રિપ્લેસમેન્ટ કલાકારોનું થાય, પણ રાઇટર તો આખા નાટક દરમ્યાન એના એ જ રહે

10 July, 2020 10:14 PM IST  |  Mumbai | J D Majethia

રિપ્લેસમેન્ટ કલાકારોનું થાય, પણ રાઇટર તો આખા નાટક દરમ્યાન એના એ જ રહે

ઉત્તમ : હા, ઉત્તમ ગડામાં નામ જેવા જ ગુણ હતા અને એવું તેમનું લખાણ અને વ્યક્તિત્વ પણ એવું જ.

મૃત્યુ, એક સનાતન સત્ય. આ જ વિષય પર આપણી વાત ચાલી રહી છે. ગયા અઠવાડિયે આપણે વાત કરી ત્રણ ઍક્ટરોની; સુશાંતસિંહ રાજપૂત, જગેશ મુકાતી અને દીપક દવે. ત્રણેત્રણ ટૅલન્ટેડ કલાકાર, હોનહાર ઍક્ટર અને અચાનક જ આપણને છોડીને ગયા. સુશાંતસિંહ રાજપૂતની એક્ઝિટ બહુ શૉકિંગ. અકલ્પનીય અને માનવામાં ન આવે એવી રીતે થઈ. આપણે હંમેશાં જીવન અને મૃત્યુ ઉપરવાળાના હાથમાં છે એમ માનીને ચાલીએ છીએ અને હું આજે પણ દૃઢપણે માનું છું કે દરેક પ્રકારનાં મૃત્યુ, કરુણ કે પછી સોનાની સીડીવાળા (અમુક ઉંમર પછીના મૃત્યુને આપવામાં આવતી ઉપમા) એ ઉપરવાળાની મરજી વિના ક્યારેય ન થાય, પણ મને આપઘાત માટે શંકા રહે છે અને એટલે જ હું કહું છું કે આવું કંઈ બને ત્યારે ઈશ્વરને બહુ તકલીફ થાય છે, પીડા થાય છે. તમારા જીવનમાં આવતાં દુખ અને સુખ આ જન્મે અહીં ને અહીં જ ભોગવીને એક્ઝિટ લેવાનું નિધાર્યું છે અને એવું જ થવું જોઈએ. આપઘાત એ સૉલ્યુશન નથી જ નથી. જગેશ પણ વહેલો ગયો. આ ઉંમર એક્ઝિટ લેવાની નહોતી અને ઓચિંતી એક્ઝિટ હંમેશાં શૉકિંગ જ હોય છે. આવું જ શૉકિંગ દીપક દવે વિશે સાંભળ્યું ત્યારે લાગ્યું. દીપક સાથે તમે ઇન્ટર-ઍક્શન કર્યું હોય તો એ તમને ઘણા લાંબા સમય સુધી સંભળાતું રહે. યાદ તો રહે જ, સંભળાતું પણ રહે. દીપકના અવાજમાં એ જાદુ હતો, તેનો અવાજ તમારો કાન છોડી ન શકે. ઘેઘુર અને ઘટ્ટ અવાજ. આ અવાજની આગવી ઓળખ પણ હતી. કલાકાર માટે સારો અને અનોખો અવાજ ખૂબ જરૂરી હોય છે. દીપક અમારો સિનિયર હતો. ખૂબ સારો માણસ. હું તેનો ફૅન હતો. આવા જ મારાથી સિનિયર અને હું જેમનો ફૅન હતો એવી અને આપણને છોડીને ગયા હોય એવી ચોથી વ્યક્તિની વાત મારે આજે કરવી છે.
સામાન્ય રીતે કલાકારોની એક્ઝિટ તરત જ નોટિસ થતી હોય છે, પણ પડદા પાછળના કલાકારોની ઘણી વાર રહી જતી હોય છે. આવા જ પડદા પાછળના એક કલાકારને પણ આપણે આ સમયગાળા દરમ્યાન ગુમાવ્યા, એક ઉત્તમ લેખકની આપણી વચ્ચેથી એક્ઝિટ થઈ. એક્ઝિટ થઈ છે, પણ એ પોતાનાં લખાણોને લઈને હંમેશાં આપણી વચ્ચે આપણી સાથે આપણા સંસ્મરણમાં રહેશે.
ઉત્તમ ગડા.
નામ એવા જ ગુણ ધરાવતા લેખક.
ઉત્તમ.
ઉત્તમભાઈ સાથે મારો પરિચય ત્યારે થયો જ્યારે પરેશ રાવલના નાટક ‘શિરચ્છેદ’માં એક મહત્ત્વના પાત્રની વરણી થઈ. હમણાં જ થોડા દિવસ પહેલાં મારી પરેશ સાથે વાત થતી હતી ત્યારે મેં તેમને કહ્યું કે ‘શિરચ્છેદ’ એનું વન ઑફ ધ બેસ્ટ નાટક છે. એનું એટલે કે પરેશનું અને ઉત્તમભાઈ બન્નેનું. હું બહુ ખુશ છું કે હું ઉત્તમભાઈને તેમના આ નાટક દરમ્યાન મળ્યો હતો. મારી લાઇફનો એ ટર્નિંગ પૉઇન્ટ હતો. એ સમયે મેં મુદ્રામાંથી નોકરી છોડી હતી. મુદ્રા કમ્યુનિકેશન નામની ઍડ્વર્ટાઇઝિંગ એજન્સી છે, જે ત્યારે પણ ખૂબ જાણીતી હતી અને આજે પણ ખૂબ મોટી એજન્સી છે. આવી જૉબ છોડવી એ કોઈને ગાંડપણ લાગે, પણ મેં નોકરી છોડી હતી અને એ જૉબ છોડી શક્યો, કારણ કે પરેશ રાવલ નિર્મિત, દિગ્દર્શિત, અભિનીત એવા નાટક ‘શિરચ્છેદ’નો મને સથવારો હતો. સથવારો, ઉત્તમભાઈનું બીજું અવિસ્મરણીય કોઈ નાટક હોય તો એ છે ‘સથવારો’. ઉત્તમભાઈ વિશે વધારે બોલું કે કંઈ કહું એના કરતાં હું તેમનાં નાટકોનાં નામ આપીશ કે એના વિશે કહીશ તો તમને ખબર પડશે કે શું તેમનો ગ્રાફ હતો. પરેશ રાવલનું ગુજરાતી રંગભૂમિ પર બહુ પૉપ્યુલર એવા નાટકમાં ‘મહારથી’. દીપક ઘીવાલા, રાગિણી, પરેશ રાવલ, સ્વરૂપ સંપટ અભિનીત ‘ચિરંજીવ’. દર્શન જરીવાલા, કેતકી દવે, રસિક દવે, પરેશ રાવલ અભનીત ‘મૂળરાજ મૅન્શન’ અને આવાં તો કંઈકેટલાંય બીજાં નાટકો. એકથી એક ચડિયાતાં, એકથી એક ચાર ચાસણી ચડે એવાં. ‘કાયાકલ્પ’, ‘હું રીમા બક્ષી’, ‘રાફડા’, ‘કમલા’ અને તેમણે રૂપાંતર કરેલાં બીજાં અનેક નાટકોથી માંડીને પરેશ રાવલ માટે હમણાં લખેલું નાટક ‘ડિયર ફાધર.’
ઉત્તમભાઈનાં ઘણાંખરાં નાટકો પરેશ રાવલ સાથે હતાં. પરેશ રાવલના ફેવરિટ રાઇટર હતા એવું કહી શકું. બીજાં નાટકોમાં ક્યાંક સરિતા જોષીએ ડિરેક્ટ કર્યું હતું તો એમાં ઉપર નામ લીધાં એવા રસિક દવે, રાજીવ મહેતા, ઉમેશ શુક્લ, દર્શન જરીવાલા, કાન્તિ મડિયા જેવા રંગભૂમિના દિગ્ગજ કલાકારોએ ભજવ્યાં હતાં. એક આગવી શૈલી હતી ઉત્તમભાઈના લખાણની. ક્રાફ્ટનું અનોખું નૉલેજ હતું તેમની પાસે. અઘરામાં અઘરી વાત સરળ રીતે કહી દે અને સરળમાં સરળ લાગતી વાતને પણ એવી આંટીઘૂંટી આપી દે કે જોનારો ચકરાવે ચડી જાય.
મારી અને ઉત્તમની વાતો પર આવું તો અમને બન્નેને ખૂબ ફાવતું. ઉંમરમાં મારાથી મોટા પણ એમ છતાં અમારી વચ્ચે લગાવ અનોખો હતો. કહો કે અમારી વચ્ચે દોસ્તી હતી, મૈત્રી હતી. હું મુદ્રા કમ્યુનિકેશનની જૉબ છોડીને જ્યારે ‘શિરચ્છેદ’ વખતે તેમને પહેલી વાર મળ્યો ત્યારે તેઓ ટાઇ પહેરીને ફૉર્મલ ડ્રેસિંગમાં આવ્યા હતા. આ પ્રકારના લુક સાથેના ગુજરાતી લેખકને જોઈને મને એક અજીબ આશ્ચર્ય થયું હતું, આશ્ચર્ય પણ થયું હતું અને ખુશી પણ થઈ તો સાથોસાથ મનમાં એક સિક્યૉરિટીની ફીલિંગ પણ આવી હતી. તેમની વાતોમાં, લખાણમાં તમને ગુજરાતી રંગભૂમિ પર ન સાંભળવા મળ્યા હોય એવા શબ્દો સાંભળવા મળે તો તેમની વાતોથી, લખાણથી તમને પ્રોગ્રેસિવ દુનિયાની અનુભૂતિ પણ થાય. ઉત્તમભાઈ ખૂબ જ વાંચેલા અને દુનિયા ફરેલા માણસ, જે આપણને ખૂબ બધાં અને સારાં નાટકો આપીને ગયા છે.
મેં મારી જૉબ છોડી અને પછી મારી કરીઅર સારી ગયઈ, સારી ચાલી. સૌ પોતપોતાની રીતે કામે લાગી ગયા, પણ એમ છતાં અમારી વચ્ચે વાતો થયા કરતી અને અમે મળીએ કે ફોન પર ભેગા થઈએ ત્યારે અમારી વચ્ચે વાતો પણ ખૂબ થાય. અમે એકાદબે સિરિયલ માટે પણ મળ્યા હતા. નાટકોની જર્ની તેમની ચાલુ હતી એ દરમ્યાન પણ મળતા. મને યાદ છે કે નાટકો દરમ્યાન અમે મળી જઈએ ત્યારે તેઓ મને કહેતા કે બસ, મારે પણ હવે રિટાયર થવું છે અને તારી જેમ ફુલફ્લેજ આ જ કામ કરવું છે, લેખન પર ધ્યાન આપવું છે. તેઓ મને પૂછતા પણ ખરા કે બીજું બધું છોડીને જ્યારે તું માત્ર આ જ કામ કરે છે ત્યારે કેવું ફીલ થાય છે. કહ્યું એમ, તેઓ મારાથી મોટા છતાં અમારી વચ્ચે ક્યાંય કોઈ વાતમાં આ ઉંમરનો ભેદભાવ વર્તાય નહીં. નિખાલસતાથી જ તેઓ તમને મળે અને પોતાને ન ખબર હોય એવી વાતો સમજવા કે સાંભળવા તેઓ નાના બાળક જેવી આતુરતા દેખાડે. યોગિનીભાભી અને ઉત્તમભાઈ જ્યારે પણ સાથે મળે ત્યારે એક પૉઝિટિવ ફીલિંગ આવે. એક આદર્શ કપલ કહું તો પણ કાંઈ ખોટું નથી. અમે મળીએ ત્યારે તેમના સન વિસ્મયની વાતો થતી. વિસ્મય એ સમયે અમેરિકા ગયો હતો અને પછી ત્યાં જ સેટલ થયો.
જીવન અને મૃત્યુ વિશેના આર્ટિકલની આ સિરીઝની શરૂઆત મારે ઉત્તમભાઈથી જ કરવી હતી. આ સિરીઝ મારે ઉત્તમભાઈને જ સમર્પિત કરવી હતી, પણ તેમણે હંમેશાં પડદા પાછળ રહી, કામ કરી, કલાકારોને હંમેશાં લાઇમલાઇટમાં રાખવા એવી ચર્ચા કરી છે એટલે તેમની એ વાત યાદ રાખીને તેમની વાત સૌથી છેલ્લે લાવ્યો અને વાત પણ ટૂંકાણમાં લખીને અંજલિ આપું છું હું. મને બીજું કશું કહેવું નથી. કહીશ ફક્ત એટલું,
મહારથી ઉત્તમ ગડા, ‘તમે હંમેશાં જીવંત રહેશો અમારી યાદોમાં. કલાકારોની એક્ઝિટ થાય કે રિપ્લેસ પણ થાય અને એ પાત્ર કોઈ બીજું પણ ભજવે, ભજવી શકે, પણ નાટકના ઓરિજિનલ રાઇટર તો હંમેશાં કે આજીવન એના એ જ રહે અને ‍તેમના થકી એ જીવિત જ રહે. તમે હંમેશાં અમારી વચ્ચે જીવિત જ રહેશો. વી વિલ મિસ યુ ઉત્તમભાઈ અને જગેશ, દીપક, સુશાંત વિલ મિસ યુ ઑલ.’

JD Majethia columnists