વાર્તા જ નહીં, વિચાર સુધ્ધાં આપનારને જશ આપવો જોઈએ

20 June, 2022 12:15 PM IST  |  Mumbai | Sanjay Goradia

અફસોસની વાત એ છે કે આપણે ત્યાં આ ખેલદિલી બધા દાખવતા નથી, પણ હું માનું છું કે એવું કરીને એ લોકો પોતાને જ નુકસાન પહોંચાડે છે. જો તમે જશ ન આપો તો બીજી વખત તમને કોઈ સજેશન કે આઇડિયા આપવા રાજી ન થાય

અરવિંદ રાઠોડે નાટક ‘એક મૂરખને એવી ટેવ’ને ચાર ચાંદ લગાવી દીધા હતા.

આપણે વાત કરીએ છીએ ફિલ્મ ‘ઍઝ ગુડ ઍઝ ઇટ ગેટ્સ’ પરથી અમે બનાવેલા નવા નાટક ‘એક મૂરખને એવી ટેવ’ની. લીડ રોલ માટે અરવિંદ રાઠોડે હા પાડી એટલે હું ખુશ થઈ ગયો. બાકીની ટીમ પણ ફાઇનલ હતી. પ્રણોતી પ્રધાન અરવિંદભાઈની ઑપોઝિટ હતી તો કાકાના ભાઈબંધના રોલ માટે અમે જગેશ મુકાતીને લાવ્યા. આ ઉપરાંત રસોઈયણ બહેનની બહેનપણી એટલે કે પ્રણોતીની બહેનપણીના રોલ માટે માનસી જોષી આવી. માનસી આજે મરાઠી થિયેટરમાં બહુ મોટું નામ છે, પણ ત્યારે તે હજી લાઇનમાં નવી-નવી હતી. ઑલમોસ્ટ બધું કાસ્ટિંગ થઈ ગયું હતું, એક મહત્ત્વના પાત્રનું કાસ્ટિંગ હજી બાકી હતું. એ પાત્ર એટલે કાકાનો ભત્રીજો. કાકાને બહુ પ્રેમ કરે અને કાકાના બધા ટેન્ટ્રમ સહન કરે.
કાકાના આ ભત્રીજાના રોલ માટે અમે પરેશ ભટ્ટને લાવ્યા. મિત્રો, તમને પરેશ ભટ્ટની થોડી વાત કરું તો આજની નવી જનરેશનના ઍક્ટરોમાં પરેશ મારો માનીતો અભિનેતા, મહેનતુ પણ બહુ. આજકાલ ટીવી-ઍડ્સમાં તે જોવા મળે છે તો ઘણી ટીવી-સિરિયલ પણ તેણે કરી છે. અત્યારે બહુ ચાલતી સ્ટાર પ્લસની ‘અનુપમા’માં પણ તમે પરેશને જોયો છે, તો ગયા મહિને રિલીઝ થયેલી ‘સોનુ તને મારા પર ભરોસો નઈ કે’ ફિલ્મમાં પણ તેણે બહુ સરસ રોલ કર્યો છે. પરેશ આમ મૂળ ભાવનગરનો. મુંબઈ આવ્યાને પંદરેક વર્ષ થયાં હશે, પણ આ સમયગાળામાં તે મહેનતથી ખૂબ સારું નામ કમાયો છે. મેં પરેશ સાથે પહેલી વાર ‘એક મૂરખને એવી ટેવ’ નાટકમાં કામ કર્યું અને એ પછી જ્યારે પણ તક મળી ત્યારે મેં પરેશને કાસ્ટ કરવાની કોશિશ કરી છે. ઍનીવેઝ, અમારી ટીમ પૂરી થઈ અને રિહર્સલ્સ પણ શરૂ થઈ ગયાં. મને કહેવા દો કે નાટકના બીજા અંકમાં વિપુલ મહેતાએ ખૂબબધાં ઇન્પુટ્સ આપ્યાં હતાં અને એને કારણે નાટકને ચાર ચાંદ લાગી ગયા.
‘એક મૂરખને એવી ટેવ’ નાટક અમે ૨૦૦૮ની ૧પ માર્ચે ઓપન કર્યું, જે અગાઉના અમારા નાટક ‘પરણેલાં છો તો હિંમત રાખો’ ઓપન કર્યાના બે મહિનાથી પણ ઓછા સમયમાં ઓપન થયું હતું. નાટક બનાવવાની અમારી સ્પીડ હવે ધીમે-ધીમે વધવા માંડી હતી. કહો કે અમારી હથોટી આવી ગઈ હતી.
‘એક મૂરખને એવી ટેવ’ નાટક ખૂબ સારું બન્યું હતું. આ નાટકના અમે ૧૩૭ શો કર્યા અને એ પછી નાટક અમે ડીવીડી માટે થ્રી-કૅમેરા સેટઅપ સાથે શૂટ કર્યું. આ નાટક પણ ડિજિટલ પ્લૅટફૉર્મ પર અવેલેબલ છે. જોજો તમે, મજા આવશે. મિત્રો, મારે અહીં બીજી પણ એક વાત કરવી છે. આ નાટક જોતાં પહેલાં તમે જૅક નિકલસનની ફિલ્મ ‘ઍઝ ગુડ ઍઝ ઇટ ગેટ્સ’ જોઈ લેજો. તમને આઇડિયા આવશે કે એ ઇંગ્લિશ ફિલ્મમાંથી અમે માત્ર કૅરૅક્ટર જ લીધું છે. કહેવાનો અર્થ એ કે જો હું તમને પેલી ઇંગ્લિશ ફિલ્મનું નામ ન આપું તો તમને ખબર પણ ન પડે કે મેં નાટકનો વિચાર ક્યાંથી લીધો છે, પણ સૈદ્ધાંતિક રીતે એ ખોટી વાત છે. તમને જે ઘટના, વાત કે વાર્તા વિચાર આપી જાય એનો સમય આવ્યે ઉલ્લેખ કરવો જ જોઈએ અને જશ પણ આપવો જોઈએ. એનું બીજું કારણ પણ છે કે આ કૉલમ વાંચતા વાચકોને પણ ખ્યાલ આવે કે નાટકની પ્રોસેસ શું હોય છે?
થોડાં વર્ષો પહેલાં ‘મિડ-ડે’માં જ એક ન્યુઝ વાંચીને અમને નાટકનો વિચાર આવ્યો અને અમે નાટક તૈયાર કર્યું, પણ અમે જાહેરમાં જ એ વાતને સૌની સમક્ષ મૂકી કે આ નાટક અમે ‘મિડ-ડે’માં છપાયેલા પેલા ન્યુઝના આધારે બનાવ્યું છે. સમય આવ્યે એ નાટકની વાત કરીશું, પણ અત્યારે આપણી વાતને આગળ ધપાવીએ.
‘એક મૂરખને એવી ટેવ’ બરાબર સેટ થયું એટલે અમે લાગ્યા નવા નાટક પર. મારું આ જ કામ હતું. સફળતાને મસ્તક પર ચડવા દીધા વિના કે પછી નિષ્ફળતાનો હૃદય પર ભાર લીધા વિના કામ કરતા જવાનું અને આગળ વધતા જવાનું.
નવું નાટક એટલે ‘પ્રેમ કરતાં પંક્ચર પડ્યું’. માર્ચમાં અમે અરવિંદભાઈવાળું નાટક ઓપન કર્યું અને જુલાઈમાં અમે ‘પ્રેમ કરતાં પંક્ચર પડ્યું’ નાટક ઓપન કર્યું. આ નાટકનો વિષય કેવી રીતે અમારા હાથમાં આવ્યો એની વાત કહું.
મરાઠી જ નહીં, દેશના શ્રેષ્ઠ નાટ્યલેખકોમાં જેમનો સમાવેશ થાય છે એ વસંત કાનેટકરનું એક નાટક હતું ‘પ્રેમા તુઝા રંગ કસા’ અર્થાત, પ્રેમ તારો રંગ કેવો. આ નાટક પરથી ગુજરાતીમાં કાન્તિ મડિયાએ ‘પઢો રે પોપટ પ્રેમના’ જે ફ્લૉપ થયું હતું અને લાલુભાઈ શાહે ‘જીવનસાથી’ બનાવ્યું હતું, જે સારું ચાલ્યું હતું. મને એ નાટકનો વિષય બહુ ગમતો. મારા મનમાં હતું કે એક વખત હું આ નાટક કરીશ. વસંત કાનેટકર તો ગુજરી ગયા હતા એટલે મેં તેમના જમાઈનો કૉન્ટૅક્ટ કર્યો અને તેમની પાસે ઇચ્છા વ્યક્ત કરીને કહ્યું કે ‘આપણે મળીએ’ તો તેમણે કહ્યું, ‘અત્યારે તો હું બહુ બિઝી છું, તમે નાટક પર કામ શરૂ કરી દો, આપણે પછી ઍગ્રીમેન્ટ કરી લઈશું.’
‘મારી વાત સાંભળો, હજી અમે વિચારીએ છીએ કે આ નાટક પર કામ કરવું કે નહીં?’ મેં તેમને કહ્યું, ‘જો એ પહેલાં આપણી ટર્મ્સ-કન્ડિશન પર વાત થઈ જાય તો...’
તેમણે મને જવાબ આપ્યો કે ‘તમે પહેલાં નક્કી કરી લો, આપણે એ પછી મળીએ અને ત્યારે જ આપણે ઍગ્રીમેન્ટ પણ કરી લઈશું.’
અમે પછી ગયા અમારા રાઇટર ભાવેશ માંડલિયા પાસે અને ભાવેશને આખું નાટક વાંચવા આપ્યું. નાટક વાંચ્યા પછી ભાવેશને લાગ્યું કે નાટક બહુ આઉટડેટેડ છે. જોકે તેને નાટકની સ્ટોરી સામે કોઈ વાંધો નહોતો. ભાવેશે જ અમને કહ્યું કે આ વાર્તાની આજુબાજુ રહીને આપણે એક સ્વતંત્ર નાટક કરીએ. અમને કોઈ વાંધો નહોતો એટલે ભાવેશ પોતાના કામે લાગ્યો અને આમ ‘પ્રેમા તુઝા રંગ કસા’ની આસપાસ ભાવેશે નવું નાટક લખ્યું. નાટક તૈયાર થઈ ગયું. આ નાટકના કાસ્ટિંગ અને મેકિંગની બીજી વાતો પછી કહીશ, પણ પહેલાં મને આ નાટકના રાઇટ્સ વિશે વાત કરી લેવી છે, જેથી કોઈ ગેરસમજ ન થાય.
આખું નાટક તૈયાર થયું એટલે મેં વસંત કાનેટકરના જમાઈને ફોન કર્યો અને કહ્યું કે ‘તમે અમારું નાટક જોવા આવો. તમને એવું લાગે કે નાટકમાં અમે લોકોએ ‘પ્રેમા તુઝા રંગ કસા’ની વાર્તા, વિચાર કે એક પણ ડાયલૉગ લીધો તો તમે કહેશો એ રૉયલ્ટી આપવા હું તૈયાર છું.’ તેમના જમાઈએ ફોન પર પણ મને સમજાવવાની કોશિશ કરી કે ‘મને તમારા પર વિશ્વાસ છે, તમે આગળ વધો’, પણ મારો આગ્રહ હતો કે ‘મારે કોઈ કન્ફ્યુઝન નથી જોઈતું માટે તમે પ્લીઝ નાટક જોવા આવી જાઓ.’
મારી વાતને માન આપીને તેઓ નાટક જોવા આવ્યા અને તેમણે આખું નાટક જોયું. નાટક જોયા પછી તેમણે કહ્યું કે આ આખું અલગ અને સ્વતંત્ર નાટક છે, કાનેટકરસાહેબના નાટક સાથે દૂર-દૂર સુધી એને કોઈ સંબંધ નથી એટલે મને આમાં કોઈ રૉયલ્ટી જોઈતી નથી.
નાટકમાં મૂળ વાત પ્રેમની હતી. દરેક યુગમાં દરેકને પ્રેમ થાય છે. તમે જુવાન હો ત્યારે તમને પ્રેમ થાય, પણ બુઢ્ઢા થઈ જાઓ ત્યારે તમને તમારાં સંતાનોનો પ્રેમ ખોટો લાગવા માંડે અને તમે તેમના પ્રેમનો વિરોધ કરવા માંડો. એ પછી જ્યારે તમારાં સંતાનો મોટાં થાય ત્યારે તેઓ પોતાનાં સંતાનોના પ્રેમનો વિરોધ કરે. આ વિષચક્ર વર્ષોથી ચાલતું આવ્યું છે. માણસ જન્મે, પ્રેમ કરે, વિરોધ કરે અને માબાપ બન્યા પછી પોતે પણ એ જ વિરોધ કરવામાં લાગી જાય. આ આઇડિયા પરથી અમે આખું નાટક બનાવ્યું હતું. 
નાટકના કાસ્ટિંગની વાત કરું તો નાટકમાં પદ્‍મારાણી લીડ રોલમાં આવે એવી મારી ઇચ્છા હતી. પદ્‍માબહેન પણ અમારી સાથે કામ કરવા હંમેશાં તૈયાર હોય. મેં પદ્‍માબહેન સાથે અનેક નાટક કર્યાં છે અને એ દરેક નાટકમાં પદ્‍માબહેને દિલ દઈને કામ કર્યું છે.
હું પદ્‍માબહેનને મળ્યો. તેમને વાર્તા સંભળાવી અને પદ્‍માબહેને એકઝાટકે હા પાડી દીધી. અમે અડધી બાજી જીતી ગયા, પણ આ નાટકનો મને પરિચય કઈ રીતે થયો અને અમે નાટકમાં એક મેજર ચેન્જ શું કર્યો એની વાતો હવે આપણે કરીશું આવતા સોમવારે.

આખું નાટક તૈયાર થયું એટલે મેં વસંત કાનેટકરના જમાઈને ફોન કર્યો અને કહ્યું કે તમે અમારું નાટક જોવા આવો, તમને એવું લાગે કે અમે લોકોએ ‘પ્રેમા તુઝા રંગ કસા’ની વાર્તા, વિચાર કે એક પણ ડાયલૉગ લીધો છે તો તમે કહેશો એ રૉયલ્ટી આપવા તૈયાર છું.

columnists Sanjay Goradia