જો કપટ અને દંભ છોડો તો બાથરૂમમાં લીધેલું સ્નાન પણ પુણ્ય આપી જશે

26 September, 2020 11:00 AM IST  |  Mumbai | Manoj Joshi

જો કપટ અને દંભ છોડો તો બાથરૂમમાં લીધેલું સ્નાન પણ પુણ્ય આપી જશે

પ્રતીકાત્મક તસવીર

સિદ્ધાંતોના આધારે જીવવું જોઈએ એવું કહેનારાઓ પુષ્કળ હોય છે, પણ કહેલું પાળી બતાવવાની હિંમત રાખનારાઓ જૂજ હોય છે. નિયમો બનાવનારાઓ અઢળક છે, પણ બનાવેલા નિયમો મુજબ ચાલનારાઓ ઓછા હોય છે. આદર્શ સાથે રહેવું જોઈએ એવું બોલનારાઓ પણ આપણને પુષ્કળ મળી જાય છે, પણ એ આદર્શને અંગત જીવનમાં અમલમાં મૂકનારાઓ ગણી શકાય એટલી ઓછી સંખ્યામાં હોય છે. કહેવું અને એનું આચરણ ન કરવું એ દંભ છે અને આ પ્રકારના દંભીઓનો તોટો નથી. ચાણક્ય કહેતા કે તમારી અંગત વ્યક્તિઓની યાદીમાં સારા માણસનું નામ ન હોય તો એ એક વાર ચાલી જશે, પણ જો તમારી અંગત વ્યક્તિઓની યાદીમાં એક પણ ખોટી વ્યક્તિનું નામ હશે તો એ યાદી માટે જિંદગીભર પસ્તાવું પડે એવો સમય આવી શકે છે.

વાત એકદમ સાચી અને ૧૦૦ ટચના સોના જેવી છે. સારી વ્યક્તિનો સાથ ન હોય એવી વ્યક્તિએ અફસોસ કરવો પડે, પણ ખોટી સંગત અને ખોટી સોબતવાળી વ્યક્તિ જો આસપાસમાં હોય તો એ પસ્તાવો કરાવી શકવાને સમર્થ છે. ખોટી વ્યક્તિ અને દંભી વ્યક્તિ વચ્ચે મને વધારે મોટો કોઈ ભેદભાવ નથી દેખાતો. ખોટી વ્યક્તિ પણ દંભી હોય છે અને દંભ આચરનારી વ્યક્તિ પણ ખોટી જ હોય છે. માત્ર પ્રભાવ ઊભો કરવા માટે દંભનો આશરો લેનારાઓની સોબત ખોટી છે અને અફસોસની વાત એ છે કે હવે દંભીઓની સંખ્યા અનહદ રીતે વધી ગઈ છે. પેલા વાંદા અને મચ્છરોની જેમ જ એ લોકો આપણા સમાજમાં ખદબદે છે. ખદબદે છે અને સમાજને ફોલી ખાવાનું કામ કરે છે. ધર્મની આડશમાં, દાનવીરના સ્વાંગમાં અને શિક્ષણશાસ્ત્રીના રૂપમાં પણ દંભી જોવા મળે છે, તો ભક્તિભાવના નામે પણ દંભ કરીને લોકોને છેતરનારાઓનો પણ તોટો નથી.

ધાર્મિક મેળામાં આ જ કારણે તો સામાન્ય ભાવિકોની સાથોસાથ અનહદ અને અઢળક બીજા લોકો પણ આવે છે અને પાપ ધોવાનું કામ કરે છે. પાપ ધોવાં પડે એવું કોઈ કૃત્ય થવું ન જોઈએ એવું તો શાસ્ત્રો પણ કહે છે અને જો તમને ધર્મ પર આસ્થા હોય, કુંભના શાહી સ્નાનનું મૂલ્ય તમને સમજાઈ રહ્યું હોય તો પછી એ શાસ્ત્રોમાં કહેવાયેલી વાત કેવી રીતે તમને રોજબરોજની જિંદગીમાં ભુલાઈ શકે. જો એ ભુલાઈ જતી હોય તો એનો અર્થ એ જ થયો કે સમય આવ્યે તમે દંભી બની શકો છો અને દંભની આડશમાં તમે તમારો જે કઈ સ્વાર્થ છે એ સ્વાર્થ પણ સારી શકો છો. બહેતર છે કે કુંભના શાહી સ્નાન કે પછી ત્રિવેણી સંગમના પવિત્ર સ્નાનની રાહ જોયા વિના બાથરૂમમાં કરવામાં આવેલું સ્નાન જ સૌને પવિત્ર કરે અને એ પવિત્રતાને પામવા માટે જીવનમાંથી દંભનો ક્ષય કરે. આ વાત અને વિષયની શરૂઆત પણ શાહી સ્નાનની ચર્ચામાંથી જ નીકળી. એક મહાશય કોવિડના આ સમયમાં શાહી સ્નાન અને કુંભના મેળાની ચિંતા કરતા બેઠા હતા. તેમને અફસોસ એ વાતનો હતો કે હાલના સમયમાં આવી કોઈ પરવાનગી પ્રયાગ પર નહીં મળે. પરવાનગીનો અફસોસ કરવા કરતાં પાપ ન થાય એની ચ‌િંતા કરવી વધારે હિતાવહ છે.

columnists manoj joshi