લૉકડાઉનમાં આ ભાઈ બની ગયા છે ફૅમિલીના ફેવરિટ સ્નૅક્સ શેફ

12 June, 2020 08:16 PM IST  |  Mumbai | Bhakti Desai

લૉકડાઉનમાં આ ભાઈ બની ગયા છે ફૅમિલીના ફેવરિટ સ્નૅક્સ શેફ

હેમેશ શાહ ખાખરા, બિસ્કિટભાખરી, ચકરી, ખારી સિંગ જેવા ૭૦થી વધારે નાસ્તાઓ બનાવી ચૂક્યા છે

બોરીવલીમાં રહેતા હેમેશ શાહ ખાખરા, બિસ્કિટભાખરી, ચકરી, ખારી સિંગ જેવા ૭૦થી વધારે નાસ્તાઓ બનાવી ચૂક્યા છે અને આગામી દિવસોમાં શું બનાવશે એની યાદી પણ તૈયાર કરીને બેઠા છે

હાલમાં પુરુષો ઑફિસનું કામ ઘરેથી કામ કરે છે, પણ તેઓ ઘરમાં પણ કામ કરવા લાગ્યા છે. બોરીવલીમાં રહેનાર હેમેશ શાહે લૉકડાઉનની શરૂઆતથી વિવિધ નાસ્તામાં બનાવીને ઘરની બરણીઓ નાસ્તાથી ભરી દીધી છે. જીવનમાં જેમણે ક્યારેય ચા પણ બનાવી નહોતી તેઓ આજે નાસ્તાના નિષ્ણાત બની ગયા છે એવું તેઓ પોતે જ નહીં, તેમના પરિવારજનો પણ માને છે.
રંગનો વ્યવસાય ધરાવતા કેમિકલ એન્જિનિયર હેમેશભાઈને આવું શીખવાની અને બનાવવાની પ્રેરણા કેવી રીતે મળી એનો જવાબ આપતાં કહે છે, ‘મારા રંગ ખાસ કરીને ગણેશ મૂર્તિ માટે વપરાય છે તેથી આખા વર્ષ કરતાં વધારે આ સમયમાં હું દર વર્ષે ખૂબ જ વ્યસ્ત હોઉં છું. આ વર્ષે મારા કામની સીઝનમાં મને નવરાશ મળી ગઈ છે. મારાં મમ્મીને સવારે ચા સાથે બિસ્કિટ ભાખરી, ખાખરા આમ વિવિધ નાસ્તાની આદત છે. કોરોના વાઇરસને કારણે બહારથી નાસ્તો લવાય નહીં તેથી મને થયું કે મારે ઇન્ટરનેટ પર વિડિયો જોઇને બરણીમાં સ્ટોર કરી શકાય એવા નાસ્તા ઘરે બનાવવા જોઈએ. મારી દીકરો આયુષ અને દીકરી હીર પણ ખાવાપીવાનાં શોખીન છે. તેઓ મને જોઈને હવે રસોઈ બનાવતાં થઈ ગયાં છે.’
તેમના હાથમાં છે જાદુ
હેમેશભાઈને પણ અંદાજ નહોતો કે તેમના હાથમાં આટલો મોટો જાદુ છે કે તેમનાં પત્ની, બન્ને બાળકો અને ઘરના વડીલ તેમના હાથે બનેલા નાસ્તાના દીવાના થઈ જશે. આ કામમાં તેમને એટલી મજા પડી ગઈ છે કે જેવું તેમના ઘરમાં રસોઈનું કામકાજ પતે અને રસોડું ખાલી થાય કે હેમેશભાઈ ગરમ નાસ્તાની તૈયારીમાં લાગી જાય. બિસ્કિટ મસાલા ભાખરી, સાદા, મસાલાવાળા, મઠના આમ વિવિધ ખાખરા, સાબુદાણાની ચકરી, નાનખટાઈ બિસ્કિટ, થેપલાં, મરચાં સાથે પાપડી ગાંઠિયા, ઘરે બનાવેલી ચણાની દાળ, સેવપૂરીની પૂરી, ચોળાદાળની વડી, બિસ્કિટ ખાખરા, કાચી અને તળેલી (મસાલાવાળી) ગવારફલી, ઘરે બનાવેલી ખારી શિંગ, ઠેચા સાથે બિહારી ચકના (ફદયું), સૅન્ડવિચ ઢોકળાં આવી અનેક સ્વાદિષ્ટ વસ્તુઓ તેમણે બનાવી છે.

બિહારી ચકના
સામગ્રી
☞ સફેદ વટાણા (કઠોળ)
☞ બ્રાઉન ચણા (કઠોળ)
☞ પૌંઆ પાતળા
☞ મીઠું શેકવા માટે
બનાવવાની રીત
પહેલાં વટાણા અને ચણાને આગલી રાત્રે પાણીમાં પલાળવા મૂકવા. પછી બીજા દિવસે ેમાંથી પાણી કાઢી એને એક કપડા પર મૂકી કોરા કરી લેવા. એક કડાઈમાં શેકવા માટે વધારે પ્રમાણમાં મીઠું લેવું અને એને મધ્યમ આંચ પર ગરમ થવા દેવું. ‍કોરા કરેલા ચણા અને વટાણાને આ ગરમ મીઠામાં નાખવા. નિરંતર શેકતા રહેવું. જ્યાં સુધી એ નરમ પડે ત્યાં સુધી એને શેકવા. બસ, એ નરમ થાય એટલે કાઢી લેવા અને વધારે ન શેકાઈ જાય એનું ધ્યાન રાખવું. હવે પૌંઆને એમાં નાખવા અને એકાદ મિનિટ માટે શેકી લેવા. એક ચાળણીમાં આ બધું ઠાલવી લેવું જેથી મીઠું નીચે આવી જાય.


આની સાથે ખાવા ઠેચો બનાવવાની સામગ્રી
☞ તીખાં લીલાં મરચાં
☞ આદું
☞ ચપટી હળદર
☞ રાઈનું તેલ
બનાવવાની રીત
રાઈનું થોડું તેલ લઈ ઉપરની બધી જ સામગ્રીને સોતે કરવી. પછી એને મિક્સરમાં અધકચરી ગ્રાઇન્ડ કરી લેવી. ચટાકેદાર તીખો ઠેચો બિહારી ચકનાનો સાથ આપવા તૈયાર છે. ઠેચાને બરણીમાં ભરી ડીપ ફ્રીઝરમાં સ્ટોર કરી શકાય છે.

Gujarati food indian food bhakti desai columnists