ભારત મારો દેશ છેઃ માન જાળવવાની બાબતમાં તમે હવે કેટલા ગંભીર રહ્યા છો?

22 July, 2020 09:28 PM IST  |  Mumbai | Manoj Joshi

ભારત મારો દેશ છેઃ માન જાળવવાની બાબતમાં તમે હવે કેટલા ગંભીર રહ્યા છો?

પ્રતીકાત્મક તસવીર

હું મારા માતા-પિતા, શિક્ષકો અને વડીલો પ્રત્યે આદર રાખીશ અને દરેક જણ સાથે સભ્યતાથી વર્તીશ.
પહેલી વાત તો એ કે દેશનાં પાઠ્યપુસ્તકોમાં જો આ પ્રતિજ્ઞા લેવડાવવામાં આવે તો એને માટે એક દેશવાસી તરીકે આપણને સૌને શરમ આવવી જોઈએ. એવી જ શરમ જે શરમ પહેલી ટર્મમાં સ્વાતંત્ર પર્વના દિવસે નરેન્દ્ર મોદીએ સ્વચ્છતા અભિયાનની વાત લાલ કિલ્લા પરથી કરી ત્યારે આવી હતી. જો તમારો દેશ ગંદકીથી સબડતો હોય અને ઘરમાં રહેતા લોકોને પીપી-છીછી જવા માટે પણ જગ્યા ન હોય તો એ દેશે સૌથી પહેલાં તો રૂપિયો કન્વર્ટિબલ કરવાને બદલે આ બધાં કામ પર ધ્યાન આપવું જોઈએ. આમ તો આ બધી જવાબદારી આપણને આણામાં મળેલી કૉન્ગ્રેસ પાર્ટીની છે અને આ પાર્ટીના પૂર્વજોએ જ આ બધું કરવાનું હતું, પણ એ તો રહ્યા ખાનદાની રાજકારણી, એટલે તેમણે કોઈએ આવી વાતો પર ધ્યાન આપવાને બદલે અંગત સધ્ધરતા પર ધ્યાન આપ્યું, જેને લીધે આઝાદીના પર્વે નરેન્દ્ર મોદીએ સૌકોઈને આંખો ખોલી નાખવાનું કામ કરવું પડ્યું, નાછૂટકે. એ દિવસે જેકોઈ સુગાળિયા લોકોના નાકનું ટીચકું લાલ થઈ ગયું હતું તેઓ બધા નાક ફરીથી એક વાર ચડાવી લે, કારણ કે તમારાં પાઠ્યપુસ્તકોમાં કહેવામાં આવે છે કે હું મારાં માતા-પિતા, શિક્ષકો અને વડીલો પ્રત્યે આદર રાખીશ અને દરેક જણ સાથે સભ્યતાથી વર્તીશ અને એ પછી પણ બેશરમોનાં વર્તન અને વ્યવહારમાં ક્યાંય કોઈ ફરક નથી પડતો.
કેટલા લોકોની સાથે માન અને આદર સાથે વર્તવાનું કહેવામાં આવ્યું છે. રોકડા ચાર કે પાંચ; મા-બાપ, ઘરના વડીલો અને શિક્ષકો. આપણે તો એટલા બદતર થઈ ગયા છીએ કે સૌથી પહેલાં ખરાબમાં ખરાબ વર્તન આ જ લોકોની સાથે કરીએ છીએ. વૃદ્ધાશ્રમો છલકાય છે, આ જ પ્રતિજ્ઞાઓ વાંચી-વાંચીને જ તો આ યુવા પેઢીઓએ મા-બાપને ત્યાં ધકેલી દીધાં. ઘરમાં રહેલા વડીલોની સામે જોવાનો સમય નથી. અને શિક્ષકો? શિક્ષકો બિચારાની ક્યાં વૅલ્યુ રહી છે હવે. અત્યારે કોરોનાકાળની વાત જુદી છે. બાળકોએ સ્કૂલ જવાનું જ નથી, પણ નૉર્મલ દિવસો યાદ કરો, તમને દેખાશે શિક્ષકોનું મૂલ્ય કોડીનું થઈ ગયું છે.
હવે તો ટ્યુશન-ટીચર ઘરે આવે છે, બધું શીખવાડી દે છે એટલે આ માસ્તરોની તો સ્ટુડન્ટ્સ વલે કરી નાખે છે. એક સમય હતો કે શિક્ષકનો શબ્દ પથ્થરની લકીર ગણાતો. જો તેણે બાળક પર હાથ ઉપાડ્યો હોય તો મા-બાપ ઘરે બીજી વાર મેથીપાક આપતાં.
મા-બાપને ખાતરી હતી કે પોતાનાં દીકરા કે દીકરીનાં જ લક્ષણ એવાં હશે જેને લીધે માસ્તરે નાછૂટકે હાથ ઉપાડવો પડ્યો હશે, પણ હવે માસ્તર બિચારો જો ભૂલથી પણ ઊંચા અવાજે ખીજવાય તો બીજી જ ઘડીએ મા-બાપ હાજર થઈ જાય છે. પહોંચવાળાં મા-બાપ હોય તો પતી ગયું સાહેબ. માસ્તર આવીને બિચારો પેલા સ્ટુડન્ટની માફી માગે અને જો એ એવું કરે તો જ નોકરી સલામત રહે. આ આપણે ત્યાં જ શક્ય છે. કારણ કે... કારણ કે આ મારો દેશ છે અને મારા દેશમાં મારી ઇચ્છા મુજબનું જ ચાલે.

manoj joshi columnists