તમે મારા દેવના દીધેલ છો, તમે મારા માગી લીધેલ છો; આવ્યા ત્યારે અમર થઈને રહો

08 April, 2025 07:14 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આપણે સંતાનોને અંગત સંપત્તિ ગણીએ છીએ. તેથી પાડોશના છોકરાને તેનો બાપ રોજ મારતો હોય તો પણ આપણે વચ્ચે પડતા નથી. મા-બાપ નાનાં બાળકોને વેચી દે છે

પ્રતીકાત્મક તસવીર

સંતાનો વિશેની આપણી અને વિદેશની વિભાવનામાં ફરક છે. વિદેશમાં બાળકોને રાષ્ટ્રીય સંપત્તિ ગણવામાં આવે છે. દેશની ઇકૉનૉમીનો એક મહત્ત્વનો હિસ્સો ગણવામાં આવે છે. પુખ્ત થતાં કોઈ પણ વ્યવસાયમાં જોડાઈને તેઓ અર્થતંત્રને આગળ વધારે છે એવું માનવામાં આવે છે. આ કન્સેપ્ટ આપણે આત્મસાત્ કરવાની જરૂર છે. માતા-પિતા માલિક નહીં પણ સંભાળ રાખનારાં ગાર્ડ છે. ગાર્ડિયન‍ની આ કલ્પના કેટલી અર્થસભર છે. માતા-પિતા બાળકોને મારી ન શકે, કોઈ પણ પ્રકારનું દુઃખ ન આપી શકે, તેમના ભવિષ્ય પર પોતાનો નિર્ણય થોપી ન શકે. સંતાનોને સારા સંસ્કાર મળે એનું તો સ્વાભાવિક રીતે ધ્યાન રાખે જ. તેમનો શારીરિક તથા માનસિક વિકાસ થાય એટલી જવાબદારી પણ અપેક્ષિત. ત્યાર બાદ સરકાર તરફથી ઉચ્ચતમ તક મળતી હોય છે. સંગીત, ખેલકૂદથી માંડીને અવકાશ અને પરમાણુવિજ્ઞાનના ક્ષેત્રનાં દ્વાર ખૂલી જાય છે કારણ કે દેશના સંતાનની પ્રગતિ એ દેશની જ પ્રગતિ ગણાય છે. આ દૃષ્ટિકોણથી સંતાનને દેશની સંપત્તિ ગણવામાં આવે છે.

આપણે સંતાનોને અંગત સંપત્તિ ગણીએ છીએ. તેથી પાડોશના છોકરાને તેનો બાપ રોજ મારતો હોય તો પણ આપણે વચ્ચે પડતા નથી. મા-બાપ નાનાં બાળકોને વેચી દે છે, ગમે ત્યાં કામે વળગાડી દે છે. અમાનવીય વાતાવરણમાં બિચારાં દિવસ આખો કામ કરે છે. કોને કહેવા જાય? કુપોષણ કે વધુપડતી મજૂરીને કારણે મરતાં બાળકો સરકાર માટે સ્ટૅટિસ્ટિક્સથી વધુ કંઈ નથી. ગરીબી કે બીમારી કે ઝઘડાને કારણે આત્મહત્યા કરતાં પહેલાં બાળકોને તેઓ મારી નાખે છે. સગી મા પોતે જ મકાનના ઉપરના માળેથી બાળકોને ફેંકી દે છે કે કૂવામાં નાખી દે છે કે ગળું દબાવી દે છે. આવા સમાચારો વાંચીને અરેરાટી થતી હોય છે. મિનિસ્ટરોના વિદેશપ્રવાસ માટે કરોડો ખર્ચાય છે પણ વિદેશના આ દૃષ્ટિકોણનો અભ્યાસ કરવાનું સૂઝતું નથી. બાળકના ભવિષ્યની ચિંતા ન રહે તો કોઈ માતા-પિતા જીવના જતનને પોતાના હાથે મારી ન નાખે. સાથે જ બાળકો અંગત નહીં પણ રાષ્ટ્રની સંપત્તિ છે એ ભાવના વિકસાવવાની જરૂર છે, માબાપ અને દુકાનોના માલિકોના મગજમાં ઠસાવવાની જરૂર છે. ફટાકડાના કે દિવાસળીના કારખાનામાં દર વર્ષે બળી મરતાં બાળકોના સમાચાર વાંચી કંપારી છૂટે છે. એવા કારખાનાના માલિકો હથેળીમાં સળગતી દિવાસળી મૂકી તો બતાવે.

બુલડોઝરથી તૂટતી ઝૂંપડી જોઈને દોડીને સ્કૂલ-બુક લાવતી બાળાની દર્દભરી આંખો જોઈ તમારા આંખના ખૂણા પણ ભીંજાયા હોય તો માનીશ કે ધ્રૂજતા હાથે લખતો હું એકલો નથી.

-યોગેશ શાહ

relationships childbirth Sociology indian economy Education mental health health tips columnists gujarati mid-day mumbai