લગ્ન માટે ટાલવાળો છોકરો તો ન જ ચાલે, આ કેવી માનસિકતા?

06 November, 2019 12:34 PM IST  |  Mumbai | Ruchita Shah

લગ્ન માટે ટાલવાળો છોકરો તો ન જ ચાલે, આ કેવી માનસિકતા?

પ્રતીકાત્મક તસવીર

પોતાનાથી અડધી ઉંમરના વીસ-બાવીસ વર્ષના છોકરાને અંકલ કહીને નિ:સંકોચ બોલાવાતો હોય છે જો તેના માથામાં ટાલ હોય. બાલ્ડનેસને હાસ્યાસ્પદ ગણાવતી સમાજની માનસિકતા પ્રદર્શિત કરતી બે ફિલ્મો આવી ગઈ છે ત્યારે ખરેખર રિયલ લાઇફમાં આ પ્રકારના અનુભવો મેળવનારા કેટલાક લોકો સાથે વાત કરીએ.

વાળ ન હોવાની વાતને આપણે ત્યાં રમૂજ અને મજાકનું માધ્યમ બનાવી દેવાઈ છે. જેને માથામાં વાળ ન હોય તેની બેધડક ઠેકડી ઉડાવી શકાય. બદલાઈ રહેલી જીવનશૈલી, બગડેલી ખાણીપીણીની આદતો, દુનિયાભરનું સ્ટ્રેસ અને વધી રહેલા હવા-પાણીના પ્રદૂષણ વચ્ચે કૉલેજમાં ભણતા ૧૫-૨૦ વર્ષના યુવાનોના વાળ ખરવાનું પ્રમાણ વધી રહ્યું છે. ક્યાંક વળી વારસાગત રીતે તો ક્યાંક દવાની આડઅસરે વાળનો ભોગ લીધો છે ત્યારે માત્ર માથામાં વાળનું ન હોવું તમારા આખા વ્યક્તિત્વની રૂપરેખા નક્કી કરી નાખે એ તો અન્યાય થયો ન કહેવાય? યુવાન છોકરાઓ વાળ નહીં હોવાને કારણે ડિપ્રેશનમાં સરી પડે એ સ્તર પર ચિંતિત થઈ જાય એવું ક્યારે બને? ત્યારે જ જ્યારે સમાજ માટે વાળનું હોવું ખૂબ મહત્ત્વ ધરાવતું હોય. ત્યારે જ જ્યારે વાળ ન હોવાને કારણે વ્યક્તિની કિંમત કોડીની થઈ જતી હોય. સમાજની આ જ છીછરી માનસિકતાનું વર્ણન કરતી બે ફિલ્મો ‘ઉજડા ચમન’ (ગયા શુક્રવારે રિલીઝ થઈ) અને ‘બાલા’ (આ શુક્રવારે રિલીઝ થશે) બની. કેરળમાં ટાલ ધરાવતા લોકોએ એક ગ્રુપ બનાવ્યું છે જેમાં તેઓ માથામાં વાળ ઓછા હોય એવા લોકોની ઠેકડી ન ઉડાવવાની દિશામાં અવેરનેસ કૅમ્પેન ચલાવી રહ્યા છે. નાની ઉંમરમાં પોતાના વાળ ગુમાવનારા કેટલાક લોકો સાથે અમે આ દિશામાં વાત કરી ત્યારે શું જાણવા મળ્યું એ વાંચો આગળ.

ટકલાનો ટૅટૂ બનાવવામાં ઉપયોગ કરવાનું શરૂ કરી દીધું : ભરત દવે, પ્રોફેશનલ

૧૯૮૫માં મને સિવિયર લેવલનો ટાઇફૉઇડ હતો. ભારે દવા લેવી પડેલી. એ દવાના રીઍક્શનમાં શરીર પરથી તમામ વાળ ખરી ગયા. ત્યારથી મારા વાળ ખરતા ગયા. એ સમયે તો અમિતાભ બચ્ચનની જેમ કાનની બૂટ સુધી વાળની ફેશન ચાલતી અને મારે વાળ જ નહીં. ૯૦ની સાલમાં કેટલાંક માગાંમાં સામેથી ના પાડી દેવામાં આવતી કે છોકરો ટકલો છે. માથા પર વાળ ન હોય એટલે ઉંમર વધારે દેખાય. ગ્રૅજ્યુએશન થયું. હું એમબીએ કરતો હતો. એ સમયે મિત્રો પણ ખૂબ ઉડાવતા. કોઈ સિરિયસલી ન લે. ચૂપ બેસ ટકલા અથવા ઉજડે ચમન કહીને બોલવા ન દે. જોકે મેં સ્વીકારી લીધેલું. નથી તો નથી. ૧૯૯૩-૯૪માં હેરવીવિંગની પ્રથા આવી. થોડોક સમય મેં એ કરાવેલું તો ઊલટાના વધારે વાળ જતા રહ્યા. જે હિસ્સામાં વાળ નહોતા એ હિસ્સામાં હેર લૉસ વધતો ગયો. છેલ્લે એ છોડી દીધું. ધીમે-ધીમે જોયું તો બધી જગ્યાએ ટકલા હોવું સ્ટાઇલ સ્ટેટમેન્ટ બની ગયું હતું. લોકો માથામાં ટૅટૂ બનાવડાવતા. વિદેશમાં ટકલુ રેન્ટ પર આપીને લોકો એના પર ટૅટૂ બનાવડાવતા અને પૈસા કમાતા. આપણે ત્યાં એવું નહોતું. જોકે મેં પણ એને પૉઝિટિવલી લેવાનું શરૂ કર્યું. મેં પણ મારા વાળમાં બીએસઈ કોતરાવ્યું હતું. એક વાર વર્લ્ડ કપનું ટૅટૂ કરાવ્યું હતું.

દીકરી મને પૂછે છે પપ્પા તમને વાળ કેમ નથી? : મેહુલ પટેલ, અકાઉન્ટન્ટ

‘એ ટકલા’ જેવા શબ્દો ક્યારેક ને ક્યારેક તો અમારે સાંભળવા પડ્યા જ હોય. ઘણી વાર એવું થાય કે આપણાથી મોટી ઉંમરના લોકો આપણને અંકલ કહીને બોલાવે, કારણ કે માથામાં વાળ નથી એટલે ઉંમર વધારે લાગે. લગભગ પચીસ વર્ષનો હતો ત્યારથી મારા વાળ ખરવાના શરૂ થઈ ગયા હતા. લગ્ન પહેલાં વાઇફને ખબર હતી. જોકે તેને કંઈ વાંધો નહોતો. ક્યારેક તેની સાથે ચર્ચા થાય. જોકે એક સમય પછી ફરક ન પડે. બેશક, સંતાનો થયા પછી મને સંકોચ થતો. મારી દીકરી મને પૂછે કે પપ્પા, તમને કેમ વાળ નથી? ત્યારે મેં તેને કહેલું, દાદાને નથી એટલે પપ્પાને પણ નથી. સમાજનું મનમાં લગાવો તો તમે જીવી ન શકો. હેર ટ્રાન્સપ્લાન્ટનું ઘણાએ કહ્યું. જોકે એ કૉસ્ટ્લી બહુ છે. એની સાઇડ-ઇફેક્ટ પણ ઘણી છે. એટલે હવે જે છે એને સ્વીકારી લીધું છે. વિદેશમાં ટાલને લઈને આવા પૂર્વગ્રહો નથી જેટલા આપણે ત્યાં છે.

પ્રોફેશનલ લાઇફમાં નહીં, પણ પર્સનલ લાઇફમાં ખૂબ નડી છે આ અવસ્થા : દેવાંગ મકવાણા, ઇન્ટીરિયર ડિઝાઇનર

પહેલેથી મારા વાળ ઘણા ઓછા હતા. એટલે એક વાર મેં નક્કી કર્યું કે હવે વાળ સાવ જ નથી જોઈતા. એટલે લગભગ ૧૮ વર્ષ પહેલાં મેં સાવ જ ટકલુ કરાવી નાખ્યું. મારો હેરલૉસ જિનેટિક પ્રૉબ્લેમ હતો. મને તો વાળ ન હોવાથી કોઈ ફરક નહોતો પડતો, પરંતુ લોકોને પડતો. ખાસ કરીને છોકરી જોવા જઈએ તો પહેલું રીઍક્શન એ જ આવે કે અરે આ તો ટકલુ છે. આ વ્યક્તિના જીવનમાં કુદરતી રીતે આવતી અવસ્થા છે અને એનો કોઈ ઇલાજ નથી ત્યારે તમે તેની ઠેકડી ઉડાવો એ યોગ્ય નથી. આપણે ત્યાં છોકરો ગમેતેટલું કમાતો હોય, ગમેતેવો સારો નેચર ધરાવતો હોય એનાથી ફરક નથી પડતો. એ બધું પછી જોવાય, પહેલાં તેનો લુક જોવાય. દારૂ, સિગારેટના વ્યસનીને લોકો સ્વીકારી લે છે પણ વાળની વાત આવે ત્યારે સૌથી મોટો નકાર હોય છે. માત્ર દેખાવને આટલું મહત્ત્વ ક્યારેય નહોતું અપાતું. આજે તો છોકરી તૈયાર હોય તો પણ પરિવાર ના પાડી દે. હકીકતમાં સમાજે આ બાબતમાં વધુ મૅચ્યોર થવાની જરૂર છે.

વાળ જોઈને આવનારી છોકરી સાથે આમ પણ કોને લગ્ન કરવાં છે? : ચિંતન પારેખ, વિડિયો પ્રોડક્શન પ્રોફેશનલ

હું નાનો હતો ત્યારે મારા વાળ ખૂબ સિલ્કી હતા. એ સમય એવો હતો કે લોકો મારા વાળ સાથે રમતા. મારો એટલો સારો ગ્રોથ હતો. એ સમયે મને મળનારા લોકો સૌથી પહેલાં વાળ જ નોટિસ કરતા. પછી ઊંધું થયું. વાળ ધીમે-ધીમે ખરવાના શરૂ થયા. લગભગ ચોવીસ-પચીસ વર્ષની ઉંમરે થોડાક વાળ ઓછા થયા ત્યારે પણ લોકો મારા વાળને જ નોટિસ કરતા હતા. મેં આ વાતને ખૂબ પૉઝિટિવલી લીધી છે. હું માનું છું કે કુદરતી રીતે જે સાઇકલ જેમ ચાલવાની હોય એમ ચાલે. એમાં હું કંઈ ન કરી શકું. આમ તો બધા જ આ વાતને ખૂબ કૂલ રીતે લે છે. હા, કેટલાક રિલેટિવ્સ મજાકમાં કહેતા હોય છે કે હજી વાળ છે, ફટાફટ લગ્ન કરી લે નહીં તો સાવ છોકરી નહીં મળે. હવે જે છોકરી વાળ જોઈને આવતી હોય અને વાળ જતા રહેવાની સાથે પોતે પણ જતી રહેવાની હોય તેની સાથે લગ્ન આમ પણ ન કરવાનાં હોય. બાકી ફ્રેન્ડ્સમાં તો મજાક થાય. આજે કોઈ જાડો હોય તો તેને જાડિયો કહીને ચિડાવાય, કાળો હોય તેને કાળિયો કહીને ચિડાવાતો હોય તો પછી મને પણ મજાકમાં કંઈ કહેવાતું હોય તો એમાં શું ફરક પડે છે? એને કંઈ પર્સનલી થોડું લેવાનું હોય?

આ પણ વાંચો : મહાપુરાણઃ આ તો કુદરતનો પ્રકોપ છે, એમાં આપણે શું લેવા-દેવા?

છતે વાળે ટકલુ કરાવીને જીવે છે આ ભાઈ

મલાડમાં રહેતા સંજય સાવલા છેલ્લાં દસ વર્ષથી જાતે ટકલુ કરાવીને જીવે છે. દર બે દિવસે તેઓ પોતે માથું શેવ કરે છે. તેઓ કહે છે, ‘લગભગ સાત-આઠ વર્ષ સુધી નિયમિત તિરુપતિ ગયો હતો અને ત્યાંની પ્રથા પ્રમાણે ટકલુ કરાવતો. પછી ત્યાં જવાનું બંધ થયું પણ ટકલુ કરાવવાનું ચાલુ રાખ્યું. માથામાં વાળ ન હોય તો ઘણી પળોજણોમાંથી છુટકારો મળતો લાગ્યો. માથુ હળવું ફૂલ લાગે એટલે છેલ્લાં દસ વર્ષથી સ્વેચ્છાએ ટકલુ રાખું છું. ઘરમાં કોઈને વાંધો નથી. મોટી દીકરીને શરમ આવે, પણ બાકી બધાને કોઈ પ્રૉબ્લેમ નથી. હા, ક્યારેક બહાર જાઉં, ટ્રેનમાં હોઉં તો લોકો ચીડવે. ટ્રેનમાં ભીડમાં ચડ્યા હોઈએ તો પાછળવાળા ચલ ટકલુ આગે જા, ગંજે ધક્કા મત માર જેવાં વાક્યો સાંભળવા મળે. જોકે મને એનાથી કોઈ ફરક નથી પડતો. આપણે મન પર લઈએ તો દુઃખી થઈએ. આવું બોલનારા પોતાના સંસ્કારો રજૂ કરતા હોય છે, બીજું કંઈ નહીં.’

columnists