જો આત્મનિર્ભર ન બન્યા તો લખી રાખજો, દુખી થવાના દિવસો અકબંધ રહેશે

15 May, 2020 04:11 PM IST  |  Mumbai | Manoj Joshi

જો આત્મનિર્ભર ન બન્યા તો લખી રાખજો, દુખી થવાના દિવસો અકબંધ રહેશે

પ્રતીકાત્મક તસવીર

આજ સુધી આ વાત સમજાઈ નહોતી. ત્યારે પણ સમજાતી નહોતી જ્યારે કેન્દ્ર સરકાર ‘મેક ઇન ઇન્ડિયા’નો નારો આપીને તમારી પાસે યોજનાઓના ઢગલા કરી રહ્યું હતું અને ત્યારે પણ સમજાતી નહોતી જ્યારે ચાઇના તમારા ઘરમાં હોળીની પિચકારી અને દિવાળીનાં ફાનસ મોકલવા માંડ્યું હતું. કોરોનાએ આ વાત સમજાવી દીધી, લૉકડાઉને આ વાત મગજમાં બરાબર ચીટકાવી દીધી. હવે આત્મનિર્ભર બનવું પડશે, નહીં બનીએ તો નહીં ચાલે.
મંગળવારે રાતે નરેન્દ્ર મોદીએ કહ્યું કે એક સમય હતો જ્યારે આ દેશમાં પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ (પીપીઈ) શૂટ નહોતાં બનતાં. N-95 માસ્કનું પણ જૂજ સંખ્યામાં ઉત્પાદન થતું હતું, પણ આજે એ બન્ને પ્રોડક્ટના પ્રતિદિન બે લાખ જેટલા નંગ બનવા માંડ્યા છે. જરૂરિયાત પડી તો હવે કૌવત બહાર આવી ગયું, પણ આ કૌવત પહેલાં ક્યાં હતું એ કોઈ કહેશે ખરું?
ચાઇનાથી આવી જતા માલને કારણે આપણે મહદંશે પરાવલંબી બનવા માંડ્યા હતા તો સાથોસાથ ફૉરેનની ચીજ વધારે સારી એવી માન્યતા પણ સ્ટ્રૉન્ગ રીતે મનમાં હતી. મળે છે તો કરવું નથી, બનાવવું નથી કે પછી મહેનત કરવી નથી. આ અને આવા જવાબોએ ખરેખર દેશને નુકસાન પહોંચાડ્યું છે, પણ આજે જ્યારે દેશ તકલીફમાં છે ત્યારે કેટકેટલું આપણે ઊભું કરતા થઈ ગયા. જુઓ તો ખરા. સૅનિટાઇઝર દેશમાં જ બનવા માંડ્યાં. સાદા સંચા પર માસ્ક બનાવવાનું કામ પણ શરૂ થઈ ગયું અને માસ-પ્રોડક્શન કરતી ફૅક્ટરીઓએ પણ માસ્ક બનાવવાનું શરૂ કરી દીધું. આગળ કહ્યું એમ પીપીઈ શૂટ બનવા માંડ્યાં અને N-95 માસ્ક પણ દેશમાં બનવા માંડ્યા. ચાઇના અને વિદેશના મોહમાંથી બહાર આવવાનો આ સમય છે અને આ સમયે જે દોડશે, જે મહેનત કરીને ભાગશે તેનો સિતારો ચમકશે એ પણ નક્કી છે.
આત્મનિર્ભર બનવાનું છે અને હકીકત એ પણ છે કે આત્મનિર્ભર નહીં બનો તો ચાલવાનું પણ નથી. એક સર્વે મુજબ ૪૨ ટકાથી વધારે ચીજવસ્તુ અને રો મટીરિયલ્સ માટે તમે વિદેશ પર આધા‌રિત છો. આજે તમને ઘરની બહાર નીકળવાની મનાઈ થઈ ગઈ છે. જો આવા સમયે ઘરની બહાર ક્યારે નીકળવા મળશે એ પ્રશ્ન હોય તો પછી કેવી રીતે તમે એવું ધારી શકો કે ફૉરેનથી આવતી એ બધી ચીજવસ્તુની ઇમ્પોર્ટ શરૂ થઈ જશે? કેવી રીતે તમે ધારી શકો કે તમારું કામ રાબેતા મુજબ ફરી ચાલુ થઈ જશે?
ના, નહીં થાય અને એ નથી થવાનું એટલે જ તમારે એ ચકાસવાનું છે કે આત્મનિર્ભર બનવા માટે હવે તમે શું કરી શકો એમ છો અને કેટલું તમારાથી થઈ કે એમ છે. જો એ દિશામાં આજે આગળ વધ્યા તો યાદ રાખજો કે તમારે માટે અવકાશ પૂરતા પ્રમાણમાં છે. જેટલો સમય પસાર કર્યો એટલી નુકસાની તમને છે. ચાઇનાથી હવે માલ આવવાનો નથી. અમેરિકાની કોઈ શિપ તમારા દરિયામાં ઊભી રહેવાની નથી. માણસ જ્યારે ન્યુઝપેપર હાથમાં લેતાં ડરતો હોય ત્યારે કોરોનાથી ખદબદતી શૉપમાં આવતા માલને હાથ કેવી રીતે લગાડી શકવાનો અને લગાડે કે નહીં એ તમારે જાતને જ પૂછવાનું છે અને જો જવાબ નકારમાં આવે તો મેક ઇન ઇન્ડિયાની આવેલી આ નવી તકને ઝડપી લેવાની છે. આ તક એવી છે જેમાં એણે અડધે સુધી આવી જવાનું કામ કર્યું છે. હવે અડધે તમારે પહોંચવાનું છે.

manoj joshi columnists