શાસ્ત્રી પરિવાર સાથે પહેલી જ મુલાકાતમાં પ્રદીપજીને ઘરોબો બંધાઈ ગયો

28 June, 2020 10:08 PM IST  |  Mumbai | Rajani Mehta

શાસ્ત્રી પરિવાર સાથે પહેલી જ મુલાકાતમાં પ્રદીપજીને ઘરોબો બંધાઈ ગયો

ડૉ. રાજેન્દ્ર પ્રસાદના હસ્તે પુરસ્કાર સ્વીકારી રહેલા કવિ પ્રદીપ

પ્રણામ ઉન દુલ્હનોં કો મેરા

જીન્હોંને અપના સબ કુછ ગંવાયા

વતન યે ઝિંદા રહે ઇસ લિએ

અપના સુહાગ સિંદુર લૂટાયા‍

યે હૈ શહીદોં કી અમાનતેં

હર વિધવા હૈ પાવન ગંગા

ઇન બહનોં કે બલિદાનોં કો

કભી ન ભૂલેંગા તિરંગા

અપની માંગ ઉજાડ ઉન્હોંને

હમ સબ કા કશ્મીર બચાયા

પ્રણામ ઉન દુલ્હનોં કો મેરા

જીન્હોંને અપના સબ કુછ ગંવાયા 

 

એમ લાગે છે કે આ ગીત કાશ્મીરમાં અને ખાસ કરીને હાલમાં ચીનના સૈનિકો સાથેની   હાથોહાથની લડાઈમાં શહીદ થયેલા ભારતના શૂરવીર જવાનોની બહાદુરીને સલામ કરવા અને  તેમની પત્નીઓના સમર્પણને બિરદાવવા માટે પ્રદીપજીએ લખ્યું હશે.

દુર્ભાગ્યની વાત એ છે કે આ ગીત વિશે ભાગ્યે જ કોઈ પાસે માહિતી છે. મને પણ નહોતી. મને હંમેશાં એમ લાગ્યું છે કે અમુક ગીતોનું ભાગ્ય નવજાત બાળકો જેવું હોય છે. અમુક જન્મતાં જ ગમી જાય છે. અમુકનો જન્મ સાધન-સંપન્ન ઘરમાં થાય એટલે એ ગમવાં જ જોઈએ એવું સમાજમાં નક્કી ઠરાવેલું હોય છે. અમુક પોતાના બલબૂતા પર, ધીમે-ધીમે મહેનત કરીને સફળતા મેળવે છે, જ્યારે કેટલાંક કમનસીબ ગીતો, પૂરતા પાલનપોષણના અભાવે, તંદુરસ્ત હોવા છતાં બાળમરણ પામે છે.

હકીકતમાં આ ગીત વર્ષો પહેલાં લખાયું છે. ૧૯૬૫ના યુદ્ધમાં પાકિસ્તાન સામે ભારતની જીત થઈ, પરંતુ દરેક જીતેલા યુદ્ધ સામે એની આકરી કિંમત ચૂકવવી પડતી હોય છે. મોટે ભાગે સહાનુભૂતિનાં થોડાં પ્લાસ્ટિકનાં ફૂલ, ‘અમર રહો’ના નારા અને ‘લીપ સિમ્પથી’ આપ્યા બાદ શૂરવીર સૈનિકોની શહાદત અને પરિવારની પીડાને આપણે ભૂલી જતા હોઈએ છીએ. 

પંડિતજીની વિદાય બાદ દેશને લાલબહાદુર શાસ્ત્રી જેવા કાબેલ અને નિષ્ઠાવાન વડા પ્રધાન મળ્યા. તેમની ઉપસ્થિતિમાં શહીદોની યાદમાં દિલ્હીમાં એક કાર્યક્રમ યોજાયો હતો. આ ગીત અને એ ઘટના વિશેની વાતો શૅર કરતાં બાપુ (પિતા કવિ પ્રદીપજી)ને યાદ કરતાં મિતુલબહેન મને કહે છે...

 

‘શહીદોને શ્રદ્ધાંજલિ’ આપવા અને તેમના પરિવારોને આર્થિક સહાય મળે એ હેતુથી  દિલ્હીમાં એક ચૅરિટી શોનું આયોજન કરવામાં આવ્યું. ફરી એક વાર શહીદોની સ્મૃતિમાં ગીત તૈયાર કરવાની જવાબદારી બાપુ અને અણ્ણાકાકા (સી. રામચંદ્ર) પર આવી.  મને યાદ છે કે બાપુ અને અણ્ણાકાકા સાથે રિહર્સલ કરવા આશા ભોસલે અમારા ઘરે આવતાં. એ ગીત હતું ‘પ્રણામ ઉન દુલ્હનોં કો.’

‘દિલ્હીના આ કાર્યક્રમ બાદ પંડિતજીની જેમ લાલબહાદુર શાસ્ત્રીજી પણ પ્રદીપજીના ‘ફૅન’ બની ગયા. બહુ ઓછા લોકોને એ વાતની ખબર હશે કે તેમનાં પત્ની લલિતાદેવી કવિતા લખતાં હતાં. આમ પણ શાસ્ત્રીજી ઓછાબોલા હતા એટલે સ્વાભાવિક છે કે પ્રદીપજી અને લલિતાદેવી વચ્ચે કવિતાને કારણે સારું ટ્યુનિંગ થઈ ગયું. લલિતાદેવી બાપુને કહે કે તમારું ‘પિંજરે કે પંછી રે, તેરા દરદ ન જાને કોઈ’ મારું અત્યંત પ્રિય ગીત છે. હું અનેક વાર એ ગીત ગાઉં છું અને દરેક વખતે મારી આંખો આંસુથી છલકાઈ જાય છે.’

 ‘બાપુને તેઓ કહેતાં, ‘આપ મેરે ભાઈ હો. મુઝે ભી લિખને કા શૌક હૈ. આપ મેરી કવિતા દેખિયે’ એમ કહીને પોતે જે કવિતાઓ લખી હતી એ વાંચવા આપી. એ પૂરો દિવસ બાપુએ શાસ્ત્રી પરિવાર સાથે ગાળ્યો અને તેમની સાથે સારો ઘરોબો બંધાઈ ગયો. અફસોસ કે તેમની સાથેની એ પહેલી અને છેલ્લી મુલાકાત હતી. થોડા મહિના બાદ શાસ્ત્રીજીનું તાશ્કંદમાં અવસાન થયું.’

બાપુને એ સમયના રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદના હસ્તે ૧૯૬૧માં સંગીત નાટક અકાદમીનો ‘Best lyricist of the year’ અવૉર્ડ મળ્યો હતો. તેમને બાપુ પ્રત્યે ઘણું માન હતું. બાપુને ૧૯૯૮માં  કે. આર. નારાયણન (રાષ્ટ્રપતિ)ના હસ્તે દાદાસાહેબ ફાળકે પુરસ્કાર મળ્યો હતો. આ ઉપરાંત ડૉ. શંકર દયાલ શર્મા, વાય. બી. ચવાણ, મુરલી દેવરા અને બીજા પૉલિટિશ્યનો તેમનો આદર કરતા. જોકે બાપુએ કદી તેમની સાથેના સંબંધનો ગેરલાભ નહોતો લીધો.

મિતુલબહેન પાસેથી દિલ્હીના કાર્યક્રમની વિગતો જાણ્યા બાદ મને થોડાં વર્ષો પહેલાં સાંભળેલા એક કિસ્સાની યાદ આવી. આવો એક કાર્યક્ર્મ શાસ્ત્રીજીની ઉપસ્થિતિમાં  થયો હતો. એ સિવાય બીજી કોઈ માહિતી મારી પાસે નહોતી. ત્યારે આ કાર્યક્રમ વિશે  એક વાત ઊડતી-ઊડતી આવી હતી, જે મને ‘ગૉસિપ’થી વધુ લાગી નહોતી. બીજું, આ વાતની સચ્ચાઈ જાણવા માટે મારી પાસે કોઈ ઑથેન્ટિક સોર્સ નહોતા. મને વાત એવી મળી હતી કે દિલ્હીના એ કાર્યક્રમમાં જ્યારે આશા ભોસલે આ ગીત રજૂ કરવા ઊભાં  થયાં ત્યારે સાઉન્ડ-સિસ્ટમમાં ગરબડ થઈ અને લાંબા સમય સુધી એ ઠીક નહોતી થઈ. આખરે કામચલાઉ વ્યવસ્થા કરવામાં આવી (જે સંતોષકારક નહોતી) અને આ ગીતની રજૂઆત થઈ. જ્યારે મિતુલબહેન પાસેથી આ કાર્યક્રમની માહિતી મળી ત્યારે મનમાં એક વાર થયું કે તેમની પાસે આ વાતની સચ્ચાઈ કન્ફર્મ કરું; પરંતુ મને એ ઉચિત ન લાગ્યું.

ઇમર્જન્સીના દિવસોમાં હાસ્યકાર વિનોદ ભટ્ટની એક સરસ રમૂજ જાણીતી થયેલી એ અત્યારે યાદ આવે છે. પોલીસને એક ફરિયાદ મળી કે એક વ્યક્તિ જાહેરમાં, રસ્તા પર ઊભો-ઊભો ઇમર્જન્સી માટે સરકારને ગાળો આપે છે.

થોડી જ વારમાં પોલીસ ત્યાં પહોંચીને તેને દંડા મારી-મારીને અધમૂઓ કરી નાખે છે. પેલો કહે, ‘સાહેબ, મારો વાંક-ગુનો શું છે? હું તો વાજપેયીજીને ગાળ આપતો હતો.’                                       

આ સાંભળીને પોલીસ કહે છે, ‘ભલા માણસ, પહેલાં કહેવું જોઈએને? ખોટો માર ખાધો. અમારા મનમાં તો બીજું જ કોઈ નામ હતું.’

આટલું કહીને પોલીસે તેને છોડી દીધો. જતાં-જતાં પેલાએ પૂછ્યું, ‘સાચું કહેજો સાહેબ, તમારા મનમાં કોણ હતું?’

એક ખુલાસો કરવાનો છે. વિનોદ ભટ્ટની આ રમૂજને દિલ્હીના કાર્યક્રમમાં થયેલી ગડબડ સાથે કોઈ સંદર્ભ નથી. આજકાલ સંગીતના કાર્યક્રમોમાં બે ગીતની વચ્ચે સંચાલક થોડા ગલગલીયા કરાવવા વૉટ્સઍપના જોક્સ સંભાળવતા હોય  છે, જેને ગીતો સાથે સ્નાન-સૂતકનો સંબંધ નથી હોતો. એમનું કહેવું છે શ્રોતાઓને થોડી ગમ્મત કરાવવા માટે આવું જરૂરી છે. ઇમર્જન્સીની આ રમૂજ એવી જ એક ગમ્મત છે. જેમને  સંદર્ભ શોધવા હોય તેમને છૂટ છે.

દિલ્હીના એ કાર્યક્રમમાં આવું કાંઈ બન્યું હતું કે નહીં? બન્યું હોય તો એ કેવળ સંયોગ હતો કે પછી કોઈએ ઊભું કરેલું  સંકટ? ઘણા પ્રશ્નોના ઉત્તર ન મળે એમાં જ મજા છે. મૌન ઘણી વાર એટલું બોલકું હોય છે કે એ ઘણું બધું કહી જાય છે. શબ્દો અર્થને સીમિત કરી નાખે છે. ‘બાંધી મુઠ્ઠી લાખની’ એ વાત ખોટી નથી. આ વાતની વધારે ચર્ચા  કરવા જેવી નથી. ફિલ્મ-ઇન્ડસ્ટ્રી કે પછી જીવનનાં અનેક ક્ષેત્રોમાં અમુક ઘટનાઓ એવી બનતી હોય છે જેનાં કારણોમાં અને હકીકતમાં પડવા જેવું હોતું નથી. જીવનમાં ડગલે ને પગલે સમાધાન કરીને નિયતિના નિર્ણયનો સ્વીકાર કરવો પડે છે.

ફરી એક વાર પ્રદીપજીના જીવનકવનને યાદ કરીએ. પ્રદીપજી કેવળ દેશપ્રેમનાં ગીતોને કારણે લોકપ્રિય નહોતા. તેમણે પ્રેમની સંવેદના, સમાજની સળગતી સમસ્યાઓ, માની મમતા અને બાળપણની મીઠી યાદોને ઉજાગર કરતાં અનેક ગીતો લખ્યાં છે. આ ગીતોની યાદી આ પહેલાં હું આપી ચૂક્યો છું. ફરી એક વાર મારી લાઇબ્રેરીમાં પ્રદીપજીનો જે ઇન્ટરવ્યુ છે એ વાતો શૅર કરું છું.

‘આપણામાંથી કોણ એવું છે જે પોતાના બાળપણને યાદ કરવા નથી માગતું. દુનિયાની કોઈ દોલત તમારા બાળપણને ખરીદી ન શકે. મોટા થયા બાદ સંબંધોનાં અમુક બંધનો છૂટી જાય છે, પરંતુ બાળપણનાં બંધન કદી છૂટતાં નથી. એટલે જ આ ગીત મને પ્રિય છે...

જો દિયા થા તુમને એક દિન,

મુઝે ફિર વો પ્યાર દે દો.

એક કર્ઝ માંગતા હૂં

બચપન ઉધાર દે દો.

(ફિલ્મ – સંબંધ -- ઓ. પી. નૈયર)

માં કી મમતા કા કોઈ મોલ નહીં હોતા. મા અને બાળકના પ્રેમ જેવો વિશુદ્ધ કોઈ પ્રેમ નથી. હું એ અનુભૂતિને મારા શબ્દો દ્વારા વ્યક્ત કરવાની કોશિશ કરું છું...   

ચલો ચલે માં

સપનોં કે ગાંવ મેં

કાંટેં સે દૂર કહીં

ફૂલોં કી છાંવ મેં

(ફિલ્મ – જાગૃતિ -– હેમંતકુમાર)

આ દુનિયામાં શોહરત અને દૌલતની બુલંદી પર પહોંચ્યા બાદ અનેક લોકો ગુમનામીના અંધારામાં જતા રહે છે. તેમના દર્દને વાચા આપવા મારી કલમને શબ્દો ફૂટે છે...

અંધેરે મેં જો બેઠેં હૈં

નઝર ઉન પર ભી કુછ ડાલો

અરે ઓ રોશનીવાલોં

બુરે ઇતને નહીં હૈ હમ

જરા દેખો જરા ભાલો

અરે ઓ રોશનીવાલોં

(ફિલ્મ – સંબંધ -– ઓ. પી. નૈયર)

દરેક રાષ્ટ્રમાં વૃદ્ધો જતાં-જતાં યુવાનોને સંદેશ આપતા જાય છે. આપણા પૂર્વજોએ ઘણી કુરબાની આપી છે. અમે પણ અમારાથી બનતું કર્યું છે. ‘હમ ગિરતી હુઈ દીવારે હૈં. હમ મિટ જાએંગે. આપ ભવિષ્ય કે નેતા હૈ.’ કૃપા કરીને એક વાતનું ધ્યાન રાખજો કે મુશ્કેલીઓથી, કુરબાનીઓથી આઝાદી મળી છે. તમારું કર્તવ્ય છે કે એને સંભાળીને રાખજો.

પ્રદીપજીએ પોતાના જીવનકાળ દરમ્યાન દેશપ્રેમનાં અનેક યાદગાર ગીતો લખ્યાં. મજાની વાત એ છે કે આ ગીતો પાકિસ્તાનમાં પણ એટલાં જ લોકપ્રિય હતાં. મનોરંજન માટે આપણી ફિલ્મો અને ટીવી-શો પર નિર્ભર રહેતા પાકિસ્તાનના ફિલ્મ-પ્રોડ્યુસર્સ આપણી અનેક લોકપ્રિય ફિલ્મોની ‘ફ્રેમ ટુ ફ્રેમ’ કૉપી કરતા હોય છે. પહેલી વાર એવું બન્યું કે ફિલ્મ ‘જાગૃતિ’ (૧૯૫૪)ની વાર્તાની ‘ફ્રેમ ટુ  ફ્રેમ’, ગીતોની ‘ટ્યુન ટુ ટ્યુન’ અને ‘વર્ડ ટુ વર્ડ’ (નજીવા ફેરફાર સાથે, જે અનિવાર્ય હતું) કૉપી કરવામાં આવી. ફિલ્મ ‘જાગૃતિ’નાં ચાર ગીતો યાદ કરાવું, જે પાકિસ્તાનની ફિલ્મ ‘બેદારી’ (૧૯૫૭)માં નજીવા ફેરફાર સાથે લેવામાં આવ્યાં.

પહેલું ગીત હતું, ‘આઓ બચ્ચોં તુમ્હે દિખાએ ઝાંકી હિન્દુસ્તાન કી, ઇસ મિટ્ટી સે તિલક કરો યે ધરતી હૈ બલિદાન કી’ આ ગીતમાં જે બદલાવ થયો એ હતો ‘આઓ બચ્ચોં તુમ્હે કરાંએ સૈર પાકિસ્તાન કી, ઇસ કી ખાતિર હમને દી કુરબાની લાખોં જાન કી.’

બીજું ગીત હતું, ‘હમ લાયે હૈં તૂફાન સે કશ્તી નિકાલ કે, ઇસ દેશ કો રખના મેરે બચ્ચોં સંભાલ કે’ ગીતમાં ‘દેશ’ શબ્દની જગ્યાએ ‘મુલ્ક’ લખીને આખું ગીત ફિલ્મમાં રજૂ થયું છે.

ત્રીજું ગીત હતું, ‘દે દી હમે આઝાદી બિના ખડ્‍ગ બિના ઢાલ, સાબરમતી કે સંત તુને કર દિયા કમાલ’. આ ગીતના શબ્દોમાં ફેરફાર કર્યો, ‘દે દી હમેં આઝાદી દુનિયા હુઈ હૈરાન, અય કાયદે આઝમ તેરા અહેસાન હૈ અહેસાન.’  

ચોથું ગીત હતું, ‘ચલો ચલે માં, સપનોં કે ગાંવ મેં, કાંટોં સે દૂર કહીં ફૂલોં કી છાંવ મેં’ જેમાં કોઈ ફેરફાર થયો નહોતો.

ફાઇનૅન્શિયલ બૅન્કરપ્ટસી સાથે કલ્ચરલ બૅન્કરપ્ટસીનો રોગ પાકિસ્તાન માટે ઘણો જૂનો છે, એની આનાથી વધારે બીજી સાબિતી કઈ હોઈ શકે? એ કોણ બોલ્યું કે There is nothing original in this world. તેમને ગાલિબનો શેર યાદ કરાવતાં એટલું જ કહેવું છે, ‘દિલ કો બહલાને કે લિએ યે ખયાલ અચ્છા હૈ.’ નકલ કરવામાં પણ અક્કલ હોવી જોઈએ. આમ પણ તમારા કામની નકલ થાય એ જ તમારી સફળતાનો મોટામાં મોટો પુરાવો છે. આ વાતથી પ્રદીપજી અજાણ નહોતા.

columnists rajani mehta