વીગનિઝમમાં ફૂડ માત્ર ૨૦ ટકા, બાકી મન-કર્મથી અહિંસક જીવનશૈલી મહત્ત્વની છે

31 July, 2024 07:15 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અમે જ્યારે વીગનિઝમ સમજાવવાની વર્કશૉપ કે એક્ઝિબિશન્સ કરીએ ત્યારે લોકો બહુ ખુશ થઈ જાય. વીગન દહીંવડા, દૂધપાક ખાઈને ખૂબ વખાણ કરે, પણ ઘરે જાય એટલે પાછું હતું એનું એ

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

હું અને મારી પત્ની છેલ્લાં ૩૪ વર્ષથી સંપૂર્ણ વીગન છીએ. પર્સનલી મને એનો ખૂબ બેનિફિટ થયો છે. બેનિફિટ બધી જ રીતનો; ફિઝિકલ, મેન્ટલી, સ્પિરિચ્યુઅલ અને ફાઇનૅન્શિયલ પણ. મારા જેવા અનેક લોકો તમને મળશે અને હા, આ જસ્ટ થિયરી કે માન્યતા નથી. એ પ્રૂવન ફૅક્ટ છે.

વીગન થવાની વાત આવે ત્યારે ફૂડમાં શું ખાવું અને શું ન ખાવું એની વાતોમાં જ મોટા ભાગનું ડિસ્કશન સમાઈ જાય, પણ હકીકતમાં વીગનિઝમમાં ફૂડ તો માત્ર ૨૦ ટકા જ હિસ્સો ધરાવે છે. ૮૦ ટકા ભાગ આપણે મન, વચન, કાયાથી જે કરીએ છીએ, બોલીએ છીએ કે વિચારીએ છીએ એનો ભાગ છે. વીગનિઝમનું ખરું હાર્દ છુપાયેલું છે અહિંસક, ઈગોલેસ, ટ્રુથફુલ અને પ્રામાણિક જીવન જીવવું; મન, વચન અને કર્મ ત્રણેયથી. આપણા વિચારો, પ્રવૃત્તિઓ, વાતો, કર્મો એવાં હોવાં જોઈએ જે કોઈનેય હાનિ ન પહોંચાડે.

ભગવાને આપણને પૃથ્વી પર મોકલ્યા ત્યારે પ્રેમ, ખુશી, સફળતા મળે એવા આશીર્વાદ સાથે જ મોકલ્યા હશે, પણ એમ છતાં આપણે ડર, ચિંતા, પેઇન અને દુઃખમાં જ કેમ છીએ? એનું કારણ છે આ બધું જ આપણાં કર્મો સાથે સંકળાયેલું છે. દરેક જીવ પાસે શરીર અને મન છે, પણ સોલ એટલે કે આત્મા તો બધાનો એક જ છે. મારો, તમારો, હાથી-ઘોડા હોય કે માખી, બધાનો આત્મા એક જ છે. આઇડિયલી આપણે આત્માનો અવાજ સાંભળીને એને અનુસરવાનું હોય, પણ ગરબડ થાય છે જ્યારે આપણે મનના હાથમાં છૂટોદોર આપી દઈએ છીએ. સતત મન હાવી થયેલું રહેતું હોવાથી આત્માનો અવાજ, એની પ્રતીતિ ધીમે-ધીમે ઝાંખી થતી જાય છે અને માઇન્ડ હાવી થતું જાય છે. મન એવું સુંદર મશીન છે જેનો આત્મા દ્વારા ઉપયોગ થવો જોઈએ, પણ આપણે ત્યાં માઇન્ડ આત્માનો ઉપયોગ કરતું થઈ જતું હોવાથી ડિઝૅસ્ટર થઈ રહ્યાં છે. એટલે જ આપણે અનકૉન્શિયસ માઇન્ડથી જીવીએ છીએ.

આપણા ગુજરાતીઓ મોટા ભાગે વેજિટેરિયન જ હોય છે. તેમને માત્ર દૂધનું જ ઍડિક્શન હોય છે. અમે જ્યારે વીગનિઝમ સમજાવવાની વર્કશૉપ કે એક્ઝિબિશન્સ કરીએ ત્યારે લોકો બહુ ખુશ થઈ જાય. વીગન દહીંવડા, દૂધપાક ખાઈને ખૂબ વખાણ કરે, પણ ઘરે જાય એટલે પાછું હતું એનું એ. આપણને સમજાતું નથી કે દૂધ ઍડિક્ટિવ છે. જો એક વાર એના ઍડિક્શનમાંથી બહાર આવી જાઓ તો દુનિયા બહુ વિશાળ લાગશે. હું કહેતો હોઉં છું કે માત્ર ૨૧થી ૩૦ દિવસ માટે દૂધ લેવાનું બંધ કરો. મોટા ભાગે આટલા સમયમાં દૂધના ઍડિક્શનમાંથી બહાર આવી જવાશે. દૂધની આદતમાંથી છૂટશો એ પછીના અનુભવો પણ અદ્ભુત હશે એની ગૅરન્ટી આપું છું.

 

- હર્ષદ પારેખ (હર્ષદ પારેખ વર્લ્ડ વીગન વિઝન-મુંબઈના પ્રેસિડન્ટ છે અને છેલ્લાં પચીસ વર્ષથી વીગનિઝમના પ્રચાર અને પ્રસાર માટે વર્કશૉપ્સ અને એક્ઝિબિશન યોજે છે.)

columnists Gujarati food indian food