હસ્તમૈથુન કર્યા પછી મને ફોરસ્કિનમાં કાપા પડતા હતા

02 December, 2020 07:51 AM IST  |  Mumbai | Dr. Ravi Kothari

હસ્તમૈથુન કર્યા પછી મને ફોરસ્કિનમાં કાપા પડતા હતા

પ્રતીકાત્મક તસવીર

સવાલ: મારી ઉંમર ૨૬ વર્ષ છે. લગ્ન પહેલાં ક્યારેય ફિઝિકલ ઇન્ટરકોર્સ કર્યો નહોતો. મૅસ્ટરબેશન કરતો હતો, પરંતુ એ પણ ભાગ્યે જ. એનું કારણ એ હતું કે હસ્તમૈથુન કર્યા પછી મને ફોરસ્કિનમાં કાપા પડતા હતા. હવે મારાં લગ્ન થઈ ગયાં છે. શરૂઆતમાં તો અમે કૉન્ડોમ વાપરતા હતા, પણ મને કૉન્ડોમ પહેરવાથી સેન્સિટિવિટી ઘટી જતી હતી. વધુ ઉત્તેજના ફીલ થાય એ માટે કૉન્ડોમ વિના સમાગમ કરવાનો પ્રયોગ કર્યો. જોકે વધુ ઉત્તેજનાને કારણે ઇન્દ્રિય સારીએવી સ્ટ્રૉન્ગ હતી અને પેનિટ્રેશન માટે થોડુંક પ્રેશર કર્યું ત્યારે મારી ફોરસ્કિનમાં નાનો કાપો પડી ગયો હતો. જેમ હસ્તમૈથુન વખતે થતું એવું જ સમાગમ વખતે પણ થયું. આમેય મારી ફોરસ્કિન થોડીક ટાઇટ છે ને એટલે હસ્તમૈથુન વખતે પણ એને પાછળ સરકાવવામાં તકલીફ પડે છે. હવે તો એ ભાગ ખૂબ જ સેન્સિટિવ થઈ ગયો છે. આ વખતનો ચીરો વધુ મોટો હોવાથી દુખાવો પણ સારોએવો થાય છે.

જવાબ: સૌથી પહેલાં તો જો કાપો રુઝાયો ન હોય તો હમણાં સમાગમ કે હસ્તમૈથુનમાં રજા રાખો. એન્ટિ-બાયોટિક દવા લગાવીને એ ઝડપથી રુઝાય એવો પ્રયત્ન કરો.

જ્યારે ઇન્દ્રિયની ત્વચા ડાયરેક્ટ યોનિમાર્ગના સંપર્કમાં આવે છે ત્યારે વધુ ઉત્તેજના અનુભવે છે એટલું જ નહીં, બન્ને ત્વચા વચ્ચે ઘર્ષણ પણ થાય છે ને એટલે ઇન્દ્રિયની ત્વચા પણ ચડઊતર થઈ જાય છે. આવા સમયે ત્વચામાં ચીરો પડવાની શક્યતાઓ વધી જાય છે. આવા સમયે જો લોહી વહે તો રૂમાલથી દબાવી દેવાથી કે બરફ ઘસવાથી બંધ થઈ જાય છે.

આમાં ગભરાવા જેવું કશું જ નથી. ફોરસ્કિન ટાઇટ હોય અને સુન્નતનું ઑપરેશન ન કરાવ્યું હોય ત્યારે આવું થઈ શકે છે. હવેથી કૉન્ડોમનો જ ઉપયોગ કરો એ બહેતર છે.

ચીરો રુઝાય એ પછી થોડાક દિવસ રોજ સવાર-સાંજ હૂંફાળું કૉપરેલ તેલ લઈને ઇન્દ્રિય પર માલિશ કરવી અને હળવેકથી આગળ-પાછળ કરવાની પ્રૅક્ટિસ કરવી. એમ કરવાથી જો ટાઇટ સ્કિન લૂઝ થઈ જાય તો વેલ એન્ડ ગુડ. જો બે-ત્રણ મહિનાના પ્રયત્ન પછી પણ લૂઝ ન થાય તો સુન્નતનું ઑપરેશન કરાવી લેવું બહેતર રહેશે. બાકી જો સુન્નત ન કરવી હોય તો ત્વચાની મૂવમેન્ટ ટાળવા માટે કૉન્ડોમ પહેરવું અનિવાર્ય છે.

columnists dr ravi kothari sex and relationships