સંતાનપ્રાપ્તિ માટે કેટલું વીર્ય નીકળવું જોઈએ?

28 July, 2020 09:46 AM IST  |  Mumbai | Dr. Ravi Kothari

સંતાનપ્રાપ્તિ માટે કેટલું વીર્ય નીકળવું જોઈએ?

પ્રતીકાત્મક તસવીર

સવાલ: મારી ઉંમર ૩૧ વર્ષ અને વાઇફની ૨૮ વર્ષ છે. લગ્નને બે વર્ષ થયાં છે. હજી અમારા ઘરે પારણું નથી બંધાયું. અમારી સેક્સલાઇફ આમ તો નૉર્મલ છે, પરંતુ મારા વીર્યની માત્રા થોડીક ઓછી હોય એવું લાગે છે. સંતાનપ્રાપ્તિ માટે કેટલું વીર્ય નીકળવું જોઈએ? ઘણી વાર વીર્ય યોનિમાંથી બહાર છલકાઈ જાય છે એટલે ખૂબ જ ઓછું વીર્ય અંદર સુધી પહોંચે છે. મોટા ભાગે મને વહેલું સ્ખલન થઈ જતું હોવાથી હું પહેલાં કે પછી આંગળીથી સંતોષ આપું છું. મેં એવું સાંભળ્યું છે કે મને વીર્યસ્ખલન થાય એ જ સમયે પત્ની પણ પરાકાષ્ઠા અનુભવે તો જ ગર્ભાધાન રહે છે. આવું ટ્યુનિંગ કરવા માટે શું કરવું? ઓછું વીર્ય નીકળતું હોય તો બાળક મેળવવામાં તકલીફ પડે?

જવાબ: પુરુષ અને સ્ત્રી બન્નેએ એકસાથે પરાકાષ્ઠાએ પહોંચે તો જ  ગર્ભધારણ થાય છે એ ખોટી માન્યતા છે. એની પાછળ કોઈ સાયન્સ પણ નથી. એનું કારણ એ છે કે ઑર્ગેઝમ અનુભવવું અને ગર્ભધારણ કરવો એ બન્ને તદ્દન જુદી ઘટના છે.

બાળક માટે વીર્યની ક્વૉન્ટિટી નહીં પરંતુ એમાં રહેલા શુક્રાણુઓની ક્વૉન્ટિટી અને ક્વૉલિટી કેટલી અને કેવી છે એ વધુ અગત્યનું છે. વીર્યની માત્રા ઘણાં કારણો પર આધારિત છે. બે સ્ખલન વચ્ચે લાંબો સમય પસાર થાય તો માત્રા વધારે હોય છે અને ફ્રીક્વન્સી વધારે હોય તો માત્રા ઘટે છે. મોટા ભાગે વીર્ય પા ચમચીથી એક ચાની ચમચી જેટલું હોય છે. વીર્યના એક ટીપામાં કરોડો શુક્રાણુઓ હોય છે. જોકે પ્રેગ્નન્સી રહે એ માટે કોઈ એક જ શુક્રાણુ સ્ત્રીબીજ સાથે મળીને ફલીકરણ થાય એની જરૂર હોય છે. સ્પર્મની સંખ્યા કરતાં એની મોટિલિટી અને સ્ટ્રેન્ગ્થ કેટલી છે એ વધુ મહત્ત્વનું છે.

સ્ત્રી નૉર્મલી પ્રેગ્નન્સી ધારણ કરી શકે એ માટે પુરુષના શુક્રાણુમાં ઓછામાં ઓછા વીસ મિલ્યન સ્પર્મકાઉન્ટ હોવા જરૂરી છે. જો તમારી પત્નીને ગર્ભધારણમાં તકલીફ પડી રહી હોય તો તમારે કોઈ સારા ગાયનેકોલૉજિસ્ટ પાસે જઈને સૌથી પહેલાં તો તમારા વીર્યમાં શુક્રાણુઓની સંખ્યા અને એની ક્વૉલિટી ટેસ્ટ કરાવવી જોઈએ. સાથે જ પત્નીની પણ પ્રાઇમરી ટેસ્ટ ડૉક્ટરના સૂચવ્યા પ્રમાણે કરાવવી જોઈએ. વીર્યની માત્રા ઓછી હોવાથી સ્પર્મકાઉન્ટ ઓછા હોય એવું માની લેવું યોગ્ય નથી. હા, વીર્ય યોગ્ય રીતે યોનિમાર્ગમાં અંદર જાય છે કે નહીં એ જોવું જોઈએ.

columnists sex and relationships dr ravi kothari