ગુડમાંથી બેટર ને બેટરમાંથી બેસ્ટ બનવું હોય તો જાગો અને જાતને જ સવાલ કરો

05 March, 2021 01:24 PM IST  |  Mumbai | Rashmin Shah

ગુડમાંથી બેટર ને બેટરમાંથી બેસ્ટ બનવું હોય તો જાગો અને જાતને જ સવાલ કરો

પ્રતીકાત્મક તસવીર

અર્જુન યુદ્ધની તૈયારી સાથે કુરુક્ષેત્રના મેદાનમાં પહોંચ્યો અને સામે ભાઈ, કાકા, દાદા, ભાઈજી અને સગાંવહાલાંઓને જોઈને અર્જુને જાતને પૂછ્યુંઃ હું આ શું કરું છું? કોની સામે લડવા નીકળ્યો છું હું?

કટ ટુ...

વાલિયો લૂંટારો. વાલિયાને તેની જ ફૅમિલીના સભ્યોએ કહી દીધું કે અમે તારા પાપમાં સહભાગી કેવી રીતે હોઈએ? વાત ખોટી નહોતી અને એટલે જ વાલિયાએ જાતને સવાલ કર્યોઃ હું જે કરું છું એ પરિવાર માટે અને આ લોકો સહભાગી થવા રાજી નથી તો કરું છું શું હું આ? જે કંઈ કરું છું એ મારું પોતાનું પાપ?

જાતને સવાલ પુછાયો અને પુછાયેલા એ સવાલ સાથે સવાલના જવાબની શોધ શરૂ થઈ. જવાબની એ શોધનું પરિણામ વાલ્મીકિ અને એ વાલ્મીકિની રચના રામાયણ. કુરુક્ષેત્રના મેદાનમાં અર્જુને જાતને પૂછેલા સવાલોના જવાબ એટલે કૃષ્ણનું વિશ્વ સ્વરૂપ અને એ વિશ્વ સ્વરૂપ પાસેથી સાંભળવા મળેલું શ્રીમદ ભગવદ્ગીતાનું પઠન. કશું પામવા માટે જેમ ભાગવું પડે એવી જ રીતે, ડિટ્ટો એવી જ રીતે જાત સાથે પણ વાત કરવી પડે. જાતને પ્રશ્નો પૂછવા પડે અને જાતને આરોપીના કઠેડામાં પણ ઊભી રાખવી પડે અને અફસોસ, આ જ કામ કરવામાં આપણે પાછળ પડીએ છીએ. અંગ્રેજી પાસે એક સરસ શબ્દ છે, સેલ્ફ-રિયલાઇઝેશન. આત્મબોધ. જાતને પૂછશો તો જ આત્મા પરીક્ષણ થશે અને જો આત્મા પરીક્ષણ કરશો તો જ એ જ્ઞાનની દિશામાં આગળ વધાશે. જ્ઞાનની એ જે દિશા હશે એ દિશા તમને ગુડમાંથી બેટર બનાવવાનું કામ કરશે. ધારો કે એ પ્રક્રિયા કરવાનું ચૂકીને એમ જ પાણીના પ્રવાહની જેમ વહેતા રહ્યા તો ભવિષ્ય નક્કી છે, એક દિવસ કાં ગટર અને કાં તો સમુદ્રના ખારા પાણી સાથે ભળી જવાનું.

ભળવું કે વહેવું અસ્તિત્વ નથી; પણ પ્રવાહ ઊભો કરવો, નવો ચીલો ચાતરવો અને ચાતરેલા નવા ચીલા પર દુનિયાને આગળ લઈ જવાની જે પ્રક્રિયા છે એ અસ્તિત્વની નિશાની છે. પણ અસ્તિત્વની આ હાજરીને પામતાં પહેલાં જાતને સવાલ પૂછવા પડશે. જાતને પુછાયેલા સવાલ અને જાત પાસેથી મેળવવામાં આવેલા જવાબો જ તમને એક ચોક્કસ દિશા આપશે, એ દિશા જે દિશામાં તમે આગળ વધવા માટે પૃથ્વી પર આવ્યા છો પણ જો એ કામ ચૂકી ગયા તો યાદ રાખજો, રેલવે-સ્ટેશનના પ્રવાસીની જેમ માત્ર પ્લૅટફૉર્મ પર જ ચક્કર મારીને પરત જશો અને કોઈ એ વાતની નોંધ સુધ્ધાં નહીં લે. એક પેઢી અને વધીને બે પેઢી, તમારો ફોટો બેઠકખંડની દીવાલ પર ટિંગાયેલો રહેશે અને દર દિવાળીએ એક નવો હાર મળશે. પણ પેઢી બદલાશે એટલે તમારી જગ્યાએ નવી વ્યક્તિનો ફોટો આવી જશે. જો એ મંજૂર હોય તો રહો જેમ આજે છો એમ અને એ જ રીતે જીવો જેમ જીવો છે એમ જ, પણ જો એ મંજૂર નથી તો સૌથી પહેલાં જાતને સવાલ માટે તૈયાર કરો.

સવાલ કરો અને પછી એનો જવાબ તમે જ તમારી જાતને પૂછો અને જો જવાબ ન મળે તો એના માટે લાયકાત મેળવો. યાદ રહે, જાતને સવાલ પૂછવા અને જાત પાસેથી જવાબ મેળવવાનું કામ તમારે જ કરવાનું છે, તમારા સિવાય એ કામ બીજું કોઈ નહીં કરી શકે. જો મનમાં અડધી સેકન્ડ પૂરતો પણ એવો વિચાર આવે કે જાતને કંઈ થોડું પૂછવાનું હોય? તો તમારા ભેજામાં એક વાત સ્ટોર કરી લેજો, સવાલ એ જ નથી પૂછતા જે ગધેડા હોય, જે ઘેટાં અને બકરાં હોય.

ડફણાથી ગધેડાની દિશા નક્કી થઈ જતી હોય છે અને મોઢાના એક પુચકારાથી ઘેટાં અને બકરાં પોતાના પગ ઉપાડી લેતાં હોય છે. તમે ગધેડા નથી, તમે ઘેટાં અને બકરાંની જમાતમાં પણ આવતા નથી અને એટલે જ પગ ઉપાડતાં પહેલાં, હાથ લંબાવતાં પહેલાં કે પછી મગજ વાપરતાં પહેલાં પૂછવાનું છે જાતને અને જાતની પાસેથી જવાબ મળ્યા પછી જ એ દિશામાં પગ મૂકવાનો છે અને એ દશામાં પરિવર્તિત થવાનું છે. એક વાત યાદ રહે, જો જાતને સવાલ પૂછવા માટે કેળવશો નહીં, સેલ્ફ-ક્વેશ્ચનિંગ માટે રેડી નહીં કરો તો ક્યારેય ભગવદ્ગીતા પામી નહીં શકો, ક્યારેય રામાયણના નિર્માણમાં સહયોગી નહીં બની શકો.

જો સર્જન કરવું હોય, જો સર્જનાત્મક બનવું હોય, ગુડમાંથી બેટર અને બેટરમાંથી બેસ્ટ બનવું હોય તો જાગવું પડશે અને જાગ્યા પછી જાતને સવાલ કરવો પડશે. સવાલ, બહુ જરૂરી છે જાતને કઠેડામાં ઊભી રાખવી અને જાત પાસેથી જવાબ મેળવવાનું. જ્યારે પણ જાતને પ્રશ્ન પૂછવામાં આવ્યા છે ત્યારે એ પ્રશ્નએ વિસ્ફોટ કરવાનું કામ કર્યું છે તો જ્યારે પણ જાતે એ જવાબ આપવાનું કામ કર્યું છે ત્યારે તેણે પરમ શાંતિનો માર્ગ ખોલ્યો છે. વાલિયા અને અર્જુનની વાત થઈ છે પણ જોવું હોય તો જઈને જોઈ લો દુનિયાભરના ધુરંધરોને. ઓશોથી માંડીને મહાત્મા ગાંધી સુધ્ધાંને. ગાંધીજીએ જ જાતને પૂછ્યું હતું કે આફ્રિકામાં હું શું કરું છું જ્યાં મારી ત્વચાના રંગના આધારે મને બેઠક મળશે કે નહીં એ નક્કી થાય છે. ઓશોએ જ જાતને પૂછ્યું હતું કે રોકટોક જ સંસાર હોય તો મારે શું કામ રહેવું જોઈએ આ સંસારમાં? શું કામ મારે સંન્યાસ ન લેવો જોઈએ? સવાલે વિસ્ફોટ કર્યો અને જવાબે સુખનો માર્ગ પકડ્યો. પ્રશ્નએ પીડા આપવાનું કામ કર્યું અને ઉત્તરે એ પીડા પર મલમ બનવાનું કાર્ય કર્યું. ભૂલતા નહીં, વેદના થકી જે સાંત્વનાનો અનુભવ થતો હોય છે અને સાંત્વના જોઈતી હોય તો વેદનાને જાત સામે મૂકવી પડશે.

(આ લેખમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.)

columnists Rashmin Shah