...અને હું મળ્યો પહેલી વાર મધુ રાયને

29 November, 2021 09:22 AM IST  |  Mumbai | Sanjay Goradia

કેટલીક વ્યક્તિને મળવાની તક મળે એ પણ લહાવો ગણાય. નૌશિલ મહેતા સાથે નાટક કરવાનું નક્કી કર્યું અને મને લહાવો મળ્યો ગુજરાતી સાહિત્ય અને રંગભૂમિના લબ્ધપ્રતિષ્ઠ લેખક મધુ રાયને મળવાનો

ગુજરાતી સાહિત્ય અને રંગભૂમિના શિરમોર સમાન મધુ રાયને એક વાર મળવું એ પણ જીવનભરનો લહાવો છે.

આપણે વાત કરતા હતા રસિક દવે અને કેતકી દવે અભિનીત અમારા નાટક ‘પરણીને પસ્તાયા’ની. ૨૦૦પ અને ૨પ જાન્યુઆરીએ અમે આ નાટક ઓપન કર્યું અને એ પછી મારી લાઇફમાં આવ્યા નૌશિલ મહેતા. નૌશિલભાઈ સાથે મારી ઓળખાણ જૂની, જેની આપણે વાત કરતા હતા અને એ ચાલુ વાતે જ આપણે એક વીકનો બ્રેક લીધો.
વાત ચાલુ હતી નૌશિલભાઈની એક વિશિષ્ટ કલાની. નૌશિલભાઈ બહુ સારા પેઇન્ટર પણ છે. પેઇન્ટિંગની ખૂબ સારી હથોટી તેમનામાં અને હાથ પણ તેમનો પૂરી ફાવટવાળો. વિશ્વવિખ્યાત પેઇન્ટર એવા ભૂપેન ખખ્ખર અને તૈયબજી બાદશાહ સાથે તેમની ઘનિષ્ઠ મિત્રતા અને એ સિવાય પણ પેઇન્ટર વર્તુળમાં તેમની ખૂબ સારી ઓળખાણ. નાટકો તેમના માટે પાર્ટટાઇમ શોખ જેવું હતું. તેમનું મેઇન કામ કમ્પ્યુટર ગ્રાફિક્સનું. કમ્પ્યુટર પર તે અલગ-અલગ પ્રોડક્ટ્સની ડિઝાઇન બનાવે. ઍપલનાં કમ્પ્યુટર્સ તો છેલ્લાં દસ-પંદર વર્ષમાં પૉપ્યુલર થયાં અને આપણે ત્યાં સરળતાથી મળતાં થયાં, પણ નૌશિલભાઈ તો બે-અઢી દશકા પહેલાં પણ ઍપલનું કમ્પ્યુટર જ વાપરતાં. મારાં નાટકોની અમેરિકા-ટૂરનાં પોસ્ટરો બનાવવાનું અને એના ડિઝાઇનિંગનું કામ નૌશિલભાઈ જ કરતા. ‘મા રિટાયર હોતી હૈ’, ‘ડૉક્ટર મુક્તા’, ‘ચુપકે ચુપકે’, ‘પતિ નામે પતંગિયું’ અને બીજાં અનેક નાટકોનાં પોસ્ટરો તેમને ત્યાં જ તૈયાર થયાં છે. ટૂંકમાં, નૌશિલભાઈને ત્યાં મારી અવરજવર નિયમિત અને એને કારણે અમારા સંબંધો પણ ખૂબ સારા.
એક વખત અમે એમ જ વાત કરતા હતા એમાં નૌશિલભાઈએ મને કહ્યું કે સંજય, એક બહુ સરસ વાર્તા મારા મનમાં છે, જે હું ડિરેક્ટ કરવા માગું છું અને મારી ઇચ્છા છે કે તું એ નાટક પ્રોડ્યુસ કરે. બંદા તૈયાર અને ત્યારે જ નહીં, આજે પણ હું તૈયાર જ હોઉં. મેં ક્યારેય એવું રાખ્યું નથી કે હું આની સાથે જ કામ કરું કે પેલાની સાથે જ કામ કરું. જે સારું લઈને આવે તેના માટે મારા દરવાજા ખુલ્લા જ હોય અને એવી જ નીતિ હોવી જોઈએ. ક્યારે કોણ ‘શોલે’ કે ‘દિલવાલે દુલ્હનિયા લે જાએંગે’ લઈને આવે એની ખબર કોઈને હોતી નથી માટે ક્યારેય કોઈની પણ વાત જાણ્યા કે સાંભળ્યા વિના સીધી ના પાડવી નહીં. 
‘વાર્તા શું છે?’
મેં નૌશિલભાઈને કહ્યું અને બાંયધરી પણ આપી કે જો મને વાર્તા ગમશે તો હું એ સો ટકા પ્રોડ્યુસ કરીશ. નૌશિલભાઈએ મને વાર્તા સંભળાવવાને બદલે હૉલીવુડની કલાસિક કલ્ટ એવી ફિલ્મ ‘અ ફિશ કૉલ્ડ વાંડા’ જોવાનું કહ્યું. કૉમેડી-ક્રાઇમ ફિલ્મ છે આ. ૧૯૮૮માં રિલીઝ થયેલી આ ફિલ્મ મેં જોઈ અને મને ખૂબ ગમી. મેં ફિલ્મ જોઈને નૌશિલભાઈને તરત જ ફોન કરી દીધો કે હું નાટક પ્રોડ્યુસ કરવા રેડી છું.
નાટકની વાત પર આવતાં પહેલાં હું તમને કહીશ કે મિત્રો, જો તમે ‘ધ ફિશ કૉલ્ડ વાંડા’ ન જોઈ હોય તો એ જોજો. જલસો પડી જશે. યુટ્યુબ પર ફિલ્મ છે અને ઍમેઝૉન પ્રાઇમ પર પણ ફિલ્મ છે. ફિલ્મની વાર્તા ચાર ચોર પર આધારિત છે. ત્રણ છોકરા અને એક છોકરી એમ ચાર જણ ડાયમન્ડની ચોરી કરે છે અને એ ચોરીમાં બધા એકબીજાને છેતરવાનું શરૂ કરે છે. વાન્ડા છોકરીનું પણ નામ છે અને એક ચોરના ઘરમાં ઍક્વેરિયમમાં રહેલી એકલૌતી ફિશનું પણ નામ છે. માત્ર નામ કૉમન છે એવું નથી. ફિશ ફિલ્મમાં કેવી રીતે એક કૅરૅક્ટર બને છે એ જોવા જેવું છે. જોજો તમે ફિલ્મ, ખરેખર તમને મજા આવશે. હું દાવા સાથે કહી શકું કે એ ફિલ્મ જોયા પછી કોઈ પણ પ્રોડ્યુસર એ કરવાની ના ન પાડી શકે.
મારું પણ એવું જ થયું અને મેં નૌશિલભાઈને હા પાડી દીધો તો મારી સાથે નાટકો કરતો મારો ડિરેક્ટર વિપુલ મહેતા મારા આ હકારાથી નારાજ થઈ ગયો કે તમે મને છોડીને બીજા સાથે નાટક કરો છો. મારે તેને સમજાવવો પડ્યો કે આપણા નાટકને હજી રિહર્સલ્સમાં જવાને વાર છે તો વચ્ચેના સમયમાં આ નાટક કરી લઈએ. 
કમને વિપુલ તૈયાર થયો અને અમે કાસ્ટિંગ પર કામે લાગ્યા. કાસ્ટિંગની વાત આગળ વધારતાં પહેલાં હું તમને એક વાત કહી દઉં. નૌશિલ મહેતાનું નામ ગુજરાતી થિયેટરમાં ખૂબ જ રિસ્પેક્ટફુલ છે. એ સમયે પણ એવું જ કે નૌશિલભાઈ સાથે હોય તો પ્રોજેક્ટની ગંભીરતા જુદી જ થઈ જાય. કાસ્ટિંગ નક્કી કરવાની પ્રોસેસ ચાલતી હતી એ દરમ્યાન જ નૌશિલભાઈએ મને કહ્યું કે મધુભાઈ ઇન્ડિયા આવે છે, આપણે તેમની પાસે નાટક લખાવીએ. મારી તો આંખો ચાર થઈ ગઈ. જો મધુભાઈ આવી જાય તો-તો સોનામાં સુગંધ ભળી જાય. 
હું અને નૌશિલભાઈ મધુભાઈને મળ્યા. મધુભાઈને મળ્યા પછી શું થયું એની વાત કરતાં પહેલાં તમને સહેજ મધુભાઈની ઓળખ કરાવી દઉં. 
મધુભાઈ એટલે મધુ રાય. હું નથી માનતો કે મધુ રાય વાંચ્યા પછી હવે કોઈને તેમની ઓળખાણની જરૂર હોય અને એમ છતાં આજની નવી જનરેશનને ધ્યાનમાં રાખીને મધુભાઈ વિશે સહેજ વાત કરી દઉં. 
મધુ રાય એટલે નાટક ‘સંતુ રંગીલી’ના લેખક. એ ‘સંતુ રંગીલી’ જે નાટકે સરિતા જોષીને ‘ધ સરિતા જોષી’ તરીકે પ્રસ્થાપિત કરવાનું કામ કર્યું. ‘સંતુ રંગીલી’ સિવાય પણ મધુભાઈએ અનેક અદ્ભુત નાટકો લખ્યાં. ‘કુમારની અગાસી’માં દિયર-ભાભીના સંબંધોનો વાત હતી. બહુ સરસ નાટક અને ખૂબ જ ચર્ચાસ્પદ નાટક. આ ઉપરાંત ‘કોઈ પણ એક ફૂલનું નામ બોલો તો’, ‘શરત’, ‘ખેલંદો’, ‘ચાનસ’ ખૂબ જ સરસ નાટકો. તેમણે એક બહુ સરસ નવલકથા લખી હતી, ‘કિમ્બલ રેવન્સવુડ’. કિમ્બલ રેવન્સવુડ અમેરિકાના એક સબર્બનું નામ છે. નવલકથાનો હીરો એ વિસ્તારમાં રહે છે એવી સ્ટોરી છે. હીરોનાં હવે મૅરેજ થવાનાં છે અને મૅરેજ માટે ઇન્ડિયા આવેલો હીરો અહીં અલગ-અલગ રાશિઓની છોકરી જુએ છે.
‘કિમ્બલ રેવન્સવૂડ’ એટલી રસપ્રદ રીતે લખાઈ છે કે આજે પણ તમે એ વાંચો તો તમારા ચહેરા પર સતત સ્માઇલ રહે. આ નવલકથા પરથી ડિરેક્ટર-પ્રોડ્યુસર કેતન મહેતાએ ‘મિસ્ટર યોગી’ નામની સિરિયલ દૂરદર્શન માટે બનાવી જે ખૂબ પૉપ્યુલર થઈ હતી. ૧૯૮૯માં ટીવી-સિરિયલ બની તો ૨૦૦૯માં આ જ નવલકથા પરથી આશુતોષ ગોવારિકરે ‘વૉટ્સ યૉર રાશિ?’ ફિલ્મ બનાવી, જેમાં હર્મન બાવેજા અને પ્રિયંકા ચોપડા હતાં. આ ફિલ્મમાં પ્રિયંકાએ બાર રાશિના રોલ કર્યા હતાં. તમારી જાણ ખાતર નવલકથા પરથી ફિલ્મ લખવાનું કામ આશુતોષ ગોવારીકર સાથે નૌશિલ મહેતાએ જ કર્યું હતું.
હવે આવી જઈએ આપણે આપણી વાત પર.
‘અ ફિશ કૉલ્ડ વાંડા’ પરથી નાટક લખવા જો મધુ રાય જેવા દિગ્ગજ તૈયાર થતા હોય તો બીજું શું જોઈએ? મેં હા પાડી અને અમારી મીટિંગ થઈ. પહેલી મીટિંગમાં જ અમને જલસો પડી ગયો. મારું મધુભાઈ સાથે ટ્યુનિંગ સૉલિડ જામી ગયું. કહો કે દોસ્તી જ થઈ ગઈ. એ મીટિંગ પછી તો મધુભાઈ મારાં નાટકો જોવા પણ આવ્યા. પણ ખેર, એ બધી વાતો પછી ક્યારેક. અત્યારે વાત નવા નાટકની કરીએ.
‘અ ફિશ કૉલ્ડ વાંડા’ પરથી નાટક લખવા માટે મધુભાઈને મેં પચ્ચીસ હજારનો પેન-મનીનો ચેક આપી પણ આપી દીધો. મારી લાઇફના અમુક દિવસો મને જિંદગીભર યાદ રહેવાના છે. એ દિવસો પૈકીનો આ એક દિવસ. મને એમ કે હવે અમે એવી એક પ્રોડક્ટ લાવીશું જે ગુજરાતી રંગભૂમિ પર લૅન્ડમાર્ક પુરવાર થશે. જોકે મારી આ ધારણા, મારો આ આશાવાદ જરા વધારે પડતો હતો. એમ સંઘ કાશીએ નહોતો પહોંચાવાનો. સંકટ રસ્તામાં પોતાની જગ્યા બનાવીને પલાંઠી મારી બેસી ગયું હતું, પણ એ વાત આપણે કરીશું આવતા સોમવારે. મળીએ ત્યારે...


મધુ રાયની ‘કિમ્બલ રેવન્સવુડ’ એટલી રસપ્રદ છે કે તમે એ વાંચો તો તમારા ચહેરા પર સતત સ્માઇલ રહે. આ નવલકથા પરથી ડિરેક્ટર-પ્રોડ્યુસર કેતન મહેતાએ ‘મિસ્ટર યોગી’ નામની સિરિયલ દૂરદર્શન માટે બનાવી તો ૨૦૦૯માં આ જ નવલકથા પરથી આશુતોષ ગોવારીકરે ‘વૉટ્સ યૉર રાશિ?’ ફિલ્મ બનાવી.

columnists Sanjay Goradia