સ્ટ્રૉબેરી આઇસક્રીમ કે મિલ્કશેક બહુ ભાવે છે?

04 January, 2021 05:19 PM IST  |  Mumbai | Bhakti D Desai

સ્ટ્રૉબેરી આઇસક્રીમ કે મિલ્કશેક બહુ ભાવે છે?

શિયાળો શરૂ થાય એટલે બજારમાં એક લાલ રસદાર ફળ બજારમાં દેખાવા લાગે અને લોકો આ ફળના વિવિધ પ્રકારની મજા માણવા મહાબળેશ્વર જવાની તૈયારી કરવા લાગતા હોય છે. આટલી જ ઓળખ માત્રથી લોકોની નજર સમક્ષ સ્ટ્રૉબેરી આવી ગઈ હશે. હા, અહીં આ જ ફળની વાત ચાલી રહી છે. આ ફળની અસલી મજા મહાબળેશ્વરમાં આવે છે; કારણ કે આના કામારોઝા, વિન્ટર ડૉન, સ્વીટ ચાર્લી જેવા અનેકવિધ પ્રકાર મહાબળેશ્વરમાં જોવા અને ખાવા મળે છે. સ્ટ્રૉબેરીનો સ્વાદ એવો હોય છે કે નાના બાળકથી લઈને મોટી ઉંમરના લોકો એના પ્રેમમાં પડી જાય છે. કેટલાય લોકો આખી સીઝન આના મિલ્કશેકનો પણ આનંદ લે છે. આ જીભનો આનંદ શું વાસ્તવમાં શરીર માટે ગુણકારી છે એનો વિચાર આપણે નથી કરતા તો આજે નિષ્ણાતો પાસેથી જાણીએ સ્ટ્રૉબેરી કેટલા પ્રમાણમાં ખાવી જોઈએ અને આ ફળનું સેવન સ્વાસ્થ્યને લાભદાયી રીતે કરવાની યોગ્ય રીત કઈ.

સ્ટ્રૉબેરીમાં રહેલાં પોષક તત્ત્વો વિષે

મુલુંડમાં રહેતાં ક્લિનિકલ ડાયટિશન ડૉ. માનસી પૂજારા સ્ટ્રૉબેરીનાં પોષક મૂલ્યો અને એના સેવનથી શરીરને થતા લાભની સવિસ્તર માહિતી આપતાં કહે છે, ‘સ્ટ્રૉબેરી વિટામિન્સ અને મિનરલ્સથી ભરપૂર છે. આમાં ફોલિક ઍસિડ, વિટામિન સી, આયર્ન, પોટૅશિયમ, મૅન્ગેનીઝ, પ્રાકૃતિક સાકર, થોડું પ્રોટીન અને નહીંવત કહી શકાય એવા ઓછા પ્રમાણમાં ચરબી રહેલી છે. આ ઍન્ટિઑક્સિડન્ટ છ જેનાથી શરીરમાં જીર્ણતા અથવા વૃદ્ધત્વની પ્રક્રિયા ધીમી થઈ શકે છે. બહારના પર્યાવરણની આડઅસરનું પ્રમાણ પણ ઍન્ટિઑક્સિડન્ટના ગુણને કારણે ઓછું થઈ શકે છે. જેમની ત્વચા તડકાને કારણે કાળી પડી ગઈ હોય તેઓ માટે સ્ટ્રૉબેરીનો ઍન્ટિઑક્સિડન્ટ ગુણ લાભ આપે છે. મૂળમાં સ્ટ્રૉબેરી એક નરમ ફળ છે. આને કારણે દાંત ન હોય તેવા બાળકથી લઈને વુદ્ધો સુધી કોઈ પણ ઉંમરની વ્યક્તિ આનું સેવન સરળતાથી કરી શકે છે. છ મહિનાનું એવું બાળક, જે ખાવાનું હજી શરૂ જ કરે છે તેને વિટામિન સીની ખૂબ જરૂર હોય છે. આને માટે સ્ટ્રૉબેરીને કચરીને એને આપવાથી આમાં રહેલા વિટામિન સીથી બાળકની જરૂરત પૂરી પડી શકે છે. આનો બીજો ફાયદો એ છે કે આમાંથી પ્રાકૃતિક આયર્ન પણ મળી રહે છે. વિટામિન સી અને પ્રાકૃતિક આયર્નને કારણે ગર્ભવતી સ્ત્રી અને સ્તનપાન કરાવતી માતાઓ માટે સ્ટ્રૉબેરીનું સેવન લાભદાયી છે. આમાં રહેલું ફ્રુક્ટોઝ એટલે કે પ્રાકૃતિક સાકર શરીરમાં ઝડપથી સાકરનું પ્રમાણ વધારતું નથી.’

સ્ટ્રૉબેરીના ફાયદા

સ્ટ્રૉબેરી કોઈ પણ રોગના દરદીઓ ખાઈ શકે ખરા અને તેમને શું લાભ થાય છે એ વિશે જણાવતાં ડૉ. માનસી કહે છે, ‘સ્ટ્રૉબેરીમાં પોટૅશિયમનું પ્રમાણ વધારે છે અને સોડિયમનું પ્રમાણ ખૂબ જ ઓછું છે. એના આ બે ગુણોના સંયોજનને કારણે હાઇપરટેન્શનના દરદી માટે સ્ટ્રૉબેરીનું સેવન લાભદાયી બની રહે છે. આના સેવનથી હાઇપરટેન્શનની સમસ્યા નિયંત્રણમાં રહે છે. આમાં ફાઇબર્સ ભરપૂર હોય છે. સરળ શબ્દમાં કહીએ તો આ રેશાવાળું ફળ છે, જે ખાવાથી પેટ ભરેલું રહે છે. સ્ટ્રૉબેરીના આ ગુણને કારણે જેઓ વજન ઓછું કરવા માગે છે તેઓ પણ સ્ટ્રૉબેરી બેશક ખાઈ શકે છે. આ સિવાય જેમને કબજિયાતની સમસ્યા છે તેમના માટે આનું સેવન ઉત્તમ છે. ડાયાબિટીઝના દરદી સ્ટ્રૉબેરી અલ્પ પ્રમાણમાં ખાઈ શકે છે. આમાં રહેલું ફાઇબર ધીરે-ધીરે સાકરને લોહીમાં ભળવા દે છે, જેને કારણે લોહીમાં સાકરનું પ્રમાણ નિયંત્રણમાં રહે છે પણ ડાયાબિટીઝના દરદીઓએ પોતાના ડૉક્ટરને પૂછીને જ આનું સેવન કરવું. કોઈ પણ દરદીઓ અથવા વજન ઓછું કરનારે વધારે પ્રમાણમાં આનું સેવન ન કરવું જોઈએ.’

આયુર્વેદ શું કહે છે?

આયુર્વેદનો બહોળો અનુભવ ધરાવનાર મુલુંડમાં રહેતા ડૉક્ટર મંગેશ પાટીલ સ્ટ્રૉબેરી વિશે કહે છે, ‘આ ફળ મૂળમાં ભરતીય નથી. અલબત્ત, મહાબળેશ્વર, શિમલા જેવાં ઠંડાં શહેરોમાં એને ઉગાડવામાં આવે છે. ભૌગોલિક દૃષ્ટિએ ભારત ઉષ્ણ કટિબંધ પ્રદેશોમાંથી એક છે. ઠંડા પ્રદેશોમાં ઊગનાર આ ફળ ભારતની પ્રાકૃતિક દેણ નથી, પણ અંગ્રેજોની દેણ છે. સંતરા, મોસંબી અથવા અન્ય કોઈ પણ ફળની તુલનામાં જોશો તો સ્ટ્રૉબેરી થોડા જ સમયમાં સડી જાય છે. મુંબઈ જેવા શહેરમાં એને લાવીને તરત વાપરવી પડે છે. આને લાંબા સમય માટે સ્ટોર કરવાથી એનાં પોષક તત્ત્વો નાશ પામે છે. સ્ટ્રૉબેરીનું સેવન વધારે પ્રમાણમાં ન કરવું જોઈએ નહીં તો અમ્લપિત્તનું પ્રમાણ શરીરમાં વધે છે. સ્ટ્રૉબેરીથી ગળાની સમસ્યા, ત્વચા પર પિત્તને કારણે ચાઠાં, શરદી, ઉધરસ આવા રીઍક્શનનું પ્રમાણ પણ વધારે જોવામાં આવે છે જે અન્ય ભારતીય ખટાશવાળાં ફળોથી નથી થતું.’

સ્ટ્રૉબેરીનાં ફાયદા શું છે એ વિશે ડૉ. મંગેશ સમજાવે છે, ‘આનો એક સારો ઉપયોગ શરીરમાં લોહીનું પ્રમાણ વધારવા માટે થઈ શકે છે. આયુર્વેદમાં જેને પાંડુ રોગ કહેવાય છે જેમાં લોહીની કમીથી સતત થાક લાગવો, ચહેરો નિસ્તેજ થઈ જવો જેવી સમસ્યા ઉદ્ભવતી હોય તેમને માટે સ્ટ્રૉબેરી લાભદાયી છે. આયુર્વેદ મુજબ સ્ટ્રૉબેરી એક રસવાળું ફળ છે. જેમ કોઈ થાકેલી વ્યક્તિને ગ્લુકોન-ડી અથવા લીંબુપાણીથી તરત જ તાજગી અનુભવાય છે એવી જ ભૂમિકા સ્ટ્રૉબેરીની અને એના શરબતની છે. આનાથી શરીરનો થાક તરત જ ઊતરી જાય છે.’

૧ નાની વાટકી ભરેલી સ્ટ્રૉબેરીમાંથી કેટલાં પોષક તત્ત્વો મળે?

કૅલેરી – ૫૦

પ્રોટીન - ૧ ગ્રામ

કાર્બોહાઇડ્રેટ - ૧૧.૬૫ ગ્રામ

ડાયેટરી ફાઇબર - ૩.૮૧ ગ્રામ

કૅલ્શિયમ - ૨૩.૨૪ મિલીગ્રામ

આયર્ન - ૦.૬૩ મિલીગ્રામ

મૅગ્નેશિયમ- ૧૬.૬૦ મિલીગ્રામ

ફૉસ્ફરસ - ૩૧.૫૪ મિલીગ્રામ

પોટૅશિયમ - ૪૪.૮૨ મિલીગ્રામ

સિલેનિયમ - ૧.૧૬ મિલીગ્રામ

વિટામિન C - ૯૪.૧૨ મિલીગ્રામ

ફોલેટ - ૨૯.૩૮ મિલીગ્રામ

વિટામિન A - ૪૪.૮૨ મિલીગ્રામ

સ્ટ્રૉબેરી મિલ્કશેક કેમ હિતાવહ નથી?

સ્ટ્રૉબેરીનો ઉપયોગ લોકો ખાવા કરતાં પણ વધારે દૂધ અને દહીં સાથે કરે છે. આના પર પોતાનો મત આપતાં ડૉ મંગેશ કહે છે, ‘આ એક ખાટા રસવાળું ફળ છે તેથી એ આમ્લ વર્ગમાં આવે છે. આયુર્વેદ મુજબ ખટાશ અને દૂધ અથવા દૂધની કોઈ પણ પ્રોડક્ટનું મિશ્રણ વિરુદ્ધ આહારમાં ગણાય છે, જે શરીરમાં રોગને આમંત્રણ આપે છે. સ્ટ્રૉબેરી મિલ્કશેક, સ્ટ્રૉબેરી વિથ ક્રીમ, સ્ટ્રૉબેરી કેક આ બધું ખાવું હિતાવહ નથી. આને કારણે લાંબા ગાળે ત્વચાની સમસ્યા નક્કી જ ઉદ્ભવી શકે છે અને ઘણી વાર તો ત્વચાની નાની ઍલર્જીથી લઈને મોટા રોગોનું કારણ પણ આવા વિરુદ્ધ આહાર હોય છે. તેથી આવું ન કરવું જોઈએ. સ્ટ્રૉબેરીને મધ સાથે પણ ક્યારેય ન ખાવી જોઈએ. આનું સેવન એક ફળ તરીકે જ કરવું જોઈએ અને એ પણ વધુમાં વધુ દિવસની ચાર કે પાંચ જ ખાઈ શકાય.’

કોણ ખાઈ શકે અને કોણ નહીં?

સ્ટ્રૉબેરી કોણે ન ખાવી જોઈએ એનો જવાબ આપતાં ડૉ. માનસી કહે છે, ‘કેળા, સફરજન, સંતરા, મોસંબી આ બધાની છાલ ઉતારીને ફળો ખાઈએ છીએ. સામાન્ય રીતે ફળોને પકવવા માટે આજકાલ કેમિલ્સ અને પેસ્ટિસાઇડ્સનો ઉપયોગ કરવામાં આવે છે, પણ સ્ટ્રૉબેરી એક એવું ફળ છે જેને છાલ સાથે જ ખવાય છે. આપણે ભલે એને ધોઈને ખાઈએ તોય એની પર રહેલાં કેમિકલ્સ સાથે આપણું શરીર સંપર્કમાં આવે છે તેથી જેમને વધારે શરદી, ઉધરસ, ગળામાં કે પેટમાં ઇન્ફેક્શન થયું હોય તેમણે સ્ટ્રૉબેરી ન ખાવી જોઈએ. થાઇરૉઇડવાળા દરદીએ પણ બને ત્યાં સુધી આનું નિયમિત અને વધારે પ્રમાણમાં સેવન ન કરવું જોઈએ. અઠવાડિયામાં અથવા દસ દિવસે એક વાર થોડી સ્ટ્રૉબેરી તેઓ ખાઈ શકે.’ 

કેટલી ખવાય?

સ્ટ્રૉબેરી દરરોજ લગભગ ૧ વાટકી ભરીને ખાઈ શકાય જેમાં ગણીને મોટી હોય તો ચાર અને નાની હોય તો ૬ નંગ જેટલી સ્ટ્રૉબેરી હોય એનું ધ્યાન રાખવું. આજકાલ કેમિકલયુક્ત ફર્ટિલાઇઝર વાપરતા હોય, વેચવા માટે લાલ રંગમાં બોળીને કલર કરવામાં આવી હોય એવી નકલી સ્ટ્રૉબેરીથી દૂર રહેવું પણ એટલું જ જરૂરી છે. સ્ટ્રૉબેરી જોકે ફ્રોઝન રીતે સુપર માર્કેટમાં મળે છે, પરંતુ આરોગ્યની દૃષ્ટિએ એને ત્યારે જ ખાવી જોઈએ જ્યારે એની સીઝન હોય.

columnists bhakti desai