મારે જૉબ ચેન્જ કરવી કે નહીં એ નક્કી નથી થતું

23 September, 2022 12:54 PM IST  |  Mumbai | Sejal Patel

નવા વિચાર કે નવા કામ માટે જેટલી વિલિંગનેસ હોય એટલી વધુ પ્રગતિ થવાના ચાન્સિસ

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક)

મારી ઉંમર ૩૧ વર્ષ છે. પ્રોફેશનલ કરીઅર શરૂ કરી ત્યારથી એક જ કંપનીમાં કામ કરું છું અને પ્રમોશન મેળવીને અત્યારે જનરલ મૅનેજરની પોસ્ટ પર છું. મને એવું લાગે છે કે મારે અનુભવ માટે હવે ચેન્જ લેવો જોઈએ, પણ નવા વાતાવરણમાં સેટ થવાનો વિચાર મને બહુ ફેસિનેટ નથી કરી રહ્યો. દિમાગ કહે છે કે એક્સપિરિયન્સ માટે વરાયટી જરૂરી છે જ્યારે દિલ કહે છે કે જ્યાં છું ત્યાં બરાબર છું. મારા દોસ્ત સાથે વાત કરતો હતો ત્યારે તેણે મને કહ્યું કે કદાચ હું એક જ જગ્યાએ સ્ટેગ્નન્ટ થઈ ગયો હોવાથી મારામાં હવે નવું એક્સપ્લોર કરવાની ધગશ નથી રહી. બીજી તરફ મને એવું લાગે છે કે હું કમ્ફર્ટ ઝોનમાં આવી ગયો છું જેને કારણે નવું કરવાની ઇચ્છા નથી. એક જ કંપનીમાં લાંબો સમય કામ કરવાથી પ્રોગ્રેસ જોઈએ એવો નથી થતો એ વાત સાથે તો હું પણ સહમત થાઉં છું. આ બધી ગડમથલને કારણે મારું મન કામમાં નથી લાગતું, એવું લાગે છે કે હું એક ઘરેડને પકડી રાખીને ખોટું કરી રહ્યો છું.

પરિવર્તનનો સ્વીકાર કરવાની આપણી તૈયારી કેટલી છે એના પરથી નક્કી થાય કે આપણે મેન્ટલી કેટલા ફ્રી છીએ. નાના બાળકને કંઈક નવું કરવાનું કહો તો તેનામાં કેટલો ઉત્સાહ આવી જાય છે? આ જ ઉત્સાહ તેને નવી સ્કિલ્સ શીખવા અને આઉટ ઑફ બૉક્સ થિન્કિંગ કરવા પ્રેરે છે. કરીઅરમાં પણ એવું જ છે. નવા વિચાર કે નવા કામ માટે જેટલી વિલિંગનેસ હોય એટલી વધુ પ્રગતિ થવાના ચાન્સિસ. અને હંમેશાં પ્રગતિ એટલે પૈસા, પ્રમોશન કે પદ જ હોય એ જરૂરી નથી. ઘણી વાર અનુભવ પણ બહુ મહત્ત્વની અસેટ હોય છે. 

સામાન્ય રીતે મિડલ-એજમાં હોય એવા પ્રોફેશનલ્સ તમારા જેવી અવઢવમાં હોય છે. જૂનું ચાલુ રાખવું કે નવો પ્રયોગ કરવો? આ બેમાંથી એક જ ચીજ સારી કે સાચી છે એવું કોઈ છાતી ઠોકીને નહીં કહી શકે. બન્નેના પોતાના ફાયદા અને ગેરફાયદા છે. એક જ કંપનીમાં એકનું એક કામ કરતા રહેવાને બદલે જો એમાં પણ ડાયવર્સિફિકેશન કરીને અનુભવ બહોળો કરવામાં આવે તો એ તમને સમૃદ્ધ કરી જ શકે છે. જોકે તમને અત્યારે નવા વાતાવરણમાં જવા માટે જે રેઝિસ્ટન્સ અનુભવાય છે એનું કારણ સમજવું જરૂરી છે. એ કારણો પરથી આવરણ હટશે તો ઘણી ચીજો સ્પષ્ટ થશે. 

columnists sejal patel