ગુજરાતી વાંચતાં અને જોતાં કરશો તો એનો લાભ તમને જ થવાનો છે

12 July, 2020 06:52 PM IST  |  | Manoj Joshi

ગુજરાતી વાંચતાં અને જોતાં કરશો તો એનો લાભ તમને જ થવાનો છે

ગુજરાતી માટે ઘણુંબધું થઈ શકે એમ છે અને એને માટે વધારે મહેનત કરવાની પણ જરૂર નથી. અગાઉ કહ્યું હતું એમ, તમારું રોજબરોજનું જીવન જેકોઈ ભાષામાં ચાલતું હોય એ ચલાવો, એમાં કાંઈ ખોટું પણ નથી અને એને બદલવાની પણ જરૂર નથી, પરંતુ જે સમયે તમે તમારા વાતાવરણમાં હો, જે સમયે તમે તમારા સ્વજન સાથે હો અને જે સમયે તમે તમારા પરિવાર સાથે હો એ સમયે તમારે માટે તમારું ગુજરાતીપણું કેન્દ્રમાં આવી જવું જોઈએ. ગુજરાતી ભાષા સાથે અનુસંધાન જોડી રાખવા માટે એક નહીં, અનેક રસ્તાઓ છે અને એ રસ્તાઓ આપણે કોઈ ને કોઈ રીતે અપનાવતા જ હોઈએ છીએ, પણ હવે એને માટે સજાગ થઈને અથાક પ્રયાસ કરતા જવાના છે. દાખલા તરીકે ગુજરાતી નાટકો, ફિલ્મો, ગુજરાતી બુક્સ અને ન્યુઝપેપર. મોટા ભાગના ગુજરાતીઓની લાઇફમાં બુક્સ, ફિલ્મ અને ડ્રામા જોડાયેલાં હોય છે અને નવી જનરેશન એ બધાથી દૂર છે એ પણ આપણે જાણીએ છીએ, પણ લઈ જાઓ એક વખત એ નવી જનરેશનને એ દિશામાં. તેમને ન્યુઝપેપર વાંચતાં કરો, તેમને ગુજરાતી નાટક અને ફિલ્મ જોવાની આદત પાડો. જ્યાં મનોરંજનની સાથોસાથ કાનને પણ ગુજરાતીની આદત પાડવાની છે. વાંચન વધશે તો આંખને ગુજરાતીની આદત પડશે અને ભાષાનું એવું છે કે જે ભાષામાં વિચારો આવવા અને દૃશ્યો સર્જાવા શરૂ થાય એ ભાષાને તમે સ્વીકારવાની શરૂઆત કરી દો.

જો ગુજરાતી પુસ્તકો વાંચવામાં આવે, મૅગેઝિન વાંચવામાં આવે કે ન્યુઝપેપરની આદત પડી જાય તો એ વાંચન પુષ્કળ કામ લાગવાનું છે અને એ લાગતું જ હોય છે. નાના હતા ત્યારે સાંભળેલી બાળવાર્તાઓને કારણે જ આજે આ વિચારશક્તિ ખીલી છે અને એ વિચારશક્તિની સાથોસાથ ભાષા-શક્તિ પણ આપોઆપ ખીલવાની શરૂ થશે. સમય લાગશે એમાં, પણ એ સમય લાગે એટલે આ વાતને ધ્યાન પર રાખ્યા વિના જ ગુજરાતી ભાષા બચાવવાના નારાઓ લગાવવા યોગ્ય હોય એવું મને નથી લાગતું. ભાષા ત્યારે જ બચી શકે જ્યારે એને માટેના પ્રયાસ ઘરમાંથી થાય અને ઘરના સભ્યો દ્વારા કરવામાં આવે. ભાષાને પરિવારજન બનાવવી જોઈએ, દીકરો કે દીકરી અંગ્રેજી બોલે એ જોઈને રાજીનાં રેડ થઈ જનારાં મા-બાપ ભૂલી જતાં હોય છે કે તેની પાસેથી હવે માતૃભાષા છીનવી લેવાનું કામ સૌથી પહેલાં એ જ લોકો કરવાનું શરૂ કરી બેઠાં છે. તમારા સંતાનને અંગ્રેજી આવડે એ સારી વાત છે, આવડવી જ જોઈએ. આવતા સમયમાં વ્યવહાર આ જ ભાષાથી થવાનો છે. ખાસ કરીને હિન્દુસ્તાનમાં પણ વ્યવહાર પૂરતી વાત રહેવી જોઈએ. એને જીવનનો ભાગ ન બનાવી લેવાનો હોય. મા-બાપનો રાજીપો એવો છે કે નવી પેઢી અંગ્રેજીને જીવનનું અંતિમ સત્ય માની બેસે છે અને એને લીધે ગુજરાતી ધીમે-ધીમે હાંસિયાની બહાર ધકેલાવાનું શરૂ થઈ ગયું છે. એક વાત યાદ રાખજો કે ભાષાને અનુકૂળ થશો અને ભાષાને અનુકૂળતા આપશો તો જ ભાષા તમારા માટે સાનુકૂળ સંજોગો લઈને આવશે. ભાષા થકી ભવિષ્ય નક્કી થતું હોય છે અને ભવિષ્ય કેવું હોય એ જોવાની જવાબદારી તમારી છે. જો વરવું ભવિષ્ય ડિઝાઇન કરી બેસો તો ભૂલથી પણ સંતાનોને ગાળો ભાંડતા નહીં, એને માટે પણ જવાબદાર તમે જ ગણાશો. જો એ જવાબદારી ન સ્વીકારવી હોય તો બહેતર છે કે આજથી જ જીવનમાં ગુજરાતીનો અમલ શરૂ કરી દો, નવી પેઢીને ગુજરાતી વાંચતાં, જોતાં કરો.

columnists manoj joshi