કક્કો અને બારાખડી : મુંબઈથી ભરૂચ સુધી

08 May, 2022 03:00 PM IST  |  Mumbai | Dr. Dinkar Joshi

સિંધી કે મરાઠી કરતાં સંસ્કૃત, લૅટિન કે હિબ્રૂ ભાષા અત્યંત પ્રાચીન અને સમૃદ્ધ છે એ ઐતિહાસિક સત્ય છે, આ સત્યનો કોઈ ઇનકાર ન કરી શકે; પણ કોઈ તમારા ધંધાની જાહેરાતનાં પાટિયાં તમને હિબ્રૂ કે સંસ્કૃત ભાષામાં મૂકવાનું કહે તો તમને કેવું લાગે?

પ્રતીકાત્મક તસવીર

વ્યાવસાયિક કે ધંધાકીય રીતે તમે કંઈ પણ કરતા હો તો તમારો ઉદ્દેશ વધુ ને વધુ ગ્રાહકો મેળવવાનો અને વધુ ને વધુ ધંધો મેળવીને નફો મેળવવાનો હોય છે. આમાં કશું ખોટું નથી. આમ જ હોવું જોઈએ. આ ઉદ્દેશ સફળ થાય એ માટે તમે તમારા વ્યવસાયની-ધંધાની જાહેરાત કરો છો. દુકાનની બહાર પાટિયું લટકાવવાથી માંડીને અખબારો કે ટીવી-ચૅનલમાં આવી જાહેરાતો મુકાવીને લાખો રૂપિયા ખર્ચો છો.

હવે ધારો કે તમારી દુકાન મુંબઈના ઉલ્હાસનગર કે પુણેના રવિવાર પેઠ વિસ્તારમાં છે. તો તમે ગ્રાહકોની જાણ ખાતર જે જાહેરાત દુકાનની બહાર મૂકશો એ સ્વાભાવિક રીતે જ સ્થાનિક રહેવાસીઓને સમજાય એ રીતે જ મૂકશો. ઉલ્હાસનગર વિસ્તારમાં સિંધીભાષી લોકો વધુ રહેતા હોય કે રવિવાર પેઠ વિસ્તારમાં મરાઠીભાષી વસ્તી વધારે હોય એ તમે જાણતા જ હો. આ જાણકારી તમારા ધંધાને વિકસાવવામાં ઉપયોગી થશે જ. દુકાનની બહારનાં તમારાં પાટિયાં સિંધી કે મરાઠી ભાષામાં જ મૂકશો. સ્થાનિક રહેવાસીઓ તમારી આ જાહેરાત આવતાં-જતાં વાંચશે અને પછી ગ્રાહક બનીને તમારી પાસે આવશે.

સંસ્કૃત, લૅટિન અને ગ્રીક
સિંધી કે મરાઠી કરતાં સંસ્કૃત, લૅટિન કે ગ્રીક ભાષા અત્યંત પ્રાચીન અને સમૃદ્ધ છે એ ઐતિહાસિક સત્ય છે. આ ઐતિહાસિક સત્યનો કોઈ ઇનકાર કરતું નથી. હિબ્રૂ પણ આમ જ એક સમૃદ્ધ ભાષા છે. તમારા ધંધાની જાહેરાતનાં પાટિયાં તમને હિબ્રૂ કે સંસ્કૃત ભાષામાં મૂકવાનું કોઈ કહે તો કેવું લાગે? સિંધી કે મરાઠી પણ કંઈ નબળી કે ઊતરતી ભાષા છે એવું તો કોઈક મૂર્ખ જ કહેશે, પણ લૅટિન કે ગ્રીક વધારે પ્રાચીન અને સમૃદ્ધ છે એ તો વગર કહે સૌ જાણે જ છે! દરેક ભાષા - પછી એ ઓછી પ્રાચીન હોય કે વધુ પ્રાચીન હોય - પાસે પોતાની વિશેષતા અને આગવી સમૃદ્ધિ હોય જ છે! જગતના ઇતિહાસમાં સેંકડો ભાષાઓ પેદા થઈ છે, સમૃદ્ધ થઈ છે અને સમયાંતરે અલોપ પણ થઈ ગઈ છે. એ હિબ્રૂ કે ગ્રીકની લિપિના કક્કા-બારાખડીને દુકાનની બહાર લટકાવી દેવાથી એ શું વધુ સમૃદ્ધ અને શોભામય બની જશે?

મુંબઈ, મહારાષ્ટ્ર અને મરાઠી ભાષા
૧૯૫૮ સુધી મહારાષ્ટ્ર એક ભૌગોલિક એકમ હતું, રાજ્ય નહોતું. ૧૯૬૦ પછી મહારાષ્ટ્ર રાજ્ય બન્યું. ત્યારથી મુંબઈ મહારાષ્ટ્રનું પાટનગર જ રહ્યું. મુંબઈમાં મરાઠીભાષીઓની વસ્તી અન્ય ભાષીઓ કરતાં ઓછી હોય એવું બને, પણ એથી કંઈ એ પાટનગર મટી નથી જતું. અન્ય ભાષીઓ વહેલી તકે મરાઠીભાષી થઈ જાય એ ઇચ્છનીય છે, પણ આ ઇચ્છા પાટિયાં પર કક્કો-બારાખડી લટકાવવાથી પૂરી નહીં થાય. કદાચ એથી તો ટકાવારીઓનો વ્યતિક્રમ થવાનો ભય રહે છે! થોડાં વર્ષો પહેલાં બાળાસાહેબ ઠાકરેના હયાતીકાળમાં શિવસેનાએ શિવસૈનિકોને બે સૂત્રો આપ્યાં હતાં:   હરિત મુંબઈ અને મરાઠી મુંબઈ! હરિત મુંબઈ સૂત્રનો ઉદ્દેશ સ્પષ્ટ છે - મુંબઈમાં લીલોતરી ઓછી છે - એટલે કે મુંબઈને ફરી લીલુંછમ કરવા માટેનું આ આવકાર્ય અભિમાન હતું, પણ મરાઠી મુંબઈ એ સૂત્ર ભારે વિવાદાસ્પદ હતું! મુંબઈ મરાઠી છે જ એમ ગાઈ-વગાડીને કહેવાની શી જરૂર હતી? કોઈએ ક્યારેય તામિલ-ચેન્નઈ, બંગાળી-કલકત્તા કે ગુજરાતી-અમદાવાદ આવી ઘોષણા સંભાળી છે? ચેન્નઈ, કલકત્તા કે અમદાવાદ તામિલ, બંગાળ કે ગુજરાતીભાષી છે જ. એમાં વળી કહેવાની શી જરૂર? મુંબઈને મરાઠી કહેવાની ઘોષણા કરવી પડે, સૂત્રોચ્ચારો કરવા પડે અને એમ શિવસેના દ્વારા આ કથન તેમના મનમાં ઊંડે-ઊંડે ધરબાયેલી કોઈ શંકા છે કે શું? નહીં તો આમ કહેવાની જરૂર જ શી છે? આ તો સ્થાપિત સત્ય સામેનું સરાંક વલણ થયું.

પાટિયાનાં કક્કો-બારાખડી અને એમ મોટા અક્ષરો
મહારાષ્ટ્ર સરકારે તાજેતરમાં દુકાનો, ઑફિસ એમ વ્યવસાયનાં બધાં જ સ્થળોએ મોટા અક્ષરે મરાઠી લિપિમાં નામ લખવાનો આદેશ બહાર પાડ્યો છે! જેઓ બીજી ભાષામાં લખશે તેમણે મરાઠી પાટિયું મોટા અક્ષરે લખીને સૌથી ઉપર લટકાવવું પડશે. પહેલી નજરે જ હાસ્યાસ્પદ લાગે એવી આ વાત છે. વ્યાવસાયિકો પાસેથી આ મરાઠી લિપિ ફરજિયાત કરાવી શકાશે, પણ અખબાર કે ટીવી પરની જાહેરાતોનું શું? પાટિયાં લટકાવી દેવાથી આવતા-જતા અન્ય ભાષીઓ મરાઠી શીખી જશે એવી કોઈ અવધારણા તો નથી? શિક્ષણના માધ્યમમાં અન્ય ભાષાઓમાંથી મરાઠી વિદ્યાર્થીઓની સંખ્યા પણ વધતી જાય છે. દેશ આખા માટે પ્રાદેશિક ભાષાઓ જાણે જોખમમાં મુકાઈ રહી છે. હિન્દી અને મરાઠી મૂળાક્ષરો એકસરખા જ છે. આ સંજોગોમાં હિન્દી અક્ષરોને મરાઠી તરીકે ઓળખાવી દેવામાં આવશે તો એને કોઈ કાનૂની શિક્ષા થઈ શકશે નહીં. બીજી ભાષાના અક્ષરો પર કાળો લીટો ફેરવી દેવાથી પોતાની ભાષાનું ગૌરવ વધે છે એવું આજે ૨૦૨૨માં પણ માનનારાં ‘બાળકો’ને સમજદાર પુખ્ત વયના વડીલો સમજાવી શકે એ આ દુર્ઘટનાની ઊજળી બાજુ છે.

અને અંતે આમ કેમ?

રેલવે સ્ટેશનના પ્લૅટફૉર્મ પર સ્ટેશનના નામનાં જે પાટિયાં લગાડવામાં આવે છે એનો એક સ્પષ્ટ કાનૂન છે. આ નામ અંગ્રેજી, હિન્દી અને સ્થાનિક ભાષામાં હોવું જોઈએ! દક્ષિણ ભારતનાં સંખ્યાબંધ રેલવે સ્ટેશનોએ પ્લૅટફૉર્મ પર હિન્દી મૂળાક્ષરો અદૃશ્ય થઈ ગયેલા જોઈ શકાય છે. ગુજરાતના ભરૂચ રેલવે સ્ટેશનને અંગ્રેજી, હિન્દી, સ્થાનિક ભાષા ગુજરાતી ઉપરાંત ઉર્દૂ ભાષામાં પણ નામ લખવામાં આવ્યાં છે. ઉર્દૂ ભાષા આ એક સ્ટેશન પૂરતી વર્ષોથી દાખલ થઈ ગઈ છે. આ કેમ બન્યું હશે એ ઉપરવાળો જાણે!

 

(આ લેખમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં છે, ન્યુઝપેપરનાં નહીં)

columnists dinkar joshi