ખરું કદ પારખી લીધું મેં મારું

19 September, 2021 04:20 PM IST  |  Mumbai | Hiten Anandpara

વિશ્વભરમાં નોંધ લેવાય એવા આ વિક્રમનાં અછોવાનાં કરવાનાં જ હોય. અશોક જાની આનંદની પંક્તિઓ સાથે એની મહત્તા કરીએ...

મિડ-ડે લોગો

‘યે ઢાઈ કિલો કા હાથ હૈ; કિસી પે પડતા હૈ તો આદમી ઊઠતા નહીં, ઊઠ જાતા હૈ.’ ‘દામિની’ ફિલ્મનો સની દેઓલે બોલેલો આ ડાયલૉગ યાદ આવી જાય એવી અઢી કરોડ વૅક્સિન ડોઝની સિદ્ધિ ભારતે એક જ દિવસમાં મેળવી. આંકડા એટલા ઊંચકાઈ ગયા કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો ૭૧મો જન્મદિવસ યાદગાર બની ગયો. ‘કુળ એકોતેર તાર્યા રે’ સાથે તમે સંમત થાવ કે ન થાવ, આંકડા સાથે તો સંમત થવું જ પડશે. વિશ્વભરમાં નોંધ લેવાય એવા આ વિક્રમનાં અછોવાનાં કરવાનાં જ હોય. અશોક જાની આનંદની પંક્તિઓ સાથે એની મહત્તા કરીએ...
છત હટાવી ભીંત, ચારેચાર ચાલી નીકળી
બારણું છોડીને, બારી બહાર ચાલી નીકળી
થઈ અમે ખાંભી પછી પાદર ઉપર ખોડાઈશું
આ જિજીવિષા થઈ પડકાર ચાલી નીકળી
એક જ દિવસમાં આવી સિદ્ધિ મેળવવી એ વિકટ નહીં, અતિવિકટ ટાસ્ક છે. આ સિદ્ધિ માટે કોરોના વૉરિયર્સ, સરકારી અધિકારીઓ અને ભારતીય જનતા પણ શાબાશીનાં હકદાર છે. એક લક્ષ્યને સાકાર કરવા સંઘશક્તિ જાગૃત થાય તો શું પરિણામ મળી શકે એ આખા જગતે જોયું. ડૉ. કિશોર મોદી એ ક્ષણની મહત્તા કરે છે જેની પાસે શાશ્વતીની ક્ષમતા રહેલી છે...  
આ કિરણ જેવું રૂપાંતર થઈ જવાનું
એક સૂરજની સમાંતર થઈ જવાનું
આજ હમણાં ક્ષણ સુવાસિત જેમ મળવું
જાણે કાલે તો યુગાંતર થઈ જવાનું
વિક્રમી વૅક્સિન ડોઝથી યુગ બદલાશે નહીં, પણ દૃષ્ટિ જરૂર બદલાશે. આપણે આ કરી શકીએ છીએ એ આત્મવિશ્વાસ બિલ્યન ડૉલર્સમાં પણ માપી ન શકાય. કોરાના મહામારીમાં જનતાએ ખોફનાક મરણ જોયું છે અને કફોડી સ્થિતિનો સામનો કર્યો છે. એક તરફ લાચારી જોઈ છે તો બીજી તરફ પડખે ઊભી રહેતી માણસાઈ પણ જોઈ છે. કઈ શક્તિ છે જે આપણને સામનો કરવા પ્રેરે છે? ગિરીશ પોપટ ‘ગુમાન’ એનો નિર્દેશ કરે છે...
જીવનમાં દુઃખ અને દર્દોની જ્યારે ફોજ જન્મે છે
હું તમને જોઉં છું ને બસ મનોમન મોજ જન્મે છે
દુઃખોના પહાડ સામે પણ કદી ઝૂકવા નથી દેતો
હૃદયમાં કોણ છે ગુમાન, જે દરરોજ જન્મે છે?
૧૭ સપ્ટેમ્બરની સિદ્ધિ સાથે વડા પ્રધાનને તો આકાશ ભરીને અભિનંદન હોય જ, પણ એ તમામ લોકોને દરિયો ભરીને દાદ આપવી જોઈએ જેમણે દિવસ-રાત એક કરીને અનેક પડકારોનો સામનો કર્યો અને મિશન સફળ બનાવ્યું. આ સિદ્ધિ જોઈને વિરોધ પક્ષના વામણા નેતાઓની બોલતી બંધ નથી થઈ, બબૂચક થઈ ગઈ છે. તેમના લવારાને સ્થાન આપીને આ કૉલમને અભડાવવી નથી. એ લોકો મનોમન સૂર્યકાન્ત નરસિંહ સૂર્યની પંક્તિ સમજી ગયા છે...
પછાડે હાથ તું, કે પગ પછાડે
હું તારું કૂંડાળું ઠેકી ગયો છું
ખરું કદ પારખી લીધું મેં મારું
તને લાગે છે હું બ્હેકી ગયો છું
માણસનું કદ તેનાં કાર્યોથી પરખાય છે. વાણીવિલાસ પ્રારંભિક સ્તરે કામ આવે, લાંબી રેસમાં તો વાણીની સચ્ચાઈ અને કાર્યોની શરણાઈ બોલવાની. અનેક આપત્તિઓ વચ્ચે પણ નરેન્દ્રભાઈની ટકી રહેલી લોકપ્રિયતા તેમણે આદરેલા પુરુષાર્થને કારણે છે. કોઈની સાડાબારી રાખ્યા વગર દેશહિતમાં લીધેલા મક્કમ નિર્ણયોને કારણે છે. જમીન પર જોઈ શકાતી કાર્યસિદ્ધિ જોઈને વિરોધ પક્ષના નેતાઓને ઈસ્ટમેન ઈર્ષા અને દયનીય દ્વેષ થાય એ બકરીના બેં બેં જેટલું  સ્વાભાવિક છે. હેમંત ગોહિલ મર્મરની પંક્તિઓ સાથે કર્મા ફિલ્મનો ‘થપ્પડ કી ગૂંજ’ ડાયલૉગ યાદ આવે તો મિચ્છા મિ દુક્કડમ્...  
રણની ઍલર્જી છે, કાં તો કારણની ઍલર્જી છે
ફૂલો જેવાં ફૂલોને લ્યો, ફાગણની ઍલર્જી છે 
એવા પગને કાયમ માટે આઇસીયુમાં રાખો, હા
જેને નખથી શિખા સુધી અડચણની ઍલર્જી છે 
ઍલર્જી ઝટ મટતી નથી એ સ્વીકારીને ચાલવું પડે. ભારતની પ્રજાએ આવી ઍલર્જીને ઓળખવાની છે, કારણ કે એ આપણી એનર્જીને કોઢ કરી મૂકે એવી શાતિર છે. દેશવિરોધી વાઇરસનો પણ ખાતમો કરે એવી ચિરકાલીન વૅક્સિન શોધાય એવી આધ્યાત્મિક આશા રાખીએ.    
ક્યા બાત હૈ
દિલ છે, દરદ છે, પ્યાસ છે, હું એકલો નથી
ને શબ્દનો ઉજાસ છે, હું એકલો નથી

એકાંતનો આ મોગરો કોળી ઊઠ્યો જુઓ
એક આગવી સુવાસ છે, હું એકલો નથી

સહરા છે, ઝાંઝવાં છે, સતત ઊડતો ગુબાર
ને કોઈની તલાશ છે, હું એકલો નથી

વાળી’તી જેમાં ગાંઠ જન્મભરના સાથની
મુઠ્ઠીમાં એ રૂમાલ છે, હું એકલો નથી

બોલો તો આખી સીમ કરી દઉં હરીભરી
મનની અતાગ વાવ છે, હું એકલો નથી

આ કેફ ઊતરે તો હવે કેમ ઊતરે?
ગેબી છલકતો જામ છે, હું એકલો નથી

દીપક હું નીતરું છું સુરાહીમાં દમબદમ
ભરચક તલબનો જામ છે, હું એકલો નથી
- દીપક બારડોલીકર

columnists