આયુર્વેદમાં બુઢાપામાં પણ સેક્સલાઇફ જાળવી રાખવા માટેનાં ટૉનિક છે?

30 November, 2020 07:42 AM IST  |  Mumbai | Dr. Ravi Kothari

આયુર્વેદમાં બુઢાપામાં પણ સેક્સલાઇફ જાળવી રાખવા માટેનાં ટૉનિક છે?

પ્રતીકાત્મક તસવીર

સવાલ: નિષ્ણાતો કહે છે કે સ્ત્રીઓ જીવે ત્યાં સુધી અને પુરુષો મોટી વય સુધી કામસંતોષ મેળવી શકે છે. જોકે અમુક વય પછી શરીર સાથ ન આપતું હોય એનું શું? સારી સેક્સલાઇફ માટે બજારમાં એટલીબધી પ્રોડક્ટ્સ મળે છે કે એમાંથી કઈ દવા સારી અને કઈ નહીં એ સમજાતું નથી. અમુક ઉંમર પછી તો આપણા સમાજમાં આ વિશે ચર્ચા કરવાની પણ છૂટ નથી. શું આયુર્વેદ જેવા પૌરાણિક શાસ્ત્રમાં બુઢાપામાં પણ સેક્સલાઇફ જાળવી રાખવા માટેનાં ટૉનિક છે? શુક્રવર્ધક દવાઓ મેં છએક મહિના લીધી છે; પણ એનાથી અપચન, ગૅસ અને કબજિયાત રહે છે. તમારી દૃષ્ટિએ ઉત્તમ સેક્સ-ટૉનિક હોય તો બતાવજો.

જવાબ: આયુર્વેદ નીરોગી રહેવાનું શાસ્ત્ર છે. મતલબ કે રોગ આવતા પહેલાં જ એને કાબૂમાં રાખવા શું કરવું એની સ્વસ્થચર્યા એમાં બતાવાઈ છે. બુઢાપાને દૂર કરે, યૌવન ટકાવી રાખે, આંખોની રોશની વધારે, મૈથુનશક્તિમાં વધારો કરે અને શરીરને અંદરથી શુદ્ધ કરીને સ્વસ્થ રાખે એને રસાયણ કહેવાય. જોકે આવું રસાયણ ઔષધ એનો ચમત્કાર બતાવે એ માટે પહેલાં શરીર શુદ્ધ હોવું જરૂરી છે. જેમ કહેવાય છે કે મેલાં કપડાં પર ગમેએવો સારો રંગ હોય તોય એ ચડતો નથી ને ચડે તો એ જોઈએ એવો ચમકતો નથી એવી જ રીતે અશુદ્ધ શરીરમાં ગમે એટલી સારી ઔષધિ નાખવામાં આવે, એની યોગ્ય અસર ન થાય એવું પણ બને. શરીરશુદ્ધિ માટે પાચનતંત્રને મજબૂત કરવું મસ્ટ છે. શરીરમાં કયા દોષો વધુ છે એનું સારણ કરવું પડે. તમારી ઉંમર, રોગ, અવસ્થા, દોષનું અસંતુલન કેવું અને કેટલું છે એના આધારે જે-તે રસાયણોનું સેવન કરવું જોઈએ.

બીજું, ભારતમાં મોટા ભાગના વડીલો દવાની ફાકીઓ ખાઈ લેવા તૈયાર હોય છે, પરંતુ શરીરને સક્રિય રાખવા માટે કસરત કરવાનું પ્રમાણ ઓછું છે. તન-મન બન્નેને વ્યાયામ મળે એવી કસરતો કરીને શરીરને સ્વસ્થ રાખવું એ કામજીવનને સ્વસ્થ રાખવાની પ્રાથમિક જરૂરિયાત છે.

બાકી ત્રિદોષ શમન માટે રોજ રાતે અથવા સવારે ઊઠીને એક ચમચી ત્રિફળાનું સેવન કરો. એ ઉપરાંત એક ચમચી ગાયનું ચોખ્ખું અને જૂનું ઘી લઈ શકો છો.

columnists dr ravi kothari sex and relationships