કાઠિયાવાડ ઍરલાઇન્સ

18 September, 2022 03:59 PM IST  |  Mumbai | Sairam Dave

બલૂનમાં ઍરહૉસ્ટેસ સવિતાબહેન, ચંપાબહેન, રંજનબહેન આ ત્રણેય અમારા કુટુંબની જ દીકરિયું છે એટલે સંધાંયને બહેનની નજરથી જોજો. મુંબઈ ઊતરીને એકાદને લેવા પડે ને લમધારવા નો પડે ઈ ધ્યાન રાખજો. પછી કોઈ હગું નહીં થાય

પ્રતીકાત્મક તસવીર

આ બલૂન ઊપડવાની અણી માથે સે. હવે તમે અટાણે હાલતી ગાડીએ મોબાઇલું ચાલુ રાખી અમારી અણી નો કાઢતા. આપણા પાઇલોટ બહુ ગરમ મગજના છે. એણે પીધો નહીં હોય તો રાજકોટથી મુંબઈ પંચાવન મિનિટમાં પોગશું ને પીધો હશે તો બાવીસ મિનિટમાં!

આ દિવાળીના વેકેશનમાં ‘કાઠિયાવાડી ઍરલાઇન્સ’ શરૂ થાય તો? રાકેશ ઝુનઝુનવાલાએ આકાશ નામની ઍરલાઇન્સ ચાલુ કરાવી ને આપણા ગૌતમભાઈ અદાણીએ કેટલાંય ઍરપોર્ટનો વહીવટ પોતાના હાથમાં લઈ લીધો, પણ હજી સુધી કોઈને કાઠિયાવાડી ઍરલાઇન્સનો વિચાર નથી આવ્યો. ધારો કે એ ચાલુ થાય તો.

તો સૌપ્રથમ વાંચો કે એ ઍરલાઇન્સમાં કેવી સૂચના પ્લેનમાં અપાય! ઈ વાંચ્યા બાદ એનું કાઠિયાવાડીક૨ણ કરીશું. 

‘નમસ્કાર ઇન્ડિગો કી ઉડાન આઇ-370 પર હમ સભી યાત્રી કા સ્વાગત કરતે હૈં! હમારા વિમાન રાજકોટ સે મુંબઈ જાયેગા. યે દૂરી પચપન મિનિટ મેં પૂરી કી જાયેગી. ઇસ ઉડાન કે મુખ્ય કપ્તાન પ્રદીપ ગોલમાલકર હૈ ઔ૨ સહ-કપ્તાન વિનય માત્રે હૈ ઔર મૈં ઉડાન કી મુખ્ય કર્મીદલ ક્રૂ. વિનીતા શિંદે આપકા રાગત કરતી હૂં.’

‘ઇસ ઉડાન કે સભી કર્મચારી હિન્દી-અંગ્રેજી ઔર મરાઠી બોલ સકતે હૈં. ઉડાન કી તૈયારી કે લિયે ખુરસી સીધી ૨ખે, ટ્રે ટેબલ બંધ કર દેં ઔર અપના સીટ-બેલ્ટ બાંધ લે. સામાન કો ઉપરી લગે સામાનકક્ષ મેં રખ દે. ટેક-ઑફ ઔ૨ લૅન્ડિંગ કે વક્ત ખીડકિયાં ખુલ્લી ૨ખે, સરકારી નિયમો કે અનુસાર ઇસ સમય ઇલેક્ટ્રૉનિક્સ ઉપકરણ બંધ રખેં. મોબાઇલ ફોન સ્વિચ-ઑફ કર દેં, ક્યોં કિ ઇસ સે ઉડાન ભરતે વક્ત તક્નિકી ખામી હો સકતી હૈ. ઉડાન મેં મદિરા પીના ઔર ધૂમ્રપાન કરના મના હૈ. સભી જગા ધૂમ્ર અનુષાંગિક યંત્ર લગાયે ગયે હૈં. અબ હમ સુરક્ષા સંબંધિત સૂચનાએ દેંગે. કૃપા કર કે વિમાન કર્મીદલ કી ઔર ધ્યાન દે. આપકી ખુરસી કી પેટી ઇસ તરહા સે બાંધી જાતી હૈ. કૅબિન સે હવા કા દબાવ કમ હોને ૫૨ ઑક્સિજન નકાબ અપને આપ હી ઉપર પૅનલ સે નીચે આ જાયેંગે. પહેલે ઉસ નકાબ કો ઇસ તરહા સે ખુદ પહેનેં ઔર બાદ મેં દૂસરોં કી સહાયતા કરેં. વિમાન મેં આઠ આપતકાલીન દ્વાર હૈ. રક્ષા જૅકેટ ખુરસી કે નીચે હૈં, ઉસે ઇસ તરહા સે પહને. જ્યાદા જાનકારી કે લિયે સુરક્ષાપત્ર સામને કી ખુરસી મેં રખ્ખા હૈ, ધ્યાન દેને કે લિયે ધન્યવાદ. હમ આપકી સુખદ યાત્રા કી કામના કરતે હૈં.’

વિમાનમાં બેસનાર દરેક મુસાફરને આ લગભગ ગોખાઈ ગ્યું છે, હવે વિચારો કે કાઠિયાવાડ ઍરલાઇન્સ શરૂ થાય તો? કાઠિયાવાડ ઍરલાઇન્સમાં કૅબિન-ક્રૂ બહેને ચમકતાં ચણિયાચોળી અને ભાઈએ કેડિયું–ચોઇણી અને માથે પાંચાળી પાઘડી પહેરી હશે. આગળની આખી સૂચનાઓનું પોસ્ટમૉર્ટમ કાઠિયાવાડ અંદાજમાં કહેશે.

‘એ બાપલા સૌને રામ રામ... કાઠિયાવાડી હવાઈ યાત્રાનું આ બલૂન... એલા ક્યા નંબરનું છે? જરાક બારીની બહારથી વાંચી લેજો! આ બલૂન ઊપડવાની અણી માથે સે. હવે તમે અટાણે હાલતી ગાડીએ મોબાઇલુ ચાલુ રાખી અમારી અણી નો કાઢતા. આપણા પાઇલોટ બહુ ગરમ મગજના છે. એણે પીધો નહીં હોય તો રાજકોટથી મુંબઈ પંચાવન મિનિટમાં પોગશું ને પીધો હશે તો બાવીસ મિનિટમાં, હમજ્યા! હું રવજી, ભાઈબંધની ઍરલાઇન્સ છે એટલે ટાઇમપાસ સાટુ નોકરી કરું છું. ગુજરાતી સિવાય એકેય ભાષા બલૂનમાં કોઈને નથી ફાવતી, અંગરેજીમાં કોઈએ ટઈડટઈડ કરવું નહીં! હાલો હવે સટાસટ સંધાય સાગમટે મોબાઇલ ને લૅપટૉપ ઘરી નાખો. પસી ઊડવામાં કાંઈ લોચો પડે તો લાગેબાગે ને થાય લોહીની ધાર, આપણી ઉપર કાંઈ નહીં. બારિયું ઉઘાડી રાખજો એટલે બાપગોતર પેલી વાર બલૂનમાં બેઠા હો તો હેઠે જોવાની મોજ પડે. સહુ સહુના પદ્‍મ આવડે એવી રીતે બાંધી લ્યો. ને ધચકાવીને બાંધજો પસી કે’તા નહીં કે કીધું નહીં! સૌટુ સખણી રાખજો, લાંબો વાંહો કરવામાં વાંહે બેઠેલાના ગોઠણ છોલાઈ જાહે. ખાવાની થાળિયુંનું ટેબલ અટાણથી ખુલ્લું ન રાખવું. ભૂખડી બારસ ભેગા થયા લાગો છો? બલૂન ઊપડશે એટલે ગોંડલના ગાંઠિયા ને ચટણી મફત મળશે, હમજ્યા!’

‘બીજું ખાસ કે તમારાં કરમ કૂતરા લઈ ગ્યા હઈશ તો બલૂનમાં હવાનું દબાણ ઓછું થાહે ને પસી ઑક્સિજનની આવી પીરી કોથળિયું લબૂક દેતી એની મેળે હેઠી પડશે, પણ બે કોથળી પોર કોક લુખ્ખો કાઢી ગ્યો સે એટલે ભાઈ હશે એના જ માથે કોથળી પઈડશે! બીજી ભાભિયુંની સેવા કરતા પે’લા પોતે કોથળી પે’રી લેવી. હરખપદૂડા થાવામાં જાનથી જાહો, પસી કે’તા નઈ કે કીધું નહીં!’

‘આ બલૂનમાં આઠેક કમાડ છે એવું સાંભળ્યું છે, પણ મને તો એક જ જઈડ્યો સે, બીજા સાત તમને મળે તો તમારી રીતે ગોતી લેજો. મળે ને ખૂલે તો તમારા ભાઈગ. બલૂનને જો પાણીમાં ઊતરવું પડે તો આમ તો કાંઈ વેંત રેંશે નહીં, પણ છતાંય ટાણું આવે તો સીટ હેઠેનું રક્ષા જૅકેટ છોકરાના દફ્ત૨ની જેમ પહેરી લેજો ને નળિયું ફુલાવી ફુગ્ગાની જેમ ફુલાવી લેજો... ને પાછું કહું છું બીડિયું-ચલમ ઠારી નાખજો. બલૂનમાં ઍરહૉસ્ટેસ સવિતાબહેન, ચંપાબહેન, રંજનબહેન આ ત્રણેય અમારા કુટુંબની જ દીકરિયું છે એટલે સંધાંયને બહેનની નજરથી જોજો. મુંબઈ ઊતરીને એકાદને લેવા પડે ને લમધારવા નો પડે ઈ ધ્યાન રાખજો. પછી કોઈ હગું નહીં થાય. પાઇલોટનું મગજ બહુ ગરમ છે ને તમે જાનમાં નથી આઇવા. યાદ રાખજો સીટ જ ભાડે લીધેલ છે, આખું બલૂન નહીં...’
‘હાલો હવે ઊપડો. આટલા રૂપિયામાં આટલું જ હોય વળી! રામ રામ!’

columnists