પૃથ્વી ઉપર મા’ણા માતા નથી ને આપણે બીજા ગ્રહો ઉપર લોકો ગોતવા નીકળી પડ્યા છીએ

04 December, 2022 08:45 PM IST  |  Mumbai | Sairam Dave

જરાક વિચારો તમે જો એ ગ્રહો સાથે રોટી-બેટી ને વાટકીનો વ્યવહાર ચાલુ થાય તો આપણા શું હાલ થાય?

પૃથ્વી ઉપર મા’ણા માતા નથી ને આપણે બીજા ગ્રહો ઉપર લોકો ગોતવા નીકળી પડ્યા છીએ

એક દી હિમાદાદા મને ક્યે કે સાંઈ આપણે સૂર્ય ઉપર જાવું છે. મેં તેમને રોક્યા ને કીધું કે સૂર્ય ઉપર આગ હોય, આપણે બળી જાય તો માળા બેટા મારી સામે જોઈને હસતાં-હસતાં મને ક્યે, ‘જરાક તો બુદ્ધિ વાપર સાંઈ, આપણે રાતે જાવાનું છે...’

આ મારા ગોંડલમાં પાત્રો તો ઘણાં છે પણ હિમાદાદા-શાંતિકાકીના પ્રસંગો જ એટલા બધા છે કે હજી સુધી શેરીની બહાર કૉમેડી શોધવા જાવું નથી પડતું. દાદા ઝાઝું ભણ્યા નથી, છતાં કોઈ પૂછે તો તરત જ પોતાની ડિગ્રી જણાવે કે હું MABF સુધી ભણેલો છું. એક દી  મેં દાદાને પૂછ્યું કે, આ ગામઆખાને MABF થ્યા છો એવું ક્યો છો પણ જરાક મને તો ક્યો આ કઈ યુનિવર્સિટીની ડિગ્રી છે? 
‘ડિંડક યુનિવર્સિટી...’ દાદાએ ગર્વથી કીધું, ‘એનું આખું નામ થાય મૅટ્રિક અપિયર બટ ફેલ. MABF...’
મને તો માળાં બેટાં એવાં ચક્કર આવ્યાં કે ગુરુની જગ્યાએ બુધ આવી ગ્યો ને બુધની જગ્યાએ શુક્ર ગોઠવાઈ ગ્યો, પણ મેં જાત ઉપર કાબૂ કર્યો, પણ મને શાંતિકાકીનું શિક્ષણસ્તર જાણવાની તીવ્ર ઇચ્છા મારાથી કાબૂ થઈ નહીં.
મેં કાકીને પૂછ્યું: ‘કાકી, તમે ક્યાં સુધી ભણેલાં છો?’ 
‘બપોર સુધી...!’ 
‘એટલે?’ 
‘મસ્તી કરે છે તારી કાકી સાંઈ...’ હિમાદાદા મારી મદદે આવ્યા, ‘૭ MMP સુધી તારી કાકી ભણી છે.’ 
મેં હિંમત કરીને પૂછ્યું.
‘આ ૭ MMP એટલે...’
‘સાત ધોરણ માંડ-માંડ પાસ...’
શાંતિકાકી ભલે સાત ધોરણ માંડ-માંડ પાસ કર્યાં હોય, પણ કાકીની કોઠાસૂઝ પાસે M.B.A, B.Ed. કરેલી બાયું પાછળ રહી જાય હોં! માણસ ઓળખવામાં અને વિકટ પરિસ્થિતિ ટાણે ઝડપી નિર્ણય લેવામાં આપણા અભણ વડવાઓ પાસે એજ્યુકેશન પાણી ભરે એટલું તો તમારે પણ સ્વીકારવું જ પડે.
આ અઘરું કપલ કોઈ દી એકેય વાતે એકબીજાને સહમત ન થાય. મને તો એવું લાગે છે કે હિમાદાદા ને શાંતિકાકી માત્ર એનાં લગ્નના આલબમમાં ફેરફાર ફરવા સહમત થ્યા, ઈ થ્યા... પછી કદાચ બન્ને એકેય વાતે સહમત નથી થયાં. એક દી હિમાદાદા તાડુક્યા કે તું દરેક વાતે મારો વિરોધ કરે છે. મારી એકેય વાતમાં તું સહમત નથી તો હું શું ગધેડો છું? 
ડેલીએથી જ કાકીએ જવાબ દીધો.
‘આ વાતમાં હું સહમત છું, બસ..!’ 
ઘરના નળથી માંડી નેલ્સન મંડેલા સુધીની ચિંતા અને ચર્ચા કરવાનો બન્નેને શોખ અને આ જ બન્નેની મુખ્ય પ્રવૃત્તિ. આપણા વડા પ્રધાને શું કરવું જોઈએ અને વિરોધ પક્ષે શું ન કરવું જોઈએ એની સાચી ખબર અમારાં હિમાદાદા અને શાંતિકાકીને જ છે. બન્નેની એક સૌથી સારી વાત, મતભેદો અઢળક, પણ મનભેદ નામે કંઈ નહીં.
એક વાર શાંતિકાકી બોલ્યાં, ‘સાંભળ્યું, તમે મગજ થોડોક ઠંડો રાખો ઍન્ગ્રી તો હવે બર્ડ પણ છે.’ દાદાએે તરત જ જવાબ આપ્યો. ‘તું પણ થોડીક સંસ્કારી થા, સુશીલ તો હવે શિંદે પણ છે.’
કાકી પણ ગાંજ્યાં જાય એવાં નહીં. તેમણે તરત જ સામે ચોપડાવ્યું,
‘તમારે થોડું દિલનું મોટું થાવું જોઈએ... છોટા તો હવે ભીમ પણ છે...’ 
શાંત રહે તો એ હિમાદાદા નહીં. એમણે તો દીધો જવાબ ચોપડાવ્યો.
‘તારે પણ લિમિટમાં રહેવું જોઈએ, અનલિમિટેડ તો હવે ઇન્ટરનેટ પણ છે...!’ 
કાકા-કાકીનો આ વાર્તાલાપ સાવ અરથ વગરનો હોવા છતાં ઉગ્ર સ્વરૂપ ધારણ કરે ઈ પહેલાં મેં એન્ટ્રી લીધી. બેયને શાંત પાડ્યાં અને તેમને કહ્યું,
‘કાકા-કાકી, પતિ-પત્નીનું જીવન સ્વીટ હોવું જોઈએ. તીખા તો રામદેવના મસાલા પણ છે...’ આગળ એ કંઈ કહે એ પહેલાં મેં વાતને વિરામ આપતાં કહ્યું, ‘આવડી ઉંમરે તમારે એક થઈને રહેવું જોઈએ. બાકી ઝઘડા તો આપણી સંસદમાં પણ છે...’
થોડાં વર્ષો પહેલાં અમેરિકાની આકાશપરી સુનીતા વિલિયમ્સ ગુજરાત પોતાના વતન એવા મહેસાણા જિલ્લાના ઝુલાસણ ગામે આવી’તી. એ છાપું ક્યાંથી દાદાના હાથમાં આવી ગ્યું કે દાદાએ મને પૂછી લીધું.
‘એલાં સાંઈ, આ સુનીતાબેન સાચે જ ચંદ્ર ઉપર ગઈ હશે? ’
મેં કહ્યું: ‘હાસ્તો! આ થોડી કંઈ ગપ્પાબાજી છે?’ 
દાદા કહે કે સાલું મને ઈ નથી સમજાતું કે બાઈમાણહ ઊઠીને થેણે ચંદ્રમાં કાણું કેવી રીતે પાડ્યું હશે? 
મેં ઊંડો નિસાસો નાખ્યો. 
‘દાદા તમે રહેવા દો, ખોટું મગજ કસો નહીં. ક્યાંક બ્રેઇન ટ્યુમર થાશે!’
દાદાએ તો ઘસીને ના પાડી દીધી. મને કહે, 
‘ના, વિચારવું પડેને! મેં પણ મનમાં નક્કી કર્યું છે કે જો ચાન્સ મળે તો આપણે પણ સૂર્ય ઉપર જાવું. ‘
મને અંતરાસ આવી ગઈ. 
મેં તરત રોક્યા કે દાદા, સૂર્ય ઉપર અગ્નિ હોય, ઈ કાં ભૂલી જાવ છો?
ખડખડાટ હસીને હિમાદાદા મને કહે, ઈ પહેલાં વિચારી લીધું સાંઈ..! આપણે નક્કી કર્યું છે કે સૂર્ય ઉપર રાતે જાવું!? 
મને બે ઘડી તો મનમાં થયું કે આ આઇડિયા જો અક્ષયકુમારને આપું તો ઈ આઇડિયા સમેત સમાધિ લઈ લે. આટલું હજી અધૂરું હોય ત્યાં શાંતિકાકી દાળનો વઘાર પડતો મૂકીને સ-વેલણ બહાર આવી બોલ્યાં કે, આપણા કરતાં આ ચંદ્ર અને મંગળ ગ્રહવાળા ખરેખર બુદ્ધિશાળી છે. ઈ આપણને ગોતવા માટે હ૨ વર્ષ કરોડો રૂપિયાનો ધુમાડો તો નથી કરતાને?
સાલ્લી... વાત તો સાચી હોં...! 
આ ધરતી ઉપરના લોકોને મળવામાં અને સાચવવામાં હજી આપણે ટૂંકા પડીએ છીએ ત્યાં આમાં ચંદ્ર અને મંગળના માણસો સાથે વહેવાર શરૂ થાય તો? દીકરીનાં લગન ચંદ્ર પર રાખવામાં આવે ને કો’કના બાપુજીનું બેસણું મંગળ ગ્રહ પર...! ચંદ્ર-મંગળ-પૃથ્વી અને બીજા તમામ ગ્રહો પર જન-જીવન જો જડી આવે ને બધા વચ્ચે વાટકીવહેવાર શરૂ થાય, તો? 
બધું’ય મારે જ વિચારવાનું? 
થોડુંક તમે’ય વિચારો યાર...!

columnists