મેં તો તને આપ્યું, તું કેટલું આપે છે?

10 April, 2020 07:25 PM IST  |  Mumbai Desk | Jamnadas Majethia

મેં તો તને આપ્યું, તું કેટલું આપે છે?

કોરોના. 

છેલ્લાં ચાર વીકથી આપણે આ એક જ ટૉપિક પર વાત કરીએ છીએ અને આગળ પણ આપણે કદાચ આ વિષય પર વાત કરતા રહીશું, કારણ કે કોરોનાનું આ ટેન્શન એટલું ઝડપથી ઓસરવાનું નથી. એ હજી તો બહુ પરીક્ષા લેશે અને આપણને ગમે કે ન ગમે, થાકીએ કે ન થાકીએ, પણ એમાંથી પાર થવાનું છે. આ આખી જર્નીમાં આપણે સતત બીજાને માટે પણ જીવવાનું છે. ગયા અઠવાડિયે તમને કહ્યું હતું કે આ ભૂલ સુધારવાનો સમય છે. આ વીકમાં તમને કહીશ, આ બીજા માટે પણ જીવવાનો સમય છે. આંખો ખુલ્લી રાખજો. તમારી આજુબાજુમાં કોઈ હેરાન ન થતું હોય. હું મારી રીતે તો કરું જ છું અને કરતો જ રહીશ, પણ તમે આસપાસ ગોતતા રહેજો કે તમે શું કરી શકો એમ છો. કાયદામાં રહીને કરજો. નિયમોને આધીન થઈને કરવાનું છે. મદદ કરવાના ઉત્સાહમાં કાલે રસ્તા પર ૫૦ લોકોને પૅકેટ આપવા નીકળીને કોઈ પ્રોટોકૉલની બહાર નહીં નીકળી જતા. મને પણ બહુ મન થાય છે કે ઘરે ૧૦૦ સૅન્ડવિચ બનાવું અને રોજ બહાર નીકળીને લોકોને ખવડાવું. ખીચડી બનાવું અને એનાં પૅકેટ બનાવી-બનાવીને લોકોને ખવડાવું, તેમના સુધી પહોંચાડું. ઘણા લોકો કરે પણ છે. તમે પણ ઇચ્છો તો એવી રીતે કરજો, પણ કરો તો જેનાથી તમે તમારી જાતને એવા જોખમમાં ન નાખી દેતા કે હેરાન થવું પડે અને કહેવું પડે કે તમે કહ્યું, ‘તુંને જેડીભાઈ, જો એ પછી અમારા આ ભાઈને કે પછી અમારાં આ બહેનને કોરોના વાઇરસ લાગી ગયો. એવું બને નહીં એનું ધ્યાન રાખીને, સંભાળીને કરજો અને એવું કરજો જેનાથી તમને પોતાને, તમારા મનને આનંદ થાય અને સામેવાળાને, જેને મળ્યું હોય તેના જીવમાં જીવ આવે.
અત્યારે આ કોરોનાની મહામારી સાથે અને એની સામે લડવાનો જો તમે કોઈ પણ પ્રયાસ કરતો હો તો મારું તમને એક સૂચન છે, એક ગ્રુપ ઊભું કરજો. આ ગ્રુપ કેવી રીતે કામ કરે એની વાત આગળ આવશે પણ એને માટે તમારે એ એક આખી ગોવિંદા-સિસ્ટમ પર કામ કરવાનું છે એ સમજી લેજો. મેં એવું ઘણું કામ કર્યું, અમારી ઇન્ડસ્ટ્રી એટલે કે ટીવી અને ફિલ્મ-ઇન્ડસ્ટ્રી માટે કામ કરતા વર્કરો માટે. ઘણુંબધું ફન્ડ એકત્રિત કરવામાં મહેનત કરી. બીજી જગ્યાએ પણ હું મહેનત કરું છું. મેં એક એવો કન્સેપ્ટ પણ બનાવ્યો છે જે સફળ થઈ જાય તો પ્રાઇમ મિનિસ્ટર રિલીફ ફન્ડમાં ઘણુંબધું કૉન્ટ્રિબ્યુટ કરી શકાય એમ છે. હું તમને પણ કહીશ. તમારા બધાથી બને તો આ ફન્ડમાં જરૂરી કૉન્ટ્રિબ્યુટ કરજો, કારણ કે એ ફન્ડમાંથી દેશના ખૂણેખૂણે ક્યાંક ને ક્યાંક મદદ જશે, જશે ને જશે જ. નરેન્દ્ર મોદીજીમાં તમે માનતા હો કે ન માનતા હો, પણ એક વાત તો તમે જરૂર માનશો કે આજ સુધી આ દેશમાં આવા લીડર નથી જોયા, એવા લીડર જે બિલકુલ કરપ્ટ નથી, એવા લીડર જેમના હાથમાં આવેલો પૈસો ખોટી જગ્યાએ જતો નથી. લોકોને તેમની પૉલિટિકલ પૉલિસી માટે જે કહેવું હોય એ કહેવા દો, પણ લોકો એ વાતે સહમત થશે જ કે મોદીસાહેબ એક રૂપિયાનું કરપ્શન કરે નહીં અને કરવા દે નહીં. તેમની એક ફેમસ લાઇન છે...
‘ખાતો નથી ને ખાવા દેતો નથી.’
આ ફેમસ લાઇન એ તેમનો સિદ્ધાંત છે. તમને ક્યાંય પણ એવું લાગતું હોય કે હું મદદ કરવા તો માગું છું, પણ મદદના પૈસા ચવાઈ જાય છે અને જેને જરૂર છે તેમના સુધી પહોંચશે કે નહીં પહોંચે તો પ્રાઇમ મિનિસ્ટ્ર રિલીફ ફન્ડને યાદ કરજો. મારે એ પણ કહેવું છે કે યાદ રાખજો, કોરોનાનું આ વેકેશન લાંબા સમય સુધી ચાલવાનું છે અને એને લીધે તકલીફ પણ લાંબો સમય ચાલશે. હમણાં તો લોકો પાસે ગયા મહિનાની ઇન્કમ હતી એ મળી ગઈ અને ચાલી ગયું, પણ એ પછી તો કામ જ નથી કર્યું તો પૈસાનો ક્રન્ચ આવતા મહિનાથી વધારે ફીલ થવાનો છે માટે મુક્ત મને આગળ આવજો, મદદ કરજો. તમારું ક્યાંય કંઈ નહીં ઘટે. ઊલટું, તમારા પર કોઈનું ઋણ હશે તો એ ઊતરી જશે એટલે પહોંચાડજો તેમને મદદ અને પીએમ રિલીફ ફન્ડમાં આપશો તો એ હેલ્પ એકદમ સાચી વ્યક્તિ સુધી પહોંચવાની એ ૧૦૦ ટકા ગૅરન્ટીવાળું કામ હશે. એમ નહીં વિચારતા કે લોકો ત્યાં ૫૦૦ કરોડ, ૨૦૦ કરોડ અને ૧૫૦ કરોડ રૂપિયા આપે છે. આપણા દેશમાં સંખ્યા પણ એટલી જ છે કે લાખો-કરોડોની જરૂર પડશે તો આપણે બધાએ આપણી રીતે આ કામ કરવું પડશે તો મારી રિક્વેસ્ટ છે કે પ્લીઝ હાથ છૂટો રાખજો.
મારા એક મિત્રએ બહુ સારું કહ્યું હતું કે ભગવાન આપે છે. આપ્યા પછી ભગવાન એ જુએ છે કે મેં તને આપ્યું, પણ તેં સામે કેટલું આપ્યું. તમે આપો એના પરથી ભગવાન નક્કી કરે છે કે આગળ હવે તમને કેટલું આપવું. તો હાથ છૂટો અને આપવાનું મન રાખજો. મદદ કરજો. હું એક વાત બીજી પણ કહીશ કે ખાલી પૈસાથી જ નહીં, પણ કોઈની બાજુમાં ઇમોશનલી ઊભા રહીને મદદ કરશો તો પણ તેમને ખૂબ ગમશે.
તમારી આસપાસ જેકોઈ એવા વૃદ્ધો હોય જેમનાં સંતાનો સાથે ન હોય કે આસપાસમાં ન રહેતાં હોય તેમને પૂછજો. કોઈને દવાદારૂમાં... દારૂ તો ન બોલાય આ સમયે પણ દવામાં મદદ કરજો.
ખાસ વાત, આ સમયમાં હ્યુમર નહીં ભૂલવાનું. હ્યુમરને મિસ નહીં કરવાનું. હસતા રહેજો બસ અને હા ખોટેખોટા વિડિયો ફૉર્વર્ડ નહીં કરતા. બહુ સ્ટ્રેસ છે એટલે તમે પહેલાં વિડિયો જોજો અને સેન્સરશિપ કરીને જ એને આગળ મોકલજો, કારણ કે અત્યારે કેવું છે કે ગ્રુપમાં પહેલેથી જ નક્કી થઈ જાય છે કે કોના વિડિયો ખોલવાના અને કોના નહીં. બધાને ખબર છે કે સૌથી સેન્સિબલ માણસ હોય એનો જ વિડિયો ખોલવાનો. ગ્રુપમાં અને ગ્રુપના લોકોમાં સેલ્ફ સેન્સરશિપ આવી ગઈ છે. લોકો પોતે જ નક્કી કરી લે છે કે કોના વિડિયો જોવા અને કોના વિડિયો અવૉઇડ કરવા, તો આ બાબતની કાળજી તમે પણ રાખજો અને હું કહીશ કે એક જ વાતનો સૌથી મોટો પ્રચાર કરજો કે ભાઈ, બધાની પોતપોતાની માણસાઈને જગાડજો અને બની શકે તો સરકારે જાહેર કરેલા દાયરાઓમાં રહીને લોકોની મદદ કરજો, કારણ કે આ સમય આપણને પણ પાછો નથી જોઈતો અને પાછો નહીં આવે. તમને પોતાને વર્ષોનાં વર્ષ સુધી કહો કે આજીવન યાદ રહેશે અને તમે જેને માટે કર્યું હશે એ આજીવન તમને યાદ રાખશે. અત્યારે ટાઇમ છે, નાના-નાના દેવદૂત બનવાનું. મેં જેમ કહ્યું, આગળ વાત કરી એમ, મદદ કરવા માટે આખું ગોવિંદા-સ્ટ્રક્ચર બનાવો.
આ સ્ટ્રક્ચરમાં સૌથી ઉપર એક માણસ હોય. જે ફાઇનલ સ્ટેજનું કામ કરે. તેની નીચે બે, તેની નીચે ચાર અને તેની નીચે આઠ. આ પ્રકારે તમે તમારા ગ્રુપમાં કમિટી બનાવજો. જો આ કમિટી પ્રોપર કામ કરી ગઈ તો મોટા પાયે મદદ કરવા ઇચ્છા પૂરી થઈ શકશે. ગૌશાળાથી માંડીને જ્યાં-જ્યાં મૂક જાનવર દેખાય એને મદદ કરજો. વિચારો તો ખરા કોણ ધ્યાન રાખશે એનું. એવી જ વ્યક્તિ પણ છે જેમની પરિસ્થિતિ મૂક જાનવર જેવી જ છે. બોલી નથી શકતા અને કહી નથી શકતા. આવા લોકોને તમે ઓળખતા હો કે ન ઓળખતા હો. તો તમારું પોતાનું વ્યક્તિ હોય કે ન હોય, ભૂતકાળમાં તમને કોઈ પર ગુસ્સો આવ્યો હોય અને પછી સંબંધોમાં બ્રેક લાગી ગઈ હોય. કામવાળો કે કામવાળી કે ડ્રાઇવર કે પછી એવું કોઈ જે તમારું કામ છોડીને જતા રહ્યા હોય. તેમને પૂછો અને ખબર પડે કે આજે તેની હાલત ખરાબ છે તો પ્લીઝ હેલ્પ મોકલજો. તમારાં ગામડાંઓમાં મદદ કરજો. તમારાં સગાંસંબંધીઓમાં, સમાજમાં. ખૂબ મળશે આવા લોકો. બે ફોન કરીને પૂછી લેશો તો તેમને મદદ કરતાં પણ વધારે સાંત્વન મળશે કે કોઈ છે તેમની પાસે, તેમની સાથે. આ સમય અત્યારે આ જ કાર્ય કરવાનો છે, બાકી બધું તો થતું રહેશે અને પોતપોતાની રીતે રસ્તાઓ નીકળતા રહેશે. હા, આ બધું કરવાની સાથે-સાથે તમારી જાતને માનસિક રીતે મજબૂત રાખજો. કસરત કરજો, પૉઝિટિવ રહેજો, ભગવાનનું નામ લેજો અને ઘરમાં બને એટલા કંકાસ ઓછા થાય એની કાળજી રાખજો. બિગ બૉસ, બિગ બૉસ રમતા રહેજો અને હસતા રહેજો.

columnists JD Majethia