હમ ના અજનબી હૈ ન પરાયે હૈં આપ ઔર હમ એક રિશ્તે કે સાયે હૈં

04 November, 2019 05:45 PM IST  |  Mumbai | Pravin Solanki

હમ ના અજનબી હૈ ન પરાયે હૈં આપ ઔર હમ એક રિશ્તે કે સાયે હૈં

પ્રતીકાત્મક તસવીર

સુખની પરમ ક્ષણ કઈ? જ્યારે તમે ખુલ્લા દિલે, મોકળા મને ખડખડાટ હસતા હો એ! કૂતરો ભસતો ભલો ને માણસ હસતો ભલો. ભસતો કૂતરો કોઈને કરડે નહીં ને હસતો માણસ કોઈને નડે નહીં. હસતા હોય એ કદરૂપા ચહેરા પણ રૂપાળા લાગે. સ્વરૂપાય સોગિયા ચહેરા કાળા-કદરૂપા લાગે. એક માણસ જ એવું પ્રાણી છે જેને ઈશ્વરે હસવાની કળા આપી છે. હાસ્ય એક ઔષધી છે જે મફતમાં મળે છે, પણ આપણો સ્વભાવ એ છે કે મફતમાં મળે છે એની અવગણના કરીએ છીએ. બાકી હસવાનું ને હસી કાઢવાનું શીખી જાય તેને રોજ દિવાળી.

દિવાળી આવી ને ગઈ. અસંખ્ય ભેટ-સોગાદો સૌને મળી હશે ને સૌને આપી પણ હશે. લઈને આપવું ને આપીને લેવું એ સંસારનો વ્યવહાર છે. પણ દિવાળીની આસપાસ મને જે સૌથી ઉત્તમ ભેટ મળી છે-મને જે લાગી છે એ છે વૉટ્સઍપ પર આવેલા કેટલાક મનોરંજન અને મનોમંથનથી ભરેલા સંદેશાઓ. એક સંદેશાએ તો મારી જ ફિરકી લીધી હતી. મને ખૂબ ગમી. લખ્યું છે કે પ્રવીણભાઈ, નવા વર્ષની એ જ શુભ કામના કે બ્લફ માસ્ટર ગુજ્જુભાઈ જલદીથી સાચાબોલા જૂઠાલાલ થઈ જાય. સલામ મારા દોસ્ત કિશોર. આવા કેટલાક સંદેશાઓ મનને મલકાવી ગયા, અંતર છલકાવી ગયા. માણીએ...

નોટ કી જગહ દોસ્ત ઇકઠ્ઠે કિયે હમને

ઇસ લિયે આજ પુરાને ભી ચલ રહે હૈં

અચ્છા હુઆ, પુરાની નોટોં ને કી બગાવત

પુરાને દોસ્ત કામ આયે, દિવાલી મુબારક

એક બીજો સંદેશો હતો...

યકિન હૈ મેરી તો બેપનાહ ઇશ્ક કર

વફાયેં મેરી જવાબ દેગી, તૂ સવાલ કર

ઇસ તરહ તૂ મુબારક નયા સાલ કર

ભૂતકાળમાં આપણે શુભ કામનાઓ માટે ગ્રીટિંગ્સ કાર્ડ મોકલતા. મોટા ભાગે અંદરનું લખાણ વાંચવાની તકલીફ લીધા વગર મોકલનારનું નામ વાંચતા. આઠ-દસ દિવસ પછી પસ્તી સાથે કાર્ડનો નિકાલ થઈ જતો. મોબાઇલ પર આવેલા સંદેશાનો

એક ફાયદો એ પણ છે કે એ જ સંદેશો આપણા નામે બીજાને પણ મોકલી શકીએ છીએ. આ મોબાઇલ વિશે પણ એક સરસ સંદેશો આવ્યો.

‘કાળી ચૌદશની રાત્રે રસ્તા પર માત્ર વડાં મૂકવાથી ઘરનો કકળાટ નહીં નીકળે. તમારે જો ખરેખર ઘરમાં શાંતિ લાવવી હોય તો કાળી ચૌદશની રાત્રે ઘરના બધા મોબાઇલ રસ્તા પર પધરાવી દો.’ એક સંદેશો આ પણ ધ્યાનથી વાંચો. બધો જ આધાર આપણે શુભેચ્છાઓ પર ન રાખવો, નવું વર્ષ સુધારવું હોય તો તમારે પણ થોડું સુધરવું પડશે. બીજો સંદેશો પણ સ્પર્શી જાય એવો છે.

માણસ નામે મૅચબૉક્સ

કોઈ પ્રગટાવે છે તો કોઈ સળગાવે છે

સળગાવે તેની હોળી પ્રગટાવે તેની દિવાળી

રોજ-રોજ દિવાળી કઈ રીતે મનાવાય કે કેમ મનાવી શકાય?

હટ જાયે અજ્ઞાન અંધેરા

તો ફિર રોજ દિવાલી હૈ

જ્ઞાન ઉજાલા ડાલે ડેરા

તો ફિર રોજ દિવાલી હૈ

મન અવધ મેં રામ જો આએ

તો ફિર રોજ દિવાલી હૈ

અહંકાર જો વધ હો જાએ

તો ફિર રોજ દિવાલી હૈ

કેટલાકે હાસ્યની ફૂલઝડી પણ પ્રગટાવી. દિવાળી પહેલાં એક પતિ ખૂબ ઊંડા વિચારમાં હતો. પત્નીએ પૂછ્યું કે આટલું બધું શું વિચારો છો? પતિએ કહ્યું કે એટલું વિચારું છું કે દિવાળીના દિવસે તારી લક્ષ્મી તરીકે પૂજા કરું કે કાલી-મહાકાલી તરીકે?

પત્નીએ તરત જ જવાબ આપ્યો, ‘લે કમાલ છે, હું પણ આ જ વિચારતી હતી કે કાળી ચૌદશે પનોતી કાઢું કે કકળાટ કાઢું?’

બન્ને ચૂપ.

નવા વર્ષે રસ્તામાં એક સંબંધી મળી ગયા. રાબેતા મુજબ ‘સાલ મુબારક’ની આપ-લે થઈ. પછી સંબંધી બોલ્યા, ‘શું છે રાજા, દિ‍વાળીમાં જલસા કર્યાને?’ મેં કહ્યું ના, મજા કરી. તે મૂંઝાઈ ગયા. મને કહે કે બાપલા, જલસામાં અને મજામાં ફરક શું? મેં કહ્યું કે જલસા બીજાના રૂપિયાથી   થાય, મજા આપણે કમાયેલા રૂપિયાથી.

એક વ્યક્તિએ દિવાળીના દિવસે સરકારનો આ રીતે ઉધડો લીધો.

સરકાર, જા નથી આપવી તને શુભ કામના

વાત હતી ગંગા સાફ કરવાની પણ

તેં અમારા ધંધા સાફ કરી નાખ્યા

એક ફ્લૅટની ઘંટડી રણકી. નોકરે દરવાજો ખોલ્યો. આગંતુકે પૂછ્યું, સાહેબ ઘરમાં નથી? ‘ના, સાહેબ બહારગામ ગયા છે.’ નોકરે જવાબ આપ્યો કે તરત આગંતુકે હસતાં-હસતાં કહ્યું, ‘અચ્છા-અચ્છા, દિવાળીની રજાની મજા માણવા ગયા હશે.’ નોકરે ઠાવકા થઈ કહ્યું, ‘ના, મેમસાબ સાથે ગયા છે.’

એક કૉમિક મેસેજ ઘણે ઠેકાણે વાઇરલ થયો છે ને લોકપ્રિય બન્યો છે. શરૂઆત કરે છે ઃ ‘મિત્રો, દિવાળીના શુભ અવસરે આપને લાભ થાય એવો એક કીમિયો બતાવું છું. ગયા વર્ષે મારા એક મિત્રે મને ૫૦૧ રૂપિયાની બોણી આપી હતી અને આઠ જ દિવસમાં કે. બી. સી.માં તેનો નંબર લાગ્યો અને ત્રણ લાખ ૨૦ હજાર જીત્યો. એક બીજા મિત્રે મને ૧૦ ગ્રામ સોનાનો લગભગ ૪૦ હજાર રૂપિયાનો સિક્કો ભેટ આપ્યો ને મહિના પછી તેને ૫૦ લાખ રૂપિયાની લૉટરી લાગી. આમ જેટલી-જેટલી ઊંચી ભેટો મને મળી એટલો જ ઊંચો તેમને ફાયદો થયો. તો આ વર્ષે રાહ કોની જુઓ છો?’

મોબાઇલ પર એક લઘુકથા જેવો રમૂજી મેસેજ પણ દિવાળી નિમિત્તે માણ્યો : ‘દોસ્તો, દિવાળીના દિવસોમાં મારે મારી રામ કહાણી તમને કહેવી છે જેથી મારા પર જે વીત્યું એ આપના પર ન વીતે. ઇન્ટરનેટ પર થોડા દિવસ પહેલાં એક પરિણીત મહિલા સાથે મારી મુલાકાત થઈ. થોડા દિવસો પછી અમારી દોસ્તી થોડી ઘનિષ્ઠ પણ બની. એક દિવસ તેનો મેસેજ આવ્યો કે મારા હસબન્ડ ઘરમાં નથી, વરસાદના ને વીજળીના કડાકાભડાકા થાય છે, હું ખૂબ ડરી ગઈ છું. તમે જલદી આવો ને મને કંપની આપો. મને તો બગાસું ખાતાં પતાસું મળી ગયું હોય એવો ભાસ થયો. છતાં મેં પૂછ્યું કે તમારા પતિ આવી જાય તો શું કરીશું? તેણે કહ્યું કે આમ તો શક્યતા નથી પણ ધારો કે આવી જાય તો કહીશ કે તમે અર્બન કલબમાંથી ઘરની સાફસફાઈ માટે આવ્યા છો. આમ પણ દિવાળી છે એટલે શક પણ નહીં જાય. મને આઇડિયા ગમ્યો. હોંશે-હોંશે દોડ્યો ને પહોંચ્યો. પણ હજી ઠરીઠામ થવા જઉં એ પહેલાં જ હસબન્ડ આવી ગયો. પછી? અરે પછી શું? બારીબારણાં, પંખા, દીવાલો, ટૉઇલેટ, બાથરૂમ સાફ કરીને બેવડ વળી ગયો. મિત્રો, મહિલાઓની આ નવી ટ્રિકથી સાવધાન.’

મશહૂર અભિનેત્રી નૂતન, મરાઠી અભિનેત્રી વર્ષા ઉસગાંવકર, ક્રિકેટર હાર્દિક પંડ્યા અને કમાન્ડો અભિનંદનને આવરી લઈને એક ફોટોગ્રાફિક મેસેજ દિલ ખુશ કરી ગયો. ‘નૂતન વર્ષાએ હાર્દિક અભિનંદન.’

મનોરંજન સાથે કેટલાક માર્મિક-સાત્ત્વિક મેસેજ પણ ગમ્યા. ‘જો જિંદગીમાં ખુશ રહેવા માગતા હો તો સૌથી પહેલાં એને ભૂલી જાઓ જે તમને ભૂલી ગયા છે. અને જે તમને યાદ રાખે છે એ ક્યારેય ન ભુલાય એની તકેદારી રાખો. નવા વર્ષની મારી આ જ શુભકામના છે.’

એક બીજો - ‘દશેરાના દિવસે આપણે રાવણનાં પૂતળાં બાળીએ છીએ પણ દિવાળીને દિવસે જટાયુનું સન્માન કરતા થઈએ એ જ શુભકામના.’

છેલ્લે...

ક્યારેક મને વિચાર આવે છે કે આ ‘શુભ’ એટલે શું? આપણે ઘરમાં શુભ-લાભનાં તોરણ લટકાવીએ છીએ તો શું શુભ સાથે લાભ પણ હોવો જોઈએ? લાભ વગર શુભનું અસ્તિત્વ નથી? શબ્દકોષમાં શુભ એટલે કલ્યાણ, મંગળ, શ્રેય. શુભ એટલે પુરુષોત્તમનાં હજાર નામોમાંનું એક નામ. દિવસ અને રાત્રિનાં આઠ ચોઘડિયાંમાંનું એક ચોઘડિયું. પંચાગમાંનો સત્તાવીશ માંહેનો ત્રેવીસમો યોગ. શુભ એટલે સ્વાયંભુવ મન્વંતરમાંના ધર્મત્રયીને શ્રદ્ધાને પેટે જન્મેલા આઠ પુત્રોમાંનો એક પુત્ર. શુભ અને શ્રદ્ધા આ રીતે સંકળાયેલાં છે.

એક મહાત્માને કોઈએ પૂછયું કે આપણે જ્યારે કોઈને શુભ કામના આપીએ છીએ ત્યારે એ ખરેખર ફળે છે ખરી? મહાત્માએ શાંત ચિત્તે તેની સામે જોયું. પછી મલકીને બોલ્યા, ‘ભાઈ, આપને કોઈ શુભ કામના આપે છે ત્યારે આપ મનમાં શું વિચારો છો?’

પેલા ભાઈ વિચારમાં પડી ગયા. પછી બોલ્યા કે હું એટલું જ વિચારું છું કે મને મ‍ળેલી શુભ કામના સાચી ઠરે. મારા મનમાં આશા જન્મે, શ્રદ્ધા જાગે. મહાત્માએ હસીને કહ્યું ‘ભાઈ, આ શું મોટી વાત નથી? આશા જગાડવી એ જ શુભ કામનાનું શુભ ફળ છે. શુભ કામના આપવી અને મેળવવી એ સદ્ભાગ્ય છે પછી ભલે એ પરંપરા રૂપે મળેલી હોય કે દિલથી. બોલાયેલા કે લખાયેલા શબ્દોને અર્થ સાથે સંબંધ છે. દિલના શબ્દોને વજન મળે છે. પરંપરાના શબ્દો વજનવિહોણા હોય છે, પણ બન્નેના અર્થમાં કોઈ ફરક પડતો નથી.’

સમાપન

એક શિલ્પી આકાશ સામે જોઈને કહે છે, ‘હે ઈશ્વર, તું પણ એક કલાકાર છે ને હું પણ એક કલાકાર છું. તેં અમારા જેવાં અનેક પૂતળાંઓ ઘડીને ધરતી પર ઉતાર્યાં છે અને મેં તારા જેવાં અસંખ્ય પૂતળાંને ઘાટ આપીને બજારમાં વેચ્યાં છે. પણ બન્નેમાં બહુ ફરક છે. તારા બનાવેલાં પૂતળાંઓ અંદર-અંદર લડે છે, ઝઘડે છે, વિશ્વાસઘાત કરે છે, નફરત કરે છે. જ્યારે મેં બનાવેલાં તારા પૂતળા સામે માથું ઝુકાવે છે.

બોલ, કોને સાલ મુબારક કહું?

columnists Pravin Solanki