આ છોડને ડાયરેક્ટ તડકામાં રાખીએ તો એનાથી પાંદડાં બળી જઈ શકે છે
પ્રતીકાત્મક તસવીર
કોઈને ગાર્ડનિંગ ગમતું હોય કે ન ગમતું હોય, એકાદ તુલસીનો છોડ કે મની પ્લાન્ટ જેવું તો બાલ્કનીમાં રાખવું સૌને ગમે. આમેય મની પ્લાન્ટ એવો છોડ છે જેને ઓછામાં ઓછી માવજતની જરૂર પડે છે. એમ છતાં જો પૂરતો સૂર્યપ્રકાશ, જરૂરી ખાતર, પાંદડાંની સફાઈ અને સપોર્ટ ન આપવામાં આવે તો એનાં પાંદડાં પીળાં પડવા લાગે છે અને નવાં પાંદડાં ઊગવાની સ્પીડ ઘટી જાય છે. મની પ્લાન્ટ વાવતા હો તો આ પાંચ ચીજો અચૂક ધ્યાનમાં રાખજો.
- માટી કેવી હોવી જોઈએ? : મની પ્લાન્ટ માટે કૂંડું તૈયાર કરતા હો તો એમાં ૩૦ ટકા વર્મી કમ્પોસ્ટ અથવા કોકોપીટ, ૪૦ ટકા બગીચાની સાદી માટી અને ૩૦ ટકા નદીની રેતી મેળવવી. આ મિશ્રણથી માટીમાં પોષક તત્ત્વો ભરપૂર જળવાયેલાં રહેશે અને વધારાનું પાણી નીતરી જશે.
- મની પ્લાન્ટ માટેનું કૂંડું બને ત્યાં સુધી માટીનું જ હોય તો શ્રેષ્ઠ. પ્લાસ્ટિક કે સિરૅમિકનાં કૂંડાં વાપરતા હો તો એની નીચે કાણાં હોય એ જોવું જરૂરી છે. કૂંડાની નીચે પ્લેટ રાખશો તો એનાથી વધારાનું પાણી એ પ્લેટમાં નીકળી જશે. મની પ્લાન્ટનાં મૂળ સડી ન જાય એ માટે એમાં વધારાનું પાણી ભરાયેલું ન રહે એ જોવું જોઈએ.
- આ છોડને ડાયરેક્ટ તડકામાં રાખીએ તો એનાથી પાંદડાં બળી જઈ શકે છે. મની પ્લાન્ટની પ્લેસમેન્ટ એવી રીતે કરવી જેથી એને ઇન્ડાયરેક્ટ સૂર્યપ્રકાશ મળે. જ્યાં હલકો તાપ ચળાઈને આવતો હોય એવી જગ્યા બેસ્ટ. ઘરની અંદર બારી પાસે અથવા તો બાલ્કનીમાં.
- મની પ્લાન્ટને ગ્રો થવા માટે કોઈ સપોર્ટ આપવો જરૂરી છે. કાં તો બારીની ગ્રિલ પર વેલ ચડી જાય એવું કરવું અથવા તો કૂંડું મોટું હોય તો વચ્ચે જ કાથીની દોરી કે કંતાન વીંટાળેલું લાકડું સપોર્ટ માટે મૂકવું. એનાથી વેલ બહુ સરસ રીતે ઉપર ફેલાશે. દર અઠવાડિયે એકાદ વાર વેલને લાકડા ફરતે સેટ કરતા રહેવી.
- રોજેરોજ મની પ્લાન્ટને પાણી પિવડાવવું જરૂરી નથી. વીકમાં બેથી ત્રણ વાર પાણી આપવું. વધુપડતું પાણી પ્લાન્ટના મૂળને સડાવી દઈ શકે છે એટલે ઉપરની એક ઇંચ માટી કોરી દેખાય એટલે પાણી આપવું. વીકમાં એક વાર કેળાંના છીલકાં પલાળીને રાખેલું પાણી રેડવું. એનાથી જરૂરી પોષક તત્ત્વો મળી રહેશે.