‘મહેકમાં મહેક મળી જાય તો મૃત્યુ ન કહો’

08 July, 2020 10:47 AM IST  |  Mumbai | Taru Kajaria

‘મહેકમાં મહેક મળી જાય તો મૃત્યુ ન કહો’

છેલ્લા થોડા દિવસોમાં કેટલી બધી જાણીતી વ્યક્તિઓની વિદાયના સમાચાર મળ્યા! તેમાંથી કેટલીક પરિચિત અને કેટલીક તો આત્મીય હતી. છેલ્લે દીપક દવેના તદ્દન આકસ્મિક એક્ઝિટના સમાચાર તો અત્યંત આઘાતજનક હતા. ‘જન્મભૂમિ’ સાથે ગાળેલાં ૨૪ વર્ષોમાંથી પ્રથમ ૧૨ વર્ષ હરીન્દ્ર દવે સાથે કામ કર્યું એ દરમિયાન તેમના પરિવારજનો, ખાસ તો દીપક સાથે પણ આત્મીયતા બંધાઈ. એ ગાળામાં તેને મળવાનું અવાર-નવાર થતું. ૧૯૯૫માં હરીન્દ્રભાઈની વિદાય પછીના એકાદ-બે વર્ષ સુધી પ્રત્યક્ષ ઓછી પણ પરોક્ષ (ફોન) મુલાકાતો થકી એ સિલસિલો ચાલુ રહેલો. અમેરિકા ગયા પછી પણ તેનો સંપર્ક જળવાઈ રહેલો અલબત્ત, અલપ-ઝલપ. ક્યારેક મેઇલ કે ફોનથી ટચમાં રહેતા, પરંતુ ગમે એટલા લાંબા અંતરાલ પછી પણ જ્યારે વાતો થતી ત્યારે એ જ મજાક-મસ્તી, કન્સર્ન અને પોતીકાપણું અચૂક અનુભવાતું. વચલો સંપર્કવિહોણો ગાળો જાણે હતો જ નહીં એમ ઓગળી જતો. એટલે જ ૩૦મી જૂને વહેલી સવારે ‘દીપક દવે નો મોર’ સંદેશો મળતાં ઊંડો આઘાત અનુભવાયો. ઑફિસમાં પોતાની ચૅર પર તે બેઠાં-બેઠાં જ ઘેરી નીંદરમાં સરી પડ્યો. ન કોઈ સ્વજન પાસે હતું, ન કોઈ અજાણ્યું. લૉકડાઉનના ત્રણ મહિના પછી તે પોતાની વહાલી કર્મભૂમિ પર પહોંચ્યો હતો. પહેલો જ દિવસ હતો અને એ તેની જિંદગીનો અંતિમ દિવસ બની ગયો. જેમ-જેમ તેની અંતિમ પળો વિશે વિચારું એમ મનમાં લાગણીઓનું ઘમાસાણ મચે, વિચારોનો વંટોળ ચડે.

પછી તો સ્વજનો અને મિત્રો સાથે તેની અઢળક યાદો શેર થઈ. ત્રીજે કે ચોથે દિવસે તેના મોટા ભાઈ પ્રકાશ સાથે વાત થઈ. કૅનેડાથી તેણે દીપક સાથે હજી ૨૮ જૂને જ ફોન પર લાંબી વાત, ચર્ચા અને મજાક-મસ્તી કર્યા હતા. તેમણે કહેલી એક વાત ચોંકાવનારી હતી. તેમણે કહ્યું કે દીપકના ન્યુ યૉર્કના એક સ્નેહીએ દીપકની યાદો શેર કરતાં કહેલું કે તે હંમેશાં કહેતો ‘આપણે તો ૬૦ પહેલાં જ ઊપડી જવાના’! ‍અને ખરેખર મિત્રો અને પરિચિતો પાસેથી નાના ભાઈની આવી અચાનક વિદાય પચાવવાનું તેમને માટે પણ ખૂબ જ અઘરું હતું. દીપકની પત્ની રુપલ અને દીકરી મિતાલીની શું હાલત થઈ હશે? એ વિચારતાં પણ ધ્રૂજી જવાતું હતું. અંતિમ વિધિ પછી મિતાલીને કંઈક કહેવાનું સૂચવાયું, પણ તે ધ્રૂજતી છોકરી માંડ કશું બોલી શકી. મૃત્યુ પામનાર વ્યક્તિના સ્વજનોની આ સ્થિતિ તદ્દન સહજ છે. દૂરના કે દૂર બેઠેલા મિત્રો-સ્નેહીઓ અને સગાંઓ જ્યારે આઘાતથી સ્તબ્ધ બની ગયાં હોય ત્યારે અંતરંગ પરિવારજનોની હાલત શી થતી હશે એની તો કલ્પના જ કરવી રહી.

આવા ઉદાસીભર્યા માહોલમાં નવનીત-સમર્પણમાં સ્વ. કુન્દનિકાબહેન ઊર્ફે ઈશા-કુન્દનિકાની મૃત્યુ વિશેની એક રચના વાંચીને મનમાં મૃત્યુની એક નવી જ બાજુ ઊઘડી. સામાન્ય માનવી માટે જીવનની અત્યંત દુઃખદ અને ઉદાસીન ઘટના એટલે કે મૃત્યુનું એમાં જુદું જરૂપ જોવા મળ્યું. એક પ્રસન્ન અને સુખદ ચહેરો જોવા મળ્યો. તેમના સંગ્રહ ‘પરમસમીપે’ની અનેક અદ્ભુત રચનાઓમાંની એક એવી આ રચનામાં મૃત્યુની લગોલગ પહોંચી ગયેલી એક વ્યક્તિ મૃત્યુને કેવી રીતે જુએ છે એનું નજાકતભર્યું આલેખન છે. એ વાંચ્યા બાદ મૃત્યુનો વિકરાળ ચહેરો ઓછો વિકૃત અને ઓછો ડરામણો લાગે એવી પૂરી શક્યતા છે.

કાવ્યનાયિકા કહે છે :

‘હૃદયના વધી રહેલા ધબકારાને

ધીરે ધીરે શમી જવા દો,

ગતિ નાડીની મંદ થવા દો, બંધ થવા દો.

મને મૌનમાં સરી જવા દો

શાથી માન્યું ક્યાંક મને છે ડર

ઉંબર ઓળંગવાનો, અંધકારમાં ડૂબી જવાનો?

હું તો ખૂબ રાજી છું

ઉત્સુકતાથી વાટ જોઉં છું

પ્રવાસ હવે પૂરો થયો છે; યાત્રાનો આવ્યો છે અંત.

કશી ઉતાવળ નથી, હૃદયને રંજ નથી.

રાહ જોઉં છું: ઉંબર પરનાં જીવન-મૃત્યુનાં આલિંગનની

અંતિમ પળની, સુવર્ણ ક્ષણની.’

કાવ્યનાયિકાને સુખ-શાંતિથી વિંટળાઈને, સૌને વહાલ ધરીને, હૃદયમાં સૌનો પ્રેમ ભરીને એને અજ્ઞાતના અદ્ભુત પ્રદેશમાં જવું છે. આ સુંદર આકાશ, પૃથ્વી, વૃક્ષો, પર્ણો, ઝરણાં, સૂરજ અને ચાંદાને તે છેલ્લી વેળા પ્રણામ કરી લેવા માગે છે, કેમ કે હવે એ ‘પરમસમીપે’ સરી રહી છે, મહામૌનમાં સરી રહી છે. સાચું કહો, આ પંક્તિઓ વાંચીએ એટલી વાર મૃત્યુનો ડરામણો ચહેરો બદલાઈ જતો હોય એમ નથી લાગતું? જીવનની એક નિશ્ચિત અને અનિવાર્ય ઘટના કે જેને આપણે હંમેશાં અત્યંત દુ:ખદ અને કડવી વાસ્તવિકતા તરીકે કમને સ્વીકારી છે એનો કેટલો સહજ અને સહર્ષ સ્વીકાર અહીં છે! પણખરેખર મૃત્યુ પામતી વ્યક્તિના મનમાં આવી લાગણીઓ ઉદ્ભવતી હશે? મૃત્યુનો આવો સ્વીકાર ઈશા-કુન્દનિકા જેવાં ઊંચી આધ્યાત્મિક ભૂમિકાએ પહોંચેલી વ્યક્તિ માટે શક્ય છે, પરંતુ શું દુન્યવી ઘટમાળથી વીંટળાયેલા આપણા જેવા સામાન્ય માનવી માટે મૃત્યુનો આવો સહજતાથી સ્વીકાર કરવો શક્ય છે? આ સવાલ ઊઠ્યો ત્યારે થયું કે પાકટ વયે થતા વ્યાધિગ્રસ્ત વ્યક્તિના મૃત્યુ પ્રત્યે કદાચ આ અભિગમ જોવા મળે. પોતાની પારિવારિક ફરજો પૂરી કરી લીધી હોવાનો સંતોષ હોય એવી વ્યક્તિ પણ કદાચ મૃત્યુને આ પ્રકારે અપનાવી શકે, પરંતુ કુમળી વયે કે ભરયુવાનીમાં, અકસ્માતમાં કે દુર્ઘટનાગ્રસ્ત થઈને અચાનક દુનિયામાંથી વિદાય થઈ જનારાઓના મનમાં આખરી પળોમાં આવા ભાવની કે તેમના સ્વજનો પાસેથી આવી સ્વસ્થતાની અપેક્ષા ક્યાંથી રાખી શકાય?

અત્યારે હરીન્દ્ર દવેની પંક્તિઓ યાદ આવે છે :

‘મહેકમાં મહેક મળી જાય તો મૃત્યુ ન કહો,

તેજમાં તેજ મળી જાય તો મૃત્યુ ન કહો,

રાહ જુદો જો ફંટાય તો મૃત્યુ ન કહો,

શ્વાસની લીલા સમેટાય તો મૃત્યુ ન કહો.’

આગળ કહ્યું એમ મૃત્યુને આ સ્વરૂપે જોવાનું ભલે આપણા જેવા સામાન્યજન માટે શક્ય ન હોય, પરંતુ પ્રિયજનના મૃત્યુના આઘાતમાંથી પસાર થતા હોઈએ ત્યારે સાધક કે સર્જકના આવા શબ્દો મર્હમ જેવા લાગે છે અને એક હિલિંગ ટચ જરૂર આપી જાય છે.

(આ લેખમાં રજૂ થયેલા મંતવ્યો લેખકના અંગત છે, ન્યુઝપેપરના નહીં.)

columnists taru kajaria