જો જીતનો આનંદ જોઈતો હોય તો કોઈક વખત હારવાની તૈયારી પણ રાખવી પડે

30 September, 2020 11:42 AM IST  |  Mumbai | Manoj Joshi

જો જીતનો આનંદ જોઈતો હોય તો કોઈક વખત હારવાની તૈયારી પણ રાખવી પડે

પ્રતીકાત્મક તસવીર

માણસ અને ફેવિકૉલમાં એક સામ્ય દિવસે-દિવસે પ્રબળ બનતું જાય છે.
ફેવિકૉલ વસ્તુને પકડી રાખવાનું કામ કરે છે અને માણસ વાતને પકડી રાખવામાં મહારત મેળવતો જાય છે. જીદ અને જક્કીપણું વધવાનું કારણ જો કોઈ હોય તો એ અહંકાર છે, અહમ્ છે. જે સમય મનમાં અહંકાર ન હોય, અભિમાન ન હોય અને અહમ્ મનમાં ન હોય એ સમયે કોઈ વાતને પકડી રાખવાની જરૂર નથી પડતી. ચાણક્યએ કહેલી એક વાત અત્યારે યાદ આવે છે. ચાણક્ય કહેતા સત્ય હંમેશાં એક રૂપમાં હોય, એને ક્યારેય પરાણે પ્રસ્થાપિત ન કરવું પડે, એ પ્રસ્થાપિત જ હોય. માત્ર સમય આવ્યે એ પોતાનું રૂપ દર્શાવતું હોય છે.
જો તમે કોઈ વાતમાં સાચા છો, જો તમે કોઈ વાતમાં ક્યાંય ભૂલ ન કરતા હો તો તમારે એ વાતની ચિંતા સહેજ પણ ન કરવી જોઈએ. ચિંતા પણ ન કરવી જોઈએ અને એની કોઈ પરેશાની પણ મનમાં રાખવી ન જોઈએ. પછી વાત ઘરની હોય, ઑફિસની હોય, સમાજની હોય કે સંસ્થાની હોય.
મારે ફરીથી એક વાતમાં સ્પષ્ટતા કરવી છે કે વાત અહીં કોઈ અંગત વ્યક્તિના સાચા હોવાની નથી થઈ રહી, વાત થઈ રહી છે એ વાત સાચી હોવાની. જો કોઈ વાત સાચી હોય અને એ સાચી વાત તમને ખબર હોય તો એ સાચી વાતને તમારી જીદની કોઈ જરૂર જ નથી. તમે એ વાતને સહકાર આપવા માટે કંઈ નહીં કરો તો પણ એની સચ્ચાઈ તો અકબંધ જ રહેવાની છે અને જો એવું હોય તો પછી અરસપરસના નિયમો મુજબ એ પણ યાદ રાખવાનું કે જેમાં તમે જીદના રસ્તે ચડી જાઓ છો એ વાત સાચી હોય કે નહીં, પણ તમે એ વાતને સાચી પુરવાર કરવાની મથામણ કરો છો.
વાતને જતી કરવામાં કે પછી જીદને છોડી દેવાનો આનંદ જુદો હોય છે. જે રીતે તમને સાચા પડવામાં મજા આવતી હોય છે, જીતની ખુશી થતી હોય છે એવું જ સામેની વ્યક્તિને પણ થતું હોય છે. જીતની ખુશી જો જોઈતી હોય તો એ આપવાની તૈયારી પણ રાખવી જોઈએ, જીતનો આનંદ જો લેવો હોય તો કોઈ જગ્યાએ સામે ચાલીને મેળવેલી હાર પણ અનુભવી લેવી જોઈએ. જરૂરી નથી કે દરેક વાત ઘરના સભ્યો માને અને જો એ માની પણ લેતા હોય તો એવું ધારી લેવાની જરૂર નથી કે તમારી વાત સાચી છે એટલે બધાએ સ્વીકારી લીધી છે. હકીકત એ પણ હોઈ શકે કે એ તમને આદર આપે છે એટલે નાછૂટકે પણ તમારી વાતને માનવાની તૈયારી રાખે છે. એવું લાગે તો એક વખત કોઈની વાત માનીને જોઈ લેજો, વાઇફ કે દીકરાઓ ખુશ થશે એ જોઈને. તમને સાચા પડવાની કે વાત મનાવીને મળનારી ખુશી કરતાં પણ વધારે આનંદ થશે અને આ આનંદનો હક દરેકને છે. ફરક માત્ર એટલો છે કે હાથવેંતમાં રહેલો આનંદ પણ લેવાનું કૌવત આપણે ગુમાવી ચૂક્યા છીએ. કારણ, બસ એક જ - માણસ અને ફેવિકૉલ વચ્ચે સમાનતા આવવા માંડી છે.

manoj joshi columnists