ગિફટ માટે કરેલા ફ્લુઇડ આર્ટના પ્રયોગે ટીનેજરને નવી જ દિશા આપી

09 April, 2021 02:16 PM IST  |  Mumbai | Rupali Shah

વિઝ્યુઅલ ઍન્ડ કમ્યુનિકેશન ડિઝાઇનિંગની સ્ટુડન્ટ મલાડમાં રહેતી ૧૯ વર્ષની હીરાંશી સંઘવીએ નવરાશના સમયમાં નવા આર્ટ ફૉર્મને એક્સપ્લોર કરવા માટે ગૂગલમહારાજ પાસેથી શીખીને ઍક્રિલિક પેઇન્ટ્સથી થોડાક પ્રયોગો કર્યા ને જે સુંદર આર્ટપીસ તૈયાર થયા

હીરાંશી સંઘવી

લૉકડાઉને લોકોને એકબીજાથી ભલે દૂર કરી દીધા, પણ ભલું થાય આ સોશ્યલ મીડિયાનું કે જેણે તાજા વિચારો અને પ્રેરણા સાથે લોકોને સતત એકબીજાના સંપર્કમાં રાખ્યા. મલાડ (વેસ્ટ)માં રહેતી ૧૯ વર્ષની હીરાંશી કેતન સંઘવીને લૉકડાઉનની આ હળવી નિરાંતની પળો ફળી. ક્રીએટિવ તો તે પહેલેથી જ હતી, ઈઝ વિથ લાઇફની આ પળોએ તેને વધુ ક્રીએટિવિટી તરફ વાળી. અને સોશ્યલ મીડિયાનાં પૉઝિટિવ પાસાંના સદુપયોગથી લૉકડાઉનમાં તેની પ્રવૃત્તિને એક નવી દિશા મળી.

વિઝ્યુઅલ ઍન્ડ કમ્યુનિકેશન ડિઝાઇનિંગના સેકન્ડ યરમાં ભણતી હીરાંશી કહે છે, ‘રંગો સાથે મારી પહેલેથી કનેક્ટિવિટી રહી છે. આર્ટ મારો વિષય છે. લૉકડાઉન દરમિયાન મળેલી નવરાશમાં હું મારી અંદર પડેલી કળાને મુક્તપણે વહાવી શકું એવી મોકળાશ મળી. લૉકડાઉનની શરૂઆતમાં મારી પાસે અઢળક સમય રહેતો. ત્યારે ઇન્સ્ટાગ્રામ પર આવતા ફૉરેન આર્ટિસ્ટના વિડિયો જોતી.

તેમણે મને ખૂબ ઇન્સ્પાયર કરી. આર્ટ પ્રત્યેના ઝુકાવમાં કંઈ અલગ કરવાની ઇચ્છા થઈ. આર્ટમાં ઑઇલ પેઇન્ટ, ઍક્રિલિક જેવી અનેક લૅન્ગ્વેજ છે. જોકે અત્યારે ઍબ્સ્ટ્રૅક્ટ આર્ટનો ટ્રેન્ડ છે. યંગસ્ટર્સમાં આ આર્ટ ખૂબ જ ફૅસિનેટિંગ છે. મેં એમાં ફ્લુઇડ આર્ટનું માધ્યમ ચૂઝ કર્યું. આમાં બ્રશ અને પૅલેટનો ઉપયોગ નથી થતો. તમે કલરનો સ્ટ્રોક મારો તો તમને ખબર છે કે કઈ રીતે લસરકો પડશે. પણ ફ્લુઇડ આર્ટમાં એવું નથી. ફ્લુઇડ આર્ટમાં  ડિફરન્ટ પૅટર્નની આર્ટ તૈયાર થાય છે. આમાં ઍક્રિલિક કલર્સનો ઉપયોગ થાય છે.’

આલ્કોહૉલ ઇન્કની અજમાઈશ

એક ફ્રેન્ડને ગિફ્ટ આપવા તૈયાર કરેલો આર્ટિકલ પછી તો તેના સર્કલમાં એટલો ગમ્યો કે હીરાંશીને એક પછી એક ઑર્ડર મળવા લાગ્યા. ધીમે-ધીમે હીરાંશીએ આલ્કોહૉલ ઇન્ક પર હાથ અજમાવ્યો. ઍબ્સ્ટ્રૅક્ટ ફૉર્મનું આ બીજું મીડિયમ છે. અમુક સોલ્યુશન સાથે આલ્કોહૉલ ઇન્કનો ઉપયોગ કરી આ આર્ટ તૈયાર થાય છે. આમાં તમે ઇન્કના ફ્લોને હેરડ્રાયરથી ઇફેક્ટ આપી શકો. અને પછી રેઝિન આર્ટની ટ્રાય થઈ. આ આર્ટ માર્બલ, ઓશન ઇફેક્ટનો લુક આપે છે. હીરાંશી કહે છે, ‘આ બન્ને મીડિયમ આપમેળે શીખવા મેં ખૂબ બધા એક્સપરિમેન્ટ કર્યા. જોકે ત્યાર પછી પ્રૉપર ગાઇડલાઇન માટે એક-બે વર્કશૉપ પણ અટેન્ડ કરી. રેઝિન આર્ટમાં બૅકગ્રાઉન્ડ પર પેઇન્ટિંગ કરી એના પર રેઝિનનું કોટિંગ કરવાથી પેઇન્ટિંગ પ્રોટેક્ટ પણ થાય અને એનો આખો લુક પણ એન્હાન્સ થઈ જાય છે.’

એમડીએફ કે ઍક્રિલિક મટીરિયલના કટઆઉટનો ઉપયોગ કરીને ડિફરન્ટ થીમ સાથે ઘડિયાળ, ફોટો ફ્રેમ, ટ્રે, પ્લેટ, મગ, કપ, કોસ્ટર, પેપર જેવી અનેક વસ્તુઓમાં આ આર્ટ કરી શકાય છે. જોકે રેઝિન આર્ટ પેપર પર નથી થતું.

ફ્લુઇડ આર્ટ, આલ્કોહૉલ ઇન્ક અને રેઝિન આર્ટની સુકાવાની પ્રોસેસ લાંબી હોય છે. એક લેયર સુકાય પછી એક પછી એક એમ એની લેયર્સ કરી શકાય.

આ આર્ટની ખૂબી વિશે હીરાંશી કહે છે, ‘આ આર્ટમાં કલર કે ઇન્કનો ફ્લો તમારા હાથમાં નથી હોતો, પણ એનું પોરિંગ તમારા હાથમાં છે. એટલે તમે એ કઈ રીતે રેડો છો એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. એ કેવી રીતે ફેલાશે એ આર્ટિસ્ટ માટે પણ સરપ્રાઇઝ એલિમેન્ટ રહે છે અને આ જ કારણે મને મજા પડે છે. લાઇફમાં જેમ અમુક વસ્તુઓ કન્ટ્રોલ થાય છે અને ખાસ્સી બાબતો કાબૂ બહારની હોય છે એમ આ ઍબ્સ્ટ્રૅક્ટ આર્ટ લાઇફ જીવવાની કળા શીખવે છે.’

કૉલેજના પ્રોજેક્ટ સાથે બૅલૅન્સ કરી થોડોક ફ્રી ટાઇમ ચોરીને હીરાંશી કસ્ટમાઇઝ્ડ ગિફ્ટ આર્ટિકલ બનાવતી રહે છે. આપબળે ફ્લુઇડ આર્ટથી સ્ટાર્ટ કરી, હાયર મીડિયમ આલ્કોહૉલ ઇન્ક અને એનાથી આગળ રેઝિન આર્ટ કરતી હીરાંશી કહે છે, ‘હવે આ આર્ટ હું બીજાને શીખવવાનું અને એના ક્લાસિસ શરૂ કરવાનું પણ વિચારું છું.’

વૉલ આર્ટમાં પણ માહેર

આજકાલ હેરસ્ટાઇલિસ્ટ સ્ટુડિયો, મેકઅપ સ્ટુડિયો, રેસ્ટોરાં, ડૉક્ટરનાં ક્લિનિક કે ઘરમાં એક આખી દીવાલ પર આર્ટ કરવાનો ટ્રેન્ડ ચાલ્યો છે. તમારા વર્કને અનુરૂપ થીમ, કલર કૉમ્બિનેશન, શેપ અને ફ્રેમિંગ લઈને કોઈ એક દીવાલ પર પેઇન્ટિંગ કરવાનું. તાજેતરમાં કાંચપાડાના એક ઑટો સ્ટુડિયોમાં સિનિયર સાથે મળીને હીરાંશીની ટોટલ ત્રણ જણની ટીમે ૧૪  બાય ૨૨ ફુટની દીવાલ પર વૉલઆર્ટ કર્યું છે. એ આખી વૉલ કરતાં તેમને લગભગ દસેક દિવસ લાગ્યા હતા. હીરાંશી કહે છે, ‘હવે અમે કોઈના ઘરની ચિલ્ડ્રન રૂમમાં આ પ્રકારનું વૉલઆર્ટ કરવાના છીએ.’

columnists