જો ઉપેન્દ્રભાઈ આ રોલ કરે તો મજા પડી જાય...

04 April, 2022 06:49 PM IST  |  Mumbai | Sanjay Goradia

હોમીના એ દિવસો થોડા અઘરા હતા અને એવા અઘરા દિવસો મેં પણ જોયા છે; પણ એ પ્રકારના તબક્કાના આધારે ક્યારેય કોઈ ઍક્ટરની કરીઅર, તેનાં લાઇફટાઇમ અચીવમેન્ટ્સ કે પછી તેની અદાકારીને તમે મૂલવી ન શકો. 

અભિનય સમ્રાટ એવા પદ્મશ્રી ઉપેન્દ્ર ત્રિવેદી સાથે નાટકમાં કામ કરવાની પહેલી વાર તક મળી અને એ મેં ઝડપી લીધી, પણ હાથવેંત દેખાતું મારું સપનું હજી જોજનો દૂર છે એની ખબર મને મોડેથી પડી.

દરેક ઍક્ટરની લાઇફમાં એક તબક્કો એવો આવતો હોય છે જે તેના માટે કપરો પુરવાર થતો હોય. હોમીના એ દિવસો થોડા અઘરા હતા અને એવા અઘરા દિવસો મેં પણ જોયા છે; પણ એ પ્રકારના તબક્કાના આધારે ક્યારેય કોઈ ઍક્ટરની કરીઅર, તેનાં લાઇફટાઇમ અચીવમેન્ટ્સ કે પછી તેની અદાકારીને તમે મૂલવી ન શકો. 

હોમી વાડિયાને ડ્રૉપ કર્યા પછી મારા મનમાં પહેલું નામ અભિનય સમ્રાટ ઉપેન્દ્ર ત્રિવેદીનું આવ્યું અને મેં કૌસ્તુભને ફોન કરીને કહ્યું. કૌસ્તુભ પણ તૈયાર થયો, પરંતુ અમે બન્ને જાણતા હતા કે ઉપેન્દ્રભાઈ હવે નાટકો નથી કરતા એટલે તેઓ હા પાડે એવી શક્યતા નહીંવત્ હતી
તું ટેન્શન નહીં કર સંજય, ઍક્ચ્યુઅલી એ હૉલમાં ખૂબ ઇકો પડે છે એટલે મને ડાયલૉગનું જજમેન્ટ મળતું નથી; પણ તું ચિંતા ન કર, ગ્રૅન્ડ રિહર્સલ્સમાં બધું પરફેક્ટ થઈ જશે.
‘છેલ છબીલો ગુજરાતી’નાં રિહર્સલ્સ સમયે મોટા ભાગ લોકોનું કહેવું હતું કે હોમી વાડિયા શું બોલે છે એ સમજાતું નથી એટલે હું હોમીને મળવા ગયો અને હોમીએ મને આ પ્રકારનું આશ્વાસન આપ્યું. અમે મળ્યા ૨૦૦૬ની ૧૦ જાન્યુઆરીએ અને પાંચ દિવસ પછી અમે ઘાટકોપરના ભૂરીબેન ઑડિટોરિયમમાં ગ્રૅન્ડ રિહર્સલ્સ રાખ્યાં. સામાન્ય રીતે ચાર દિવસનાં ગ્રૅન્ડ રિહર્સલ્સ હોય, પણ મેં સેફ્ટી ખાતર છ દિવસનાં કર્યાં અને પહેલા દિવસે બપોરે નાટક જોવા માટે હું ભૂરીબેન પહોંચ્યો. નાટક શરૂ થયું, પણ પ્રથમ ગ્રાસે મક્ષિકા. પહેલી લાઇનથી જ હોમી ડાયલૉગ ભૂલે. વાતાનુકૂલિત ઑડિટોરિયમ વચ્ચે પણ મને પરસેવો છૂટવો શરૂ થઈ ગયો. 
વાત આગળ વધારતાં પહેલાં મારે તમને એક વાત કહેવી છે. દરેક ઍક્ટરની લાઇફમાં એક તબક્કો એવો આવતો હોય છે જે તેના માટે કપરો પુરવાર થતો હોય. હોમીના એ દિવસો થોડા અઘરા હતા અને એવા અઘરા દિવસો મેં પણ જોયા છે. આગળ જતાં આપણે એ વાતો પણ કરીશું, પરંતુ એ સમયે જેમ હોમી ડાયલૉગ ભૂલતો હતો એવી જ રીતે હું પણ ડાયલૉગ ભૂલવા માંડ્યો હતો અને એને લીધે મને ડિપ્રેશનની અસર પણ દેખાવા લાગી હતી. કહેવાનો મારો ભાવાર્થ એ કે આ પ્રકારના તબક્કાના આધારે ક્યારેય કોઈ ઍક્ટરની કરીઅરને કે પછી તેની અદાકારીને તમે મૂલવી ન શકો. હોમી મારો મિત્ર તો ખરો, પણ ખૂબ મંજાયેલો અને આલા દરજ્જાનો ઍક્ટર. તેની ઍક્ટિંગ એબિલિટી વિશે કંઈ પણ કહેવા માટે હું બહુ નાનો ગણાઉં, મારી એ લાયકાત નથી. જોકે એ વખતે ખબર નહીં કે હોમી લાઇફના એવા તબક્કામાંથી પસાર થતો હતો કે તેનું ફોક્સ રહ્યું નહોતું. તે બેદરકાર હતો એવું બિલકુલ નહીં, પણ તે ડાયલૉગ્સ યાદ રાખી શકતો નહોતો અને એ હવે તો મને પણ દેખાતું હતું.
મને પરસેવો છૂટતો હતો અને અંદરથી હું રીતસર ધ્રૂજતો હતો કે આ રીતે કેમ નાટક ઓપન થાય. મેં વિપુલની સામે જોયું. આંખોથી અમારે વાત થઈ અને વિપુલે એ વાતનું દબાયેલા અવાજે પૂર્ણવિરામ મૂક્યું.
‘સંજયભાઈ, નાટક બંધ કરી દેવામાં સાર છે.’
નાટકનો પહેલો અંક પૂરો થયો એટલે મેં સ્ટેજ પર આવીને અનાઉન્સ કર્યું કે આપણે નાટક બંધ કરીએ છીએ, આ રીતે નાટક નહીં થાય. આમ ગ્રૅન્ડ રિહર્સલ્સના પહેલા જ દિવસે મેં નાટક બંધ કરી દીધું. સ્ટેજ પરથી જાહેરાત કરીને હું બહાર આવ્યો અને એ પછી મેં પહેલો ફોન અમારા પ્રચારક એવા દીપક સોમૈયાને કર્યો કે સૌથી પહેલાં તો તું બધી ઍડ પાછી ખેંચી લે, આપણે આ નાટક રવિવારે ઓપન નથી કરતા. 
ધીમે-ધીમે બધા છૂટા પડ્યા અને હવે ભૂરીબેન પર હું, વિપુલ મહેતા અને રાઇટર ઇમ્તિયાઝ પટેલ એમ ત્રણ ઊભા હતા. ત્રણેયનાં મોઢાં જુઓ તો સાવ ઊતરી ગયેલાં. મારું નાટક ‘પપ્પુ પાસ થઈ ગયો’ ચાલુ હતું અને એ નાટકના જ મારા ફોનકૉલ્સ ચાલુ હતા. એક ફોન પર હું વાત કરતો હતો ત્યાં વિપુલ અને ઇમ્તિયાઝ બન્ને મારાથી સહેજ દૂર જઈને વાતોએ લાગ્યા. થોડી વાર પછી બન્ને મારી પાસે આવ્યા. વાત ઇમ્તિયાઝે કાઢી અને મને ધીમેકથી કહ્યું...
‘સંજયભાઈ, કાકાજીવાળો રોલ તમે કરી નાખો.’
- અને મારી આંખો લાલ થઈ.
‘શું ગાંડા જેવી વાત કરો છો...’ 
હું બરાબરનો ગુસ્સે થયો હતો. એક તો નાટક અધવચ્ચે બંધ કરવાનું સ્ટ્રેસ અને એમાં આવી ધડ-માથા વિનાની વાતોથી સ્વાભાવિક રીતે મારો ગુસ્સો વધ્યો હતો.
‘હું કયા ઍન્ગલથી કાકાજી લાગું? હાઇટ જુઓ મારી, ચહેરો જુઓ, શરીર જુઓ...’ મેં સ્પષ્ટતા કરી, ‘આપણો કાકાજી હાઇટ-બૉડીવાળો હૅન્ડસમ છે, ફૉરેસ્ટ ઑફિસર છે, તેની પોતાની આગવી પર્સનાલિટી છે...’
‘પણ તમે વિચાર તો...’
‘ના...’ વિપુલની વાત મેં વચ્ચે જ કાપી નાખી, ‘નાસીપાસ થવાની જરૂર નથી, આપણે કોઈક ઍક્ટર ગોતીશું, નાટક બંધ નહીં કરીએ. પંદર દિવસ પોસ્ટપોન કરીને નાટક ફરી ઊભું કરીશું...’
વાતો કરતાં-કરતાં જ અમે નક્કી કર્યું કે જે નાટક અમે ૨૧ જાન્યુઆરીએ ઓપન કરવાના હતા એને હવે ચોથી ફેબ્રુઆરીએ ચવાણ ઑડિટોરિયમમાં ઓપન કરીએ. ચવાણની ડેટ મારી પાસે હતી એટલે ઑડિટોરિયમનું ટેન્શન નહોતું. ટેન્શન હતું માત્ર લીડ ઍક્ટરનું, પણ લીડ ઍક્ટર શોધતાં પહેલાં મારે પ્રોફેશનલ એથિક્સ નિભાવવાના હતા. 
૧પ જાન્યુઆરીએ નાટક બંધ કરીને બીજા દિવસે મેં સવારે હોમીને ફોન કરીને કહ્યું કે પ્લીઝ ડોન્ટ માઇન્ડ, પણ હું આ નાટકમાંથી તને ડ્રૉપ કરું છું. હોમીને અણસાર તો આગલા દિવસે જ આવી ગયો હતો એટલે તેણે પણ મને કહ્યું કે મને કોઈ વાંધો નથી, તું મને ડ્રૉપ કરે એવું જ હું ઇચ્છું છું અને સંજય, મને પણ સમજાતું નથી કે મારી સાથે શું થઈ રહ્યું છે? થોડી આડીઅવળી વાતો થઈ. મેં તેને ધીરજ રાખવાની સલાહ આપી અને એ પછી સીધો ફોન કર્યો ઍક્ટ્રેસ ક્રિષ્ના ગોકાણીને. ક્રિષ્ના હોમીના રેકમેન્ડેશન પર આવી હતી એટલે કદાચ તેને હવે નાટક ન કરવું હોય એવું બની શકે. મેં તેને જાણ કરી કે હવે નાટકમાં હોમી નથી તો તારે રોલ કન્ટિન્યુ રાખવો છે કે નહીં? ક્રિષ્નાએ હા પાડી એટલે હવે મારે માત્ર લીડ ઍક્ટર જ શોધવાનો હતો.
હું એમ જ વિચાર કરતો હતો કે આ રોલમાં કોણ સરસ લાગે અને અચાનક મારા મનમાં ટ્યુબલાઇટ થઈ અને ટ્યુબલાઇટ થતાં જ મેં સીધો ફોન કર્યો કૌસ્તુભને.
‘કૌસ્તુભ, જો ઉપેન્દ્રભાઈ આ રોલ કરે તો મજા પડી જાય...’
ઉપેન્દ્રભાઈ એટલે અભિનય સમ્રાટ ઉપેન્દ્ર ત્રિવેદી. મારો પાર્ટનર કૌસ્તુભ ઉપેન્દ્રભાઈનો સગો ભત્રીજો અને ઉપેન્દ્રભાઈ મને પણ દીકરા જેવો જ માને. કૌસ્તુભની કરીઅરમાં તો ઉપેન્દ્રભાઈનો બહુ મોટો ફાળો. કૌસ્તુભને પણ મારી વાત બરાબર લાગી એટલે તેણે પણ હામી ભણી અને કહ્યું કે આપણે વાત કરીએ. 
એ દિવસોમાં ઉપેન્દ્રભાઈ અમદાવાદમાં રહેતા. તેમની પૉલિટિકલ કરીઅર ઑલરેડી શરૂ થઈ ગઈ હતી. તેઓ ગુજરાત વિધાનસભાના ડેપ્યુટી સ્પીકર પણ રહી ચૂક્યા હતા અને પૉલિટિકલી હજી સક્રિય હતા. તમારી જાણ ખાતર કહી દઉં કે આ તબક્કામાં ઉપેન્દ્રભાઈએ નાટકો કરવાનું સાવ ઓછું કરી નાખ્યું હતું. અમે ઉપેન્દ્રભાઈને ફોન કર્યો અને વાત કરીને તેમને રિક્વેસ્ટ કરી કે અમે આ રીતે ફસાઈ ગયા છીએ, જો હવે તમે આવી જતા હો તો આખી વાત બદલાઈ જાય.
અમારા સૌના આશ્ચર્ય વચ્ચે ઉપેન્દ્રભાઈએ હા પાડી; એટલું જ નહીં, બીજા દિવસે સવારની ફ્લાઇટમાં તેઓ મુંબઈ આવી પણ ગયા અને નાટકનો ધમધમાટ ફરી શરૂ થયો. જોકે એ ધમધમાટ વચ્ચે હજી પણ એક પરીક્ષા બાકી હતી જેની અમને ગણતરીના કલાકોમાં જ ખબર પડવાની હતી, પણ એ પરીક્ષા કઈ અને કેવી એની વાત કરીશું હવે આપણે આવતા સોમવારે.

columnists Sanjay Goradia