ફિટ રહી શકો એવી સ્કિલ શીખશો તો ફિટનેસ બાય-પ્રોડક્ટ બની જશે

27 June, 2022 08:54 PM IST  |  Mumbai | Rashmin Shah

અવિનાશ દૃઢતાપૂર્વક માને છે કે હાર્ડ વર્કથી પણ જો કોઈ આગળ હોય છે તો એ છે કન્સિસ્ટન્સી અને વર્કઆઉટનો એ પાયાનો રૂલ છે

ફિટ રહી શકો એવી સ્કિલ શીખશો તો ફિટનેસ બાય-પ્રોડક્ટ બની જશે

‘રણબંકા’, ‘ચમેલી’, ‘નચેનિયા’ જેવી ફિલ્મો અને અનેક વેબસિરીઝ કરી ચૂકેલા રાઇટર, ડાન્સર અને ફિટનેસ એક્સપર્ટ અવિનાશ દ્વિવેદી પણ આ જ નિયમને ફૉલો કરે છે. અવિનાશ દૃઢતાપૂર્વક માને છે કે હાર્ડ વર્કથી પણ જો કોઈ આગળ હોય છે તો એ છે કન્સિસ્ટન્સી અને વર્કઆઉટનો એ પાયાનો રૂલ છે

તમે એક દિવસ ચાર કલાક વર્કઆઉટ કરો અને પછી ચાર દિવસ એ છોડી દીધું અને સામે બીજી વ્યક્તિએ ચાર મહિના સુધી રોજની ફક્ત પંદર મિનિટ વર્કઆઉટ કર્યું છે તો સ્વીકારજો કે તમારા કરતાં પેલી વ્યક્તિ અનેકગણી આગળ છે. ફિટનેસ હોય કે દુનિયાનું અન્ય કોઈ પણ ફીલ્ડ, સૌથી મહત્ત્વની બાબત હોય છે કન્સિસ્ટન્સી.  
મારી લાઇફમાં ફિટનેસ નાનપણથી જ ઉમેરાયેલી લાઇફસ્ટાઇલ હતી, પણ એનો સાચો મતલબ મુંબઈ આવીને સમજાયો. મૂળ ગોરખપુરનો છું. પહેલેથી જ મને કરાટેનું ફૉર્મ ગણાતા તાઇ ક્વાન ડોનો બહુ શોખ હતો. જોકે મમ્મીને મારપીટ કહેવાય એવું આ ફૉર્મ ગમતું નહોતું. સેવન્થ સ્ટાન્ડર્ડથી તેણે મારું તાએ ક્વાન ડો છોડાવી દીધું. ત્યારે તો મેં વાત માની લીધી, પણ મનમાં બનાવેલા બકેટ-લિસ્ટમાં નક્કી કર્યું કે જ્યારે તક મળશે ત્યારે હું ફરીથી કરાટે શીખીશ. ૨૦૧૬માં મુંબઈ આવ્યો. એ પછી ફરી જ્યારે ટ્રેઇનર રાખીને શીખી શકું એ સ્તર પર આવ્યો એટલે પહેલું કામ મેં કરાટે શીખવાનું શરૂ કરેલું. આ માર્શલ આર્ટની જે ફાઉન્ડર ઇન્સ્ટિટ્યૂટ છે ત્યાંથી હું શીખ્યો અને આજે મને બ્લૅક બેલ્ટ મળી ગયો છે. આ જ ઇન્સ્ટિટ્યૂટે મને સમજાવ્યું કે ડિસિપ્લિન અને કન્સિસ્ટન્સી બહુ મહત્ત્વનાં છે.
રૂટીન - બહુ અગત્યનો શબ્દ
ફિટનેસની બહુ પ્રૅક્ટિકલ વાતો મારે તમારી સાથે કરવી છે. તમે જિમમાં કેટલા કલાક વર્કઆઉટ કરો છો કે પછી બીજી કસરત કેટલો સમય કરો છો એના કરતાં પણ તમે કેટલી કન્સિસ્ટન્ટી જાળવી રાખો છે એ મહત્ત્વનું છે. તમારું ફિટનેસ રેજિમ તમારા રૂટીનનો હિસ્સો હોય તો જ એ મહત્ત્વનું રહે. તમારા જીવનમાં એવી ક્ષણો આવશે જ્યારે તમારું રૂટીન બ્રેક થતું જણાશે, પરંતુ એ સમયને કૉમ્પનસેટ કરતાં તમને આવડવું જોઈએ. 
ભાઈનાં મૅરેજ, બહેનનાં લગ્ન, ગર્લફ્રેન્ડનો બર્થ-ડે જેવા ઑકેઝન આવતા રહેશે. એ દરમ્યાન પણ રોજની પંદર મિનિટ જો જાતને આપવાનો નિયમ હોય તો એ ગમે એમ કરીને તમારે પૂરો કરવો જોઈએ. જો એક વાર તમે એ રૂટીન બ્રેક કર્યું તો સમજજો કે પછી આવનારા સમયમાં એ બીજી વાર અને ત્રીજી વાર પણ તમારા રૂટીનને બ્રેક કરશે. હું ચેન્જમાં બિલીવ કરું છું. એક જ ફિટનેસ રેજિમને વર્ષોવર્ષ સુધી એક જ રીતે ફૉલો કરતા રહેવાનું મને ન ફાવે. મારા માટે એ દીવાલ સાથે માથું મારવા જેવું છે. આજે જો હું જિમમાં અઠવાડિયું જતો હોઈશ તો આવતા અઠવાડિયે ડાન્સનું રૂટીન બનાવીશ. પછી ફરી માર્શલ આર્ટ્સને સમય આપીશ. તમારું ફિટનેસ રેજિમ એવું હોવું જોઈએ જેમાં તમારી ડિપેન્ડન્સી ઓછામાં ઓછી હોય. જિમ, ટ્રેઇનર, ઇક્વિપમેન્ટ્સ વિના પણ રોજની વીસ મિનિટ તમે તમારું વર્કઆઉટ કરી શકો એ રીતે તમે તમારી જાતને ટ્રેઇન કરી હોય એ જરૂરી છે. 
સ્કિલ પર ફોકસ
આપણે ત્યાં ફ્રી-હૅન્ડ વર્કઆઉટની ઘણી મેથડ છે એ જો તમે શીખતા રહો તો તમારું બ્રેઇન પણ શાર્પ રહે અને તમે બોર પણ ન થાઓ. આજકાલ હું નાનચકની ટ્રેઇનિંગ લઈ રહ્યો છું. લાકડીનો વેપનની જેમ ઉપયોગ કરવાની આ ટ્રેઇનિંગમાં મારું ફોકસ ખૂબ વધ્યું છે. એમાં ઍક્ટિવ હોવા છતાં હું જાણે મેડિટેશનમાં હોઉં એવી સ્થિતિ હોય છે. સ્કિલ શીખવાથી તમે એક નહીં તો બીજું, બીજું નહીં તો ત્રીજું એમ કંઈક કરી શકશો. કોઈક વાર એવું બને કે આખા દિવસમાં કંઈ પણ કરવાનો ટાઇમ મને ન મળ્યો હોય એવી બૅક-ટુ-બૅક મીટિંગ હોય તો પછી સતત બેઠા રહેવાને બદલે વધુમાં વધુ સમય ઊભો રહી શકું એવા પ્રયાસ કરું. કંઈક તમારી રીતે તમને તમારા સમયમાંથી ફિટનેસને લગતું શોધતાં આવડવું જોઈએ.
સિમ્પલ ડાયટ
ડાયટ એવી રાખો જેને તમે લાંબો સમય ફૉલો કરી શકો. રોજની કમસે કમ એક વાટકી દાળ ખાવી જ જોઈએ. શાક, દાળ તમને દુનિયામાં દરેક જગ્યાએ મળશે. ઘઉંનો લોટ ઓછો ખાઓ. તમારી ફેવરિટ આઇટમ ખાતા તમે જાતને છોડી નહીં શકો. ત્યારે એને તમે રિવૉર્ડ સાથે જોડી દો. જેમ કે લિટ્ટી ચોખા મારી ફેવરિટ આઇટમ છે. તો હું નક્કી કરું કે એક કલાક બૅડ્મિન્ટન રમ્યા પછી જ હું એ ખાઈશ. ગુલાબજાંબુ પણ મને બહુ ભાવે, પણ હું મનોમન એવું નક્કી રાખું કે પાંચ કિલોમીટરનું વૉક લીધા પછી જ હું બે ગુલાબજાંબુ ખાઈશ. આ રીતે તમારા વર્કઆઉટ અને તમારી ફેવરિટ આઇટમને તમે કનેક્ટ કરી દેશો તો એ તમને ઓછામાં ઓછું નુકસાન કરશે. 

 ગોલ્ડન વર્ડ‍્સ
સાતત્ય ફિટનેસનો સૌથી મહત્ત્વનો નિયમ છે એટલે એ યાદ રાખો કે વર્કઆઉટને કેટલો સમય આપો છો એના કરતાં નિયમિત વર્કઆઉટ કરો એ મહત્ત્વનું છે.

columnists Rashmin Shah