ભલભલી બીમારીઓ આ બહેનના હૌસલાને હરાવી નથી શકી

01 December, 2021 05:45 PM IST  |  Mumbai | Bhavini Lodaya

મલાડનાં ૬૦ વર્ષનાં રેખાબહેન ગાલાએ ડાયાબિટીઝ, અસ્થમા, હર્નિયા, હાર્ટ-ડિસીઝ જેવી અસંખ્ય બીમારીઓની સાથે રસોઈકળાને એવી ખીલવી છે કે આ ઉંમરે પણ તેઓ મેક્સિકન, ઇટાલિયન, થાઈ, ચાટ આઇટમો, ઇન્ડિયન-કૉન્ટિનેન્ટલનું ફ્યુઝન અને દેશી નાસ્તાઓ પીરસતું કિચન ચલાવે છે

ભલભલી બીમારીઓ આ બહેનના હૌસલાને હરાવી નથી શકી

સામાન્ય રીતે બીમારી વ્યક્તિનો ઉત્સાહ નબળો પાડી દેતી હોય છે પણ જ્યારે હકારાત્મકતાથી ભરપૂર હો તો બીમારીઓ પણ હારી જાય છે. અગણિત અસાધ્ય રોગોથી પીડાતાં મલાડનાં રેખાબહેન રામજી ગાલાએ બીમારીઓ સામે સતત સંઘર્ષ કરીને પણ પોતાના પૅશનને પ્રોફેશનમાં તબદિલ કર્યું છે. મક્કમતા, ધૈર્ય અને સહનશીલતા જેમની નસ-નસમાં વહે છે એવાં રેખાબહેનની રોગો સામે સંઘર્ષ કરીને રાંધળકણાને જ એની દવા બનાવી દેવાની કથા પ્રેરણાત્મક છે.
પોતાના હાથના સ્વાદિષ્ટ ભોજનથી લોકોને આંગળાં ચાટવા માટે મજબૂર કરી દેતાં રેખાબહેન કહે છે, ‘નાનપણથી જ મને રસોઈનો અનહદ શોખ હતો. ગમે તેટલા માણસોની રસોઈ હોય, કદી થાક ન લાગે. જૉઇન્ટ ફૅમિલીમાં આવ્યા બાદ સૌકોઈને મારી રસોઈ ખૂબ ભાવતી. સાદા દહીંવડાને પણ ડિઝાઇન કરી પીરસતી. આવનાર સૌ સગાંસંબંધીઓ પોતાની ફરમાઈશ કહેતાં અને ઉત્સાહભેર હું બનાવતી. સાથે-સાથે નાની-મોટી બીમારીઓ આવવાની શરૂઆત થઈ ગઈ હતી. મેદુવડાં તળતી વખતે બન્ને આંખોની દૃષ્ટિ જતી રહી હતી અને ઘણા સમય બાદ દૃષ્ટિ ફરી પાછી આવી હતી. યુટ્રસમાં ગાંઠ થઈ હતી એમાંથી પણ હું બહાર આવી છું. કિડનીઓ ફેલ થઈ ગઈ હતી અને ડાયાલિસિસની તૈયારી હતી, પરંતુ એક સજ્જ્નની સલાહથી જયપુર બે વર્ષ આશ્રમમાં રહી. દુર્ગાપુર ગામમાં સારવારથી લાભ થયો.’
અધધધ બીમારીઓ
નવી-નવી બીમારીઓની વણઝાર આવતી ગઈ પરંતુ રેખાબહેન મક્કમ મનોબળથી દરેક બીમારી સામે જીતતાં રહ્યાં. બીમારીઓની અસર મારી રાંધણકળાના શોખ પર ક્યારેય થઈ નહોતી એમ જણાવતાં તેઓ કહે છે, ‘મને હાર્ટમાં સ્ટેન્ટ બેસાડવામાં આવ્યું છે અને ૪૦ વર્ષથી અસ્થમાની બીમારી છે. સાત વર્ષ ઑક્સિજન ઉપર પણ રહી ચૂકી છું. એમ છતાં ફૂડમેકિંગ મારો શોખ હતો અને એમાં જ હું ખૂંપેલી રહેતી. સતત કાર્યશીલ રહેવાના મારા સ્વભાવને કારણે બીમારીની પીડા મને હરાવી નથી શકતી.’ 
નવી શરૂઆત
ત્રણ વર્ષ પહેલાં મસ્તી-મસ્તીમાં વૉટ્સઍપ ગ્રુપમાં નાખેલી ગોળ પૂરીનો સ્વાદ લોકોને એવો દાઢે ચડ્યો કે રેખાબહેને ક્લાઉડ કિચનની શરૂઆત કરી દીધી. લોકોમાં એની સોડમ કઈ રીતે પ્રસરી એની વાત કરતાં રેખાબહેન કહે છે, ‘હું શીતળા સાતમના આગલા દિવસે થેપલાi, ગોળ પૂરી, પાતરાં બનાવતી હતી. મારા દીકરાએ મને મસ્તીમાં કહ્યું કે મમ્મી તું પણ ગ્રુપમાં નાખ અને લખ કે જેમને જોઈતું હોય એ ઑર્ડર કરે. ગ્રુપમાં હું બીજું મેનુ સેટ કરીને મૂકતી અને લોકો એનો પણ ઑર્ડર કરતા. આમ નવાં મેનુ સેટ કરતી ગઈ અને કિચન જામી ગયું. મારી મનગમતી ઍક્ટિવિટીને પ્રોત્સાહન મળી ગયું. પ્યાજ કચોરી, મગદાળની કચોરી, ફલાફલ, પંજાબી શાક દિવસમાં ચારથી પાંચ બને. દરેક રેસિપી કસ્ટમાઇઝ રીતે બનાવીને આપું. કોરોના સમયમાં પણ લોકો ટિફિન મગાવતા. જેવી જેની જરૂરિયાત હોય એ મુજબ વાનગીઓ બનાવી આપું છું. મારા માટે પૈસો નહીં, પણ ખુશી-ખુશી બનાવીને ખવડાવી સંતોષ આપવો એ જ મારું ધ્યેય છે. મારા દીકરાઓ, વહુ અને પૌત્રો પણ મને આ કામમાં સપોર્ટ કરે છે અને પ્રેરણા વધારે છે. થેપલા અને ગોળ પૂરી તો લોકો અમેરિકા સુધી લઈને જાય છે. ચોખાની ચકરી, કોથમીર સ્ક્વેર, મુંગદાળ સ્ક્વેર, સૂકો મેવો-ગુંદના લાડુ, મેથી લાડુ, અસેરિયાના લાડુ બધું જ ઑર્ડર પ્રમાણે બનાવીને આપું છું.’
સદા ઍક્ટિવ
શારીરિક અક્ષમતાને ગણકાર્યા વગર પોતાના શોખની પ્રવૃત્તિ પ્રોફેશનમાં પરિવર્તન કરી દેશી મીઠાઈઓથી શરૂ કરી મેક્સિકન, ઇટાલિયન, થાઈ, ચાટ આઇટમોનાં ફ્યુઝન; ઇન્ડિયન અને કૉન્ટિનેન્ટલ અનેક વ્યંજનોની એક નવી દુનિયા ઊભી કરનાર રેખાબહેન કહે છે, ‘આખો દિવસ જાતજાતની વાનગીઓ બનાવવામાં હું બીમારીની વાત ભૂલી જાઉં છું. હા, ક્યારેક બ્રેક લેવો છે એવો વિચાર આવે, પણ એવામાં જ કોઈક ઑર્ડર આવી જાય કે ફરીથી દોડતી થઈ જાઉં. થોડા સમય પહેલાં ડાયાબિટીઝ ખૂબ વધવાથી પગમાં સોજા આવી ગયા હતા અને શ્વાસમાં પણ તકલીફ થતી હતી એટલે વિચાર્યું હતું કે થોડા દિવસ બ્રેક લઉં. પણ એ જ સમયે એક યંગ છોકરો આવ્યો અને કહે, મેં ડાયટ શરૂ કર્યું છે તો મને ડાયટ ફૂડ બનાવીને આપો. અને મેં બ્રેક લેવાનો વિચાર માંડી વાળ્યો. તેની ડાયટ મુજબ કઈ-કઈ વાનગીઓ બનાવી શકાય એના કામમાં મશગુલ થઈ ગઈ. બરિતો બાઉલ,  ફલાફલ, ઇટાલિયન સૅલડ અને જૂસ એમ સંતુલિત ચીજો બનાવતી. આમ જ કામ કરતાં-કરતાં હું મારી બીમારીમાંથી સ્વસ્થ થઈ ગઈ. મારા સસરાજીની કહેલી વાત મને હંમેશાં યાદ છે. એક કામમાં થાકો તો તરત બીજું કામ હાથમાં લઈ લેવાનું એટલે નવા કામના વિચારો તમને થકાવશે નહીં. મગજ થાકે છે. શરીર નથી થાકતું અને મગજના થાકને દૂર કરવો હોય તો સદા ઍક્ટિવ રહો.’

 મારા સસરાજીની કહેલી વાત મને હંમેશાં યાદ છે. એક કામમાં થાકો તો તરત બીજું કામ હાથમાં લઈ લેવાનું એટલે નવા કામના વિચારો તમને થકવશે નહીં. 

columnists