સોશિયલ મીડિયા પર ટ્રેન્ડિંગ આ ચેલેન્જની દુનિયામાં સમય ઓછો પડશે

02 May, 2020 03:36 PM IST  |  Mumbai Desk | darshini vashi

સોશિયલ મીડિયા પર ટ્રેન્ડિંગ આ ચેલેન્જની દુનિયામાં સમય ઓછો પડશે

ડાલ્ગોના કૉફી

ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટિકટૉક જેવા સોશ્યલ મીડિયાના પ્લૅટફૉર્મ પર લૉકડાઉન દરમિયાન ચૅલેન્જ અને ટાસ્કને પૂરા કરવાના ટ્રેન્ડથી તમે અજાણ નથી. સામાન્ય વ્યક્તિ હોય કે પછી સેલિબ્રિટી, દરેક જણ પોતપોતાની રીતે ઇન્ટરનેટ પર ટ્રેન્ડિંગ ચૅલેન્જ અને ટાસ્કને પૂરાં કરવા માટે મંડી પડ્યા છે. જોકે હજી સુધી તમને આવી કોઈ ચૅલેન્જ સાથે પનારો ન પડ્યો હોય તો જાણી લો કેવાં ગતકડાં ચાલી રહ્યાં છે

લૉકડાઉન દરમિયાન સોશ્યલ મીડિયાના માધ્યમ થકી એકબીજાથી જોડાઈ રહેવા માટે આજકાલ લોકોએ ચૅલેન્જ અથવા ટાસ્કના નામે એકથી એક નવી યુક્તિ શોધી કાઢી છે જે લોકોને બિઝી તો રાખે જ છે સાથે-સાથે કંઈક નવું પણ શીખવાડે છે અને કંઈક નવું કરવાની પ્રેરણા પણ આપે છે. એમાંની કેટલીક ચૅલેન્જ તેમ જ ટાસ્ક તો આજે સોશ્યલ મીડિયા પર એટલાં બધાં ટ્રેન્ડ થઈ ગયાં છે કે હવે સોશ્યલ મીડિયાના વપરાશકારો ઇચ્છે તો પણ એનાથી દૂર રહી શકતા નથી. તો ચાલો, આજે આપણે એવા મુંબઈકરોની સાથે વાત કરીશું જેઓ સોશ્યલ મીડિયા પર ધૂમ મચાવી રહેલાં ચૅલેન્જ અને ટાસ્કમાં સહભાગી થયા છે.

ડૅલ્ગોના કૉફી ચૅલેન્જ, યુક્તિ છેડા
ઇન્સ્ટાગ્રામ પર ડૅલગોના કૉફીને લઈને ઢગલાબંધ પોસ્ટ જોયા બાદ મને પણ એ બનાવવાનો ચસ્કો લાગ્યો હતો એમ જણાવતાં બોરીવલીમાં રહેતાં અને વ્યવસાયે ફોટોગ્રાફર યુક્તિ છેડા કહે છે, ‘મારા મિત્રોએ આ કૉફી બનાવી હતી અને સોશ્યલ મીડિયા પર કૉફીના ફોટા સાથે મને ટૅગ કરી હતી જેથી મેં પણ એ કૉફી બનાવી હતી. જોકે આ કૉફીને બનાવવા માટે હાથની કસરત પણ ઘણી કરવી પડે છે, પરંતુ એ રેડી થઈ જાય ત્યાર બાદ એનો ટેસ્ટ કસરતનો બધો થાક ઉતારી દે છે. કૉફીનું જાડું ક્રીમી લેયર અને એનું કલર-કૉમ્બિનેશન ડિફરન્ટ છે. મેં પણ મારી કૉફીના ફોટો સોશ્યલ મીડિયા પર મૂક્યા હતા જેના પર અઢળક કમેન્ટ્સ અને લાઇક્સ પણ મળી હતી. મારી કૉફીના ફોટો જોઈને મારા અન્ય મિત્રો પણ એને બનાવવા માટે પ્રેરાયા હતા. એક વાર ચસ્કો લાગ્યો એટલે હવે તો હું મનમાં આવે ત્યારે કૉફી બનાવી નાખું છું અને ડિફરન્ટ સ્ટાઇલમાં કૉફી પીતો અને કૉફીને રેડી કરતો ફોટો અપલોડ કરું છું.’

મેક અ ટાસ્ક ગેમ, ચાર્મી શાહ
લૉકડાઉન દરમિયાન સોશ્યલ મીડિયાને પણ થૅન્ક્સ કહેવું જોઈએ, જેને લીધે આજે લોકો વ્યસ્ત બની શક્યા છે એમ જણાવતાં કાંદિવલીમાં રહેતાં ચાર્મી શાહ કહે છે, ‘મેક અ ટાસ્ક ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ ઍક્ટિવિટી છે. જેમ આપણે નાનાં બાળકોને ભેગાં કરીને ગેમ રમાડીએ છીએ એમ આમાં પણ છે, પરંતુ આમાં આખી ફૅમિલીને રમવાનું અલાઉડ છે. મારી વાત કરું તો હું પોતે મેક અ ટાસ્ક ગેમ રમું પણ છું અને રમાડું પણ છું. મને કહેવામાં આવ્યું હતું કે તમારે ઓમ શાંતિ ઓમનો એક ચુટકી સિંદૂરનો ડાયલૉગ એ જ અદામાં બોલવાનો છે અને એને અપલોડ કરવાનો છે તેમ જ બીજો એક ટાસ્ક હતો જેમાં ‘ગો કોરોના ગો’ને રોમૅન્ટિક રીતે બોલીને એનો વિડિયો અપલોડ કરવાનો હતો આવા ટાસ્ક કરવામાં ખૂબ મજા પડે છે. ટાસ્કને રસપ્રદ બનાવવા માટે પૉઇન્ટ પણ આપવામાં આવે છે.’

હૅન્ડ ઇમોજી ચૅલેન્જ, જય શાહ
આ ચૅલેન્જ ખૂબ જ ફની છે. પરંતુ એનો એક પર્ફેક્ટ વિડિયો બનાવવા માટે પ્રૅક્ટિસ કરવી પડે છે જણાવતાં મલાડમાં રહેતા જય શાહ આગળ કહે છે, ‘સોશ્યલ મીડિયા પર અત્યારે ઢગલાબંધ ઍક્ટિવિટી ચાલી રહી છે જેમાં હૅન્ડ ઇમોજી ચૅલેન્જ થોડી હટકે છે. હાથના ઇશારાથી અલગ-અલગ ઇમોજી બતાવીને એક નાનો વિડિયો બનાવવાનો હોય છે અને એને ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કરવાનો હોય છે. જેટલો આ વિડિયો ફની હોય છે એટલી એની કમેન્ટ પર ઘણી વખત પેટ પકડાવીને હસાવતી હોય છે. એક તો તમારે એમાં કંઈ બોલવાનું હોતું નથી, માત્ર બીટ્સ પકડીને અમુક ટાઇમની અંદર હૅન્ડ ઇમોજી બનાવવાનાં હોય છે. મેં અત્યાર સુધીમાં ત્રણ-ચાર વિડિયો અપલોડ કર્યા છે. એનાથી મારો કૉન્ફિડન્સ પણ વધ્યો છે. અત્યારના લૉકડાઉનમાં આવી ઍક્ટિવિટી ફ્રેશ રાખે છે.’

ફોટોગ્રાફ ચૅલેન્જ, હેમાંગી દોશી
મલાડમાં રહેતાં હેમાંગી દોશી હોમમેકર છે. લૉકડાઉન દરમિયાન હોમમેકરની જવાબદારી અને કામ અનેકગણાં વધી જાય છે આ બધામાંથી થોડું રિલૅક્સ થવા માટે તેમણે કપલ તેમ જ સોલો ફોટોગ્રાફને અપલોડ કરવા સબંધિત અનેક ચૅલેન્જ ઍક્સેપ્ટ કરી હતી. આ બાબતે તેઓ કહે છે, ‘મને મારા સર્કલમાંથી અનેક લોકોએ અલગ-અલગ પ્રસંગ અને સમયના સિંગલ તેમ જ કપલ ફોટોગ્રાફ અપલોડ કરવા માટે ચૅલેન્જ મોકલાવી હતી. આમ તો આપણે આપણા ડીપી અવારનવાર ચેન્જ કરતાં રહીએ જ છીએ, પરંતુ આ ચૅલેન્જ મને થોડી અટ્રૅક્ટિવ લાગી, કેમ કે એક ચૅલેન્જમાં મારે દસ વર્ષ જૂનો ફોટો અપલોડ કરવાનો હતો જે મેં કર્યો અને એના પર મને ઘણીબધી કમેન્ટ્સ મળી હતી. હું પોતે દસ વર્ષ પહેલાંના ફોટોમાં અમુક સરખામણી નહોતી કરી શકી જે બીજાએ કરી બતાવી જે ખૂબ જ મજાનું રહ્યું હતું. એમાં મને પણ આનંદ મળ્યો હતો.’

ફિટનેસ ચૅલેન્જ, ધ્રુવિન બોરડિયા
મલ્ટિનૅશનલ કંપનીમાં કામ કરતાં ધ્રુવિન બોરડિયા અત્યારે વર્ક ફ્રૉમ હોમ કરે છે, પરંતુ ફિટનેસને લઈને પણ એટલા જ સજાગ છે જિમ બંધ હોવાથી તેઓ ફિટનેસ પ્રત્યે ધ્યાન આપી શકે એ માટે તેમણે સોશ્યલ મીડિયા પર ચાલતી ચૅલેન્જનો સાથ લીધો છે. તેઓ કહે છે, ‘આમ તો હું રોજ જિમમાં જાઉં છું, પરંતુ અત્યારે એ શક્ય ન હોવાથી હું જઈ શકતો નથી. ઘરે એક્સરસાઇઝ કરવાનો કંટાળો આવે એટલે મેં સોશ્યલ મીડિયા પર ચાલતી ફિટનેસ ચૅલેન્જ ઍક્સેપ્ટ કરી હતી જેમાં મને દસ મિનિટની અંદર અમુક પ્લૅન્ક કરવા માટે કહેવામાં આવતું અને હું ચૅલેન્જ પૂરી કરવા પ્લૅન્ક્સ કરતો હતો. આવી રીતે પુશઅપ માટે પણ મેં ચૅલેન્જ સ્વીકારી હતી.’

બિન્ગો ચૅલેન્જ, જય દોડિયા
આપણે જ્યારે ભણતા હતા ત્યારે એક ટાઇમટેબલ બનાવતા હતા જેમાં આપણે કયો વિષય ભણવાનો છે એ લખતા જતા અને એ ટાસ્ક પૂરો થાય એમ એના પર ટિક કરતા જતા હતા. એનું આધુનિક અને નવીન સ્વરૂપ છે બિન્ગો એમ જણાવતાં મીરા રોડમાં રહેતા જય દોડિયા કહે છે, ‘દાખલા તરીકે કોઈ ફૅશન વર્લ્ડમાં હોય તો તે તેના ફીલ્ડને સબંધિત વસ્તુઓ બિન્ગો ચાર્ટમાં લખીને અપલોડ કરે છે જેમાં એવી ઘણી બાબતો હોય છે જે-તે ફીલ્ડના લોકોને પણ ખબર હોતી નથી. મારી વાત કરું તો બિન્ગોના લીધે મારી જાણકારીમાં વધારો થયો છે. મારા ફીલ્ડના લોકોએ ચાર્ટ બનાવીને અપલોડ કર્યો છે અને એમાં મને ટૅગ કર્યો છે. જ્યારે હું એમાં ટિક કરવા ગયો ત્યારે ખબર પડી કે આ વસ્તુ તો મને ખબર જ નથી અથવા તો મેં કરી જ નથી.’

columnists darshini vashi weekend guide