દિવસની ઉજવણી નહીં કરો તો ચાલશે, પણ મા-બાપને ભૂલવાની ભૂલ ન કરતા

26 July, 2020 08:38 AM IST  |  Mumbai | Manoj Joshi

દિવસની ઉજવણી નહીં કરો તો ચાલશે, પણ મા-બાપને ભૂલવાની ભૂલ ન કરતા

પ્રતીકાત્મક તસવીર

ફાધર્સ ડે અને મધર્સ ડે અને વૅલેન્ટાઇન્સ ડે અને એવા બીજા બધા ડે.

ભલા માણસ, એ દિવસો જિંદગી નથી. એ દિવસો ઊજવવામાં તમે જિંદગી તો ઊજવતા નથી અને એને તો જીવતા નથી. જે જીવવા મળી છે એ જિંદગીને પ્રેમ કરવો જરૂરી છે. મધર્સ ડેના દિવસે મા સાથેનો ફોટો ફેસબુક પર શૅર કરી દેવાથી મા પ્રત્યેની ફરજ પૂરી નથી થવાની. ફાધર્સ ડેના દિવસે બાપુજીને વૉટ્સઍપ પર મૂકી દેવાથી થોડું કંઈ એ ઋણ ઊતરી જવાનું છે. જે વ્યક્તિએ તમારે માટે આખી જિંદગી ખર્ચી નાખી, જે વ્યક્તિએ તમારા માટે પોતાનાં સપનાં અને મહત્ત્વાકાંક્ષાઓનું ગળું દબોચી દીધું એ વ્યક્તિની સાથે કેટલી વાર બેસો છો, કેટલી વખત તેની સાથે પ્રેમથી વાત કરો છો, ક્યારે તેમની જરૂરિયાત સમજવાની કોશિશ કરો છો અને ક્યારે એ જરૂરિયાત પૂરી પાડો છો એ મહત્ત્વનું છે. આ બધું તમને પેલા ડે-સેલિબ્રેશનમાંથી નથી મળવાનું. ક્યારેય મળશે નહીં, આ બધું તો તમારે જિંદગીના અનુભવો પરથી શીખવું પડશે.

વૃદ્ધાશ્રમ બંધ થાય એવું નહીં કરો તો ચાલશે, પણ ફાઇવસ્ટાર ફૅસિલિટી સાથેના નવા વૃદ્ધાશ્રમ શરૂ ન થાય એ જોવાની જવાબદારી તો આ નવી પેઢીની જ છે. નવી પેઢી જો ઇચ્છશે તો જ આ નવા વૃદ્ધાશ્રમ નહીં શરૂ થાય, પણ જો તેના વર્તનમાં, તેના વ્યવહારમાં અને તેની વાણીમાં સુધારો નહીં થાય તો એ ચોક્કસ ઉમેરાશે અને જો નવા વૃદ્ધાશ્રમ ઉમેરાતા રહ્યા તો એક દિવસ એવો પણ આવશે કે તેમણે પણ એ જ સૂની અને એકલતાથી છલોછલ થઈ ગયેલી દીવાલો વચ્ચે રહેવા જવું પડશે. જો એ એકલતા ન જોઈતી હોય તો આજે, અત્યારે, આ ઘડીથી વર્તનમાં સુધારો કરો. મા-બાપ તમારા ખરાબ વર્તનનાં ક્યાંય મોહતાજ નથી અને એ હોવાં જ ન જોઈએ. આજે તમારામાં જેકોઈ ફાંકો આવ્યો છે એ ફાંકો તમારામાં જન્મે એવાં બીજ તે બન્નેને કારણે જ જન્મ્યાં છે. આજે તમારામાં જેકોઈ હોશિયારી જન્મી છે એને માટે તેઓ જ જવાબદાર છે અને આજે તમારા પર દુનિયા નાઝ કરે છે એ પણ તેમને જ આભારી છે.

ભૂલો ભલે બીજું બધું, મા-બાપને ભૂલશો નહીં...

ટીવી-પ્રોડ્યુસર જેડી મજીઠિયાના મોબાઇલમાં આ કૉલર-ટ્યુન છે, એક વખત સાંભળજો. સાંભળશો તો તમને ખબર પડશે, એ ગીતની ઇન્ટેન્સિટી સમજાશે. હું કહીશ, ભૂલો ભલે બીજું બધું, પણ મા-બાપે આપેલા જન્મને ભૂલતા નહીં. નહીં કરાવતા તેમને એ અફસોસ કે આ કપાતરને જન્મ આપ્યો એના કરતાં ૧૦૦૦ રૂપિયા ખર્ચીને એ દિવસે અબૉર્શન કરાવી લીધું હોત તો સારું થાત. નહીં કરાવતા એ અફસોસ કે આ પેદા થયો એ દિવસે કાશ શરીરસુખ ન મળ્યું હોત તો સારું થાત. મા-બાપના મોહતાજ તમે હોવા જોઈએ. જઈને જોઈ આવજો એ ઘર, જ્યાં મા કે બાપની ગેરહયાતી છે અને તેમના વિના આંખોમાં આંસુનાં તોરણ છે. એ તોરણ આજે તમે મા-બાપની આંખોમાં બાંધી રહ્યા હો તો તૈયારી રાખજો કે તમે તમારા હાથે જ તમારું ભવિષ્ય લખી રહ્યા છો.

columnists manoj joshi