રાવણ અને કંસનો વધ વાજબી, તો પછી બળાત્કારીઓમાં શું વાંધો છે?

06 October, 2020 05:26 PM IST  |  Mumbai | Manoj Joshi

રાવણ અને કંસનો વધ વાજબી, તો પછી બળાત્કારીઓમાં શું વાંધો છે?

પ્રતીકાત્મક તસવીર્

ગઈ કાલે આપણે વાત કરી બળાત્કાર, મનોચિકિત્સક અને માનવીય અધિકારોની. કહેવાની જરૂર છે, સ્પષ્ટતાની આવશ્યકતા છે કે માનવીય સંવેદનાનો ઉલ્લેખ ત્યાં થવો જોઈએ જ્યાં માનવીય લાગણીઓને સ્થાન મળતું હોય. ઉશ્કેરાટ વચ્ચે લેવામાં આવેલા પગલાને તમે માનસિક બીમારી ગણી શકો, પણ રીતસર આયોજનબદ્ધતા સાથે ભરવામાં આવેલા પગલાને તમે માનસિક બીમારી કેવી રીતે માની શકો, કેવી રીતે તમે એને સ્વીકારી શકો? ભારતીય સંવિધાને હવે સમજવાની જરૂર છે કે સમય બદલાયો છે અને બદલાયેલા સમય સાથે સૌકોઈએ જાગૃતિ લાવવાની જરૂર છે કે સમાજમાંથી અસુરી જીવોનો નાશ થાય.
ઇતિહાસમાં પણ આ પ્રકારના જીવોનો નાશ કરવામાં આવ્યો હતો. શાસ્ત્રોમાં એના હજારો અને લાખો પુરાવા છે કે જઘન્ય કહેવાય એવું કૃત્ય કરનારાઓ સામે લેશમાત્ર રહેમ રાખવામાં નથી આવ્યો. એક તરફ તમે શાસ્ત્રના દાખલા આપવાનું કામ કરતા હો, શાસ્ત્રોને આંખ સામે રાખવાનું કહી રહ્યા હો અને બીજી તરફ તમે એ જ શાસ્ત્રોએ ચીંધેલા માર્ગની અવગણના કરતા હો. કઈ રીતે ચાલી શકે એવી ડબલ સ્ટાન્ડર્ડ નીતિ?
બળાત્કાર. આ એક ઘટના માટે કે પછી આ ઘટના સાથે જોડાયેલી કે એની આસપાસ આકાર લેતી એક પણ ઘટના માટે માનવીય લાગણીને સ્થાન નથી. કબૂલ કે કૂતરો ભસે તો આપણે સામે ભસતા નથી, પણ એ માત્ર એટલા માટે કે આપણને ખબર છે કે એ કૂતરો છે, એની સામે ભસવાથી કશું વળવાનું નથી. કૂતરો બટકું ભરે ત્યારે પણ આપણે આ જ નીતિ રાખીએ છીએ અને એને કરડવા નથી જતા, પણ કૂતરું હડકાયું થઈ ગયું હોય ત્યારે એ લાગણીઓના કોઈ અનુસંધાનને જોડવાની પ્રક્રિયા પણ આપણે નથી કરતા. કારણ શું? કારણ માત્ર એટલું જ કે હવે ખબર છે કે એની વિકૃતિ કાબૂ બહાર નીકળવાની છે. એ વિકૃતિના પુરાવાઓનો પણ અવકાશ આપણે નથી છોડતા અને આપણે સ્ટેપ લઈએ છીએ. એ હડકાયા કૂતરાને રામધામ પહોંચાડીએ છીએ. આવું કરવા પાછળ આપણને ઍનિમલ વેલ્ફેર સોસાયટીનો ડર પણ નથી હોતો અને એ પણ વચ્ચે નથી આવતા. જાણે છે એ પણ કે આ પ્રકારના ડૉગી માનવસમાજ માટે અહિતકારી છે.
બળાત્કારીઓ આ હડકાયા કૂતરા જેવા છે. માનવસમાજ માટે અહિતકારી, માનવસમાજ માટે હાનિકર્તા. એનો ધ્વંસ એ રાવણધ્વંસ છે. એનો ધ્વંસ કંસવધ છે અને એનો ધ્વંસ એ દુર્યોધન અને કૌરવ-સેનાની નાબૂદી સમાન છે. બળાત્કારીનું જીવવું, બળાત્કારીનું બચવું કે પછી બળાત્કારીઓને બચાવવા એ પાપથી સહેજ પણ ઓછું નથી. યાદ રાખજો કે શાસ્ત્રો કહે છે, એક પાપી જ પાપીને બચાવવાનું પાપ કરી શકે.
વાત ખોટી પણ નથી. વાત ગેરવાજબી પણ નથી. પાપી બનીને પાપને, અધર્મને અસ્તિત્વમાં રાખવાનું કામ કરનારાઓએ સમજવું પડશે કે તે આવું કરીને સમાજનો બહુ મોટો ભય અકબંધ રાખવાનું પાપ કરી રહ્યા છે. બળાત્કાર એ કોઈ આવેગ કે ઉશ્કેરાટમાં લેવામાં આવેલી પ્રક્રિયા નથી. આ એક એવું કૃત્ય છે જેમાં શારીરિક આવેગ પર કાબૂ નથી રહેતો અને સાહેબ, જે માણસથી શારીરિક આવેગ પર કાબૂ ન રહેતો હોય એને સભ્ય સમાજમાં રહેવાનો કોઈ હક નથી. ના, ક્યારેય નહીં, સહેજ પણ નહીં.

manoj joshi columnists