અમેરિકા પાસેથી હું પુષ્કળ પ્રોફેશનલિઝમ શીખ્યો છું

15 August, 2022 11:36 AM IST  |  Mumbai | Sanjay Goradia

ઘણા વાચકો મને પૂછે છે કે તમે એકલપંડે આટલાં નાટકો કેવી રીતે કરી શક્યાં? મારો એક જ જવાબ છે, ટીમને લીધે. જો તમારી પાસે બેસ્ટ ટીમ હોય તો તમે કંઈ પણ કરી શકો અને ક્યારેય કરી શકો

‘મિસ ફૂલગુલાબી’નાં રિહર્સલ્સ ચાલુ હતાં એ દરમ્યાન મારી ‘બાને ઘેર બાબો આવ્યો’ની ટૂર હતી અને એને જ કારણે નાટકની બાબતમાં કેટલુંક કાચું કપાયું.

આપણે વાત કરીએ છીએ અમારા નવા નાટકની, જેનો વિષય હતો સરોગસી. આ જ વિષયને ટ્વિસ્ટ કરીને ફિલ્મ ‘ચોરી ચોરી ચુપકે ચુપકે’ પણ આવી હતી, જે ઓરિજિનલી પચીસ વર્ષ પહેલાં આવેલા કાન્તિ મડિયાના નાટક ‘મૃગજળ સીંચીને અમે ઉછેરી વેલ’ પર આધારિત હતી. ‘ચોરી ચોરી ચુપકે ચુપકે’માં સલમાન ખાન અને રાની મુખરજી બન્ને હસબન્ડ-વાઇફ છે અને પ્રોસ્ટિટ્યુશન સાથે જોડાયેલી પ્રીતિ ઝિન્ટા સરોગેટ મધર બનવા તૈયાર થાય છે. એ ફિલ્મ સાથે બીજા પણ ઘણા વિવાદ જોડાયેલા હતા. આ ફિલ્મમાં અન્ડરવર્લ્ડે પૈસા રોક્યા હતા અને આ સ્ટારકાસ્ટને પણ અન્ડરવર્લ્ડમાંથી જ ફિલ્મ સાઇન કરવા માટે ફોન આવ્યો હતો, જે બધું પુરવાર પણ થયું. ‘ચોરી ચોરી ચુપકે ચુપકે’ એ રીતે બહુ અગત્યની ફિલ્મ હતી કે એ રિલીઝ થયા પછી મુંબઈ પોલીસે ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાંથી અન્ડરવર્લ્ડનો લગભગ સફાયો કરી નાખ્યો હતો. હું કહીશ કે આ ફિલ્મ પછીનું બૉલીવુડ કૉર્પોરેટ બૉલીવુડ બન્યું. ઍનીવેઝ, આપણે ફરીથી આવી જઈએ આપણા સબ્જેક્ટ પર.
આ દિવસોમાં મારું જે નાટક ચાલતું હતું એ ‘બાને ઘેર બાબો આવ્યો’ની ટૂર પણ સતત ચાલતી એટલે હું એમાં બિઝી હતો, પણ વચ્ચે જ્યારે સમય મળે ત્યારે હું અને વિપુલ નવા નાટકની વાત કરી લઈએ. જોકે એ પહેલાં અમે નાટકના મૂળ રાઇટર નૌશિલ મહેતાનો સંપર્ક કરી નાટક લખવા માટે વાત કરી લીધી હતી અને નૌશિલભાઈ નાટક લખવા તૈયાર થઈ ગયા હતા એટલે અમે મુરત કાઢી લીધું. હવે વાત આવી કાસ્ટિંગની.
જેમ તમને અગાઉ મેં કહ્યું હતું એમ, બૅકસ્ટેજ ટીમ ઑલરેડી તૈયાર હતી. સેટ ડિઝાઇન છેલ-પરેશ, પ્રકાશ આયોજન રોહિત ચિપલૂણકર, સંગીત લાલુ સાંગો એટલે કે મારું જ મ્યુઝિક અને પ્રચાર દીપક સોમૈયા. આ બધા પહેલેથી નક્કી હતા તો નાટકના પ્રોડક્શન મૅનેજર તરીક કનૈયા સામાણી હતા. 
મિત્રો, મારે એક વાત કહેવી છે કે એ દિવસોમાં અમારાં ખૂબબધાં નાટકો ચાલતાં હતાં. એ વખતે અમે અમારું આખું માળખું બહુ સરસ ગોઠવ્યું હતું અને એ માળખાને કારણે જ અમે વર્ષ દરમ્યાન પાંચ-છ નાટક બહુ આસાનીથી બનાવી શકતા અને એને મૅનેજ પણ કરી શકતા. હું તમને અમારા માળખાની ચેઇન કહું.
સૌથી ઉપર હું અને કૌસ્તુભ ત્રિવેદી, અમારી નીચે વિશાલ ગોરડિયા હોય અને એની નીચે અમારા ત્રણથી ચાર પ્રોડક્શન મૅનેજર હોય; જેમાં કનૈયા સામાણી, કિરણ માલવણકર, સૌરભ ઠક્કર અને એકાદનું નામ હું ભૂલું છું. આ પ્રોડક્શન મૅનેજરની નીચે બૅકસ્ટેજવાળા ૧૨ છોકરાઓ હોય, જેમાં ડ્રેસમૅનથી લઈને લાઇટ ઑપરેટર અને મ્યુઝિક ઑપરેટર પણ આવી જાય. ટૂંકમાં કહેવાનો ભાવાર્થ એ કે જો તમારી પાસે ટીમ હોય તો તમે અનેક મોરચે લડી શકો. આજે પણ હું કહીશ કે ઇન્ડિવિજ્યુઅલ પ્રોડ્યુસર તરીકે હું અત્યાર સુધી બીજા કરતાં અનેકગણાં વધારે નાટક કરી શક્યો છું તો એનો જશ મારી આ ટીમને જાય છે. ટીમનું મહત્ત્વ કેવું અને કેટલું હોય એ વાત મને મારી અમેરિકાની ટૂર દરમ્યાન સમજાય છે, જે વિશે મેં એક વખત ‘મિડ-ડે’માં જ મારી અમેરિકા ટૂર વિશે લખ્યું હતું ત્યારે કહ્યું હતું. અમેરિકા પાસેથી મને પ્રોફેશનલિઝમ પુષ્કળ શીખવા મળ્યું છે અને એ જ પ્રોફેશનલિઝમના આધારે હું આટલું કામ કરી શક્યો છું. અમેરિકનને તમે જુઓ તો એ દરેક નાની-નાની વાતમાં ચંચુપાત નથી કરતા. તેમને ફાઇનલ પ્રોડક્ટમાં રસ હોય છે. જો એ બેસ્ટ ઊભી થતી હોય તો એ નાની-નાની વાતો તરફ આંખ આડા કાન કરી શકે. મેં એ ક્વૉલિટી મારામાં અપનાવી અને એનું સારું રિઝલ્ટ પણ મેં ભોગવ્યું.
મારી પાસે બેસ્ટ ટીમ હતી અને એ ટીમ પણ બેસ્ટ કરવામાં જ માનતી હતી, જેને લીધે અમે આટલું સારું કામ કરી શક્યા. 
ટેક્નિકલ ટીમ વિશે તમને કહું તો કસબીઓની વાત કરું. નવા નાટકના કસબીઓ પણ ફાઇનલ હતા. ડિરેક્ટર વિપુલ મહેતા અને રાઇટર નૌશિલ મહેતા. આ વાત થઈ પડદા પાછળના કલાકારોની, હવે વાત આવી ફ્રન્ટ આર્ટિસ્ટની. 
જ્યાં સુધી આ નાટકની વાત હતી અને સરોગસીનો સબ્જેક્ટ હતો એટલે અમને કલાકારોમાં ઘણી છોકરીઓની જરૂર હતી. વાત જ સરોગેટ મધર્સની છે, પછી એ ઝીરો ડાઉન થાય છે એક વ્યક્તિ પર, પણ અમારે એ આખો આશ્રમ અને જે હૉસ્પિટલ હતી એમાં મહત્તમ સ્ત્રીઓ છે એવું દેખાડવાનું હતું. નાટકની લીડ ઍક્ટ્રેસ તરીકે અમે પ્રણોતી પ્રધાનને લાવ્યા. નાટકમાં એ કૅરૅક્ટરનું નામ ગુલાબી હતું. આ જ કૅરૅક્ટર પરથી પછી અમે નાટકનું ટાઇટલ ‘મિસ ફૂલગુલાબી’ રાખ્યું.
મેઇન આર્ટિસ્ટ તરીકે પ્રણોતી આવી પછી અમે ફાલ્ગુની દવે, રિન્કુ પટેલ, સંજીવની, દીપમાલા, શિલ્પા મહેતાને લાવ્યા તો સાથે યોગેશ પગારે અને પ્રતીક જાદવને લાવ્યા. પ્રતીક જાદવ ઓરિજિનલ એકાંકીમાં પણ હતો અને એમાં તેણે કંકુ નામની છોકરીનો રોલ કર્યો હતો. હા, પ્રતીકે છોકરીનો રોલ કર્યો હતો અને એ પણ કોઈ છોકરી ન કરી શકે એવી અસરકારક રીતે. પ્રતીકની તમને બીજી એક વાત કહું. તે ઍક્ટિંગ તો કરે જ છે, પણ હવે તે ખૂબ સારો ફોટોગ્રાફર પણ થઈ ગયો છે. ફૅશન-શોની ફોટોગ્રાફીની સાથોસાથ એ વેડિંગ અને પ્રી-વેડિંગ શૂટ પણ કરે છે, પણ એ વખતે ઇન્ટરકૉલેજિયેટ ડ્રામા કૉમ્પિટિશન કરતો અને મીઠીબાઈ કૉલેજના છોકરાઓમાં વિપુલ મહેતાનો માનીતો કલાકાર હતો. વિપુલનો માનીતો કલાકાર કોણ બની શકે એ પણ કહું તમને.
વિપુલ જે રોલ આપે એને ૧૦૧ ટકા ડિલિવર કરો તો જ તમે તેના ફેવરિટ બની શકો. પ્રતીક પર વિપુલને પૂરો ભરોસો. મીઠીબાઈમાં આટલી છોકરીઓ હોવા છતાં કંકુની વિકલાંગની ભૂમિકામાં વિપુલે પ્રતીકને લીધો હતો. જો તમને એમ થાય કે નાટકની વાર્તામાં તો વિકલાંગ બાળક પેદા થાય છે, તો આ આ બીજું વિકલાંગ બાળક ક્યાંથી આવ્યું, જે પાછું ૧૬-૧૭ વર્ષનું છે તો એને માટે તમારે વાર્તા જરા સમજવી પડશે.
ગુલાબી પાસે ઑલરેડી એક વિકલાંગ બાળક છે, એ જ બાળકના ભવિષ્ય ખાતર ગુલાબી સરોગેટ મધર બનવા તૈયાર થઈ જેથી સરોગસીમાંથી જે આવક થાય એ આવક થકી તે પોતાના આ વિકલાંગ બાળકને સ્પેશ્યલ સ્કૂલમાં મોકલી શકે. ઑલરેડી એક વિકલાંગ બાળકની જવાબદારી પોતાના પર હોવા છતાં જ્યારે અમેરિકાથી આવેલું કપલ પોતાનું વિકલાંગ બાળકી ગુલાબી પાસે મૂકીને જતા રહે છે ત્યારે ગુલાબી પાસે ચૉઇસ હતી કે તે બાળકીને ત્યજી દે કે પછી તેને અનાથાશ્રમમાં મૂકી દે, પણ એવું કરવાને બદલે ગુલાબી પોતે એ બાળકીને અપનાવે છે અને આખી જિંદગી મહેનત કરવી પડે તો પણ આ બાળકી પણ મારી છે એવું મન મનાવીને બબ્બે વિકલાંગ બાળકીઓનો બોજ ઉઠાવવા તૈયાર થઈ જાય છે. 
પ્રતીકે આ નાટકમાં પણ એ જ કંકુનો રોલ કર્યો જે તેણે પંદર મિનિટના નાટકમાં કર્યો હતો. આ ઉપરાંત નાટકમાં સુમો કારનો એક ડ્રાઇવર હતો. એ સમયે આ સુમો ગાડી બહુ પ્રચલિત હતી. આણંદ રેલવે સ્ટેશને જેકોઈ વિદેશી આવે તેને હૉસ્પિટલ લાવવાનું કામ આ ડ્રાઇવર કરે, જે પોતે કૉમેડિયનનું કામ પણ કરવાનો હતો અને એ જ વિલન પણ હતો. આમ એ રોલમાં ત્રણ-ત્રણ શેડ્સ હતા. આ રોલમાં નીતિન ત્રિવેદીને કાસ્ટ કર્યો. કાસ્ટિંગ પૂરું થયું અને નાટકનાં રિહર્સલ્સ શરૂ થયાં. 
નાટક ઓપન થવાનું હતું એના એક વીક પહેલાં સુધી હું ‘બાને ઘેર બાબો આવ્યો’ નાટકની ટૂર પર હતો. એ ટૂર પૂરી કરીને હું મુંબઈ પહોંચ્યો અને સીધો ગયો રિહર્સલ્સ પર, જ્યાં વિપુલે બૉમ્બ ફોડ્યો. વિપુલે એવું તે શું કહ્યું કે મને ટેન્શન આવી ગયું એની વાત હવે આપણે કરીશું આવતા સોમવારે.

મેઇન આર્ટિસ્ટ તરીકે પ્રણોતી પ્રધાન આવી અને પછી અમે ફાલ્ગુની દવે, રિન્કુ પટેલ, સંજીવની, દીપમાલા, શિલ્પા મહેતાને લાવ્યા તો સાથે યોગેશ પગારે અને પ્રતીક જાદવને લાવ્યા. પ્રતીક જાદવ ઓરિજિનલ એકાંકીમાં પણ હતો અને એમાં તેણે કંકુ નામની છોકરીનો રોલ કર્યો હતો. હા, પ્રતીકે છોકરીનો રોલ કર્યો હતો.

columnists Sanjay Goradia