તિરંગા પુલાવમાં સફેદ રાઇસમાં લીંબુનાં ફૂલ નાખવાથી તેનો સ્વાદ બદલાઇ જાય

29 July, 2020 03:33 PM IST  |  Mumbai | Rashmin Shah

તિરંગા પુલાવમાં સફેદ રાઇસમાં લીંબુનાં ફૂલ નાખવાથી તેનો સ્વાદ બદલાઇ જાય

મયુર ચૌહાણ ફૂડી છે અને ચાના શોખીન છે

છેલ્લો દિવસમાં નાનોઅમસ્તો રોલ કરીને એ પછી બીજી જ ફિલ્મ કરસનદાસ પે ઍન્ડ યુઝમાં લીડ રોલમાં આવી ગયેલા મયૂર ચૌહાણને તેના નજીકના ફ્રેન્ડ્સ માઇકલના હુલામણા નામે ઓળખે છે. ડ્રામાથી કરીઅરની શરૂઆત કરનાર મયૂરની મોસ્ટ અવેઇટેડ અને ગુજરાતી ફિલ્મ-ઇન્ડસ્ટ્રીની સિકલ બદલી નાખે એવી કરોડો રૂપિયાના બજેટમાં તૈયાર થયેલી ફિલ્મ મચ્છુ રિલીઝ થવાની તૈયારીમાં છે એવા સમયે મયૂર ચૌહાણ મિડ-ડેના રશ્મિન શાહ સાથે પોતાના ટેસ્ટ અને કુકિંગ એક્સ્પીરિયન્સ વિશે વાત કરે છે...

હું ફૂડી, પણ જો બીજા સાથે હોય તો કે પછી બીજા માટે પ્રોગ્રામ બનાવવાનો હોય તો. બાકી જો મારે એકલા માટે પ્લાનિંગ કરવાનું હોય તો હું મૉડરેટ પ્લાનિંગ કરું અને એ પ્લાનિંગમાં ગુજરાતી કે કાઠિયાવાડી ફૂડ સિવાય બીજું કંઈ ન હોય. આમ તો આ મારું રૂટીન ગણાય, છતાં હું એને મારા ફેવરિટ ફૂડમાં ગણું છું; રોટલી-રોટલા, રીંગણાનો ઓળો, દહીં તીખારી, વઘારેલી ખીચડી, દાળભાત અને શાક. મેં કહ્યું એમ, કોઈ મારી સાથે જમવામાં ન હોય તો મારું આ ફૂડ નિશ્ચિત હોય. નૅચરલી મારી સાથે કંપની હોય તો હું એને પ્રાધાન્ય આપું, બાકી આપણું આ નક્કી અને એ પણ બપોરે અને રાતે એમ બે ટાઇમ આ જ મેન્યૂ રહે. વચ્ચેના સમયે કંઈ પણ લઉં, લંચ-ડિનરમાં મને બીજું કશું ન ચાલે.
સામાન્ય રીતે અત્યારે એવું હોય છે કે હું વર્ષમાં ૬થી૮ મહિના શૂટિંગમાં બિઝી હોઉં કે નાટકમાં હોઉં એટલે આ સમયમાં હું જ્યાં પણ હોઉં ત્યાંનું ફૂડ ટ્રાય કરી લઉં. દિલ્હીમાં રાજમા-ચાવલ અને ‘માં કી દાલ’ ક્યાંની બેસ્ટ એ પણ મને ખબર છે અને અમ્રિતસરમાં લસ્સી ક્યાંની પીવી જોઈએ એ પણ હું કહી શકું. મુંબઈમાં જયહિન્દનું જ મિસળ ખાવું જોઈએ એની પણ મને ખબર અને જો સૅન્ડવિચ ખાવી હોય તો ભાઈદાસની સામેની. ખાવાને બદલે પીવાનું મન થયું હોય અને જો બોરીવલીમાં હોઉં તો પ્રબોધન ઑડિટોરિયમ પાસે એક જૂસ સેન્ટર છે, મને અત્યારે નામ નથી યાદ, પણ અદ્ભુત જૂસ મળે છે ત્યાં. સુરતની ઘારી અને લોચો ઉપરાંત અંબિકા મંદિર પાસે ખીચું પણ બેસ્ટ મળે છે. વડોદરાનો લીલો ચેવડો અને ભાખરવડી તો ખરાં જ, પણ મહારાષ્ટ્ર પછી જો બેસ્ટ ઉસળ ખાવું હોય તો એમાં વડોદરાનો નંબર આવે એની જૂજ લોકોને ખબર હશે. જામનગરના પાઉં-કટકા અને ઘૂઘરા વખણાય છે, પણ ઓછા લોકોને ખબર હશે કે ધોરાજી કરતાં પણ બેસ્ટ ભૂંગળા-બટાટા જામનગરમાં મળે છે. આ બધું મેં મારી પ્રમોશનલ ટૂર દરમ્યાન કે પછી શૂટિંગમાં ટ્રાય કર્યું છે.
ઘણા ઍક્ટર એવું કહે કે મને બધું ભાવે અને બધું ચાલે, પણ સાચું કહું, ૯૦ ટકા ઍક્ટરોને એવું જ હોય છે. મારું પણ એવું જ છે, મને બધું ચાલે. હું ફાવશે, ચાલશે અને ભાવશે કાઇન્ડ ઑફ અ પર્સન છું. બધું ટ્રાય કરું અને બધું ટેસ્ટ કરું પણ એકલો નહીં. મે બી આ મારી સ્વભાવગત ખાસિયત છે. જો હું એકલો પડું તો એકદમ લિમિટેડ એડિશન પર આવી જાઉં અને તમને કહ્યું એમ દાળ-ભાત, શાક-રોટલી કે પછી ટ્રેડિશનલ કાઠિયાવાડી ફૂડ પર આવી જાઉં. મારા એકલા માટે પ્લાનિંગ કરવાની વાત આવે તો મને કંટાળો આવી જાય એટલે કાં હું જાતે બનાવી લઉં કાં તો ઑનલાઇન ઑર્ડર કરી દઉં. ખાવાનું મને ક્રૅવિંગ ક્યારેય આવે નહીં કે આ ખાવાનું બહુ મન થયું છે કે પછી ફલાણું ખાવાનું મને બહુ મન થયું છે. હા, નાનો હતો ત્યારે મને એવી ઇચ્છા થતી અને એ ઇચ્છામાં મને દહીંવડાં એક જ યાદ આવે છે જે ખાવાનું મને બહુ મન થતું. સ્કૂલ સમયની આ વાત છે.
અમદાવાદમાં અમારી સ્કૂલ નજીક એક કાકા આવતા. તેમનાં દહીંવડાં મારા અતિશય ફેવરિટ. મને આજે પણ એ ટેસ્ટ ભુલાયો નથી અને સાચું કહું તો એટલાં ટેસ્ટી દહીંવડાં આજ સુધી મેં બીજે ક્યાંય ટેસ્ટ નથી કર્યાં. એકદમ ટેસ્ટી અને ઠંડાં દહીંવડાં એ કાકા આપે. દહીંવડાં પર તેઓ ટૂટીફ્રૂટી નાખતા, જેને લીધે એકદમ વાઇટ એવા દહીંમાં મસ્ત ડિઝાઇન બનતી. ટૂટીફ્રૂટીમાંથી સહેજ છૂટો પડેલો કલર દહીંમાં ભળે એટલે રેડ ટૂટીફ્રૂટીની આજુબાજુ પિન્ક કલર પ્રસરે, એ જોઈને જ મારું મન લલચાતું. કાંકરિયા પાસે મણિનગરમાં એ કાકા ઊભા રહેતા. સાચું કહું તો સ્કૂલ જવાનું એક બહાનું આ દહીંવડાં પણ હતાં.
હું કુકિંગ કરું છું, પણ એ કામચલાઉ છે. મારી એમાં કોઈ માસ્ટરી નથી. જરૂરિયાત મુજબનું ફૂડ હું કુક કરી લઉં. લૉકડાઉનમાં મુંબઈમાં ફૂડ-પાર્સલની પરમિશન હતી, પણ ગુજરાતમાં મનાઈ હતી એટલે તમારે તમારી જાતે જ બનાવવાનું હોય. ફૂડ બનાવવામાં મેં મારી બહેન મમતા અને યુટ્યુબની મદદથી ઘણી વાનગીઓ બનાવી છે, પણ એ બધી મારા ટેસ્ટ મુજબની અને મારી જરૂરિયાત મુજબની. આ બધામાં બેચાર શાક હતાં, રોટલી અને ભાખરી પણ બનાવ્યાં, તો મૅગી અને નૂડલ્સ પણ બનાવ્યાં.
કુકિંગ મને ક્યારેય અઘરું નથી લાગ્યું. હું માનું છું કે કુકિંગ એ પ્રૅક્ટિસ અને કૉન્સન્ટ્રેશનની આખી પ્રોસેસ છે. તમારું મન ચાર જગ્યાએ ફરતું હોય તો ન ચાલે અને જો તમને પ્રૅક્ટિસ ન હોય તો ન ચાલે. કૉન્સન્ટ્રેશન અને પ્રૅક્ટિસ પછી જો કોઈની જરૂર હોય તો એ છે ઇન્ગ્રેડિયન્ટ્સ. આ ત્રણનું કૉમ્બિનેશન હોય એટલે ચોક્કસ સારી રસોઈ બને જ બને. મારી જ વાત કહું તમને, મેં તો સાવ સિલી કહેવાય એવી મિસ્ટેક કરી હતી. હું વાત કરતાં-કરતાં રોટલી બનાવતો હતો. મારી વાત બહેન સાથે ચાલતી હતી, બહુ ટ્રાય કરું, પણ લોટ બરાબર બને જ નહીં. પાણી અને લોટ લેતો જ જાઉં, પણ લોટ બરાબર બંધાય નહીં. ૨૦ મિનિટ પછી છેક ખબર પડી હતી કે મેં બાજરાનો લોટ લઈ લીધો હતો. એક વખત ખાલી કુકર મેં બંધ કરી દીધું અને ગૅસ ચાલુ કરી દીધો. જોકે થોડી વારમાં ખબર પડી ગઈ એટલે ગૅસ બંધ કરી દીધો હતો. મેં બ્લન્ડર માર્યાં છે એ મારા કૉન્સન્ટ્રેશનના અભાવને કારણે. મન ક્યાંક બીજે ફરતું હોય એટલે આવી ભૂલ થઈ જાય, પણ હા, પુલાવ અને ચા બનાવવામાં મારી ભૂલ ન જ થાય. હું તિરંગો પુલાવ બહુ સરસ બનાવું છું, આવું બીજા લોકોનું કહેવું છે.
પુલાવ ખાવામાં હેલ્ધી છે. પુલાવ સાથે તમે કંઈ પણ ખાઈ શકો. દહીં સાથે પણ એ ખવાય અને કઢી કે પછી સૂપ સાથે પણ એ ભાવે. કંઈ ન હોય તો એ એમ પણ ખાઈ શકાય એટલે એમાં એ બનાવવામાં અને ખાવામાં ટાઇમ ઓછો બગડે. મારા જેવો એકલો જે રહેતો હોય તેને તો વાસણનો હિસાબ પણ કરવો પડે. પુલાવમાં વાસણ પણ ઓછાં બગડે. હવે તમને વાત કરું મારા હાથની ચાની. મારા હાથની ચા બીજાને પણ બહુ ભાવે પણ સાથોસાથ મને પણ ખૂબ ભાવે છે.
હું અનેક જાતની ચા બનાવું છું. લીલી ચા નાખીને પણ ચા બનાવું અને ફુદીનો-આદું વાટીને પણ ચામાં વાપરું. બહાર જે મળતા હોય એ મસાલો નાખીને પણ ચા બનાવું અને ઇલાયચી-તજની ચા પણ બનાવું. તજનો ઉપયોગ આપણે ત્યાં ઓછો થાય છે પણ દુબઈમાં જઈને તમે ચા પીઓ તો એમાં તજ હોય જ હોય. અલગ-અલગ ચા બનાવતાં આવડતી હોવાથી મને દિવસ દરમ્યાન વારંવાર ચા પીવાનું મન પણ થાય અને દરેક વખતે જુદા પ્રકારની ચા પીતા હોઈએ એવો અનુભવ પણ થાય. જો તમને ફુદીનો-આદુંવાળી ચા ભાવતી હોય અને તમારે વારંવાર બહારની ચા પીવી પડતી હોય તો તમને એક મસ્ત રસ્તો દેખાડું.
ફુદીનો-આદું વાટીને એ જે રસ તૈયાર થાય એને ડ્રૉપરવાળી બૉટલમાં ભરી લેવાનું અને એ ડ્રૉપર પૉકેટમાં કે પછી ઑફિસમાં સાથે રાખવાનું. જેટલી વાર ચા આવે એટલી વાર એ ડ્રૉપરથી ચામાં બે ડ્રૉપ્સ ઍડ કરી દેવાના અને ચાને સહેજ હલાવી નાખવાની. ચાનો ટેસ્ટ બદલાઈ જશે અને ચા હેલ્ધી પણ બની જશે.


આ પુલાવની ખાસિયત શું છે ખબર છે?

તિરંગા પુલાવમાં હું ઑરેન્જ, વાઇટ અને ગ્રીન રંગના ત્રણ રાઇસનું કૉમ્બિનેશન કરું છું. ઑરેન્જ અને ગ્રીન કરતાં પણ મને વધારે કહેવાનું મન થાય તો એ છે વાઇટ રાઇસ. હું એ ભાતને એમ જ સાદા ભાત રહેવા દેવાને બદલે એમાં લીંબુનાં ફૂલનો ઉપયોગ કરું. સામાન્ય રીતે રસોઈમાં લીંબુનાં ફૂલનો ઉપયોગ બહુ ઓછો થવો જોઈએ, પણ તિરંગા પુલાવમાં હું એ કરું છું અને એને લીધે ટેસ્ટ પણ બહુ મસ્ત થઈ જાય છે. મારા ઑરેન્જ રાઇસમાં હું કેસર વાપરું અને સાથે હળદરનો ઉપયોગ કરું, જેને લીધે કલર બરાબર આવે છે તો ગ્રીન રાઇસમાં હું વટાણા અને કોથમીરની પેસ્ટ વાપરું. આ બન્ને વચ્ચેના વાઇટ પુલાવનું મેં તમને કહ્યું એમ, એમાં લીંબુનાં ફૂલ અને ઇચ્છા થાય તો ફોલેલા સીંગદાણા, જે અંદરથી વાઇટ હોય.

હું અનેક જાતની ચા બનાવું છું. લીલી ચા નાખીને પણ ચા બનાવું અને ફુદીનો-આદું વાટીને પણ ચામાં વાપરું. ચાનો મસાલો નાખીને અને ઇલાયચી-તજની ચા પણ બનાવું. તજનો ઉપયોગ આપણે ત્યાં ઓછો થાય છે પણ દુબઈમાં જઈને તમે ચા પીઓ તો એમાં તજ હોય જ હોય. અલગ-અલગ ચા બનાવતાં આવડતી હોવાથી મને દિવસ દરમ્યાન વારંવાર ચા પીવાનું મન પણ થાય અને દરેક વખતે જુદા પ્રકારની ચા પીતા હોઈએ એવો અનુભવ પણ થાય.

Gujarati food Mayur Chauhan dhollywood news Rashmin Shah columnists