તમને કંઈ પણ થયું હોય, સેકન્ડ ઓપિનિયન જરૂર લેજો

01 July, 2022 09:34 PM IST  |  Mumbai | Bhavini Lodaya

મોટી બીમારીના નામથી ડરી જવાને બદલે સમયસૂચકતા વાપરીને તરત ફૅમિલી ડૉક્ટર કે બીજા ડૉક્ટરનો પણ સેકન્ડ ઓપિનિયન લો, જેથી પરિસ્થિતિનો સાચો તાગ મળી શકે.

પ્રતીકાત્મક તસવીર સૌજન્ય આઇસ્ટૉક

નાની-મોટી બીમારી આવે ત્યારે ડૉક્ટર પાસે જઈએ અને ખબર પડે કે આ મોટી બીમારીનાં લક્ષણો છે અને સારવાર માટે સર્જરી કરાવવી પડશે તો આવી પરિસ્થિતિમાં સૌકોઈ ડરી જાય અને ભયંકર બીમારીથી બચવા ડૉક્ટરની સલાહ મુજબ તરત જ ઑપરેશન કરાવવા તૈયાર થઈ જાય. ઘણી વાર એવું પણ બને છે કે ઑપરેશન કરાવ્યા બાદ ખબર પડે કે સામાન્ય સારવારથી નિવારણ થઈ શકે એવી બીમારી માટે મોટું ઑપરેશન કરાવી નખાયું હોવાનાં ઉદાહરણ સમાચારમાં પણ અવારનવાર જોવા-સાંભળવા મળે છે, જેમ કે એક પેશન્ટ હાર્ટ પેઇનની સમસ્યા લઈને ડૉક્ટર પાસે ગયો હતો અને હાર્ટ બ્લૉકેજ છે એવું કહીને ઍન્જિયોપ્લાસ્ટી કરાવી દીધી ત્યાર પછી ખબર પડી કે ઍન્જિયોપ્લાસ્ટી કરાવવાની જરૂર જ નહોતી.
શારીરિક બીમારીઓ જેમ કે માથું દુખવું, ચેસ્ટ પેઇન, પેટમાં દુખાવો કે પગમાં દુખાવા જેવી કોઈ પણ સમસ્યા લઈને તમે ડૉક્ટર પાસે જાઓ કે બિનજરૂરી ઢગલો ટેસ્ટનું લિસ્ટ પકડાવી દે. માથું દુખવાની એકમાત્ર ફરિયાદને લઈને ડૉક્ટરો એમઆરઆઇ,  સીટીસ્કૅન જેવી ઢગલો ટેસ્ટ કરાવે અને પછી ખબર પડે કે માત્ર વાતાવરણને કારણે સામાન્ય ઇન્ફેક્શનથી માથાના દુખાવાની તકલીફ હતી. ડૉક્ટરો અને લૅબોરેટરી સાથેના કમિશનને કારણે પૈસા કમાવાના કંઈક પેંતરા ચાલી રહ્યા છે ત્યારે આપણે સભાન રહેવું જરૂરી છે.
રોજબરોજ અનેક કિસ્સા આપણે ન્યુઝમાં તેમ જ આસપાસ જોઈએ છીએ. ખોટી દવા, ખોટી ટેસ્ટ અને ફેક ટ્રીટમેન્ટનું પ્રમાણ વધતું જાય છે. ઓછું ભણેલાઓ જાણકારીના અભાવે અને વધુ ભણેલાઓ ભવિષ્યમાં તકલીફ ન આવે એ માટે પૅનિક થઈને ડૉક્ટરોના સૂચનને તરત જ અમલમાં મૂકે છે. 
કોઈ પણ બીમારીમાં ડૉક્ટરોએ આપેલાં ટેસ્ટ અને અન્ય સૂચનો પર આંધળો વિશ્વાસ ન કરવો. મોટી બીમારીના નામથી ડરી જવાને બદલે સમયસૂચકતા વાપરીને તરત ફૅમિલી ડૉક્ટર કે બીજા ડૉક્ટરનો પણ સેકન્ડ ઓપિનિયન લો, જેથી પરિસ્થિતિનો સાચો તાગ મળી શકે.
ડૉક્ટર પાસે જતાં પહેલાં તેમ જ ગયા બાદની સારવાર માટે સાવધાન રહો. ખાસ કરીને હાર્ટ બ્લૉકેજ છે એવું સાંભળીને જ હાર્ટ બંધ થઈ જશે અને અટૅક આવી જશે એવો ખોટો ડર કાઢી નાખો. એને બદલે હેલ્ધી લાઇફસ્ટાસલ પર ફોકસ કરો. પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકાર ન રહેવું એ આપણી પહેલી જવાબદારી છે, પણ કંઈક થાય એટલે પૅનિક થવાની પણ જરૂર નથી. ડૉક્ટરે જે દવાઓ અને ટેસ્ટ સૂચવ્યાં હોય એની આડઅસર વિશે ગૂગલ પર ઘણી માહિતી ઉપલબ્ધ છે જ. એને જાતે ચેક કરીને સમજશો તો ઘણુંબધું સમજાઈ જશે.

શબ્દાંકન : ભાવિની લોડાયા

columnists