સંયુક્ત આરબ અમીરાતની રાજધાની અબુધાબીમાં છે ઍડવેન્ચર અનલિમિટેડ

02 February, 2020 02:46 PM IST  |  Mumbai | Umesh Deshpande

સંયુક્ત આરબ અમીરાતની રાજધાની અબુધાબીમાં છે ઍડવેન્ચર અનલિમિટેડ

અબુ ધાબીમાં આવેલી શેખ ઝાયેદ મસ્જિદની ભવ્યતા તો ત્યાં જઈને જ નિહાળવી પડે. વળી અહીં આવતા પ્રવાસીઓની તમામ સુવિધાઓની અહીં અત્યંત કાળજી લેવામાં આવે છે.

ભારતીયોના મનગમતી ટૂરિસ્ટ પ્લેસમાં દુબઈનું નામ મોખરે છે. દુબઈની ટૂરો પણ હવે તો બહુ થાય છે. જોકે યુએઈની મુલાકાત લેવાની હોય તો દુબઈથી માત્ર ૧૪૦ કિલોમીટર દૂર આવેલા અબુ ધાબી શહેરમાં ન ફરો તો તમારો પ્રવાસ અધૂરો રહેશે. ભારતમાંથી દુબઈ પ્રવાસ માટેની જેટલી પણ ટૂર ઊપડતી હોય એમાં દુબઈની સૌથી ઊંચી ઇમારત બુર્જ ખલિફાની જેમ જ ફેરારી વર્લ્ડ જરૂર લઈ જવામાં આવે છે. તો આ ફેરારી વર્લ્ડ દુબઈમાં નહીં પણ અબુ ધાબીમાં આવેલું છે. આપણે આ વખતે માત્ર ફેરારી વર્લ્ડ જ નહીં પરંતુ અબુ ધાબી શહેરમાં ફરવાલાયક અને ખૂંદવાલાયક સ્થળોની સૈર કરીશું. એટલે જો તમે દુબઈના પ્રવાસનું આયોજન કરતા હો તો ત્યાંથી નજીક આવેલા આ શહેરમાં ફરવાનો લહાવો પણ માણી શકો.

યુએઈની રાજધાની

અબુ ધાબી સંયુક્ત આરબ અમીરાતની સાત અમીરાત પૈકી એક છે. વળી વિસ્તારની દૃષ્ટિએ સૌથી મોટું છે. તો વસ્તીની દૃષ્ટિએ દુબઈ બાદ બીજા ક્રમાંકનું શહેર છે. ૨૦૧૯ના આંકડા મુજબ અહીં અંદાજે ૧૪ લાખ લોકો રહે છે. અબુ ધાબી યુએઈની રાજધાની છે. સમગ્ર યુએઈનો કારભાર પણ અહીંથી જ ચાલે છે. દુબઈ ભલે વેપારીની દૃષ્ટિએ મોટું મથક હોય, પરંતુ રહેવાની મજા તો અબુ ધાબીમાં જ છે એવું ત્યાં રહેનારા લોકોનું માનવું છે.

જુમેરાહ હોટેલના ૭૪મા માળે આવેલા ઑબ્ઝર્વેશન ડેક પરથી નીચે જોતા અબુ ધાબીનો આવો નજારો જોવા મળે છે.

ફેરારી વર્લ્ડ

અબુ ધાબી શહેરથી અંદાજે ૩૯ કિલોમીટર તો દુબઈથી ૧૧૨ કિલોમીટર દૂર યશ આઇલૅન્ડ નામનું સ્થળ છે. અહીં કુલ ત્રણ અમ્યુઝમેન્ટ પાર્ક છે જેમાં ફેરારી વર્લ્ડ, યશ વૉટર વર્લ્ડ અને વૉર્નર બ્રધર્સ વર્લ્ડનો સમાવેશ થાય છે. ૮૬,૦૦૦ સ્ક્વેર મીટરમાં ફેલાયેલા ઇટલીની કાર કંપનીના આ થીમ પાર્કમાં એક ટિકિટનો ભાવ ૩૧૦ દિરહામ એટલે કે અંદાજે ૬૦૦૦ રૂપિયા છે.  ‘ફેરારી કી સવારી’ આ ફિલ્મ કે સચિન તેન્ડુલકરની ફેરારી કાર સુરતના એક શોખીને વેચાતી લીધી હતી. એ સિવાય ખાસ કંઈ માહિતી ન ધરાવતા લોકોથી માંડીને ઝડપથી કાર ચલાવવાના શોખીનો માટે અહીં બધું જ છે.

ફાસ્ટેસ્ટ રોલર કોસ્ટર

ટર્બો ટ્રૅક અને ફૉમ્યુર્લા રોસા નામની વિશ્વની સૌથી ફાસ્ટેસ્ટ રોલર કોસ્ટર રાઇડ અહીં જ આવેલી છે. ટર્બો ટ્રૅક માત્ર ૩૦ સેકન્ડ તો ફૉમ્યુર્લા રોસામાં એક મિનિટમાં અંદાજે ૨૫૦ કિલોમીટરની ઝડપની મજા અહીં આવનાર પ્રવાસીઓને કરાવે છે. આ બન્ને રાઇડમાં બેસવા માટે ઓછામાં ઓછા એક કલાક સુધી લાઇનમાં ઊભા રહેવું પડે છે.

વૉર્નર બ્રધર્સ વર્લ્ડ

જો તમારી સાથે નાનાં બાળકો હોય તો ફેરારી વર્લ્ડની નજીક જ વૉર્નર બ્રધર્સ વર્લ્ડ થીમ પાર્ક આવેલો છે. આ પાર્ક પણ એટલો જ સારો છે જે બે વર્ષ પહેલાં જ શરૂ થયો છે. અહીં ટૉમ ઍન્ડ જેરી, બૅટમૅન, સુપરમૅન, વન્ડર વુમન, બગ્સ બની અને સ્કુબી ડુ જેવાં કાર્ટૂન કૅરૅક્ટર ઉપરાંત કુલ ૨૯ જેટલી રાઇડ છે. આમ ફેરારીમાં જવું કે વૉર્નરમાં જવું આ બાબતે તમે જરૂર મૂંઝવણમાં મુકાઈ શકો છો. આ ઉપરાંત યશ વૉટર વર્લ્ડ પણ છે. આ ઉપરાંત ફૉર્મ્યુલા વન માટેનું સેન્ટર પણ અહીં જ છે. યશ આઇલૅન્ડમાં રહેવા માટે પણ ઘણી હોટેલ છે. તેથી પ્રવાસી તરીકે નજીકની હોટેલમાં રહેવાનો વિકલ્પ પણ રાખવો જોઈએ જેથી વધુપડતા પ્રવાસના થાકથી બચી શકાય. દરેક થીમ પાર્કમાં એક આખો દિવસ પસાર થઈ જ જાય છે.

શેખ ઝાયેદ મસ્જિદ

આપણામાંથી ઘણા મસ્જિદમાં ક્યારેય ગયા નહીં હોય, પરંતુ અબુ ધાબીમાં આવેલી આ મસ્જિદમાં જવા માટે પ્રવાસીઓની મોટી લાઇન લાગે છે. આપણા વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ આ મસ્જિદમાં ૨૦૧૫માં અબુ ધાબી આવ્યા હતા ત્યારે જઈ આવ્યા હતા. એસ્કેલેટરથી માંડીને તમામ અત્યાધુનિક સુવિધાઓ, પ્રવાસીઓ માટે ઈ-ગાઇડ અહીં ઉપલબ્ધ છે જેમાં મસ્જિદના નિર્માણથી માંડીને આર્કિટેક્ચર વિશેની માહિતી આપવામાં આવતી હતી. વળી એનો કોઈ ચાર્જ પણ નહોતો. માત્ર તમારે તમારા દેશનું કોઈ આઇડી કાર્ડ ડિપોઝિટ તરીકે આપવાનું હોય છે. અહીં પુરુષ તેમ જ સ્ત્રીઓને પરંપરાગત વસ્ત્રો પહેરવાં જરૂરી છે. પુરુષોને શૉર્ટ્સ તેમ જ મહિલાઓને સ્કર્ટ સાથે પ્રવેશ નથી. જો પ્રવાસીઓ પાસે એવાં વસ્ત્રો ન હોય તો તેમને અહીં વસ્ત્રો આપવામાં પણ આવે છે. ઇસ્લામ વિશે વધુ જાણવા માગતા લોકો માટે અહીં લાઇબ્રેરી પણ છે.

ફેરારી વર્લ્ડમાં નાનાથી માંડીને સિનિયર સિટિઝન તમામ માટે મનોરંજન છે.

કાસર-અલ-વતન

અગાઉ કહ્યું તેમ અબુ ધાબી યુએઈની રાજધાની છે. સમગ્ર દેશનો વહીવટ ચલાવવા માટે કૅબિનેટની બેઠક જ્યાં મળે એ સ્થળ એટલે કાસર-અલ-વતન. એને અહીં પ્રેસિડેન્શિયલ પૅલેસ પણ કહેવામાં આવે છે. ભલે અહીં કોઈ રાજા રહેતો ન હોય, પરંતુ આ સ્થળ મહેલ કરતાં પણ વધુ જાજરમાન છે. વળી કોઈ મહાનુભાવ યુએઈમાં આવે ત્યારે પણ તેમને અહીં જ લાવવામાં આવે છે. એનો હૉલ, ડાઇનિંગ તેમ જ વિશાળ લાઇબ્રેરી ખરેખર અચંબિત કરી મૂકે છે. વળી સાંજે ૭.૪૫ વાગ્યે લાઇટ ઍન્ડ સાઉન્ડ શોનું આયોજન કરવામાં આવતું હોય છે. શો શરૂ થતાં જ જાણે પૅલેસ જીવંત બની જાય છે. લાઇટના માધ્યમથી કઈ રીતે એક તંબુમાં સાત અલગ-અલગ અમીરાતના શેખોએ ભેગા થઈને ચર્ચા કરી અને યુએઈ અસ્તિત્વમાં આવ્યું એની વાત સુંદર રીતે દર્શાવાઈ છે. પ્રવેશ માટે ૬૦ દિરહામની ટિકિટ લેવામાં આવે છે.

લુવ્ર મ્યુઝિયમ

બહારથી કોઈ વિશાળ ચાંદીના પ્લૅનેટેરિયમ જેવા દેખાતા આ મ્યુઝિયમમાં માનવીના ઉત્પત્તિ કાળથી વર્તમાન યુગના ઇતિહાસને દર્શાવતી ઘણીબધી વસ્તુઓનો સંગ્રહ છે. ઇજિપ્તથી માંડીને ભારત, ચીન અને યુરોપની પ્રાચીન મૂર્તિઓ, પિકાસોની કલાકૃતિઓ પણ અહીંની ૧૨ જેટલી વિવિધ ગૅલેરીઓમાં પ્રદર્શિત કરવા માટે મૂકવામાં આવે છે એટલું જ નહીં, દર વર્ષ અલગ-અલગ થીમના આધારે પ્રદર્શનીનું આયોજન પણ કરવામાં આવે છે. અહીં પણ પ્રવેશ માટે ૬૦ દિરહામની ટિકિટ છે. ચાલીને-ચાલીને થાકી જાઓ તો પણ જોવાનું ખૂટે નહીં એવી હાલત ઇતિહાસની આ કલાકૃતિઓને માણવામાં રસ ધરાવનારની થાય છે.

ફાલ્કન હૉસ્પિટલ

બાજ યુએઈનું રાષ્ટ્રીય પક્ષી છે. આ શિકારી પક્ષીની સારવાર તેમ જ સંવધર્ન માટે અબુ ધાબીમાં જાણીતી ફાલ્કન હૉસ્પિટલ આવેલી છે જેમાં આ પક્ષીની તમામ પ્રકારની સર્જરીની સુવિધા છે. આરબો આ પક્ષીને પાળે છે તેમ જ અન્ય પક્ષીનો હવામાં જ શિકાર કરવાનો ખેલ પણ ભારે લોકપ્રિય છે. આ પક્ષી વિશે પ્રવાસીઓને પણ જાણકારી આપવામાં આવે છે. જોકે હૉસ્પિટલમાં આવતાં પહેલાં બે દિવસ અગાઉ જાણકારી આપવી જરૂરી છે. આ હૉસ્પિટલમાં જો વેટરિનરી ડૉક્ટર તમને મંજૂરી આપે તો બાજ પક્ષીને તમે હાથ પર મૂકી શકો છો એટલું જ નહીં, એને ખવડાવી પણ શકો છો. જોકે ડેઝર્ટ સફારીમાં પણ તમે બાજ પક્ષી સાથે ફોટો પડાવી શકો છો. પરંતુ ત્યાં તમારી પાસે ૧૦ દિરહામ ચાર્જ લે છે.

ઑબ્ઝર્વેશન ડેક

દુબઈમાં જે રીતે બુર્જ ખલીફા છે એ જ પ્રમાણે અબુ ધાબીમાં એતિહાદ ટાવર્સમાં આવેલી જુમેરાહ હોટેલમાં ૭૪મા માળે એટલે કે ૩૦૦ મીટરની ઊંચાઈથી શહેરનો નજારો જોવાની સગવડ છે. તમે જો આ હોટેલમાં રોકાયા ન હો તો પણ અહીં જઈ શકો છો. તમારી પાસે ટિકિટની જે રકમ લીધી હોય છે એના બદલામાં અહીંની રેસ્ટોરાંમાં હળવો નાસ્તો, ચા-કૉફી કે સૉફ્ટ ડ્રિન્ક લઈ શકો છો. ૯૮૪ ફુટ ઉપરથી શહેરને જોવાનો અનેરો આનંદ મેળવી શકો છો.

વૉર્નર બ્રધર્સ વર્લ્ડમાં કાર્ટૂન કૅરૅક્ટર્સ સાથેની વિવિધ રાઇડ્સ તમને તમારા બાળપણની યાદ અપાવે છે.

એમિરેટ્સ પાર્ક ઝૂ ઍન્ડ રિસૉર્ટ

શહેરથી ૩૫ કિલોમીટર દૂર અબુ ધાબી-દુબઈ હાઇવે પર આ ઝૂ ઍન્ડ રિસૉર્ટ આવેલો છે જેમાં ૧૫૦૦ જેટલાં અલગ-અલગ પ્રાણીઓને રાખવામાં આવ્યાં છે જેમાં મુખ્યત્વે જિરાફ, હિપ્પો, વાઘ, દીપડા અને મગર સહિત અન્ય પ્રાણીઓને રાખવામાં આવ્યાં છે. રિસૉર્ટમાં વિવિધ પ્રવૃત્તિઓનું પણ આયોજન નિયિમત રીતે કરવામાં આવે છે. 

શાનદાર બસ-સર્વિસ

અબુ ધાબી શહેરમાં બસ-સર્વિસ પણ સારી છે. જો કોઈ સ્થાનિક તમારી સાથે હોય તો આરામથી શહેરની બસમાં બેસીને વિવિધ સ્થળોએ ફરી શકો છો. અહીંની બસમાં કોઈ કન્ડક્ટર નથી હોતો. બસમાં જાઓ ત્યારે ગેટ આગળ કાર્ડ સ્વાઇપ કરવાનું અને ઊતરો ત્યારે ફરી કાર્ડ સ્વાઇપ કરવાનું. વળી ગમે ત્યાં જાઓ, કાર્ડમાંથી એક સમયે માત્રે બે દિરહામ જ કપાય છે. બહારથી આવતા પ્રવાસીઓ માટે ખુલ્લા છાપરાવાળી બસ પણ છે જે ચાર કલાકમાં વિવિધ સ્થળોએ લઈ જાય છે.  

ટ્રાફિકના નિયમોનું પાલન

બસમાં કે પછી ટૅક્સીમાં બેસીને કે પછી પગપાળા આપણે આ શહેરની મુલાકાત લેતા હોઈએ ત્યારે વાહનચાલકો ટ્રાફિકના નિયમનું અચૂકપણે પાલન કરતા નજરે પડે છે, કારણ કે શહેરમાં ઠેર-ઠેર સીસીટીવી મૂકેલા છે એટલું જ નહીં, ટ્રાફિકના નિયમના ભંગ બદલ બહુ જ મોટી દંડની રકમ વસૂલ કરવામાં આવે છે. તેથી જો આપણે ઝીબ્રા ક્રૉસિંગ પર ઊભા રહીએ તો તમામ આલિશાન કારથી માંડીને અન્ય તમામ વાહનો ઊભાં રહી જશે એટલું જ નહીં, તમને પહેલાં તમે રોડ ક્રૉસ કરી લો એવો ઇશારો પણ કરશે. આપણા માટે આ પણ એક અલગ જ અનુભવ હશે. વળી તમે જો કોઈ સગાંસંબંધીની સાથે હશો તો તે રોડ પર ગાડી પાર્ક કરવા માટે ઘણા જ મથતાં જોવા મળશે. રસ્તા પર ગમે ત્યાં કાર પાર્ક કરી ન  શકાય. આમ આ શહેર આ મામલે ઘણાબધા યુરોપિયન દેશો જેવો અનુભવ કરાવશે.

હિન્દીનો ઉપયોગ

યુએઈમાં ભારતીયોની સંખ્યા ઘણી મોટી છે. વળી ગયા વર્ષે ત્યાંની સરકારે અરબી, અંગ્રેજી બાદ હિન્દીને ત્રીજી ઑફિશ્યલ લૅન્ગ્વેજ તરીકેની માન્યતા આપી છે. ઍરપોર્ટથી માંડીને બસમાં પણ તમને હિન્દી બોલી અને સમજી શકતા ઘણા લોકો મળી જશે. આમ અંગ્રેજી ન આવડે તો પણ અહીં તમે આરામથી ફરી શકો છો.

મૉલ અને બીચ

અબુ ધાબીમાં પણ દુબઈની જેમ ઘણા મોટા-મોટા મૉલ આવેલા છે. મુંબઈના મરીન ડ્રાઇવ જેવો જ દરિયામાં પુરાણ કરીને કુનીર્ચ જેવો વિસ્તાર બનાવાયો છે. સાંજ પડે ત્યારે ઘણા લોકો ત્યાં ફરવા માટે આવે છે. મુંબઈની સરખામણીમાં ઘણો જ શાંત કહી શકાય એવો વિસ્તાર છે. જ્યાં દરિયામાં ઘણી વૉટર સ્પોર્ટ્સની ઍક્ટિવિટી પણ થાય છે. ત્યાં જ ઘણા મૉલ પણ છે. આ ઉપરાંત અબુ ધાબી મૉલ પણ છે. અહીં સુરક્ષા વ્યવસ્થા ઘણી જ જડબેસલાક છે. તેથી મોડી રાત્રે પણ લોકોને બીચ પર ફરતા જોઈ શકાય છે.

ક્યારે જવાય?

મુંબઈના લોકો માટે અબુ ધાબી નવેમ્બરથી ફેબ્રુઆરી સુધી જ જવા માટે યોગ્ય છે, કારણ કે છેવટે તો આ રણપ્રદેશ જ છે. ઘરથી માંડીને બસ કે ટૅક્સી બધી જ જગ્યાએ એસી હોય છે. ગરમીને કારણે રસ્તા પર પણ બહુ જ ઓછા લોકો જોવા મળે છે.

કઈ રીતે જશો?

ભારત અને યુએઈ વચ્ચેના સંબધો ઘણાં વર્ષોથી સારા છે. મોટી સંખ્યામાં ભારતીય યુએઈમાંવસે છે. દેશનાં મોટા ભાગનાં ઍરપોર્ટ પરથી અબુ ધાબી, દુબઈ કે શારજાહ જવા માટેની ફ્લાઇટ મળે છે. દર અઠવાડિયે ભારત અને યુએઈ વચ્ચે ૧૦૦૦ કરતાં વધુ ફ્લાઇટની આવનજાવન છે. અહીં ફરવા જવા માટે ઑક્ટોબરથી જૂન સુધીનો સમયગાળો સારો છે. જો આગોતરું આયોજન કરો તો ૧૨,૦૦૦ રૂપિયામાં રિટર્ન ટિકિટ અને ૬૦૦૦ રૂપિયા વીઝાનો ખર્ચ વ્યક્તિદીઠ આવે છે. ૩૦૦૦થી માંડીને ૩૦,૦૦૦ રૂપિયા સુધીની હોટેલ મળે છે. દેશની અનેક ટ્રાવેલ એજન્સીઓ પણ દુબઈ અને અબુ ધાબીના પ્રવાસનું આયોજન કરતી હોય છે. જો જાતે જ પરિવાર સાથે ત્યાં જતા હો તો વિવિધ સિટી ટૂરની બસમાં બેસીને પણ પ્રવાસનો આનંદ માણી શકો છો. પહેલી વખત જતા હશો તો અબુ ધાબીનો પ્રવાસ તમને ઘણો ખર્ચાળ લાગશે, કારણ કે ત્યાંના એક દિરહામ સામે આપણા ૧૯ રૂપિયા છે. વિવિધ થીમ પાર્કમાં ફરતા હશો તો ૨૫ દિરહામની ચા કે ૩૦ દિરહામના ત્રણ સમોસા તમારા ગળાની નીચે નહીં ઊતરે.

ડેટ્સ માર્કેટ

મિડલ ઈસ્ટના કોઈ પણ દેશમાં ફરવા જાઓ અને ત્યાંથી પરત આવો ત્યારે ઘરવાળા માટે શું લઈ જવું એ સમસ્યા તમામને હોય છે. અબુ ધાબીની મીના માર્કેટમાં આવેલી ડેટ્સ માર્કેટમાં જાઓ તો આ સમસ્યાનો ઘણો જ કિફાયતી ઉકેલ મળે છે. જેમ આપણે ત્યાં મીઠાઈવાળા તમને મીઠાઈ ચાખવા આપે એવી જ પદ્ધતિ અહીં પણ છે. અહીંની ડેટ્સ માર્કેટમાં પણ પદ્ધતિ છે. ઉપરાંત ભાવ ઘટાડે પણ છે. વળી સાઉદી તેમ જ ઓમાનની સારી ક્વૉલિટીની ખજૂર ઉપરાંત વિવિધ પ્રકારના ડ્રાયફ્રૂટ્સ પણ મળે છે.

columnists abu dhabi dubai weekend guide