હું યોગનું વિજ્ઞાન છું

17 April, 2022 03:10 PM IST  |  Mumbai | Hiten Anandpara

સંસ્કૃતિ અને સંસ્કારના સિંચન માટે શાળા સૌથી વધારે અસરકારક માધ્યમ બની શકે

પ્રતીકાત્મક તસવીર

ભગવદ્ગીતાનો સમાવેશ પાઠ્યપુસ્તકમાં કરવાની જાહેરાત ગુજરાત સરકારે કરી. ધોરણ ૬થી ૧૨ના અભ્યાસક્રમમાં વિદ્યાર્થીઓને ગીતાના પાઠ ભણાવાશે. સરેઆમ શંખ ફૂંકીને આ જાહેરાત વધાવવા જેવી છે. સંસ્કૃતિ અને સંસ્કારના સિંચન માટે શાળા સૌથી વધારે અસરકારક માધ્યમ બની શકે. આજે ખાસ આ કટાર માટે લખાયેલા શેરોથી અધ્યાયનો આરંભ કરીએ. ભારતી વોરા સ્વરા કહે છે એ સ્વાભિમાન અથવા તો ઉદાસીનતા વિશે વાકેફ થવું જરૂરી છે...
જે દુનિયાઆખી જાણે, આપણાથી તો અજાણી છે
ગીતાજીની એ વાણી, વિશ્વઆખાએ વખાણી છે
ન આત્મા તો હણાતો ક્યાંય, જીવે છે ચિરંજીવી
કરે નહીં મૃત્યુનો સંતાપ, જેણે ગીતા જાણી છે
ડિપ્રેશનમાંથી બહાર આવવા ગીતા ઉપયોગી નીવડી છે. માત્ર શ્લોક વાંચી જવાથી કંઈ ન વળે. એનો અર્થ ઊપસે તો અસર દેખાય. ભલભલા વિદ્વાનો પાંચ-પાંચ દાયકાના અભ્યાસ પછી પણ કહેતા હોય છે કે હજી તેમને ગીતા પૂરી સમજાઈ નથી. આ દિવ્ય ગ્રંથમાં અનેક ઢંકાયેલાં મોતી છે જે નરી આંખે દેખાતાં નથી. એને પામવા ભીતરને જાગ્રત કરવું પડે. ફાલ્ગુની ભટ્ટ એની અનુમોદના કરે છે...
મોહપાશે બાંધતો જે આ નવો આકાર છે
ગૂંચ સંબંધોની એવી છે કે મન લાચાર છે     
ઊઠ ઊભો થા કે તારો સારથિ કિરતાર છે
એક એના તેજથી ઝળહળ બધો વિસ્તાર છે 
ગીતાનું તેજ પાંચ હજાર વર્ષ પછી પણ પ્રકાશમાન છે. મહાભારતનાં કુલ ૧૮ પર્વમાંથી છઠ્ઠું પર્વ ભીષ્મપર્વ કહેવાય છે. ભીષ્મપર્વના અધ્યાય ક્રમાંક ૨૫થી ૪૨ના કુલ ૧૮ અધ્યાય એટલે ભગવદ્ગીતા. આ અધ્યાયોમાં ૧૮ યોગ તો શીર્ષકસ્થ છે જ. એ ઉપરાંત અભ્યાસયોગ, ધ્યાનયોગ, બ્રહ્મયોગ જેવા કુલ ૩૦ યોગ ગીતામાં વણાયેલા છે. પહેલા ૬ અધ્યાયમાં કર્મ, બીજા ૬ અધ્યાયમાં ભક્તિ અને છેલ્લા ૬ અધ્યાયમાં જ્ઞાનનો વિશેષ મહિમા થયો છે. જેને વિશેષ જ્ઞાન આપવા ગીતા સર્જાઈ એ અર્જુનની વિમાસણ દીપક ઝાલા અદ્વૈત નિરૂપે છે...
ક્યાંય દેખાતાં નથી સાચાં અને સૌહાર્દનાં
આંગળીથી નખ જુદા એવાં સગાં સૌ સ્વાર્થનાં
આંખ સામે જોઈ પિતામહ, ગુરુ ને બાંધવો
આંસુઓ ને શ્વાસ પણ થીજી ગયાં’તાં પાર્થનાં
અર્જુનનો સંશય ગીતાસાર તરફ દોરી ગયો. ગીતા ચાર વ્યક્તિ વચ્ચેનો સંવાદ છે. દૃષ્ટિહીન ધૃતરાષ્ટ્ર, દિવ્યદૃષ્ટિથી દૂરનું દેખી શકનાર સંજય, સ્વજન અને સત્યની વચ્ચે અટવાતો અર્જુન અને યોગેશ્વર કૃષ્ણ. સંજય ધૃતરાષ્ટ્રના સારથિ હતા, જ્યારે કૃષ્ણ અર્જુનના સારથિ હતા. ધર્મસંસ્થાપના માટે કૃષ્ણને ભાગે કડવું સત્ય કહેવાની ફરજ આવી હતી. પ્રતીક ડી. પટેલ એવા એક સંકેત તરફ નિર્દેશ કરે છે...
સમય કોઈ માટે ઊભો ક્યાં રહે છે?
સમય સાથ તું પણ ભળીને વહે છે
ફસાયેલું પૈડું છે, અવસર સરસ છે
હણો કર્ણને પાર્થ: માધવ કહે છે
રાઘવ તરીકે ભગવાને મર્યાદા દર્શાવી અને માધવ તરીકે વ્યવહારુતા. રામ શું કરશે એ વિશે તમે અટકળ બાંધી શકો. કૃષ્ણ શું કરશે એ વિશે તમને અસમંજસ થયા કરે. અર્જુનને ઉપદેશ આપી ભગવાને આખા વિશ્વને એક માર્ગ ચીંધ્યો. મેધાવિની રાવલ અર્જુનના માનસિક દ્વંદ્વને વાચા આપે છે...
હાથમાં ગાંડીવ લઉં ને ભાર લાગે છે મને
ત્યાગવામાં સાર્થ ગીતાસાર લાગે છે મને
ને વિજયની કામના વાંછું કહો, શું કામ હું?
સગપણો ગુમાવવામાં હાર લાગે છે મને
ક્યા બાત હૈ
ગઝલમાં ગીતાસાર  
સંશયાત્મા ચિત્તના સંશયનું ઉદ્ગમસ્થાન છું
સ્થિતપ્રજ્ઞોની સ્થિતિનું હું મહાપ્રસ્થાન છું

વ્યોમ, ગ્રહ, નક્ષત્ર, તારક દિવ્ય અંશુમાન છું 
હું જ બ્રહ્માંડીય ઊર્જાનું ભીનું અવધાન છું

હું અરવની શૂન્યતા, આહત-અનાહત નાદ પણ
દિવ્યસત્તા શ્લોકની, ઋષિઓનું શ્રુતિગાન છું

હું સમષ્ટિનાં સકળ તત્ત્વો તણો આધાર હા
વ્યાપ્ત છું કણ-કણ મહીં ને તોય અંતર્ધ્યાન છું

પ્રાણમાં ને પ્રકૃતિમાં પાપમાં ને પુણ્યમાં
રજ, તમસ ને સત્ત્વનું રસમય મહાનુષ્ઠાન છું 

પ્રેયનો હું છું પથિક ને શંખ છું હું શ્રેયનો
સવ્યસાચી, હે! સમર વેળાનું હું વીરગાન છું

હું જ હર ને હું હરિ, બ્રહ્મા વળી અપરાપરા
વૈખરી હું, વાગીષા, પ્રથમા ને હું શ્રીમાન છું

જ્ઞાનનિષ્ઠા, ધર્મનિષ્ઠા, પ્રેમનિષ્ઠા પાર્થ હે!
કર્મનિષ્ઠા હું જ છું, હું યોગનું વિજ્ઞાન છું

વિશ્વપટલે હું રચું છું મોહ-માયાજાળ ને
અંતિમે હું તો અનાસક્તિનું જયજયગાન છું

કાળ છું હું, જન્મ-મૃત્યુની વિજન ઘટમાળમાં
હું જ યાત્રા, હું જ યાત્રી, હું જ યાત્રાસ્થાન છું

બ્રહ્મ છું! સાંભળ, બધા સંશય મૂકી, લઈ લે શરણ 
ને વળી કહું છું, યથેચ્છા કરજે - ગીતાજ્ઞાન છું

હિમાદ્રિ આચાર્ય દવે

columnists hiten anandpara