ છીએ. મોર્હરમની ઉજવણી હોય તો પણ આપણને આનંદ મળે અને ક્રિસમસ સમયે પણ ક્રિશ્ચ‌િયન બહાર આવતા હશે એના કરતાં વધારે આપણે પ્રેમથી બહાર આવીને તહેવાર માણીએ છીએ. ખબર કંઈ ન પડે કે આ ઉજવણી કેવી રીતે થાય પણ એમ છતાંય આપણે એ ઉત્સવને સૅલિબ્રેટ કરીશું, તેમના ધર્મની એક પણ લાઈન બોલતાં ભલે ન આવડે પણ મનમાં ગાયત્રી મંત્ર બોલીને પણ ધર્મ નિભાવ્યાની ખુશી માણી લેશું. આ આનંદ અને આ ખુશી જ ભારતને સાંપ્રદાયિક દેશ બનાવીને રાખે છે. અનેક લોકો એવા પણ છે જે તહેવારપ્રેમી એવી આપણી આ પ્રજાને ગાંડી અને સમય બગાડનારી ગણે છે, પણ આ એ જ પ્રજા છે જે પ્રજાને જરૂર પડે ત્યારે બધાં કામ પડતાં મૂકીને મહેનત અને મદદ કરવાની પણ પૂરી ચાનકે ચડે છે. જન્માષ્ટમી ઊજવી લીધા પછી કામે લાગનારો આ જ વર્ગ હવે ગણેશ મહોત્સવની તૈયારીમાં લાગે છે અને ગણેશ મહોત્સવની તૈયારી ચાલતી હોય ત્યારે જ નવરાત્રીનો માહોલ પણ બનવા લાગે છે.

તહેવારની વાત આવે ત્યારે મને હંમેશાં લાગે કે બીજા તમામ ધર્મ અને સંસ્કૃતિ ખરેખર હિન્દુ સંસ્કૃતિ સામે પાછાં પડે છે, પાછાં પણ પડે છે અને નબળાં પણ પુરવાર થાય છે. ગણીને વર્ષમાં ચાર અને છ તહેવાર ઊજવવા મળે અને એમાં પણ કેટલાક તહેવારોની તો ઉજવણી પણ રંગેચંગે નથી થઈ શકતી. તહેવારોની બાબતમાં હું બીજી તમામ કમ્યુનિટીને ગરીબ માનવા તૈયાર છું અને ખરેખર એવું છે પણ ખરા. આપણો દેશ તહેવારોની બાબતમાં શ્રીમંત છે અને તહેવારો ઊજવવાની બાબતમાં, શ્રીમંતાઈની ચરમસીમા પર...અને એટલે જ જેવો શ્રાવણ આવે કે તરત જ ઘરઘરમાંથી જાતજાતના વ્યંજનોની સુગંધ આવવા માંડે. સુગંધ પણ અને સાથોસાથ ઉપાસનાની ધૂન પણ સંભળાવી શરૂ થઈ જાય. ભારત ખરેખર મહાન છે અને એની આ મહાનતા ભરેલી પરંપરાને ટકાવી રાખવાની જવાબદારી આપણી છે, એને અકબંધ રાખજો.

columnists manoj joshi