અધૂરી ઊંઘ તમારા મસલ્સને ડૅમેજ કરશે

20 June, 2022 01:09 PM IST  |  Mumbai | Rashmin Shah

‘ફિટનેસ અને લાઇફ એક જ સિક્કાની બે બાજુઓ છે, જો લાઇફ છે તો ફિટનેસ કમ્પલ્સરી છે અને જો ફિટનેસ છે તો લાઇફ સૌથી બેસ્ટ છે’

અધૂરી ઊંઘ તમારા મસલ્સને ડૅમેજ કરશે

‘ગુડ્ડન તુમસે ના હો પાએગા’, ‘પોરસ’, ‘નમઃ’ જેવી અનેક સિરિયલ કરી ચૂકેલો અને હમણાં સબ ટીવીના શો ‘મૅડમ સર’માં એન્ટર થયેલો સાવી ઠાકુર આ જ કારણોસર ગમે એટલા કામની વચ્ચે પણ પોતાની ઊંઘ સાથે કોઈ બાંધછોડ કરતો નથી. સાવી કહે છે, ‘ફિટનેસ અને લાઇફ એક જ સિક્કાની બે બાજુઓ છે, જો લાઇફ છે તો ફિટનેસ કમ્પલ્સરી છે અને જો ફિટનેસ છે તો લાઇફ સૌથી બેસ્ટ છે’

ફિટનેસની મારી વ્યાખ્યા બહુ સિમ્પલ છે. દિવસ દરમ્યાનનાં તમામ કામ તમે સરળતા સાથે અને કોઈ પણ જાતના થાક કે કંટાળા વિના કરો અને એ પછી પણ તમારામાં પૂરતી એનર્જી અકબંધ હોય એનું નામ ફિટનેસ. મારે મન ફિટનેસ અને લાઇફ બન્ને એકબીજા સાથે સીધાં કનેક્ટેડ છે. જો લાઇફ છે તો ફિટનેસ જરૂરી છે અને જો ફિટનેસ હોય તો લાઇફ ઈઝી છે. મારું ફૅમિલી બૅકગ્રાઉન્ડ એવું છે જેમાં ફિટનેસની વૅલ્યુ તમને નાની એજમાં જ ખબર પડી જાય. 
મારા ડૅડી આર્મીમાં હતા એટલે નાનપણમાં જ તે અમુક બાબતમાં સ્ટ્રિક્ટ હતા, જેનો મને સીધો ફાયદો થયો છે. મને અત્યારે પણ યાદ આવે છે કે હું નાનો હતો ત્યારે મને પુશ-અપ્સ આવડે નહીં તો તે મને કરીને દેખાડે. પુલ-અપ્સમાં પણ તે એવું જ કરે અને અને ચિન્સ-અપ પણ કરીને દેખાડે. મારે એ જોવાનું અને પછી એ કરવાનું. ઘણી વાર તો ડૅડી પોતે મારી સાથે કૉમ્પિટિશન કરતા અને મારે એનાથી વધારે આ બધી એક્સરસાઇઝ કરીને દેખાડવાની હોય. નૅચરલી હું નાનો હતો એટલે હારી જાઉં પણ એ હારે જ મને ફિટનેસની ચૅલેન્જ ઉપાડવાની આદત આપી, જેનો મને આજે પણ બેનિફિટ થાય છે.
સ્કૂલના દિવસોમાં મારું આઉટડોર ગેમ્સ પર વધારે ધ્યાન ગયું અને હું ક્રિકેટ, બૅડ્મિન્ટન અને વૉલીબૉલ જેવી ગેમ્સમાં નિયમિતતા આવતી ગઈ અને એને લીધે મારી ફિટનેસ અકબંધ રહી તો સાથોસાથ મને એ પણ સમજાયું કે ખાવા-પીવાની બાબતમાં પણ તમારે સજાગ રહેવું પડે. આઉટડોર ગેમ્સનો સૌથી મોટો ઍડ્વાન્ટેજ જો કોઈ હોય તો એ છે સ્પોર્ટ્સમૅન સ્પિરિટ અને આ એવો સ્પિરિટ છે જે તમને લેટ-ગો કરતાં શીખવે. હું કહીશ કે દરેક બચ્ચાએ આઉટડોર ગેમ્સમાં ઍક્ટિવ થવું જોઈએ. કારણ કે આઉટડોર ગેમ્સનો બેનિફિટ આખી લાઇફ દરમ્યાન મળતો હોય છે.
જિમ, હું અને વર્કઆઉટ
જિમની શરૂઆત આમ તો મેં કૉલેજના દિવસોથી જ કરી દીધી હતી. હું ઘણી વાર એવું કહેતો હોઉં છું કે જિમ સાથેનું મારું અફેર કૉલેજના દિવસોથી ચાલતું આવે છે અને એમાં કોઈ ખરાબી પણ મને લાગતી નથી, કારણ કે વર્કઆઉટને લીધે આવતી ફિટનેસ તમને જ પ્રેમ કરવા માટે મજબૂર કરે છે. મારા ફિટનેસ રેજીમ વિશે વાત કરું તો હું વીકમાં છ દિવસ ટ્રેઇનિંગ કરું છું, જેમાં અલગ-અલગ વર્કઆઉટ હોય છે. મસલ્સ પર મારું અત્યારે કામ ચાલે છે એટલે ડબલ મસલ્સ પ્રૅક્ટિસ પર હું ફોકસ રાખું છું.
વર્કઆઉટના કારણે બૉડીમાં આવતો પૉઝિટિવ ચેન્જ, મસલ્સમાં ઊભા થતા કર્વ અને વધતો સ્ટૅમિના જ છે જે મને વર્કઆઉટ માટે સતત મોટિવેટ કરે છે અને એ મોટિવેશનના આધારે જ હું વર્કઆઉટમાં હાર્ડ વર્ક અને કન્સિસ્ટન્સી રાખી શકું છું. લાઇફ આખી મારું ફિઝિક્સ આવું જ રહે એ મારું ડ્રીમ છે અને મને ખબર છે, ડ્રીમ ક્યારેય બેઠાં-બેઠાં પૂરાં ન થાય. એ માટે તમારે તનતોડ મહેનત કરવી પડે.
કન્ટ્રોલ જ બેસ્ટ ઉપાય
હા, જો તમે ડાયટ પર કન્ટ્રોલ ન કરી શકતા હો તો તમે ક્યારેય વર્કઆઉટના બેસ્ટ રિઝલ્ટને જોઈ ન શકો. હેલ્ધી ડાયટ સૌથી ઇમ્પોર્ટન્ટ છે. જો તમે હેલ્ધી ડાયટ ન લેતા હો તો વેઇટલિફ્ટિંગ કરો કે બીજી કોઈ એક્સરસાઇઝ કરો, કોઈ ફરક નથી પડતો. મારી દૃષ્ટિએ બેચાર દિવસ વર્કઆઉટમાંથી તમે રજા લઈ શકો પણ ડાયટમાં એવી કોઈ રજાને સ્થાન નથી.
મારી વાત કરું તો હું જબરદસ્ત ફૂડી છું અને એટલે જ મારા માટે જાતને કન્ટ્રોલ કરવું તો બહુ અઘરું છે. હું ખાવાની બાબતમાં ચીટ-ડે રાખું છું અને એ પણ ખાસ સ્વીટ્સ માટે પણ હા, મેં કહ્યું એમ એ ખાવાનું પણ કન્ટ્રોલ સાથે જ. મને ખબર જ હોય કે મેં શું ખાધું છે અને જે ખાધું છે એની કૅલરી બર્ન કરવા માટે મારે હવે કેટલું વર્કઆઉટ કરવાનું છે. મને ક્રેવિંગ આવે ત્યારે હું મારી જાતને પૂછું કે આવતી કાલે આટલું વર્કઆઉટ તું વધારે કરવાનો હો તો જ આ આઇટમ ખાજે અને જો બીજા દિવસનું મારું શેડ્યુલ ટાઇટ હોય તો હું આજનું મારું ક્રેવિંગ સહન કરી લઉં.
ચુસ્ત ડાયટ પર હોઉં ત્યારે હું શુગર અને સૉલ્ટ ખાવાનું બિલકુલ અવૉઇડ કરું છું. સાથે નો જન્ક ફૂડ, નો કોલ્ડ ડ્રિન્ક્સ. એ સમયે હું મોટા ભાગે સ્ટીમ્ડ વેજિટેબલ્સ, ઓટ્સ, મ્યુસલી, બ્રાઉન રાઇસ લેવાનું રાખું. ટૂંકમાં ફાઇબર અને ઑલ-ગ્રેઇન ફૂડ્સ લઉં તો ફ્રૂટ્સ પણ હું રેગ્યુલરલી લઉં છું.
આપણે ત્યાં ફ્રૂટ્સને સાઇડ-લાઇન કરવામાં આવે છે એ ખોટી વાત છે. મારું માનવું છે કે વેજિટેબલ્સ અને ફ્રૂટ્સ મૅક્સિમમ ખાવાં જોઈએ, જે તમારા બૉડીમાં ઓછામાં ઓછું રહે છે જેને લીધે સ્ટમક રિલેટેડ કે પછી ફૅટ-રિલેટેડ બીમારી આવતી નથી.
કૉમ્પિટિશનમાં આજે આપણે પૂરતી ઊંઘ લેતા નથી પણ પૂરતી ઊંઘ મસલ્સ માટે બહુ જરૂરી છે એટલે પૂરી ઊંઘ પણ લેવી જોઈએ.

 ગોલ્ડન વર્ડ‍્સ
જિમમાં જઈને વર્કઆઉટ કરો કે પછી યોગ, રનિંગ જેવી તમને ગમે એ એક્સરસાઇઝ કરો પણ મહત્ત્વનું એ છે કે એમાં નિયમિતતા જાળવો.

columnists Rashmin Shah