સંઘર્ષના દિવસોમાં સંગીતકાર રવિ ઇલેક્ટ્રિશ્યન તરીકે નાના-મોટા કામ કરતા

24 January, 2021 04:18 PM IST  |  Mumbai | Rajani Mehta

સંઘર્ષના દિવસોમાં સંગીતકાર રવિ ઇલેક્ટ્રિશ્યન તરીકે નાના-મોટા કામ કરતા

સંગીત વિના જીવનનું કોઈ પ્રયોજન નથી એ હકીકત છે. સંગીતના સથવારા વિનાનો દિવસ વેડફાઈ ગયો હોય એવું લાગે. એક યહૂદી લોકકથા યાદ આવે છે. ઈશ્વરે જ્યારે સૃષ્ટિનું નિર્માણ કર્યું ત્યારે તેણે દેવદૂતોને પૂછ્યું, ‘મારી આ કૃતિમાં તમને કોઈ ખામી લાગે છે?’ જવાબ મળ્યો, ‘એક જ ચીજ ખૂટે છે, રચનારનો આભાર વ્યક્ત કરીને તેની પ્રશંસા કરવા માટેનો ધ્વનિ.’ અને ઈશ્વરે રચ્યો પંખીઓનો કલબલાટ, પવનની લહેરખીની કાનાફૂસી, સાગરનાં મોજાંઓનો શાંત ઘૂઘવાટ અને મનુષ્યના હૃદયમાં સંગીત.’

મારી અને તમારી વાત કરીએ તો સામાન્યજનોમાં ગુંજતું સંગીત એટલે આપણું ફિલ્મસંગીત. એના વિના આપણા જીવનની કલ્પના કરવી મુશ્કેલ છે. આ સંગીતકારોનાં ગીતો આપણા ડીએનએમાં એવાં સમાઈ ગયાં છે કે જો એને માપવાનું કોઈ સાધન શોધાય તો ખબર પડે કે એની માત્રા જોઈએ એના કરતાં વધુ પ્રમાણમાં છે. સામાન્ય કૉલેસ્ટરોલનું પ્રમાણ શરીરમાં વધારે હોય તો હાનિકારક છે, પરંતુ ગુડ કૉલેસ્ટરોલની માત્રા વધારે હોય તો એ સારી વાત છે. સંગીતમાં પણ એવું જ છે. ઘોંઘાટ અને અર્થહીન સંગીત નુકસાન કરે એવું કૉલેસ્ટરોલ છે. જ્યારે દિલો-દિમાગને સુકૂન આપતું સંગીત ગુડ કૉલેસ્ટરોલ જેવું છે અને એ મળે છે આપણા વીતેલા યુગનાં અમર ફિલ્મી ગીતોથી. એ સમયના એવા જ એક ગુણી સંગીતકાર રવિની સંગીત-સફરની વાતો મને તેમની સાથેની મુલાકાતમાં જાણવા મળી એ તમારી સાથે શૅર કરું છું...

રવિશંકર શર્માનો જન્મ ૧૯૨૬ની ૩ માર્ચે હરિયાણાના એક ગામના મધ્યમવર્ગીય પરિવારમાં થયો હતો. પિતા નોકરિયાત હતા. તેમના જન્મ બાદ થોડા સમયમાં પરિવાર દિલ્હી આવ્યો. પિતાને સંગીતનો શોખ હતો. તેઓ ભજન સુંદર રીતે ગાતા. ઘરમાં સંગીતનું વાતાવરણ હતું એટલે નાનપણથી રવિને સંગીત પ્રત્યે રુચિ હતી. 

એ દિવસોને યાદ કરતાં રવિ કહે છે, ‘ફિલ્મોનાં ગીતો ગાવાનો મને શોખ હતો. એ દિવસોમાં ‘પુકાર’ ફિલ્મનું એક ભજન ‘તુમ બિન હમરી કૌન ખબર લે ગોવર્ધન ગિરધારી’ મને ખૂબ ગમતું. હું બરાબર એની નકલ કરીને ગાતો (આમ કહેતાં તેઓ બાજુમાં પડેલા હાર્મોનિયમ પર આ ગીત ગાય છે). પહેલી વાર ‘ક્લિક કીર્તન મંડળ’માં આ ભજન સ્ટેજ પરથી ગાયું. એ સમયે હું ૮-૯ વર્ષનો હતો. એ પછી મારી હિંમત વધી અને હું નિયમિત ગીતો ગાવા માંડ્યો.’

 ‘શ્રોતાઓની તાળીઓ મળતી એટલે મને પોરસ ચડતું. એ જોઈને બીજા છોકરાઓને મારી ઈર્ષ્યા થતી. એ દિવસોમાં પિતાજી હાર્મોનિયમ પર મારી સાથે સંગત કરતા. એક દિવસ તેમની ગેરહાજરીમાં એક છોકરો મારી સાથે હાર્મોનિયમ વગાડતો હતો. તેણે જાણીજોઈને મને ખોટો સૂર આપ્યો અને ગાતાં-ગાતાં હું બેસૂરો થઈ ગયો. લોકો મારા પર હસવા લાગ્યા. એ દિવસે મેં નક્કી કર્યું કે મારે હાર્મોનિયમ શીખવું જોઈએ.’

 ‘મને તીખું ખાવાનો શોખ હતો. પિતાજીના એક મિત્ર હતા. તેઓ મને પોતાના પુત્ર સમાન પ્રેમ કરે. મને કહે, તીખું ખાવાનું ઓછું કર. તારા ગળા માટે એ સારું નથી. મેં તેમનું કહ્યું માન્યું. તેઓ મારા પર ખુશ થયા અને મને એક હાર્મોનિયમ ભેટ આપ્યું.’

 ‘મને ભણવામાં બહુ રસ નહોતો. મોટા ભાગે હાર્મોનિયમ લઈને મારાં ગમતાં ગીતોની નકલ કરતો. નાના-મોટા કાર્યક્રમમાં ગીતો ગાવાથી લોકોની પ્રશંસા મળતી એટલે હું રાજી થઈ જતો. ૧૦મા ધોરણમાં હું નાપાસ થયો એટલે નોકરીની શોધ શરૂ થઈ. એ માટે પ્રાઇવેટ ક્લાસિસમાં કોચિંગ લઈને પરીક્ષા આપીને ૧૦મું ધોરણ પાસ કર્યું. ત્યાર બાદ ઇલેક્ટ્રિશ્યનની પરીક્ષા પાસ કરીને નાનાં-મોટાં કામ કરવાની શરૂઆત કરી.’

 ‘નાનો હતો ત્યારે દિલ્હીમાં ‘વર્લ્ડ ટ્રેડ ફેર’ ભરાયો હતો. એ દિવસોમાં ભારતમાં હજી ટૅપરેકૉર્ડર આવ્યાં નહોતાં. એમાં એક સ્ટૉલ હતો, જેમાં એક મશીન એવું જોયું કે તમે જે બોલો એ અવાજ રેકૉર્ડ થાય અને પાછો આપણને સંભળાય. લોકોને ખૂબ નવાઈ લાગતી. મેં પેલા માણસને પૂછ્યું કે હું કંઈ પણ બોલું કે ગીત ગાઉં તો પાછું સંભળાશે? પેલો કહે, ‘કેમ નહીં? હું અંદર બૂથમાં બેઠો અને ગીતની બે પંક્તિઓ ગાઈ. મનમાં રોમાંચ હતો કે મારો અવાજ કેવો લાગશે? જ્યારે સાંભળ્યું તો લાગ્યું કે અરે, મારો અવાજ તો રફીસાહેબ જેવો છે. મનોમન નક્કી કર્યું કે બસ, મારે તો તેમની જેમ પ્લેબૅક સિંગર બનવું છે. આમ મનમાં દિવાસ્વપ્ન જોવા લાગ્યો.’

 ‘૧૯૪૫માં મને પોસ્ટ ઍન્ડ ટેલિગ્રાફ ડિપાર્ટમેન્ટમાં નોકરી મળી ગઈ. એ દિવસોમાં ઘરથી ૧૩ કિલોમીટર દૂર કૅન્ટોનમેન્ટ એરિયામાં મારી ઑફિસ હતી. સવારે ૬ વાગ્યે ઊઠું, તૈયાર થઈ નીકળું. પાછો આવું ત્યારે રાતે ૧૦ વાગ્યા હોય. થોડો ઘણો ફુરસદનો સમય મળે ત્યારે ગીતો ગાતો અને મજા લેતો. દિલ્હી રેડિયો સ્ટેશન પર મેં ગાયું છે (સંગીતકાર રવિ સાથે મારી મુલાકાત થઈ ત્યારે તેમની બાજુમાં જ હાર્મોનિયમ હતું. ભૂતકાળને વાગોળતાં તેઓ એટલા રોમાંચિત થઈ જતા  કે મૂડમાં આવીને ગાવાનું શરૂ કરી દેતા).

મેં પ્રશ્ન કર્યો કે પ્લેબૅક સિંગર બનવાનો વિચાર કરતા હતા એમાંથી સંગીતકાર કેવી રીતે બની ગયા. એના જવાબમાં રવિ કહે છે, ‘નાનપણમાં ઘેલછા હતી કે સિંગર બનવું છે, પરંતુ થોડી મૅચ્યોરિટી આવી ત્યારે સમજાયું કે મારા કરતાં અનેક બહેતર સિંગર ઇન્ડસ્ટ્રીમાં છે. આમાં મારો નંબર ક્યારે લાગે. જો ઇન્ડસ્ટ્રીમાં જવું હોય તો સંગીતકાર તરીકે જઈ શકાય. જોકે એ માટે શું કરવું એની કાંઈ ખબર નહોતી. એ દિવસોમાં મોહમ્મદ રફી મારા ફેવરિટ સિંગર હતા. ૧૯૪૭માં ભારત આઝાદ થયું એ નિમિત્તે ભારત સરકારે ‘જશને જમ્હૂરિયત’ નામના કાર્યક્રમનું આયોજન કર્યું હતું. એમાં મુંબઈથી મુકેશજી, રફીસા’બ અને બીજા સિંગર્સ આવવાના હતા. મેં નક્કી કર્યું કે મારે રફીસા’બને મળવું છે.’

 ‘તેમનો ઉતારો કોરોનેશન હોટેલમાં હતો. તેમની સાથે મારા મિત્રો થ્રૂ મારી મુલાકાત ગોઠવાઈ. મેં મારા મનની વાત કરી કે મારે સંગીતકાર બનવું છે. તેમણે સલાહ આપી કે એ માટે તાલીમ લેવી જરૂરી છે. રાગરાગિણીની પૂરી સમજ હોવી જોઈએ. નોટેશન્સની જાણકારી જરૂરી છે. બીજી અનેક બારીકીઓની ખબર હોવી જોઈએ. અનુભવ લેવા કોઈ સંગીતકાર સાથે કામ કરવું પડે. એ માટે મુંબઈ આવવું જરૂરી છે. એ દિવસે તેમના મોટા ભાઈ સાથે પણ મારી મુલાકાત થઈ.’

 ‘એ દિવસ બાદ દિવસ-રાત મનમાં એક જ વિચાર આવે કે મારે મુંબઈ જવું છે. ૧૯૫૦માં મારી ટ્રાન્સફર પઠાણકોટ થવાનો ઑર્ડર આવ્યો. મેં મૅનેજમેન્ટને વિનંતી કરી કે મને મુંબઈ મોકલો. તેમણે ના પાડી. મેં કહ્યું, મને વિચારવાનો સમય આપો. મનમાં હતું કે એક વાર મારે મુંબઈ જવું જોઈએ. ૧૫ દિવસની રજા લઈને હું મુંબઈ આવ્યો. શું કરવું, કોને મળવું એની ખબર નહોતી. રઝળપાટમાં ૧૫ દિવસ નીકળી ગયા. મેં બીજા ૧૫ દિવસની રજા માગી. એ પણ પૂરી થઈ અને હું દિલ્હી પાછો આવી ગયો. આવીને એક નિર્ણય કર્યો કે ગમે તે થાય, મારે મુંબઈ જવું છે અને મેં નોકરીમાંથી રાજીનામું આપી દીધું.’

સંગીતકાર રવિની વાતો સાંભળીને મને યાદ આવ્યું કે સી. રામચંદ્ર, ખૈયામ, જયદેવ અને ઓ. પી. નૈયર જેવા સંગીતકારોના જીવનમાં ‘જાતે થે જપાન, પહોંચ ગયે ચીન’ જેવી ઘટનાઓની એક પૅટર્ન હતી. દરેક મુંબઈ આવ્યા હતા, પણ સંગીતકાર બનવા નહીં. ઓ. પી. નૈયર સાથેની મારી મુલાકાતમાં તેમણે કહ્યું હતું કે મને વહેમ હતો કે હું એક સારો સિંગર છું, એટલે મારું સપનું પ્લેબૅક સિંગર બનવાનું હતું. એ દિવસોમાં મારી પર્સનાલિટી જોઈને લોકો કહેતા કે તારે તો હીરો બનવું જોઈએ. આ વાત સાંભળી હું તો મનોમન ફુલાઈ જતો કે મારી પાસે કેટલી ટૅલન્ટ છે. એ વિચારીને હું અમ્રિતસરથી મુંબઈ આવ્યો અને બૉમ્બે ટૉકીઝના એસ. મુખરજીને મળ્યો. મારું ગીત સાંભળીને તેમણે ચોખ્ખું કહ્યું કે પ્લેબૅક સિંગર બનવાનો કોઈ ચન્સ નથી. મેં કહ્યું કે તો પછી હીરો તરીકે મોકો આપો. તો કહે, તું હૅન્ડસમ છે એનો અર્થ એ નથી કે તું હીરો બની શકે. ઍક્ટિંગ કરવી એ તારું કામ નથી. એના કરતાં તારી પાસે જે સંગીતનું નૉલેજ છે એના પર ધ્યાન આપ. એ દિવસથી મારો નશો ઊતરી ગયો અને મેં સિંગર કે હીરો બનવાનાં સપનાં છોડી દીધાં.

આવું જ કંઈક સંગીતકાર સી. રામચંદ્ર, જયદેવ અને ખૈયામના કિસ્સામાં બન્યું હતું (આ વાતો વિસ્તારથી ખૈયામની સિરીઝમાં લખી ચૂક્યો છું). દરેક જર ફિલ્મોમાં હીરો બનવાના ઇરાદા સાથે મુંબઈ આવ્યા હતા. અમુક સાઇલન્ટ ફિલ્મોમાં જયદેવને કામ પણ મળ્યું હતું. આપણાં નસીબ સારાં હતાં કે આ ગુણી સંગીતકારોને ફિલ્મોમાં કામ કરવાનો મોકો ન મળ્યો અને સંગીતપ્રેમીઓને અનેક અમર ગીતો મળ્યાં.

રવિ કોઈ પણ હિસાબે મુંબઈ જવા મક્કમ હતા. એમ કહેવાય છે કે Unless you are mad about something, You don’t achieve that thing. સપનાં પૂરાં કરવા માટે વિપરીત સંજોગોનો સામનો કરવાની હિંમત અને સફળતા ન મળે ત્યાં સુધી પ્રયત્ન કરવાનું ધૈર્ય જેનામાં હોય એવા સાહસવીરોને મુંબઈ કદી નિરાશ નથી કરતું, કારણ કે Mumbai is a city of dreams.     

શરૂઆતના દિવસોની સ્ટ્રગલની વાત કરતાં રવિ કહે છે, ‘મેં ફરી પાછો મુંબઈ જવાનો નિર્ણય કર્યો. મારી પાસે પૈસા તો હતા નહીં. પિતાજીએ કહ્યું, હિંમત ન હારતો. તેમની પાસેથી થોડા પૈસા લઈને પત્ની અને નાની દીકરીને મૂકીને હું મુંબઈ આવ્યો. એ દિવસોમાં હું સી. પી. ટૅન્ક પાસે આવેલા હીરાબાગની ધર્મશાળામાં રહેતો. દિવસભર સ્ટુડિયોનાં ચક્કર કાપતો. કોઈએ સલાહ આપી કે તારો અવાજ સારો છે તો કોરસ સિંગર તરીકે શરૂઆત કર. નસીબજોગે સંગીતકાર હુસ્નલાલ ભગતરામના કોરસ-ગ્રુપમાં જૉઇન થયો. કામ હોય તો ૫૦ રૂપિયા મળે. બીજું કામ ન મળે ત્યાં સુધી એટલામાં જ ગુજારો કરવો પડે. દિલ્હીથી આવ્યો ત્યારે સાથે ઇલેક્ટ્રિશ્યન પાસે જરૂરી હોય એ સાધનો લેતો આવ્યો હતો. લોકોનાં નાનાં-મોટાં કામ મળે એ કરીને બે પૈસા કમાતો. મારી જેમ સ્ટ્રગલ કરતા હોય તેઓ તકલીફમાં હોય તો મારી હેસિયત પ્રમાણે આર્થિક મદદ કરતો. અમુક લોકોએ આનો લાભ લીધો. મારી તકલીફના સમયે દરેક આઘાપાછા થઈ જતા. એ દિવસોમાં પિતાજીનો પગાર ૮૦ રૂપિયા હતો, જેમાંથી ૪૦ રૂપિયા મને મોકલતા. પૈસા ખલાસ થઈ જાય તો સ્ટેશન પર, રસ્તા પર સૂવું પડે. દુકાનના ઓટલા પર સૂતો છું. ચંપલ ફાટી ગયાં હોય. દિવસો સુધી આઠ આનાની એક થાળી અને એક કપ ચા પર ગુજારો કરવો પડતો. એક દિવસ એવું થયું કે એક રિહર્સલમાં ચાર વખત મારી ટ્રાયલ લેવાઈ અને એ લોકોએ મને રિજેક્ટ કર્યો. મેં હાથ-પગ જોડ્યા કે મને કામ આપો. એ દિવસોનો સંઘર્ષ આજે પણ ભૂલ્યો નથી.’

 ‘મને પહેલી વાર લીડ કોરસ સિંગર તરીકે ગાવાનો મોકો ફિલ્મ ‘નૌજવાન’ (૧૯૫૧)માં મળ્યો. ગીત હતું, ‘ઝનક ઝનક ઝનનન ઝનનન, ઝરા ઝૂમ લે જવાની કા ઝમાના હૈ’ – સંગીતકાર સચિન દેવ બર્મન, ગાયક કલાકાર મોહમ્મદ રફી, ગીતા દત્ત. (ગાઈને સંભળાવે છે) ત્યાર બાદ ૧૯૫૨માં મને હેમંતકુમારના સંગીત-નિર્દેશનમાં ફિલ્મ ‘આનંદ મઠ’ના વિખ્યાત ગીત ‘વંદે માતરમ’માં કોરસમાં ગાવાનો મોકો મળ્યો (લતા મંગેશકરનું આ ગીત ૨૧ રીટેક પછી રેકૉર્ડ થયું હતું). આ રેકૉર્ડિંગ મારા જીવનનો ટર્નિંગ પૉઇન્ટ બની ગયું. હેમંતકુમાર સાથે મારી ઓળખાણ થઈ. હેમંતકુમારનું ઉર્દૂનું નૉલેજ ઓછું હતું એટલે હું તેમને મદદ કરતો. તેઓ મારાથી ખુશ હતા. એક દિવસ તેમણે કહ્યું, ‘તું મારો અસિસ્ટન્ટ બની જા.’ એ દિવસે મનમાં અહેસાસ થયો કે મારા સપનાની મંઝિલનું આ પહેલું પગથિયું છે.

columnists rajani mehta