તૂ બન જા ગલી બનારસ કી, મૈં શામ તલક ભટકું તુઝ મેં

28 November, 2021 01:50 PM IST  |  Mumbai | Aashutosh Desai

સદીઓ જૂનાં ધાર્મિક સ્થળો, જબરદસ્ત પવિત્ર સ્પંદનોથી લબલબ ઘાટોના ઇતિહાસમાં ડૂબકી મારવી હોય તો ચાલો વારાણસીની વર્ચ્યુઅલ સફરે

તૂ બન જા ગલી બનારસ કી, મૈં શામ તલક ભટકું તુઝ મેં

વિશ્વનાં સૌથી ઓલ્ડેસ્ટ દસ શહેરોની યાદીમાં ભારતનું વારાણસી શહેર પણ છે. આમ તો આ શહેર આજકાલ રાજકીય ગતિવિધિઓનું એપિસેન્ટર બની ગયું છે; પરંતુ એનો ધાર્મિક, ભૌગોલિક, આર્થિક અને સામાજિક ઇતિહાસ ખૂબ ભવ્ય અને પવિત્ર છે. સદીઓ જૂનાં ધાર્મિક સ્થળો, જબરદસ્ત પવિત્ર સ્પંદનોથી લબલબ ઘાટોના ઇતિહાસમાં ડૂબકી મારવી હોય તો ચાલો વારાણસીની વર્ચ્યુઅલ સફરે

ફિલ્મ ‘શાદી મેં ઝરૂર આના’ અને શકીલ આઝમી લિખિત એ ગીત ‘તૂ બન જા ગલી બનારસ કી, મૈં શામ તલક ભટકું તુઝ મેં...’ આ ગીત તમે સાંભળ્યું છે? વાહિયાત સવાલ નહીં? આ ગીત નહીં સાંભળ્યું હોય એવું તો ક્યાંથી બને? અચ્છા, વિકી કૌશલની સુપર્બ ફિલ્મ ‘મસાન’  જોઈ છે? નથી જોઈ? જોઈ નાખો બૉસ. ભારતના એક જબરદસ્ત ધનાઢ્ય એવા શહેરમાં આ ફિલ્મ જલસાભેર તમને ફેરવી લાવશે. અરે, તમે પેલી દર્શન જરીવાલાની મુંબઈ-વારાણસી શૉર્ટ ફિલ્મ પણ નથી જોઈ? કમાલ કરો છો યાર. ૨૪ મે, ૧૯૫૬. એક શહેરના ‘નામ’નો જન્મદિવસ. 
યસ, ભારતના ધાર્મિક કૅપિટલનો દરજ્જો પામી શકે એવું એ શહેર છે વારાણસી. વિશ્વનું સૌથી જૂનું અને સંસ્કૃતિથી સમૃદ્ધ શહેર. એવું વર્ષોથી કહેવાતું અને મનાતું આવ્યું છે કે હડપ્પા અને મોહેંજો દારો એ શહેર સંસ્કૃતિનાં સૌથી પહેલાં બે નામ. પણ ખોટું, સાવ ખોટું. વિશ્વ-સંસ્કૃતિનું સૌથી પહેલું નામ એટલે વારાણસી. આપણામાંના અનેક લોકો એને બનારસ, કાશી, કાશિક, વારાણસી, અવિમુક્ત, આનંદવન, રુદ્રવાસ જેવાં અનેક નામથી ઓળખે છીએ. પણ શું આપણે એ જાણીએ છીએ કે વારાણસીને એનું નામ કઈ રીતે મળ્યું? ઉત્તરમાં વહેતી વરુણા નદી અને દક્ષિણમાં વહેતી અસ્સી નદી બંને આખરે ગંગામાં મળે છે. આ બંને નદીઓની વચ્ચે વસેલું શહેર એટલે વારાણસી. દેવોના દેવ એવા અલખ નિરંજન મહાદેવનું અતિ પ્રિય એવું આ શહેર કહેવાય છે કે તેમણે જાતે વસાવ્યું હતું! એવી લોકવાયકા પણ છે કે ક્યારેક આખા વિશ્વનો નાશ થઈ જશે ત્યારે પણ એકમાત્ર શહેર આ પૃથ્વી પર અસ્તિત્વમાં હશે અને એ વારાણસી, કારણ કે એ મહાદેવને અતિપ્રિય છે. કાશી નામ પડ્યું સંસ્કૃત શબ્દ ‘કાશિકા’ને કારણે. કાશિકાનો અર્થ થાય છે ચમકતું. કહેવાય છે કે જ્યારે ભગવાન વિષ્ણુએ આ સૃષ્ટિનું સર્જન કર્યું ત્યારે ધરતી પર સૂર્યનું પહેલું કિરણ અહીં પડ્યું હતું અને એ જોઈને આ ધરતી ભગવાન શિવને એટલી ગમી ગઈ હતી કે આ ભૂમિ સદા ચમકતી રહેશે એવા વરદાન સાથે સ્વયં શિવે અહીં આ શહેરની સ્થાપના કરી હતી. આથી સદા ચમકતી રહેતી આ ભૂમિને કાશી કહેવામાં આવે છે.
આપણા ગુજરાતીઓમાં પણ એક કહેવત મશહૂર છે - ‘સુરતનું જમણ અને કાશીનું મરણ’. જોકે આ શહેરની આજની સૂરત વિશે વાત કરીએ એ પહેલાં એનો થોડો ઇતિહાસ જાણી લઈએ તો એના આજના સ્વરૂપ વિશે વાત કરવાની ઑર મજા પડે એવું નથી લાગતું?
જો તમે વારાણસી જઈ આવ્યા હશો તો ખબર હશે કે સાંકડી ગલીઓ જેને આપણે તળપદી ગુજરાતીમાં પોળ કહીએ છીએ એવી અનેક પોળનો સમૂહ, એમાં ફરતી પૅડલ રિક્ષાઓ અને દર સો મીટરે નવા-નવા ઘાટોથી થતાં ગંગાજીનાં દર્શન એટલે કાશી. ચાટ, દૂધની દેશી મીઠાઈઓ, પાનની ટપરી અને માટીની કુલ્લીઓમાં મળતી ચોખ્ખા ગાઢા દૂધની અનેકાનેક વાનગીઓ એટલે બનારસ. માથે તિલક અને પ્રભાતફેરીથી લઈને શિવધૂન સુધીનો નાદ ગલીએ-ગલીએ સતત સંભળાયા કરે. બીમારીને ભૂલી જઈને શિવમય થઈ ગયાનો અહેસાસ જે શહેરની ગલીઓ સતત કરાવતી રહે એવું શહેર એટલે વારાણસી. એવું કહેવાય છે કે આજે પણ જે વ્યક્તિ આ શહેરમાં એક વાર જઈ આવે તે પોતાનું મન ત્યાં જ મૂકીને આવતી હોય છે. ક્યારેક કોઈ હવામાં જ એટલો પ્રતાપ હોય છે કે એ પોતાની ઑરામાં તમને બાંધી લેતો હોય છે. આપણા મુંબઈ માટે પણ એવું નથી કહેવાતું કે જે આ શહેરમાં એક વાર આવે છે તે પછી અહીંનો જ થઈને રહી જાય છે? બસ, એવું જ કંઈક આ વારાણસી માટે છે.
માત્ર હિન્દુઓનું જ ધામ નહીં
રામાયણ અને મહાભારત જેવાં આપણાં મહાકાવ્યોમાં પણ આ શહેરનો ઉલ્લેખ વારંવાર આવે છે. અચ્છા, તમને એ વાતની ખબર છે કે નહીં કે વારાણસી માત્ર હિન્દુઓ માટે જ નહીં પરંતુ જૈન અને બૌદ્ધ ધર્મના લોકો માટે પણ એટલું જ મહત્ત્વનું શહેર છે. જૈનોના તીર્થંકર પાર્શ્વનાથ પણ વારાણસીમાં જ જન્મ્યા હતા. ગૌતમ બુદ્ધે પણ તેમનો પહેલો ઉપદેશ અહીં વારાણસીમાં જ સારનાથમાં આપ્યો હતો! પણ આમ બધી અધૂરી-અધૂરી વાતો કરીએ તો મજા નહીં આવે ખરુંને? તો ચાલો આપણે આ ગૌરવસમા વારાણસીનો શબ્દપ્રવાસ કરીએ. 
ઇતિહાસ કરતાં પુરાણું કાશી
રામાયણમાં એવો ઉલ્લેખ છે કે રાજા દશરથની ત્રીજી પત્ની સુમિત્રા કાશીની રાજકુમારી હતી. તો મહાભારતમાં પણ એવો ઉલ્લેખ મળે છે કે ભીષ્મ પિતામહે કાશી નરેશની ત્રણ દીકરીઓ અંબા, અંબિકા અને અંબાલિકાનું અપહરણ કર્યું હતું જેને કારણે હસ્તીનાપુર અને કાશી વચ્ચે દુશ્મનાવટ થઈ હતી. જ્યારે કાશીનો આશરે ૨૫૦૦ વર્ષ કરતાંય પુરાણો ભવ્ય ઇતિહાસ તો ઇતિહાસકારો દ્વારા ચોપડે નોંધાયેલો સાબિતીઓસહ જડી આવે છે. કાશી એટલે શિવની યુનિવર્સિટીનું શહેર! અહીં સંસ્કૃતિ, ધર્મ અને જીવનનું  જ્ઞાન સ્વયં શિવમુખે હવામાં પ્રસારિત થતું રહે છે. સનાતન ધર્મની રાજધાની એવા કાશીનો સંબંધ જેટલો હિન્દુ ધર્મ સાથે એટલો જ બૌદ્ધ ધર્મ સાથે પણ છે. આશરે ૫૬૬થી ૪૮૩ ઈસા પૂર્વે જૂનું સારનાથનું ફૂટી વિહાર મંદિર. ભગવાન બુદ્ધને ગયામાં જ્ઞાનપ્રાપ્તિ થઈ ત્યાર બાદ તે પહેલી વાર ભ્રમણ કરતાં-કરતાં કાશી આવ્યા અને અહીં સારનાથમાં તેમણે પહેલી વાર તેમના પાંચ અનુયાયીઓને ઉપદેશ આપ્યો હતો, જ્યાં પાછળથી સમ્રાટ અશોકે એક વિશાળ બૌદ્ધસ્તૂપ બનાવડાવ્યો. આજના આ યુગમાં પણ કબીર આપણાથી ક્યાં અજાણ્યા છે. એ જ કબીર જેમણે કહ્યું હતું કે ન તો હું બૌદ્ધ છું, ન હિન્દુ, ના મુસ્લિમ. એવા અલગારી જીવ કબીરજી (૧૩૯૮થી ૧૪૪૮) પણ આ જ ભૂમિના પનોતા પુત્ર. માત્ર છ કિલોમીટરના અંતરે આવેલા લહરતારાના તળાવમાં કમળના પાન પર કબીરજી મળ્યા હતા.
હવે વાત આપણા મહાન સંત કવિ તુલસીદાસજીની. વાત કંઈક એવી છે કે ‘કાશી ધામ, મરણ મુક્તિ ધામ’ની વાયકા વિશ્વભરમાં એટલી પ્રચલિત થઈ કે દેશ-વિદેશથી લોકો અહીં કાશી આવીને રહેવા લાગ્યા અને પોતાના મરણ પછી મુક્તિની કામના કરવા માંડ્યા. આ સમય દરમિયાન ચિત્રકૂટનિવાસી સંત તુલસીદાસજી (૧૫૩૨થી ૧૬૨૩)એ વાલ્મીકિ રચિત રામાયણને અવધી ભાષામાં લખી અને કાશીમાં રહીને પ્રભુ શ્રી રામની આરાધના કરતાં-કરતાં જ ઈશ્વરતુલ્ય સ્થાને પહોંચ્યા. એક તરફ તુલસીદાસજીની શાંત, સૌમ્ય ભક્તિનું સ્વરૂપ જે કાશી પાસે છે ત્યાં જ એનાથી સાવ વિપરીત બીજું એક સ્વરૂપ પણ કાશી પાસે છે. બાબા કીનારામ (૧૬૦૧) જેમની ભક્તિનું મૂળ સ્થાન હતું સ્મશાનભૂમિ. વારાણસી અઘોરીઓના તપની ભૂમિ પણ છે. કહેવાય છે કે અહીં અઘોરીઓ આખી-આખી રાત સ્મશાનમાં વિતાવે છે અને ગંગાજીમાં વહેતા મૃત માનવદેહના માંસના ટુકડાઓ શોધી, એનું સેવન કરીને પોતાનું પેટ ભરતા હોય છે અને હઠયોગ દ્વારા શિવની ભક્તિ કરી શિવમય બનવાનો પ્રયાસ કરતા હોય છે.  
કાશી વિશ્વનાથનું મંદિર
વારાણસી એટલે શિવની ભૂમિ. વિશ્વેશ્વર મહાદેવ કે વિશ્વનાથ મહાદેવનું મંદિર કાશીની મૂળભૂત ઓળખ સમાન છે એમ કહીએ તો ચાલે. ઈ.સ. ૧૧૯૪માં કુતુબુદ્દીન ઐબકે એ જ વિશ્વેશ્વર મહાદેવ મંદિરને ધ્વસ્ત કર્યું હતું અને લૂંટ ચલાવી હતી. ત્યાર બાદ તો અનેક મુગલ શાસકોએ કાશીના આ વિશ્વનાથ મંદિર અને ભારતનાં બીજાં એવાં અનેક મંદિરોને લૂંટીને પોતે શાસક નહીં પરંતુ હિંસક લૂંટારાઓ હોવાની સાબિતી આપી હતી. ઐબક સિવાય મહમ્મદ ગઝનવી અને ઔરંગઝેબ જેવા મુગલોએ પણ વિશ્વેશ્વરનું મંદિર લૂંટ્યું અને ધ્વસ્ત પણ કર્યું. હાલ કાશી વિશ્વનાથનું જે ભવ્ય મંદિર વારાણસીમાં છે એ ચોથી વાર પુનઃ નિર્મિત થયેલું મંદિર છે, પરંતુ આ કાશી વિશ્વનાથનું મંદિર જે આજે આટલું વિશાળ અને ભવ્ય દીસે છે એ મુગલોની લૂંટાવરી પછી આટલું વિશાળ અને ભવ્ય રહ્યું નહોતું. અઢારમી સદીમાં ઇન્દોરનાં રાણી અહલ્યાબાઈ હોલકરે આ મંદિરને ફરી એનું ભવ્ય રૂપ અપાવ્યું અને ૧૮૩૫ની સાલમાં પંજાબના એ સમયના રાજા રણજિત સિંહે કાશી વિશ્વનાથ મંદિરનો ગુંબજ સોનાનો બનાવડાવ્યો.
નારાયણ ડાયનૅસ્ટી અને બનારસ  
આપણામાંથી કેટલા હિન્દુઓ એ જાણે છે કે ૨૫૦૦ વર્ષ કરતાંય વધુ જૂનો ઇતિહાસ ધરાવતું આ ભવ્ય શહેર ૧૯૪૭ના વર્ષ સુધી એક રાજવીનું રાજ્ય હતું અને એના રાજાને કાશી નરેશ તરીકે ઓળખવામાં આવતા હતા. નારાયણ ડાયનૅસ્ટી, આ રાજવી કુળનો ઇતિહાસ છેક ૧૮મી સદીથી ચાલ્યો આવે છે. મુગલ સામ્રાજ્ય દરમિયાન બનારસ અવધ રાજ્યની સીમામાં ગણાતું અને અવધ જમીનદારોના હાથમાં હતું. મુગલ નવાબના જમીનદારો અવધનો કારભાર સાંભળતા. જમીનદારોનો નવાબ હતો નવાબ આસફદૌલા. આ બધા જ જમીનદારો તેમના રાજ્યની આવક-જાયદાદ પહેલાં આસફદૌલાને પહોંચાડતા અને ત્યાર બાદ અંગ્રેજરાજમાં લગાન તરીકે અંગ્રેજ સરકારને. લગભગ ૧૭૦૦-૧૭૩૫ની સાલની આસપાસની વાત છે.      
આ સમય દરમિયાન અવધ રાજ્યના બનારસ શહેરની તમામ જમીનની જમીનદારી ભૂમિહાર પરિવાર પાસે હતી. ભૂમિહાર પરિવારના મુખ્ય કર્તાહર્તા હતા બળવંતસિંહ. બળવંતસિંહની જમીનદારી હેઠળ એ સમયમાં બનારસ, ચંદૌલી, સોનભદ્ર, જોનપુર, પ્રતાપગઢ, મિરઝાપુર જેવા વિસ્તારો એટલે સમજોને આજે જેને આપણે પૂર્વ ઉત્તર પ્રદેશ તરીકે ઓળખીએ છીએ એ મોટા ભાગનો હિસ્સો ભૂમિહાર પરિવારની જમીનદારી હેઠળ હતો. હવે બન્યું એવું કે ૧૭૪૦ની આસપાસ આપણા દેશમાં મુગલોનો સૂરજ અસ્તાચળે હતો. મુગલોનું જોર દેશભરમાં ઓછું થવા માંડ્યું અને ફિરંગી અને અંગ્રેજોએ પોતાનો પગપેસારો વધારવા માંડ્યો. આ સમય દરમિયાન કાશી નરેશ બળવંતસિંહ ભૂમિહાર એક હિન્દુ રાજા હોવાને કારણે તેમને હિન્દુઓનું સમર્થન મળ્યું અને તેમણે અવધના નવાબથી છૂટા પડી પોતાનું સ્વતંત્ર રાજ્ય સ્થાપવાના પ્રયત્નો શરૂ કરી દીધા.
પરંતુ આ સમય દરમિયાન ભારતના બીજા ભાગોમાં ખૂબ ઝડપથી પરિવર્તન થઈ રહ્યું હતું. અંગ્રેજો એક પછી એક વિસ્તાર કબજે કરી રહ્યા હતા અને આ જ સમય દરમિયાન કાશી હિન્દુ ધર્મ માટે એક મહત્ત્વનું પવિત્ર ધામ હોવાને કારણે મરાઠાઓ ચાહતા હતા કે કાશી, અયોધ્યા અને મથુરા જેવાં હિન્દુ સ્થળો પર તેમનું રાજ સ્થપાય. તો બીજી તરફ ગંગાજી છેક બંગાળ સુધી વહેતાં હોવાને કારણે બનારસ વ્યાપાર માટે પણ મુખ્ય શહેર હતું. કાનપુરથી બંગાળ સુધીનો બધો વેપાર બનારસથી જ થતો હોવાને કારણે અંગ્રેજો પણ એનો કબજો લેવા માગતા હતા. ૧૭૭૦ની સાલમાં અવધના નવાબે અંગ્રેજો સાથે એક ટ્રીટી કરી અને બનારસ રાજ્યનો કારભાર તેમને સોંપી દીધો. આ સમય દરમિયાન કાશી નરેશ હતા ભૂમિહાર પરિવારના રાજા ચેતસિંહ. આજે વારાણસીમાં જે ચેતસિંહ ઘાટ છે એ તેમના નામ પરથી જ રાખવામાં આવ્યો છે.
૧૭૮૦-’૯૦ના દાયકામાં રાજા ચેતસિંહ અને અંગ્રેજ સરકારના વૉરન હેસ્ટિંગ્સ જેને ભારતની લૂંટના સક્શન મશીન તરીકે ઓળખવામાં આવે છે એ બન્ને વચ્ચે ઘર્ષણ વધવા માંડ્યું અને હેસ્ટિંગ્સે ચેતસિંહને દગો આપીને તેમના જ મહેલમાં બંદી બનાવી દીધા અને તેણે નારાયણ ડાયનૅસ્ટીના મહીપસિંહ નારાયણને રાજગાદી પર બેસાડ્યા. મહીપસિંહ બાદ રાજા તરીકે ઉદિતનારાયણ કાશીની રાજગાદી પર આવ્યા. તે હિન્દુ ધર્મ અને હિન્દુ સંસ્કૃતિ પ્રત્યે ખૂબ સજાગ હતા. આજે જે રામલીલા નામની નાટ્ય-ઉજવણી આખા દેશમાં પ્રસિદ્ધ છે એ તેમણે જ ૧૮૩૦ની સાલમાં એક ભવ્ય જલસો અને પ્રદર્શન પ્રણાલી દ્વારા શરૂ કરાવી હતી.
બનારસ હિન્દુ યુનિવર્સિટી
નારાયણ ડાયનૅસ્ટીના જ બીજા એક રાજા મહારાજ પ્રભુ નારાયણસિંહ સાથે પણ વારાણસી ઇતિહાસની એક અતિ મહત્ત્વની કડી  જોડાયેલી છે. આ વાત છે ૧૯૦૦ની સાલની આસપાસની જ્યારે પંડિત મદનમોહન માલવિયાજી, ઍની બેસન્ટ અને દરબંગાના મહારાજા કામેશ્વરજી બનારસમાં એક યુનિવર્સિટી સ્થાપવા માગતાં હતાં. પ્રભુ નારાયણસિંહજીએ તેમને ૧૩૦૦ એકરની જમીન આ ભગીરથ કામ માટે દાનમાં આપી હતી જે આજે બનારસ હિન્દુ યુનિવર્સિટીના નામથી પ્રખ્યાત છે.
બનારસ ડાયનૅસ્ટીએ જ્યારે પોતાની આ રિયાસત ભારતને સોંપી દીધી એટલે અખંડ ભારતમાં વિલીન થઈ જવાનો તેમણે નિર્ણય કર્યો ત્યારે આ ભૂમિહાર પરિવાર, નારાયણ ડાયનૅસ્ટીના છેલ્લા રાજા હતા વિભૂતિનારાયણ જેમણે સરદાર પટેલ સાથે ભારતનો અખંડ હિસ્સો બની રહેવાના દસ્તાવેજ પર સહી કરી હતી.
વારાણસી અને વ્યાપાર ઉદ્યોગ 
વારાણસી માત્ર ધાર્મિક દૃષ્ટિએ જ જાણીતું અને માનીતું નથી. આ શહેર હસ્તશિલ્પ, સંગીત, નૃત્ય જેવી અનેક કળા તેમ જ સોના-ચાંદીના તારના જરીના કામ અને રેશમ માટે પણ પ્રસિદ્ધ છે. બનારસી સિલ્કની કોઈ એકાદ સાડી ક્યારેક આપણા ઘરમાં પણ નહીં આવી હોય એવું કદાચ બન્યું નહીં હોય. બનારસમાં આ ઉદ્યોગ વર્ષો પહેલાં કુટિર ઉદ્યોગ તરીકે વિકસ્યો હતો જે આજે વારાણસીની એક અલગ ઓળખ તરીકે પ્રસ્થાપિત થઈ ચૂક્યો છે. કહે છે કે અંગ્રેજો ભારતમાં આવ્યા એ પહેલાંથી બનારસના સોના-ચાંદીના તારની જરીવાળી સાડીઓ છેક બંગાળ સુધી જતી હતી. વ્યાપારનો ધોરી માર્ગ ગંગાજીની લહેરો પર થઈને બનારસમાં વિકસ્યો છે એમ કહેવાય છે. લાકડાનાં રમકડાં, કાચની બંગડીઓ અને હાથીદાંતનાં ઘરેણાંઓના કામ માટે પણ વારાણસી એટલું જ મશહૂર છે. વળી રેલવે એન્જિનનું નિર્માણકેન્દ્ર કઈ રીતે ભુલાય? આ સિવાય વારાણસી આયુર્વેદ અને યોગચિકિત્સા માટે પણ જાણીતું છે. અહીંનાં બનારસી પાન આખા ભારતમાં જ નહીં, વિશ્વભરમાં પહોંચે છે. 
વારાણસી અને એના ઘાટ       
એવું કહેવાય છે કે કાશીને ફરી બેઠું કરવામાં મરાઠાઓનો સિંહફાળો રહ્યો હતો. શિવાજી મહારાજને કાશીવાસી હિન્દુઓએ સાથ આપ્યો. મુગલો સાથે યુદ્ધ કરીને શિવાજીએ કાશીને ફરી બેઠું કરવામાં મોટો ભાગ ભજવ્યો હતો. એક જાણીતા ઇતિહાસકાર પુલ્ટિત્કર લખે છે કે મરાઠા પેશ્વાઓ સાથે મળી કાશીમાં મણિકર્ણિકા, ત્રિલોચના, અન્નપૂર્ણા, સાક્ષી, વિનાયક અને કાલભૈરવ જેવા અનેક ઘાટનું પુન:નિર્માણ કરવામાં આવ્યું હતું.
કાશી દશાશ્વમેધ ઘાટ પર ૧૯૯૧ની સાલમાં ગંગા આરતીની શરૂઆત થઈ હતી. હરિદ્વારમાં થતી ગંગા આરતીથી પ્રેરિત અહીં પણ ગંગામાની આરતીની શરૂઆત થઈ. વારાણસીમાં એવી માન્યતા છે કે આ ઘાટ પર ગંગાજીએ દસ અશ્વમેધ યજ્ઞ કરાવ્યા હતા જેને કારણે આ ઘાટનું નામ પડ્યું દશાશ્વમેઘ ઘાટ. ગંગા આરતીની શરૂઆત થાય છે ક્ષિપ્રા ઘાટ પર અને ધીમે-ધીમે વારાણસીના બીજા ઘાટો પર પણ આરતી પ્રજ્વલિત થઈ ઊઠે છે. અચાનક જાણે આખા વારાણસીની છબિ બદલાઈ જાય છે અને આખો દિવસ માનવમહેરામણથી ઊભરાતું રહેલું આ શહેર આખું ગંગાજીના કિનારે ભક્તિમાં લીન થઈ જાય છે. લગભગ સવા કલાક સુધી આ ગંગા આરતી ચાલે છે જ્યારે આખું શહેર આરતી માટે થંભી ગયું હોય એમ જણાય છે.
મહાસ્મશાન 
વારાણસીને વિશ્વનું મહાસ્મશાન પણ કહેવાય છે. એને આ નામ કઈ રીતે મળ્યું એ તમે મણિકર્ણિકા ઘાટ અને હરીશચંદ્ર ઘાટની મુલાકાત લો ત્યારે સમજાય. વિશ્વનું મહાસ્મશાન હોવા છતાં આ બન્ને ઘાટ સૌથી પવિત્ર ઘાટ માનવામાં આવે છે. કેટલાય લોકો ખાસ આ જગ્યાએ તેમના અંતિમ સંસ્કાર થાય એ માટે મૃત્યુ સમયે અહીં આવવાનું પસંદ કરે છે.
કાશીના મણિકર્ણિકા ઘાટને સ્વર્ગનું દ્વાર કહેવામાં આવે છે. લગભગ ચોર્યાસી ઘાટવાળું આ શહેર દરેક ઘાટની કોઈ ને કોઈ કહાની પોતાની ભીતર સાચવીને બેઠું છે. જેમ ચેતસિંહ ઘાટ એ રાજા ચેતસિંહના કિલ્લાનો પ્રમુખ હિસ્સો છે એ જ રીતે મણિકર્ણિકા ઘાટની પણ એક કહાની છે. કહેવાય છે કે મહાદેવી પાર્વતીજીથી આ વિસ્તારમાં એક કુંડળ પડી ગયું હતું. મહાદેવે જ્યારે અહીં લોકોને એ કુંડળ વિશે પૂછ્યું ત્યારે કોઈએ જવાબ નહોતો આપ્યો અને ગુસ્સે ભરાયેલા ભગવાન શિવે અહીંની જાતિના લોકોને શાપ આપ્યો કે અનાદિ કાળ સુધી તમે ચાંડાળનું કામ કરશો, ચિતાઓને મુખાગ્નિ આપતા રહેશો. એ જાતિને આજે આપણે ડોમ જાતિના લોકો તરીકે ઓળખીએ છીએ. 
મણિકર્ણિકા ઘાટ પર રોજ લગભગ ૩૦૦થી ૪૦૦ ચિતાઓ બળે છે અને ડોમ જાતિના લોકો ચિતાઓને આગ આપીને પોતાનું ગુજરાન ચલાવે છે. નવાઈની વાત એ છે કે સતત જલતી ચિતાઓ વચ્ચે પણ તમને ભય નથી અનુભવાતો. જીવનની ક્ષણભંગુરતાનો સાક્ષાત્કાર થઈ શકે એવાં પ્રબળ સ્પંદનો અહીં છે. 
બનારસ કહો કે કાશી, આનંદવન કે વારાણસી; પણ એક વાત નક્કી છે કે આ કોઈ શહેર નથી; આ એક અહેસાસ છે, એક લાગણી જ્યાં તમે પહોંચો ત્યારે તે આખેઆખા શહેરને પોતાની ભીતરમાં ભરી લો છો અને જાતને ભૂલી આવો છો એ જ લાગણીઓની કોઈ ગલીઓમાં. જાત ખોઈ બેસવા છતાં ઘણું પામી લીધું એવો અહેસાસ એટલે વારાણસી. શિવ જ્યાં સદૈવ વાસ કરે છે એવું શહેર આ બનારસ ફિલ્મી પડદે ફિલ્મો દ્વારા જોવાનું નહીં, એની ગલીઓમાં ભટકતા રહીને માણવાનું શહેર છે. અહીં ભસ્મની હોળી રમાય છે! શિવનું અલગારીપણું જે હવાના કણકણમાં સમાયું છે છતાં બીજી જ પળે તમને એ અહેસાસ પણ કરાવી શકે છે કે જીવન કેટલું ક્ષણભંગુર છે અને શરીર નશ્વર. છતાં ગલીઓમાં ઊતરતાં જ તમે જીભના ચટાકા પૂરા કરવા એક પછી એક રેંકડીએ ફરતા રહો છો અને તૃષા ક્ષુધાતૃપ્તિનો અહેસાસ માણતા રહો છો. બોલો હર હર મહાદેવ, જય શિવ શંકર, જય જય કાશી.

 આ કાશી વિશ્વનાથનું મંદિર જે આજે આટલું વિશાળ અને ભવ્ય દીસે છે એ મુગલોની લૂંટાવરી પછી આટલું ભવ્ય રહ્યું નહોતું. અઢારમી સદીમાં ઇન્દોરનાં રાણી અહલ્યાબાઈ હોલકરે આ મંદિરને ફરી ભવ્ય રૂપ અપાવ્યું અને ૧૮૩૫માં પંજાબના રાજા રણજિત સિંહે કાશી વિશ્વનાથ મંદિરનો ગુંબજ સોનાનો બનાવડાવ્યો.

વારાણસી ઑન પ્લેટ 

બનારસ એટલે નાની-નાની ગલીઓ અને પૅડલ રિક્ષાનું શહેર. અહીં ગલીએ-ગલીએ ચાટની દુકાનો અને ચાની ટપરીઓ જોવા મળશે. અહીં દિવસની શરૂઆત થાય છે કચોરી-જલેબીના નાસ્તા સાથે. સ્ટફિંગવાળી દેશી ઘીમાં તળેલી પૂરી અને એની સાથે દડિયામાં હોય બટાટાનું શાક જેના પર ચણા, મીઠી ચટણી અને તીખી ચટણી નાખવામાં આવી હોય અને બીજા દળિયામાં હોય જલેબી. ઓહ માય માય... જોતાં જ મોઢામાં પાણી આવવા માંડે. 
તમે ક્યારેય એવી ચાટ ખાધી છે જેમાં ટમેટાં, ઘી, ચાસણી અને નમકીન પણ હોય? વારાણસી તમને આવી ચાટ ખવડાવે છે. ટમાટર ચાટના નામથી મશહૂર આ ચાટમાં રગડા જેવી ગ્રેવી ટમાટરની બનાવવામાં આવી હોય જે માટીની કુલડીમાં અડધે સુધી ભરવામાં આવે. એના પર ઘી નાખવામાં આવે. ત્યાર બાદ ચાસણી નાખીને એને તરબતર કરવામાં આવે. ત્યાર બાદ આ ગ્રેવી પર નમકીનની જાડી ચાદર ઓઢાડી દઈ તમારી સામે ધરવામાં આવે. ત્યાર બાદ આવે પાલક પકોડા ચાટ, જેને પાલકના પકોડા પર દહીં, તીખી અને મીઠી ચટણી અને ધાણાના ટૉપિંગ સાથે આપણી સામે ધરી દેવામાં આવે. અને ઓહોહોહો... સમોસા ચાટ... ખાખરના પત્તામાં સમોસાની ઉપર રસાવાળા વટાણા અને ચટણીનું કૉમ્બિનેશન. સ્વાદ કેવો હોય એ સ્વયં ખાવ નહીં ત્યાં સુધી સમજાવી જ ન શકાય એવો ભવ્ય. અને દહીંવડાં. સામાન્ય રીતે આપણે દહીંવડાં શાના ખાધાં હોય? દાળમાંથી બનતાં વડાં સાથે, બરાબરને? અહીં એ માવામાંથી બનેલાં વડાં તમને દહીં સાથે પીરસાય અને એના પર નાખ્યું હોય જીરું, મરીનો પાઉડર. સત્તૂના પરાઠા અને વેંગણનું ભડથું કઈ રીતે ભુલાય. વારાણસીના જમણમાં સત્તુના પરાઠાની ડિશ પણ એક મજાની ખાસિયત છે જે ભૂલવા કે છોડવા જેવી નથી.
અહીં મળતી દૂધની અનેકાનેક વસ્તુઓમાંથી કઈ ખાવી અને કઈ મૂકવી એ નક્કી નહીં કરી શકાય. પનીર, ઉકાળેલું દૂધ અને ચા સિવાય ઠંડાઈ, રબડી અને માટીની કુલ્લડમાં પીરસાયેલી પનીર દૂધમલાઈ. આહાહા... મોઢું થાકી જાય, પેટ ભરાઈ જાય પરંતુ મન થાકતું કે માનતું નથી. અને આખરમાં પાન...
બનારસી પાનને જગન્નાથી પાન, દેશી પાન અને મઘઈ પાન પણ કહે છે! સીઝન અનુસાર પાનમાં પણ ચૉઇસ મળે છે વારાણસીમાં. દૂધમાં કાલવેલો માખણ જેવો કાથો, મીઠી સુપારી, ચટણી અને બીજી કેટલીયે વસ્તુઓનું કૉમ્બિનેશન મોઢા અને પેટને એવી રાહત આપે છે કે ફરી એક વારાણસી ઑન પ્લેટનો રાઉન્ડ લેવા માટે તમે તૈયાર થઈ જાવ.

columnists varanasi