જો જોયા વિના પણ ઈશ્વર પર શ્રદ્ધા હોય તો પછી ભૂતના પુરાવા શું કામ?

25 May, 2022 08:29 PM IST  |  Mumbai | Rashmin Shah

આ દલીલ જર્મન કોર્ટે પણ માન્ય ગણી અને એના આધારે ઍનેલીઝ મિશેલના પેરન્ટ્સ અને તેની ધાર્મિક સારવાર કરનારા ચર્ચના પાદરીને મામૂલી દંડ સાથે છોડી મૂક્યા, જેની વાત ‘ધી એક્સૉર્સિમ ઑફ ઍનેલીઝ મિશેલ’માં વિગતે કહેવાઈ છે

જો જોયા વિના પણ ઈશ્વર પર શ્રદ્ધા હોય તો પછી ભૂતના પુરાવા શું કામ?

હજી હમણાં જ જાણીતા ઍક્ટર-પ્રોડ્યુસર સંજય ગોરડિયાએ ‘મિડ-ડે’માં ચાલતી પોતાની કૉલમમાં કહ્યું કે તેમણે બનાવેલું ગુજરાતી નાટક ‘જંતર-મંતર’ અંગ્રેજી ફિલ્મ ‘ધી એક્સૉર્સિમ ઑફ એમિલી રોઝ’ પર આધારિત હતું, પણ આ જે ફિલ્મ છે એ ફિલ્મ ફેલિસિટાસ ગુડમૅન નામની અમેરિકન રાઇટરે લખેલી બુક ‘ધી એક્સૉર્સિમ ઑફ ઍનેલીઝ મિશેલ’ પર બેઝ્ડ હતી. આ બુક ઍનેલીઝ મિશેલ નામની એક એવી છોકરીની લાઇફ પર લખાઈ છે જેના શરીરમાં ૬૮ ભૂતે ઘર બનાવ્યું હોવાના પુરાવા જર્મન કોર્ટે સાંભળ્યા હતા અને ક્યારેય ભૂત-પ્રેતમાં વિશ્વાસ ન કરતી કોર્ટે એને મહત્ત્વનો પુરાવો માની ઍનેલીઝ મિશેલના પેરન્ટ્સ અને ઍનેલીઝની ધાર્મિક સારવાર કરનારા પાદરી જોસેફ સ્ટેન્ગલને આરોપોમાંથી દોષમુક્ત કર્યા હતા. 
‘ધી એક્સૉર્સિમ ઑફ ઍનેલીઝ મિશેલ’ને આજ સુધીમાં લખાયેલી સૌથી ભયાનક હૉરર કથા ગણવામાં આવે છે. આ બુક ન્યુ યૉર્ક ટાઇમ્સમાં ઑલમોસ્ટ દોઢ વર્ષ સુધી બેસ્ટસેલર રહી હતી અને આ જ કારણે સોની પિક્ચર્સે એના રાઇટ્સ લઈને એના પરથી ફિલ્મ બનાવી. વાત અહીં જ નથી અટકતી, ‘ધી એક્સૉર્સિમ ઑફ એમિલી રોઝ’ ફિલ્મ પછી પણ આ જ બુક પરથી બે ફિલ્મ ‘રિક્વિમ’ અને ‘ઍનેલીઝ ઃ ધી એક્સૉર્સિસ્ટ ટેપ્સ’ બની. મજાની વાત એ છે કે આ ત્રણેત્રણ ફિલ્મો સુપરહિટ રહી. ફિલ્મ હિટ થવા પાછળનાં કારણોમાં કેટલાક લોકો ઍનેલીઝને જશ આપે છે તો કેટલાક લોકો ઍનેલીઝની લાઇફ પર જેણે સંશોધન કરીને લખ્યું એ ‘ધી એક્સૉર્સિમ ઑફ ઍનેલીઝ મિશેલ’ના રાઇટર ગુડમૅનને જશ આપે છે. ગુડમૅને આ બુક લખવા માટે કોઈ પૂર્વતૈયારીઓ નહોતી કરી. હા, આ સત્ય હકીકત છે. ગુડમૅનના કહેવા મુજબ જર્મનીમાં જ્યારે આ કેસ ચાલતો હતો ત્યારે જ ઍનેલીઝનું ઘોસ્ટ તેને પોતાની વાત કહેવા માટે સપનામાં આવતું હતું.
દેવ અને દાનવ છે હકીકત | ‘ધી એક્સૉર્સિમ ઑફ ઍનેલીઝ મિશેલ’ની રાઇટર ફેલિસિટાસ ગુડમૅન દૃઢપણે માને છે કે દેવ છે તો દાનવ છે, પણ આપણને દાનવની વાતો નકારાત્મકતા આપે છે એટલે નવાણું ટકા લોકો દેવતાને માનવા તૈયાર છે પણ દાનવની વાત સ્વીકારવા રાજી નથી. ફેલિસિટાસ ગુડમૅને જર્મની જઈ ઍનેલીઝના પેરન્ટ્સ અને તેની ટ્રીટમેન્ટ કરનારા ફાધરને માત્ર મળીને જ નહીં પણ એ દરમ્યાન જે કોઈ પુરાવાઓ એકત્રિત કરવામાં આવ્યા હતા એ બધાનો સ્ટડી કરીને આ બુક લખી હતી. આ બુક દરમ્યાન પણ તેને સતત એવો એહસાસ થતો હતો કે કોઈ એવું સત્ત્વ તેની આસપાસ છે જે તેને સતત આ બધું લખવા માટે ઉત્સાહ પૂરો પાડે છે. ગુડમૅને સ્વીકાર્યું હતું કે અમુક વાતો તેના દ્વારા એવી લખાઈ હતી જે તેને ઍનેલીઝના પેરન્ટ્સ કે ફાધરે કહી નહોતી પણ એ પેલું સ્પિરિટ એને કહેતું હતું. ઍનેલીઝ વિશે વાત કરતાં હંમેશાં ગુડમૅન કહેતી કે આજે પણ મને એ ક્યારેક-ક્યારેક દેખાય છે અને હું તેની સાથે વાતો કરું છું. ઍનેલીઝ હવે શાંત છે. એની સદ્ગતિ હજી નથી થઈ, કારણ કે એની સદ્ગતિ તેના શરીરમાં ઘર કરીને રહેતાં પેલાં ૬૮ ભૂતને ફરીથી ખુલ્લાં મૂકી દેશે અને ઍનેલીઝ એવું થાય એમ નથી ઇચ્છતી.
ફેલિસિટાસ ગુડમૅનની ‘ધી એક્સૉર્સિમ ઑફ ઍનેલીઝ મિશેલ’ પરથી ઑલરેડી ત્રણ ફિલ્મ બની હોવા છતાં પણ હવે આ જ બુક પરથી વેબ-સિરીઝ પણ ડિઝાઇન થઈ રહી છે. બીબીસી સ્ટુડિયો દ્વારા કરવામાં આવતી આ વેબ-સિરીઝ આઠ એપિસોડની છે અને એ ડૉક્યુમેન્ટરી સ્વરૂપમાં બનાવવામાં આવશે જેમાં ઍનેલીઝ મિશેલ સાથે જોડાયેલા એ તમામ પુરાવાઓ પણ રજૂ કરવામાં આવશે જેના આધારે કોર્ટે ઍનેલીઝના કેસ સાથે જોડાયેલા સૌકોઈને દોષમુક્ત જાહેર કર્યા હતા.
વ્યક્તિ એક, બુક અનેક | હા, ઍનેલીઝ માટે આ સત્ય હકીકત છે. ઍનેલીઝ પર લખાયેલી ‘ધી એક્સૉર્સિમ ઑફ ઍનેલીઝ મિશેલ’ એકમાત્ર બુક નથી પણ દુનિયામાં આ એક જ છોકરીની લાઇફ પરથી બાવીસથી વધુ બુક લખાઈ છે અને એ કોઈને રોકવામાં આવ્યા નથી. જોસેફે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું, ‘લોકો આ વાતનો વિશ્વાસ કરે એ એક જ મારો વિચાર છે અને ચિંતા પણ એ જ વાતની છે કે લોકો આ વિષય પર જરા પણ ગંભીર નથી કે માનવા રાજી નથી. હકીકત એ છે કે એ માને છે પણ સ્વીકારવા તૈયાર નથી અને એનું પરિણામ તેમણે જ વધારે ભયાનક ભોગવવું પડી શકે છે.’
ઍનેલીઝ મિશેલ પર વિશ્વની સોળ ભાષામાં બુક લખાઈ છે.

સ્ટોરી શૉર્ટકટ

‘ધી એક્સૉર્સિમ ઑફ ઍનેલીઝ મિશેલ’માં વાત ઍનેલીઝ મિશેલ નામની જર્મન છોકરીની કરવામાં આવી છે જેનું મોત ૨૩ વર્ષની ઉંમરે થયું. ઍનેલીઝ મેડિકલ સ્ટુડન્ટ હતી, એ ભણતી હતી ત્યારે અચાનક જ હૉસ્ટેલમાં તેનું વર્તન ચેન્જ થવા માંડ્યું એટલે ઍનેલીઝના પેરન્ટ્સને જાણ કરવામાં આવી. પેરન્ટ્સ તેને ઘરે પાછી લઈ આવ્યા અને સારવાર શરૂ કરી, પણ કોઈ ફરક પડ્યો નહીં અને ઍનેલીઝનાં તોફાનો દિવસે-દિવસે વધવા લાગ્યાં. પેરન્ટ્સ પણ એજ્યુકેટેડ હોવાથી તેમના મનમાં બીજો કોઈ વિચાર આવ્યો નહીં પણ એક રિલેટિવના કહેવાથી અને ઍનેલીઝની તબિયતમાં કોઈ ફરક નહીં પડતો હોવાથી થાકી-હારીને તેમણે ફાધર જોસેફ સ્ટેન્ગલનો કૉન્ટૅક્ટ કર્યો અને થોડા જ સમયમાં જોસેફે પારખી લીધું કે ઍનેલીઝની બૉડીમાં પ્રેતાત્મા છે. ઍનેલીઝને બચાવવાની તેણે ઍક્ટિવિટી શરૂ કરી પણ એ કામગીરી પણ વધારે વિકરાળ બનવા લાગી. ફાઇનલી જોસેફ સ્ટેન્ગલને ખબર પડે છે કે ઍનેલીઝની બૉડીમાં એક, બે નહીં પણ ૬૮ ભૂત વસે છે અને એ લોકોએ ઍનેલીઝની બૉડીને હૉસ્ટેલ બનાવી નાખી છે. લાંબા પ્રયાસો પછી જોસેફ સ્ટેન્ગલ એ નિર્ણય પર પહોંચે છે કે ઍનેલીઝ પર થતા તમામ પ્રયોગો તેની જ હેરાનગતિ વધારશે એટલે બહેતર છે કે હવે તેની પાસે જેટલો સમય છે એટલો સમય આ ભૂત સાથે રહેવા દેવી. જોકે એ નિર્ણય પછી પણ તે ઍનેલીઝની રૂમમાં રેકૉર્ડિંગ માટેનાં સાધનો રાખે છે. સાતેક મહિના પછી ઍનેલીઝનું મોત થાય છે. એ સમયે તેની ઉંમર ૨૩ વર્ષની હતી અને વેઇટ ૨૯ કિલો હતું. વાત અહીંથી નવા મોડ પર આવે છે. પાડોશીની ફરિયાદના આધારે ઍનેલીઝના પેરન્ટ્સ અને જોસેફની જર્મન પોલીસ અરેસ્ટ કરે છે. પોલીસ કે કોર્ટ કોઈ હિસાબે એ વાત માનવા 
તૈયાર નથી કે ઍનેલીઝનું મોત ભૂતોના કારણે થયું છે. એ એમ જ માને છે કે અંધશ્રદ્ધાને લીધે ઍનેલીઝને ટ્રીટમેન્ટ મળી નહીં અને તેનું મોત થયું. જોકે જોસેફ કોર્ટમાં પુરવાર કરે છે કે ઍનેલીઝના શરીરમાં પ્રેતાત્માઓ હતા, જે પ્રૂવ કરવા માટે તે ઍનેલીઝના રૂમમાં રાખવામાં આવેલું રેકૉર્ડિંગ મશીન કોર્ટ સમક્ષ મૂકે છે. તપાસમાં પુરવાર થાય છે કે એ રેકૉર્ડિંગ ટેપમાં અલગ-અલગ ૬૮ લોકોના અવાજ છે જેમાં આફ્રિકન વૉઇસ પણ છે અને એશિયન વૉઇસ પણ. કોર્ટ અંતે પેરન્ટ્સ અને જોસેફ સ્ટેન્ગલને એવી સજા સાથે છોડે છે કે કોર્ટમાં કેસ ચાલતો હતો એ દરમ્યાન એ લોકો જેટલો સમય જેલમાં રહ્યા એટલી જ તેમની સજા.

columnists Rashmin Shah