‘મારે નરેન્દ્ર મોદીને મળવું છે’ 100 વર્ષના આ દાદીની હવે આ એક જ ઇચ્છા બાકી છે

24 November, 2021 04:11 PM IST  |  Mumbai | Pallavi Acharya

...અને એ ઇચ્છા છે ભગવાન પાસે જતાં પહેલાં નરેન્દ્ર મોદીને મળવું. વાલકેશ્વરમાં દીકરાના પરિવાર સાથે રહેતાં સેન્ચુરિયન મીણાબહેન ગાલા હમણાં સુધી એકદમ સ્વસ્થ, સક્રિય અને પોતાનાં દરેક કામ જાતે કરી લેતાં, પણ હવે બસ ભગવાનનું નામ જ લેવું છે

‘મારે નરેન્દ્ર મોદીને મળવું છે’ 100 વર્ષના આ દાદીની હવે આ એક જ ઇચ્છા બાકી છે

વાલકેશ્વરમાં પોતાના દીકરાઓના પરિવાર સાથે રહેતાં મીણા રણમલ ગાલાએ બહુ સ્વસ્થતાપૂર્વક પોતાની જિંદગીનો સૈકો વટાવી દીધો છે. દોઢ મહિના પહેલાં પડી જવાથી તેમના પગમાં ફ્રૅક્ચર થયું છે એટલે તેઓ ઊભાં નથી થઈ શકતાં, બાકી તો સવારે વહેલાં ઊઠીને વહુઓ ઊઠે એ પહેલાં દૂધ ગરમ કરી લેતાં, પોતાની ચા બનાવીને પી લેતાં, રાતની રોટલી પડી હોય તો તવી પર શેકીને નાસ્તો કરી લેતાં. દીકરાને બાજરાનો રોટલો ખાવો હોય તો હાથથી ઘડીને બનાવી દેતાં અને દીકરાને ઢોકળાં ખાવાનું મન થાય તો સવારે ચાર વાગ્યે ઊઠીને ખીરું પલાળી પણ દેતાં હતાં. એટલું જ નહીં, પોતાનાં કપડાં જાતે જ ધોઈને સૂકવી દેતાં અને સાડલાને ગૂંચ ભરાઈ હોય તો ઝૈડકો પણ લઈ લે.
મોજભરી જિંદગી | આયખાનાં ૧૦૦ વર્ષ બહુ મોજથી જીવી રહેલાં આ દાદીને હજી ગયા મહિના સુધી જિંદગી બહુ ગમતીલી લાગતી હતી એમ દાદી વિશે વાતો કરતાં તેમનાં પૌત્રવધૂ રેખા ધીરજ ગાલા કહે છે, ‘હજી હમણાં સુધી તો તેઓ કહેતાં હતાં કે રોનક (પૌત્રનો દીકરો)નાં લગ્ન કરાવીને પછી જ જઈશ, પણ પગમાં ફ્રૅક્ચર થવાથી હવે કહે છે કે  ભગવાન બોલાવી લે તો સારું. તેમના હાથનું કારેલાં, કંકોડાં અને સેવ-ટમેટાનું શાક ઘરમાં બધાને બહુ ભાવે એથી બનાવે. પાઠારા (ઘઉંના લોટની એક મીઠાઈ) પણ તેઓ બહુ સરસ બનાવે છે.’
દાદીનાં લગ્ન ઘોડિયામાં થયાં હતાં. ૧૬મા વર્ષે તેઓ સાસરે આવ્યાં અને એનાં ચાર-પાંચ વર્ષમાં જ તેમને પહેલી દીકરી અમ્રતબહેન જન્મ્યાં જેઓ હાલમાં હયાત નથી. તેમની ડિલિવરી દરમ્યાન ગુજરી ગયાં હતાં, પણ હાલમાં હયાત હોત તો ૮૨ વર્ષનાં હોત. દાદીને બે દીકરા અને ચાર દીકરીનો પરિવાર  છે. વતન કચ્છમાં રહેતાં હતાં ત્યારે રોજ છાસ બનાવીને જરૂર હોય તેમને આપતાં હતાં. પોતાનાથી થઈ શકે એટલું કામ જાતે કરી લે છે. જમવા કે ચા પીવાનો પોતાનો સમય સાચવવા માટે ઘરમાં કોઈને હેરાન ન કરે.
નમો તેમને બહુ વહાલા | દાદી ભણેલાં નથી એથી વાંચતાં નથી આવડતું. ટીવીમાં પણ ન્યુઝ વગેરે જોવાનું બહુ નથી ગમતું, પણ ન્યુઝમાં મોદી હોય તો અચૂક જુએ. રોજ કહે કે મુંબઈમાં મોદી આવે તો મને મળવા લઈ જજો. પૌત્રવધૂ રેખા કહે  છે, ‘બાને મોદીજીને મળવાની બહુ ઇચ્છા છે. મોદીજીને મિલાવવાનો અમે બે વાર પ્રયત્ન કર્યો હતો, પણ તેઓ વિદેશપ્રવાસે હતા. દાદીની ઇચ્છા અધૂરી છે.’
અનુપમા અને અમિતાભ | દાદી સ્વભાવે મોજીલાં છે અને બધાને હસાવતાં રહે છે. આજે પણ ટીવી પર આવતી ‘અનુપમા’ સિરિયલ જોવાનું તેમને બહુ ગમે છે અને બીજું તેમને અમિતાભ બચ્ચનનાં પિક્ચર અને શોઝ જોવાનું બહુ ગમે છે. 
પૉઝિટિવ અપ્રોચ | આ સેન્ચુરિયન મીણાદાદીની જીવન જીવવાની ફિલોસૉફી ખૂબ હકારાત્મક છે. દાદી હમેશાં કહે છે, ‘જીવનમાં એક વાત જરૂર યાદ રાખજો કે બધાનું સારું કરવું, કોઈ તમારું ખરાબ કરે તો પણ તમારે એનું ખરાબ ન કરવું. સૌનાં નસીબ જુદાં-જુદાં હોય.’
દાદી ભારે વાતોડિયાં છે. પોતાના સમયની વાતો કરવી ગમે અને વાતો હમેશાં પૉઝિટિવ કરે. પોતાના ઘરે જે પણ આવે તેમને જમાડીને જ મોકલે. 

  દાદીનાં લગ્ન ઘોડિયામાં થયાં હતાં. ૧૬મા વર્ષે તેઓ સાસરે આવ્યાં. એ પછી દાદીને બે દીકરા અને ચાર દીકરીનો પરિવાર  છે.

columnists