જીભ થોથવાતી હોવાથી મીટિંગ્સમાં જવું નથી ગમતું

28 January, 2022 05:56 PM IST  |  Mumbai | Sejal Patel

હવે તો મારા વિચારો પણ અસ્પષ્ટ થવા લાગ્યા છે. સ્પીચ થેરપિસ્ટ પાસે ટ્રેઇનિંગ લઉં છું, પણ તેમનું કહેવું છે કે ઇમ્પ્રુવમેન્ટ થતાં વાર લાગશે. ઑફિસની મીટિંગ અટેન્ડ કરવાનું જ મન નથી થતું.

મિડ-ડે લોગો

એમબીએ કરીને એક વર્ષથી મલ્ટિનૅશનલ કંપનીમાં જૉબ કરું છું. હું ભણવામાં પહેલેથી જ બ્રાઇટ સ્ટુડન્ટ રહ્યો છું, પણ જીભ થોથવાતી હોવાથી કોઈની સાથે વાતચીત વખતે મારું મૂલ્ય અંકાઈ જાય. સ્કૂલ અને કૉલેજના ફ્રેન્ડ્સ તો વર્ષોથી સાથે હતા એટલે તેમની સાથે જીભનો થોથવાટ એટલો નડતો નહીં. ઇન ફૅક્ટ, આ જ ખામીને કારણે હું બને ત્યાં સુધી ચૂપ રહેવાનું પસંદ કરતો. અત્યારે પ્રોફેશનલ વર્લ્ડમાં જીભનો થોથવાટ બહુ જ નડી રહ્યો છે. એક વર્ષ પહેલાં હું જોડાયો એના કરતાં ખૂબ આત્મવિશ્વાસ ઘટી ગયો છે. મીટિંગમાં ચર્ચા દરમ્યાન હું મારો વ્યુ પૉઇન્ટ મૂકવા જાઉં ત્યારે પણ મને તકલીફ પડે છે. મારું ધ્યાન થોથવાટ ન થાય એમાં હોય એટલે મૂળ મુદ્દાને સાચી રીતે રજૂ કરવામાં પણ હું ગોથાં ખાઉં છું. હવે તો મારા વિચારો પણ અસ્પષ્ટ થવા લાગ્યા છે. સ્પીચ થેરપિસ્ટ પાસે ટ્રેઇનિંગ લઉં છું, પણ તેમનું કહેવું છે કે ઇમ્પ્રુવમેન્ટ થતાં વાર લાગશે. ઑફિસની મીટિંગ અટેન્ડ કરવાનું જ મન નથી થતું. 

આ એક વિષચક્ર છે. જીભ થોથવાવાથી કૉન્ફિડન્સ ઘટે છે અને કૉન્ફિડન્સ ઘટવાથી વધુ જીભ થોથવાય છે. વળી નર્વસ થઈ જવાથી તમે શું વિચારતા હતા એની લિન્ક ખોરવાઈ જાય છે. તમે એવું માનો છો કે થોથવાટ અટકશે તો જ આત્મવિશ્વાસ વધશે, પણ એને બદલે અવળું કરવાનું સહેલું અને વધુ અસરકારક છે. 
મીટિંગમાં જો તમારે કોઈ પ્રેઝન્ટેશન કરવાનું હોય કે વિચાર રજૂ કરવાના હોય તો પહેલાં એ માટેની નેટપ્રૅક્ટિસ કરી લો. વિચારોની સ્પષ્ટતા માટે લખવાનું રાખો. લખવાથી વિચાર સ્પષ્ટ થશે અને લખેલું વાંચવાથી શબ્દો પરની પકડ પર તમે વધુ કામ કરી શકશો. તમારા જ લખેલા વિચારને મોટેથી વાંચશો તો એ વખતે થોથવાટ ઘટશે અને આત્મવિશ્વાસ વધશે. 
બીજું, બને ત્યાં સુધી તમારે રજૂઆત શૉર્ટ અને સ્વીટ રાખવી. વધુ લાંબુ એક્સપ્લેનેશન આપવાને બદલે ટુ ધ પૉઇન્ટ અને શાર્પ થૉટ્સ સાથેના મુદ્દાઓ તમે તૈયાર રાખ્યા હશે તો તમારી વાત ઓછા સમયમાં તમે બીજાની સામે મૂકી શકશો અને વિચારમાં દમ હશે તો લોકોએ જખ મારીને એને અપ્રિશિયેટ કરવી જ પડશે.

columnists sejal patel